2020નું વર્ષ અનિશ્ચિતતાનું વર્ષ હતું. માર્ચ મહિનાથી કોરોના મહામારીએ વૈશ્વિક સ્તરે લોકોને પોતાના ભરડામાં લીધા. લોકડાઉનની જાહેરાત અચાનક જ થઈ હતી એટલે સેંકડો લોકો પોતાના ઘરથી દૂર જ્યાં હતા ત્યાંને ત્યાં જ ફસાઈ ગયા.
આવા લોકોમાં અમારો પણ સમાવેશ થાય છે. 15 માર્ચના રોજ અમે મારા હસબન્ડની 1 મહિનાની ટ્રેનિંગ માટે કર્ણાટકના શિમોગા નામનાં એક અજાણ્યા શહેરમાં આવ્યા હતા. લોકડાઉનને કારણે 1 મહિનાનું રોકાણ 4 મહિનાનું થઈ ગયું. તેનું ફાઇનલ પોસ્ટિંગ જમશેદપુર આવ્યું એટલે જમશેદપુર શિફ્ટ થયા. 1 મહિને મમ્મી-પપ્પાને મળશું તેવી ધારણા 8 મહિને પૂરી થઈ જ્યારે અમે દિવાળીમાં ભાવનગર, અમારા ઘરે ગયા. જમશેદપુર પાછા ફર્યા ત્યારે તેના મમ્મી-પપ્પા અને બહેન પણ સાથે આવેલા એટલે એમને શહેર બતાવવાના બહાને અમને પણ જમશેદપુર એક્સપ્લોર કરવાની તક મળી. ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી ઉજવવા અંદામાન ગયા. અને 11 માર્ચ કૌશલનો જન્મદિવસ તેમજ શિવરાત્રીનો દુર્લભ સંગમ મનાવવા વારાણસી.
લોકડાઉન થયું ત્યારે અમે ઘરથી 1400 કિમી દૂર હતા. જ્યારે દુનિયા થંભી ગઈ હતી તેવા સમયમાં અમે લગભગ એકાદ ડઝન ફ્લાઇટ તેમજ ટ્રેનની મુસાફરી કરી. 7 રાજ્યો (કર્ણાટક, ઝારખંડ, ઓરિસ્સા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર) અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ (અંદામાન દ્વીપસમૂહ)નો પ્રવાસ કર્યો. બધી જ જગ્યાએ ફરી તો નથી શક્યા, પણ જે 5 ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર પણ ફર્યા એ એક વર્ષ માટે પૂરતા જ કહેવાય. આમ તો કોરોનાકાળના એક વર્ષ માટે તો ખૂબ જ વધારે કહેવાય. ચાલો, તમને થોડી વિસ્તારપૂર્વક માહિતી આપું.
1. મત્તુર, સકરેબાલી એલિફન્ટ કેમ્પ
શિમોગા શહેર પ્રમાણમાં ઘણું નાનું, છતાં વિકસિત શહેર છે. મહિનાઓ સુધી આ શહેર કોરોનામુક્ત રહ્યું હતું. લોકડાઉન હળવું થવાનું હતું તે સમયે દેશભરમાં શ્રમિકોને તેમના વતન મોકલવા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી. છેક ત્યારે શિમોગામાં પહેલો કોવિડ કેસ આવ્યો. જોકે દેશના અન્ય શહેરો કરતાં શિમોગાની પરિસ્થિતિ ક્યાંય સારી હતી.
એટલે જૂનમાં અમે શિમોગાની નજીકમાં આવેલા સંસ્કૃત સ્પીકિંગ વિલેજ મત્તુરની મુલાકાત લીધી. ભારતમાં કોઈ ગામડાને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ન ગણાવી શકાય પણ દેશ વિદેશથી ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓ, પત્રકારો આ સંસ્કૃત ગ્રામમની મુલાકાતે આવે છે. અમને પણ ત્યાં જઈને ગામ જોવાની અને ત્યાંનાં લોકો સાથે વાતો કરવાની ખૂબ મજા આવી.
આ અનોખી મુલાકાતના થોડા જ દિવસોમાં અમે શિમોગાથી 15 કિમી દૂર આવેલા એલિફન્ટ સફારી ગયા. એ સફારી તો હજુ બંધ જ હતું પણ હાથીઓને જ્યાં જમવા અને સાફ કરવા લઈ જવામાં આવે છે તે સકરેબાલી એલિફન્ટ કેમ્પ ખુલ્લુ હતું. નદીનો ભીનો પવન, ચોમેર હરિયાળી અને કેટલાય નાના-મોટા હાથીઓ. ખૂબ સુંદર દ્રશ્ય હતું.
2. જોગ ફોલ્સ, મુરુડેશ્વર
જૂન એન્ડમાં જ અમારે જમશેદપુર સ્થાયી થવાનું છે તે કન્ફર્મ થઈ ગયું હતું. શિમોગા છોડતા પહેલા, 6 જુલાઈએ અહીં 100 કિમી આસપાસમાં આવેલા અતિ પ્રખ્યાત પ્રવાસન સ્થળો જોગ ફોલ્સ તેમજ ઉત્તર કન્નડા જિલ્લામાં સમુદ્રકિનારે આવેલા ભવ્ય મુરુડેશ્વર શિવમંદિરની મુલાકાત લીધી. અહીં એક જગ્યાએ રસ્તામાં અમે કોઈ સુંદર પુલ દેખાયો એ જોવા માટે ગાડીની બહાર નીકળ્યા તો અમારી ભાષા પરથી અમને ટુરિસ્ટ સમજીને કોઈ ભાઈ ગુસ્સે ભરાઈ ગયા હતા. અમે હિન્દી ઇંગ્લિશમાં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અમે અહીં શિમોગાથી જ આવ્યા છીએ પણ એ કશું સમજ્યા નહિ. અમે પણ વધુ માથાકૂટ ન કરતાં કેબમાં બેસી ગયા.
