ભારતમાં ફરવાલાયક 10 બેસ્ટ જગ્યાઓ કઇ એવુ જો તમે ગુગલમાં સર્ચ કરો તો કેટલીક જાણીતી જગ્યાઓના જ નામ જોવા મળશે. પરંતુ જો તમારે ભીડભાડથી દૂર શાંતિવાળી જગ્યાએ ફરવા જવું હોય તો ક્યાં જવું એવો પ્રશ્વ સ્વાભાવિક રીતે તમારા મનમાં જરુર ઉભો થાય. એકના એક સ્થળે જઇને કંટાળેલા લોકો નવી જગ્યાની શોધમાં હોય છે. જ્યાં સ્થાનિક સંસ્કૃતિ, ફૂડ, એક્ટિવિટીઝ, સુંદર દ્રશ્યો, જંગલો અને બીજું ઘણુંબધું જે તમે વિચાર્યું હોય. આજે આપણે એવા જ કેટલાક સ્થળો વિશે વાત કરીશું.
1.) દાર્જીલિંગના બદલે મોલીન્નોંગ
ચાના બગીચા, ટોય ટ્રેન, ટાઇગર હિલ અને પહાડોનું અપ્રિતમ સૌંદર્ય. દાર્જીલિંગ ગુજરાતીઓનું ફેવરીટ સ્થળ ગણાય છે. પરંતુ હવે અહીં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે જેનાથી પ્રાઇવસી નથી જળવાતી. તો તમારે દાર્જીલિંગ ના જવું હોય તો મેઘાલયના નાનકડા ગામ મોલિન્નોંગની મુલાકાત લઇ શકો છો. એશિયાનું આ સૌથી ચોખ્ખું ગામ છે. કુદરતી સુંદરતાની સાથે તમને અહીં નીરવ શાંતિનો અનુભવ થશે.
ક્યારે જઇ શકાયઃ જૂનથી સપ્ટેમ્બરનો સમય સૌથી સારો છે.
કેવી રીતે જશોઃ નજીકનું એરપોર્ટ 92 કિ.મી. દૂર શિલોંગ છે. નજીકનું રેલવે સ્ટેશન ગુવાહાટી જે 104 કિ.મી. દૂર છે. તમે શિલોંગ કે ગુવાહાટીથી કાર કે ટેક્સી દ્ધારા પહોંચી શકો છો.
શું કરશોઃ પગપાળા ગામને એક્સપ્લોર કરો. ખડકો, રુટ બ્રિજ, સ્કાય વોક વેધશાળાની મુલાકાત લો.
ક્યાં રોકાશોઃ પમ્પકિન ખરમાશુન હોમસ્ટે અને પમ્પકિન સાફી કોટેજ
2.) મેકલોડગંજના બદલે તવાંગ
હિમાચલ પ્રદેશનું મેકલોડ ગંજ પ્રવાસીઓનું જાણીતું હિલ સ્ટેશન છે. અહીં અપાર કુદરતી સૌંદર્ય છે. ટ્રીઉંડ ટ્રેક અને ભાગ્સુંગ વોટર ફોલ જેવા લોકપ્રિય સ્થળો અહીં આવેલા છે. પરંતુ જો તમારે આવી જ બીજી કોઇ જગ્યાએ જવું હોય તો અરુણાચલ પ્રદેશના તવાંગમાં જજો. સમુદ્રની સપાટીએથી 2670 મીટરની ઊંચાઇએ આવેલું તવાંગ ઓછું જાણીતું છે જેની બોર્ડર ચાઇના અને ભૂટાનને અડે છે. બરફ આચ્છાદિત પહાડો તમને મેકલોડ ગંજની યાદ અપાવે છે.
જવાનો યોગ્ય સમયઃ માર્ચથી સપ્ટેમ્બરમાં હવામાન ખુશનુમા હોય છે. આ સમયે અહીં યાયાવર પક્ષીઓ પેંગા તેંગ સો લેક પર આવે છે.
કેવી રીતે પહોંચશોઃ નજીકનું એરપોર્ટ તેજપુર (અંદાજે 319 કિ.મી.) અને એજ રીતે નજીકનું રેલવે સ્ટેશન પણ તેજપુર જ (અંદાજે 328 કિ.મી.) છે. નજીકમાં ભાલુકપોંગ અને ઉદલગુરી સ્ટેશન્સ પણ છે. ગુવાહાટી અને તેજપુરથી તવાંગની બસો પણ મળે છે.
શું કરશોઃ 400 વર્ષ જુની તવાંગ મોનેસ્ટ્રીની મુલાકાત લો. તવાંગ મેમોરિયલ, માધુરી લેક, નુરાગ વોટરફોલ જોવાલાયક જગ્યાઓ છે.
