ચાલો અંતરિયાળ શાંત જગ્યાએ જઇએ?
જ્યારે હિમાચલના પર્વતો અને ગોવાના દરિયાકિનારથી તમારુ મન ભરાઇ જાય તો ભારતના દૂરના વિસ્તારો (અંતરિયાળ) તરફ નજર દોડાવવી જોઇએ. એવા ખૂણા જ્યાં આજે પણ ઓછા પર્યટકો જાય છે. ભારતના એવા પર્યટન સ્થળ જે સુંદર તો છે જ, સાથે જ સામાન્ય પ્રવાસાન સ્થળોથી અલગ પણ છે.
ભારતના આ રાજ્યો સામાન્ય ટૂરિસ્ટ સર્કિટથી અલગ છે અને અમે વચન આપીએ છીએ કે આ જગ્યાઓ તમારી મન પર અમિટ છાપ છોડશે. તો આર્ટિકલ વાંચો અને પોતાનું ટ્રાવેલ લિસ્ટ બનાવતા રહો.
1. પશ્ચિમ કામેંગ જિલ્લો, અરુણાચલ પ્રદેશ
સવારના અજવાળાથી ચમકતો અરુણાચલ પ્રદેશ ખરેખર સાચા અર્થમાં ઉગતા સૂરજનો પ્રદેશ છે. આ વિસ્તાર હજુ પણ દોડાદોડભરી ઝિંદગીથી દૂર છે. કદાચ આજ કારણથી અહીં ઘણા ઓછા પર્યટકો આવે છે. જીવનની બધી મુશ્કેલીઓને ભૂલીને આપણે અહીં પ્રકૃતિની ગોદમાં બેસીને દિરાંગ અને ટિપ્પી ઑર્કિડ સેન્ટરના ગરમ પાણીના સ્ત્રોતની મજા લઇ શકીએ છીએ. હરિયાળીથી ભરેલી પહાડીઓના બોમડિલા હોય કે ભાલુકપોંગ, અરુણાચલના આ જિલ્લા જનજાતિઓ અને રંગબેરંગી સંસ્કૃતિઓ માટે જાણીતા છે.
પશ્ચિમ કામેંગની યાત્રા કરવા માટે માર્ચથી મધ્ય જૂન અને સપ્ટેમ્બરથી મધ્ય ડિસેમ્બરનો સમય ઠીક રહે છે.
2. તવાંગ, અરુણાચલ પ્રદેશ
વર્ષો સુધી તવાંગ મુખ્યધારાથી છુપાયેલું રહ્યું. પરંતુ ઇન્ટરનેટના વધતા પ્રચાર પ્રસારની સાથે આ આકર્ષક પહાડી વિસ્તારની ચર્ચા વૈશ્વિકસ્તરે પણ થવા લાગી છે. જો કે અહીં પહોંચવાનો રસ્તો દુર્ગમ સેલા પાસ થઇને પસાર થાય છે, તમારે આ રસ્તાની ખતરનાક વળાંકદાર ખીણોનો આનંદ લેતા લેતા મુસાફરી કરવી પડશે. આખુ વર્ષ બરફથી ઢંકાયેલા રહેતા આ વિસ્તારની પાસે ભારતના સૌથી મોટા બૌદ્ધ મઠમાં જઇને આપણને અદ્ધિતીય શાંતિનો અનુભવ થાય છે. નૂરાનાંગ ઝરણાનો વિસ્તાર તો એવો લાગે છે જાણે કોઇ બીજી દુનિયાનો હિસ્સો ન હોય! કંઇક આવી જ માધુરી લેકની સુંદરતા છે કે દુનિયાભરના પર્યટક અહીં ખેંચાઇને આવી જાય છે.
તવાંગ જવાનો સૌથી સારો સમય માર્ચથી ઓક્ટોબર સુધીનો હોય છે.
3. બેતલા નેશનલ પાર્ક, ઝારખંડ
ઝારખંડનો બેતલા નેશનલ પાર્ક વાઘના ઘર ઉપરાંત, મોટી બિલાડીઓ, રીંછ, જંગલી ડુક્કર અને ગૌરનું પણ નિવાસસ્થાન છે.