આ પ્રવાસમાં પહેલી વાર અમે કોઈ વિશ્વવિખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન ખાતે આંગળીને વેઢે ગણાય એટલા લોકો જોયા. કોરોનાની ગંભીરતા ગ્રીન ઝોનમાં આવેલા શિમોગામાં સાવ જ ઓછી હતી પણ પ્રવાસન સ્થળોએ તે સ્પષ્ટ જોઈ શકાતું હતું.
3. જમશેદપુર
શિમોગા છોડીને અમે જઈ રહ્યા હતા ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા હતા. અલબત્ત, એક રૂમમાં જ 4 મહિના વિતાવવામાં ખૂબ મુશ્કેલીઓ પડી હતી પણ આ શહેર અમારા બંનેને મનમાં વસી ગયું હતું. કર્ણાટકમાં રસ્તાઓ ખૂબ સારા હતા અને ટ્રાફિકનો તો કોઈ સવાલ જ નહોતો એટલે શિમોગાથી માત્ર 4 કલાક ટેક્સીમાં મુસાફરી કરીને અમે બેંગલોર એરપોર્ટ પહોંચ્યા.
હજુ માર્ચમાં જ હું એકલી મુસાફરી કરીને જે એરપોર્ટ પર રાતે એક વાગે લેન્ડ થઈ હતી ત્યારે હજારો માણસો જોયા હતા એ બેંગલોર એરપોર્ટ પર આજે જાણે ચકલુંય ફરકતું નહોતું! માસ્ક અને PPE કીટ સાથે પહેલી મુસાફરી. બેંગલોરથી રાંચી આવ્યા તો ત્યાં પણ એવું જ. રાંચીથી ટેક્સીમાં જમશેદપુર આવ્યા અને 14 દિવસ ઓફિસ ગેસ્ટહાઉસમાં ક્વોરોન્ટાઈન થયા. ઘર મળ્યું ત્યાં સુધી વધુ બે મહિના આમ જ એક રૂમમાં રહ્યા.
જમશેદપુર એક ખાનગી શહેર છે અને અહીં એરપોર્ટ માત્ર ટાટા ગ્રુપના ઉપયોગ માટે છે. એટલે દિવાળી ઉપર અહીંથી ટ્રેનમાં ભુવનેશ્વર ગયા, ત્યાંથી ફ્લાઇટમાં અમદાવાદ અને ત્યાંથી કારમાં ભાવનગર. દિવાળી ઉજવીને સપરિવાર જમશેદપુર પાછા આવ્યા તે દિવસોમાં અમે શહેર દર્શન તેમજ નજીકમાં આવેલા ડિમના લેકનો પ્રવાસ કર્યો હતો.
4. અંદામાન દ્વીપસમૂહ
જાન્યુઆરી 2020માં લગ્ન થયા બાદ અમે મુસાફરી તો ખૂબ કરી કરી હતી પણ leisure tour કહી શકાય એવી એક પણ નહિ. એટલે અમે લગ્નની પહેલી એનિવર્સરી પણ અંદામાન જવાનું નક્કી કર્યું. નેગેટિવ કોવિડ રિપોર્ટના સંગાથે જમશેદપુરથી ટ્રેનમાં કોલકાતા, ત્યાંથી ફ્લાઇટમાં પોર્ટ બ્લેર ગયા. પોર્ટ બ્લેર, સ્વરાજ દ્વીપ (હેવલોક), શહીદ દ્વીપ (નીલ), આ ત્રણેય ટાપુઓ પર 5 6 દિવસ ફરવાની ખૂબ મજા આવી.
5. કાશી વિશ્વનાથ
મહા શિવરાત્રીનું પર્વ અને વિશ્વનાથના દર્શન. 2021 ની શિવરાત્રી કદાચ અમે આજીવન વાગોળીશું કેમકે તે દિવસે કાશીમાં હોવું એ જ એક અલૌકિક અનુભવ હતો. વળી, ગંગા આરતીની સુંદરતા તો અવર્ણનીય છે! બીજા દિવસે અમે સારનાથ ગયા હતા અને ત્રીજા દિવસે પરોઢે 3 વાગે વિશ્વનાથની મંગળા આરતીના દર્શન કર્યા.
પાછા ફરતા અમે વાયા પટનાની ટ્રેન કરી હતી એટલે પહેલી વાર અતિશય વસ્તી ધરાવતા બિહારની પણ ઝલક જોવા મળી.
તો આવું હતું અમારું કોરોનાકાળમાં એક વર્ષ. તમે તમારા ઘરની આસપાસના સ્થળોએ કોઈ પ્રવાસ કરી શક્યા? તમારા અનુભવો Tripotoને જણાવો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