સિઝન ગમે તે હોય, પ્રવાસીઓ હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું ભૂલતા નથી. પ્રકૃતિની ગોદમાં આવેલા હિલ સ્ટેશનો પર પ્રવાસીઓ શાંતિ અને આરામનો અનુભવ કરે છે. પ્રવાસીઓ કુદરતની નજીક જઈને ઉર્જાનો અનુભવ કરે છે અને તેમની ઉદાસીનતા દૂર થઈ જાય છે.
એટલે જ કહેવાય છે કે જ્યારે તમે વર્ક પ્રેશરથી તંગ આવી ગયા છો તો તમારા માટે કેટલોક સમય કાઢો અને થોડા દિવસ માટે હિલ સ્ટેશન પર જઇ આવો. અહીં તમારું મન પ્રસન્ન રહેશે અને તમારું મન શાંત રહેશે.
ચેઇલ
ચેઇલ હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશમાં છે. આ હિલ સ્ટેશન દરિયાની સપાટીથી 2250 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ સુંદર હિલ સ્ટેશનની તસવીર જોઈને પ્રવાસીઓને તેની મુલાકાત લેવાનું મન થાય છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.
ચંડીગઢથી લગભગ 110 કિલોમીટરના અંતરે આવેલું ચેઈલ ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. ચેઇલ એક સમયે મહારાજા ભૂપિન્દર સિંહની ઉનાળાની રાજધાની હતી, જેઓ તે સમયે ક્રિકેટના ખૂબ જ શોખીન વ્યક્તિ હતા. તેમણે આ ક્રિકેટ ગ્રાઉન્ડ 7500 ફૂટની ઉંચાઈ પર બનાવ્યું હતું, જેના કારણે આ જગ્યા દુનિયાના સૌથી ઊંચા ક્રિકેટ મેદાન તરીકે જાણીતી થઈ. મેદાનની દેખરેખ સેનાના અધિકારીઓ કરે છે. પ્રવાસીઓ તેની આસપાસ લટાર મારી શકે છે અને ચિત્રો ક્લિક કરી શકે છે. જોકે, લોકોને મેદાનમાં જવા દેવામાં આવતા નથી.
સાધુપુલ સરોવર ચેઇલમાં દર્શનીય સ્થળોમાંનું એક છે. આ સ્થળ તેના શાંત વાતાવરણને કારણે પ્રવાસીઓમાં ભારે લોકપ્રિયતા મેળવી છે. ચેઇલ વન્યજીવ અભયારણ્યને ભારત સરકારે વર્ષ 1976માં તેને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું. આ સ્થળ પક્ષીઓ અને પ્રાણીઓની અસંખ્ય પ્રજાતિઓથી સમૃદ્ધ છે.
કાલી મંદિર એ ચેઇલમાં સૌથી લોકપ્રિય ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળો પૈકીનું એક છે. વૃક્ષોથી ઘેરાયેલી ટેકરીની ટોચ પર આવેલું આ મંદિર શાંતિની શોધ કરનારા માટે યોગ્ય સ્થળ છે. જો તમે સાહસના શોખીન છો, તો તમે ચેઇલ કા ગૌરા અને ઝજ્જા ટ્રેકનો વિકલ્પ પસંદ કરી શકો છો. ઊંચા પાઈન વૃક્ષોથી ઘેરાયેલો આ ટ્રેક થોડો પડકારજનક તેમજ સુંદર પણ છે.
ચેઇલ સુધી કેવી રીતે પહોંચવું -
હવાઈ માર્ગે: ચેઈલનું સૌથી નજીકનું એરપોર્ટ ચંદીગઢ છે. તે હિલ-સ્ટેશનથી 117 કિમી દૂર છે. કેટલીક બસો ચંડીગઢથી ચેઈલ સુધી ચાલે છે. તમે ચંદીગઢથી અહીં ટેક્સી પણ લઈ શકો છો.
રોડ માર્ગે: ઘણી સરકારી અને ખાનગી બસો ચેલ અને અન્ય પડોશી શહેરો અને દિલ્હી, શિમલા, ચંદીગઢ, કાલકા અને કંડાઘાટના શહેરો વચ્ચે દોડે છે.
