લગ્ન પછી દરેક પોતાના લાઇફ પાર્ટનરની સાથે હનીમૂન પર કોઇ રોમેન્ટિક ડેસ્ટિનેશન પર જવા માંગે છે, પરંતુ લગ્નનો ભારે ખર્ચ ઘણાંના સપના અધૂરા રાખે છે. જો તમે પણ કોઇ અસમંજસમાં ફસાયેલા છો તો ગભરાવાની જરુર નથી. ઉત્તર ભારતમાં એવી ઘણી રોમેન્ટિક અને સુંદર જગ્યા છે જ્યાં તમે ફક્ત વ્યક્તિ દિઠ 20 હજાર રુપિયામાં હનીમૂન સેલિબ્રેટ કરી શકો છો.
મનાલી-
લોકો કહે છે કે મનાલીની હવાઓમાં જ રોમાંસની ખુશ્બુ ભળેલી છે. ચારેબાજુ હરિયાળી, ઉંચા પર્વત અને સ્વર્ગ જેવા નજારા મનાલીને એક સુંદર હનીમૂન ડેસ્ટિનેશન બનાવે છે. પહાડો પર બનેલા કૉટેજ અને જંગલની પાસે બનેલી હોટલ હનીમૂનને વધુ રોમાંચક બનાવી દે છે. મૌમસના હિસાબે તમે અહીં પેરાગ્લાઇડિંગ, રિવર રાફ્ટિંગ, જંગલ સફારી અને ટ્રેકિંગનો આનંદ ઉઠાવી શકો છો. અમદાવાદથી ઘણાં ટૂર ઓપરેટર કપલ દિઠ 40,000 રુપિયા કે તેથી ઓછામાં કુલુ, મનાલીના પેકેજ આપે છે. જો તમે ટ્રાવેલ બુકિંગ વેબસાઇટ પરથી બુકિંગ કરો છો તો 2000 રુપિયામાં રુમ મળી જશે. 4 મહિના પહેલા ફ્લાઇટ બુકિંગ કરાવશો તો ટિકિટ સસ્તી પડશે. તમે દિલ્હી સુધી વિમાન કે ટ્રેનમાં જઇ શકો છો. ત્યાંથી લકઝરી બસમાં મનાલી જઇ શકાય છે. કુલ-મનાલીમાં 3 દિવસ રહેવા-જમવા અને ફરવા સાથે 40 હજારથી વધુ ખર્ચ નહીં થાય.
નાલદેહરા-
જો તમે શિમલા ગયા છો તો નાલદેહરા જવાનું ન ભુલતાં. નાલદેહરા શિમલાની ચહલ-પહલથી દૂર એક અનોખુ હિલ સ્ટેશન છે. અહીંનું શાંત માહોલ, હરિયાળી અને આકર્ષક નજારા આ જગ્યાની સુંદરતા દર્શાવે છે. પાર્ટનરની સાથે કોઇ એડવેન્ચરસ વૉક પર જવા માટે એક સુંદર જગ્યા છે. અહીં તમે પાર્ટનરની સાથે હૉર્સ રાઇડનો આનંદ લઇ શકો છો. ઝિપ લાઇનિંગ દ્ધારા સુંદર મેદાનોના નજારા જોઇ શકો છો.
સમુદ્રની સપાટીએથી અંદાજે 2044 મીટરની ઊંચાઇ પર સ્થિત આ જગ્યાએ દરવર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. નાલદેહરા સ્થિત નવ હોલનો ગોલ્ફ કોર્સ ભારતનો સૌથી જુનો ગોલ્ફ કોર્સ છે. અહીં દર વર્ષે ગોલ્ફ ટુર્નામેન્ટ પણ યોજાય છે.
નાલદેહરાની સાથે જ નાગ મંદિર છે જે પોતાની પ્રાચીનતમ કલાકૃતિ અને ઇતિહાસ માટે જાણીતું છે. અહીં હિમાચલ પર્યટન નિગમ ઉપરાંત ઘણી પ્રાચીન હોટલ પણ બની છે જેમાં પ્રવાસીઓ અહીં રોકાઇ શકે છે. શિયાળામાં અહીંનું તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહે છે.
નાલદેહરા શિમલાથી અંદાજે 22 કિલોમીટરના અંતરે છે. રસ્તામાં કુફરી પણ આવે છે જે તેની લીલીછમ ઘાટીઓ માટે જાણીતું છે. નાલદેહરાથી અંદાજે 45 કિલોમીટર દૂર જુબ્બડહટ્ટી એરપોર્ટ છે. તમે કાલકાથી શિમલા ટોય ટ્રેનમાં પણ જઇ શકો છો. અમદાવાદથી સિમલા વાયા દિલ્હીની ફ્લાઇટ મળી જશે. ટ્રેનમાં જઇને ખર્ચ બચાવી શકાય છે. શિમલાથી અહીં આવવા માટે ટેક્સી, બસ મળી જશે.
મેકલૉડગંજ-
જો તમે પહાડોની વચ્ચે વહેતા ઝરણાની સાથે હનીમૂનની ફિલિંગ લેવા માંગો છો તો મેકલૉડગંજ એક સારો વિકલ્પ હોઇ શકે છે. અહીં બરફથી ઢંકાયેલા શિખરો, ઠંડી હવાઓ અને જંગલોની વચ્ચે બનેલા કેટલાક મૉર્ડન આર્ટ કેફે તમને એક સારો અનુભવ આપશે. પ્રસિદ્ધ તિબેટિયન આધ્યાત્મિક નેતા દલાઇ લામાનું ઘર હોવાના કારણે આ હિલ સ્ટેશન દુનિયાભરમાં ઘણું લોકપ્રિય છે. આ જગ્યા પ્રાચીન તિબેટિયન અને બ્રિટિશ સંસ્કૃતિથી ઘેરાયેલી છે. લીલાછમ દેવદારના જંગલોની વચ્ચે, મૅકલોડગંજની સુંદર દલ સરોવર પર્યટકોને ખુબ આકર્ષિત કરે છે. સરોવની સુંદરતા તમારુ મન મોહી લેશે.