કદાચ પ્રકૃતિનું વરદાન જ છે કે આ જગ્યા આટલી આકર્ષક હોવા છતાં પણ મોટાભાગના લોકોની નજરોથી હજુ સુધી બચી છે. અહીં અનેક ઝાડપાનની પ્રજાતિઓની વચ્ચે જઇને કોઇનું પણ મન અહીં વારંવાર આવવા માટે થશે. બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન ઝારખંડના પલામૂ જિલ્લામાં આવેલું છે. મોટાભાગે આ જગ્યા શાંતિની શોધમાં જાણીતા ફોટોગ્રાફર્સ અને પ્રકૃતિ પ્રેમીઓથી ભરેલી રહે છે.
ઓક્ટોબરથી એપ્રિલના મધ્યમાં જ્યારે મધુર ઠંડક હોય છે ત્યારે બેતલા નેશનલ પાર્કની સુંદરતા સૌથી વધુ ખીલી ઉઠે છે.
4. આઇઝોલ, મિઝોરમ
આઇઝોલ ભારતના ઉત્તર પૂર્વી રાજ્ય મિઝોરમની રાજધાની છે. આ જગ્યાની સૌથી ખુશનુમા વાત એ છે કે આજે પણ અહીંના સીધાસાદા લોકોએ પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિને જાળવી રાખી છે. હિમાલયના ખોળે વસેલા આ શહેરની ઉત્તરી બોર્ડર પર જોઇશું તો આપણને દુર્તલાંગના પર્વતો જોવા મળશે.
થોડાક થકવી નાંખનારા ચઢાણ પછી આ પર્વતથી આઇઝોલ શહેરને જોવું તમને સ્વર્ગનો અનુભવ કરાવે છે. મિઝોરમ પ્રદેશના બનેલા વાંસના હસ્તશિલ્પ એટલા આકર્ષક છે કે તે સ્વાભાવિક રીતે જ તેની તરફ તમારુ ધ્યાન ખેંચે છે અને આ વાંસના હસ્તશિલ્પને શહેરના બુર્રા બજારથી જ ખરીદી શકાય છે. અહીંના લોકોને રંગો સાથે ઘણો લગાવ હોય છે અને તે અહીં મળતા કપડામાં જ જોઇ શકાય છે.
આઇઝોલ ફરવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે.
5. જુકો વેલી, નાગાલેન્ડ
હિમાલયની ગાઢ ખીણોમાં જુકો વેલી ટ્રેક એક જાદુઇ ક્ષેત્ર છે. મોટાભાગે અહીં અનુભવી ટ્રેકર પણ પોતાની ક્ષમતાઓને પારખવા માટે આવે છે. આ વિસ્તાર કેટલો એકાંત અને શાંત છે કે મોટાભાગના લોકો કોહિમા અને વિસવેમા ગાઓ સુધી શેયર્ડ ટેક્સીથી આવે છે. આ ચઢાણવાળા વિસ્તારોમાં જરુરિયાતનો સામાન અને ખાણીપીણીનો સામાન પણ મુશ્કેલીથી મળે છે, એટલા માટે મોટાભાગના લોકો કોહિમાથી જ ખાણી પીણીનો સામાન સાથે લઇને યાત્રાનો શુભારંભ કરે છે. તે અહીંની હરિયાળી શરીર અને આત્માને એકદમ ફ્રેશ કરી દે છે.
જુકો વેલી ટ્રેક ચઢવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી મે સુધીનો હોય છે.