ક્યાં રોકાશો- ડોનડ્રબ હોમસ્ટે અને વામૂઝ ટ્રેલ તવાંગ
3.) જેસલમેરના બદલે ખિમસર વિલેજ
ગોલ્ડસન સિટી તરીકે જાણીતા જેસલમેરમાં ગડીસર લેક, જેસલમેર ફોર્ટ, થારનું રણ પ્રવાસીઓની પ્રિય જગ્યા છે. પરંતુ જો તમારે ઓછી જાણીતી જગ્યાએ ફરવું હોય તો તે છે ખિમસર વિલેજ. બિલકુલ શાંત વાતાવરણ, શુદ્ધ હવા, ચારેબાજુ રેતી, વચ્ચોવચ તળાવ, આસપાસ ઝુંપડા જેવા ઘરો. ખરેખર આ એક સુંદર જગ્યા છે.
ક્યારે જશોઃ ઓક્ટોબરથી લઇને માર્ચ સુધીનો સમય બેસ્ટ છે.
કેવી રીતે જશોઃ નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન જોધપુર છે. અહીંથી 98 કિ.મી. દૂર આ ગામ જવા ટેક્સી અને બસ મળી રહેશે.
શું કરશોઃ થાર રણ સિવાય અહીં 400 વર્ષ જુનો ખીમસર ફોર્ટ છે. જે હવે હેરિટેજ હોટલ છે. તમે અહીં ઊંટ, જીપ સફારીનો આનંદ લઇ શકો છો. ટેન્ટમાં એક રાત રહેવાનો મજા જ કંઇક અલગ છે.
ક્યાં રહેશોઃ ખિમસર ફોર્ટ અને ડ્યૂન્સ અને ખિમસર સેન્ડ ડ્યૂન્સ રિસોર્ટ.
4.) મનાલીને બદલે ચક્રાતા
કુલુ-મનાલી ગુજરાતીઓનું ફેવરિટ હિલ સ્ટેશન છે. પરંતુ મનાલીમાં હવે બારેમાસ પ્રવાસીઓની ભીડ રહે છે. જો તમારે શાંતિ જોઇતી હોય તો ઉત્તરાખંડમાં ચક્રાતા સુંદર જગ્યા છે. ચક્રાતા ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લામાં આવેલું નાનકડુ ગામ છે. સમુદ્રની સપાટીએથી 2,118 કિ.મી. ઊંચાઇ પર આવેલું છે. વોટરફોલ, સુંદર સનસેટ, એડવેન્ચર એક્ટિવિટીઝ, પ્રાચીન ગુફાઓ, સુંદર લોકલ કલ્ચર ઉપરાંત એ બધુ જ જેની તમે ઇચ્છા રાખો છો.
ક્યારે જશોઃ માર્ચથી લઇને જૂન સુધીનો સમય ચક્રાતા જવાનો બેસ્ટ ટાઇમ છે.
કેવી રીતે જશોઃ નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ દેહરાદૂન છે. જે ચક્રાતાથી અનુક્રમ 113 અને 87 કિ.મી.દૂર છે. દેહરાદૂનથી ટેક્સી મળી રહે છે. રાત પહેલા પહોંચી જવું જોઇએ.
શું કરશોઃ ટ્રાવેલર્સ માટે અહીં ઘણું બધુ છે. તમે ટાઇગર હિલ, વોટરફોલ, ચિલમિરી પર્વત પર સનસેટ વ્યૂ, રાતે કેમ્પિંગ, જંગલમાં ભ્રમણ અને બીજી અનેક પ્રવૃતિઓ કરી શકો છો.
ક્યાં રોકાશોઃ એસ્કેપ ટ્રાઇબલ કેમ્પ્સ અને ગ્રીન હેવન રિસોર્ટ
5.) લદ્દાખના બદલે સિક્કીમ
લદ્દાખનુ પેંગોંગ લેક તો તમારા મનમાં જરુર વસી ગયું હશે. દર વર્ષે હજારો પ્રવાસીઓ લદ્દાખ ફરવા જાય છે. પરંતુ ઓવરક્રાઉડથી બચવા તમે સિક્કીમ જઇ શકો છો.
ગંગટોક તેની રાજધાની છે. તે નયનરમ્ય, શાંતિપૂર્ણ, ઓછી વસ્તીવાળું, સુંદર અને જીવંત સંસ્કૃતિ સાથે ઝળહળતું શહેર છે.
ક્યારે જશોઃ માર્ચથી મે સુધીનો સમય બેસ્ટ છે.
કેવી રીતે જશોઃ નજીકનું રેલવે સ્ટેશન ન્યૂ જલપાઇગુડી છે. જે ગંગટોકથી 150 કિ.મી. દૂર છે. બાગડોગરા એરપોર્ટ 124 કિ.મી. દૂર છે.
શું કરશોઃ મેંમેચો સરોવર, ત્સોમગો લેક, ગુરુડોંગર લેક, સો લ્હામો લેક, જે દેશના સૌથી ઊંચા લેકમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, તમે રુમટેક મોનેસ્ટ્રી, બાબા હરભજન સિંહ મંદિર, નામચી ટોપ અને બીજુ ઘણું છે.
ક્યાં રોકાશોઃ હોટલ ડ્રેગોન ઇન અને હોટલ શેરે પંજાબ.