મેક્લોડગંજના દર્શનીય સ્થળોમાં નામગ્યાલ મઠ, ત્સુગલગખાંગ, ભાગસૂ અને ભાગસૂનાથ મંદિર અને તિબેટિયન મ્યૂઝિયમ છે. ઉત્સાહી પર્યટક અહી કોરા સર્કિટને જોવા આવે છે. અહીં કરવા લાયક સૌથી સારી વસ્તુઓમાં ટ્રેકિંગ મુખ્ય છે. મેકલૉડગંજમાં તમારુ હનીમૂન 20 હજાર રુપિયામાં આરામથી પૂર્ણ થઇ જશે.
જયપુર-
જો તમે હનીમૂન ઉપર બજેટમાં એક લકઝરી ફીલિંગ લેવા માંગો છો તો જયપુરથી સારી જગ્યા મળવી મુશ્કેલ છે. ગુલાબી શહેરની રંગીન ગલીઓનો આકર્ષક નજારો તમને પાછા નહીં ફરવા દે. અહીં તમે રામગઢ સરોવરમાં બોટિંગની મજા લઇ શકો છો. હવા મહેલની સામે રેસ્ટોરન્ટની છત પર પારંપરિક સ્વાદ પાર્ટનરની સાથે વિતાવેલી પળોને યાદગાર બનાવી દેશે.
રાનીખેત-
સુંદર પ્રાકૃતિક નજારા અને શાંત માહોલ રાનીખેતને એક સુંદર હનીમૂન ડેસ્ટિનેશન બનાવે છે. પક્ષીઓનો કલબલાટ અને હિમાલયના શિખરોનો આકર્ષક નજારો રોમાંસમાં મીઠાસ ભેળવવાનું કામ કરે છે. અહીં જંગલને અડીને આવેલા રસ્તા પર નાના સ્ટૉલ્સ પર તમે હળવા સ્નેક્સનો આનંદ લઇ શકે છે. ટ્રેકિંગ પર જવા માટે તમારે અહીં ઘણી સુંદર જગ્યાઓ મળી જશે.
આ ઉત્તરાખંડ રાજ્યનું એક સુંદર હિલ સ્ટેશન છે. આ હિમાલયના પહાડો અને જંગલોને એકબીજા સાથે જોડે છે. અહીંનું શાંત વાતાવરણ અને કુદરતી સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. અહીંની હવા તમને એકદમ ફ્રેશ કરી દેશે. વન્યજીવોની અનેક પ્રજાતિઓ અહીં જોવા મળશે.
રાનીખેતની પાસે જ કલિકા પર્યટન સ્થળ છે. જ્યાં લીલાછમ જંગલો અને બરફ આચ્છાદિત પહાડોથી છે. આ જગ્યા કાલિકા મંદિર માટે ફેમસ છે. આ ઉપરાંત તમે અહીં મનકામેશ્વર મંદિર, માં મનીલા દેવી મંદિર જોઇ શકો છો. તમે ચૌબટિયા બાગ પણ જઇ શકો છો. આ જગ્યા સફરજન, પ્લમ, પીચ અને જરદાળુ માટે પ્રસિદ્ધ છે.
તીર્થન વેલી-
પ્રકૃતિથી પ્રેમ કરનારા માટે હિમાચલ પ્રદેશ સ્થિત તીર્થન વેલી કોઇ સ્વર્ગથી કમ નથી. તીર્થન વેલી હિમાચલ પ્રદેશમાં છુપાયેલો ખજાનો છે. જેને હિમાચલનું સિક્રેટ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રવાસ માટે ઓછી જાણીતી આ જગ્યા અપાર કુદરતી વૈભવથી ભરેલી છે. દરેક વ્યક્તિને અહીં આકર્ષણ માટેનું કારણ મળી રહે છે.
એડવેન્ચર સ્પોર્ટ્સ, ટ્રેકિંગ, રખડપટ્ટી, ફોટોગ્રાફી, ફિશિંગ, કેમ્પિંગ વગેરે તમામ વસ્તુઓ માટે આ જગ્યા શ્રેષ્ઠ છે. અહીં કરવા જેવી અનેક વસ્તુઓ છે. અને જો કંઇ ના કરવું હોય, તો બસ કુદરતના ખોળે આરામ કરવાનો આનંદ તો ખરો જ. બરફ આચ્છાદિત પહાડો અને લીલા ઘાસના ઢોળાવો આ જગ્યાને વધારે મનમોહક બનાવે છે. માર્ચથી જુન અને ઓક્ટોબરથી નવેમ્બર આ જગ્યાના પ્રવાસ માટેનો શ્રેષ્ઠ સમય છે.
તીર્થન હિમાલય નેશનલ પાર્કથી 3 કિલોમીટર દૂર છે. આ જગ્યા ટ્રાઉટ માછલી માટે લોકપ્રિય છે. તીર્થન ખીણમાં તમે ઘણાં આરામથી અંદાજે 20,000 રુપિયામાં હનીમૂન સેલિબ્રેટ કરીને આવી શકે છે.