6. ચોફેમા ટૂરિસ્ટ વિલેજ, નાગાલેન્ડ
વીર અંગામી લોકોનું ઘર છે ચોફેમા ટૂરિસ્ટ વિલેજ. આ જનજાતિ કોહિમા શહેરની આસપાસની ખીણોમાં વર્ષોથી રહેતી આવી છે. ક્યારેક દુનિયાથી વિખૂટા રહેનારા અંગામી લોકોએ હવે મહેમાનો માટે પોતાના ઘરોના દરવાજા ખોલી નાંખ્યા છે. આપણે બધા સ્વાદિષ્ટ ખાવાના શોખીન છીએ, અહીં પહોંચવા પર તમારુ સ્વાગત ચોખાથી બનેલી શરાબ અને વાંસથી બનેલા વ્યંજનોની સુગંધથી થાય તો કેવું લાગે? આ ઉપરાંત પણ અસલી નાગા વ્યંજનોને અહીં ચાખી શકાય છે. સામાન્ય દુનિયાથી અલગ રીતિ રિવાજ અને રહેણી કરણી કોઇપણ યાત્રાને આશ્ચર્યમાં નાંખી દેશે.
આમ તો ઑક્ટોબરથી મે સુધી ક્યારેય પણ અહીં આવી શકાય છે પરંતુ ફેબ્રુઆરીમાં ઉજવાતો અંગામી સેક્રેનયી ઉત્સવ દરમિયાન અહીંની રોનક સૌથી સારી હોય છે. ત્યારે આસપાસની અનેક જનજાતિના લોકો ઉત્સવ મનાવવા માટે ભેગા થાય છે.
7. ઉનાકોટી, ત્રિપુરા
ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પર સ્થિત છે ત્રિપુરા રાજ્યનું ઉનાકોટી પવિત્ર સ્થળ. રાજ્યની રાજધાનીથી અંદાજે 178 કિલોમીટર દૂર આ જગ્યાની સૌથી સારી વાત છે ખડકો પર કોતરેલી અનેક આકૃતિઓ. જો તમને પણ પુરાતત્વિક સ્થળોમાં રસ છે તો તમારે પણ અહીં જરુર આવવું જોઇએ. ભગવાન શિવમાં આસ્થા રાખનારા માટે તો આ જગ્યા માનો કોઇ ધાર્મિક સ્થળથી કમ નથી. આ જગ્યા એવી લાગે છે જાણે કે કોઇ માના ખોળે છુપાયેલું બાળક હોય કે જેની પર કોઇની ઓછી નજર ઓછી પડતી હોય. આ જગ્યાની સૌથી પાસેનું રેલવે સ્ટેશન ફક્ત 20 કિલોમીટર દૂર છે.
ઉનાકોટી ફરવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી મે સુધીનો છે જ્યારે અહીં ગુલાબી ઠંડી પડે છે.
7. ચિત્રકૂટ અને તીરથગઢ, છત્તીસગઢ
છત્તીસગઢ ભારતનું એવું રાજ્ય છે જેને ઘણાં ઓછા લોકોએ સારી રીતે જોયું છે અથવા જાણ્યું છે. ચિત્રકૂટ ઝરણું છત્તીસગઢમાં આવી જ એક જગ્યા છે જ્યાં જઇને યાત્રીઓ અવાક રહી જાય છે. પથરાળ પહાડીઓની વચમાંથી જ્યારે ઇન્દ્રાવતી નદી ચિત્રકૂટ ઝરણાથી વહે હોય તો તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. ઘણાં લોકો તો આને બસ્તર જિલ્લાની શાન માને છે, જે મહદ અંશે સાચુ પણ છે. થોભો, કારણ કે છત્તીસગઢમાં હજુ ઘણું બધુ છે જે પ્રવાસીઓને પોતાની તરફ ખેંચી લાવે છે. ચિત્રકૂટથી જ 35 કિલોમીટર દૂર વધુ એક ઝરણુ છે જે ચિત્રકૂટથી કોઇપણ રીતે ઓછુ આંકી શકાય તેવું નથી. યાત્રીઓને ક્યારેય નિરાશ ન કરતુ તીરથગઢ ઝરણું વર્ષોથી અવિરત વહેતું રહે છે.
આ જગ્યા ફરવાનો યોગ્ય સમય જુલાઇથી ઓક્ટોબર વચ્ચેનો છે.