રેલ માર્ગે: ચેઇલ નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન કાલકા છે. તે 81 કિમીના અંતરે આવેલું છે. કાલકાથી, તમે કાં તો બસ લઈ શકો છો જે તમને ચેઈલ સુધી લઈ જશે અથવા ટેક્સી બુક કરી શકો છો.
કલ્પા
કલ્પા ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે. કલ્પામાં પણ ભીડભાડ ઓછી છે. આ હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશમાં છે. આ ગામ કિન્નોરના સૌથી મોટા ગામોમાંનું એક છે. જ્યાં તમને ચારેબાજુ હરિયાળી જોવા મળશે. કલ્પાથી લગભગ 11 કિમી દૂર દેવી ચંડિકાનું મંદિર છે, જ્યાં તમે દર્શન માટે જઈ શકો છો. આ મંદિર તેના સ્થાપત્યને કારણે ખૂબ જ પ્રખ્યાત છે. તમે આ ગામમાં રોડ અને હવાઈ માર્ગે જઈ શકો છો.
કલ્પા એક એવી જગ્યા છે જ્યાં તમને દરેક જગ્યાએ સફરજનના બગીચા જોવા મળશે. તમને એક કે બે નહીં પણ કિલોમીટર લાંબા સફરજનના બગીચા જોવા મળશે, જે ખૂબ જ આકર્ષક છે.
વ્યૂ પોઇન્ટ
કલ્પા એક નાનું શહેર છે, કૈલાશ પર્વતના બર્ફિલા શિખરો ગમે ત્યાંથી સરળતાથી જોઈ શકાય છે. અહીંથી તમે કિન્નર કૈલાશ અને રાલડંગ કૈલાશનો નજારો પણ જોઈ શકો છો. તે તમારું દિલ જીતી લેશે.
કલ્પા શિમલા રેલ્વે સ્ટેશનથી લગભગ 244 કિલોમીટર દૂર છે. અગાઉ કલ્પા કિન્નૌર જિલ્લાનું મુખ્ય મથક હતું, પરંતુ હવે રેકોંગ પીઓ કિન્નોરનું મુખ્ય મથક છે.
બૌદ્ધ મઠો અને મંદિરો
આ ગામના મંદિર અને બૌદ્ધ મઠમાં તમને સુંદર પરંપરાગત હિમાચલી સ્થાપત્ય જોવા મળશે. અહીંનું સ્થાનિક નારાયણ નાગાની મંદિર કારીગરીનું ઉત્તમ ઉદાહરણ છે. બીજું અહીં બૌદ્ધ મઠો છે, જેમાં હુ-બુુઉ-ઇયાન-કર ગોમ્પાનો સમાવેશ થાય છે.
બહુ ઓછા લોકો જાણે છે કે કલ્પા અંગ્રેજો માટે રજાનું મનપસંદ સ્થળ હતું. શિયાળાની ઋતુમાં આ ગામ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે.
બિનસર
શહેરની ભીડભાડ તમારી રુટીન ઝિંદગીને મશીન જેવું બનાવી દે છે. ત્યારે એ મશીની દુનિયાથી બહાર નીકળીને જો તમે શાંત કે હરિયાળી જગ્યાએ જવા માગો છો તો તે જગ્યા છે બિનસર.
બિનસર એક ગઢવાલી શબ્દ છે જેનો અર્થ થાય છે નવ પ્રભાત. દેવદારના જંગલોથી ઘેરાયેલું બિનસર અલ્મોડાથી ફક્ત 33 કિ.મી. દૂર છે. બિનસર સમુદ્રની સપાટીએથી 2,200 મીટરની ઉંચાઇ પર આવેલું છે. બિનસરમાં એક એવી જગ્યા છે જ્યાંથી હિમાલયના શિખરો કેદારનાથ, ચૈખંબા, નંદા દેવી, પંચોલી અને ત્રિશૂલ જોવા મળે છે. જંગલ અને પહાડ સિવાય પણ અહીં જોવા જેવું ઘણું બધુ છે.
બિનસર વાઇલ્ડલાઇફ સેંક્ચુરી
બિનસર એક વન્યજીવ અભયારણ્ય છે જે લગભગ 49.59 ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે. જંગલમાં શાંતિ અને પક્ષીઓનો કલરવ સંભળાશે. આ અભયારણ્યમાં દિપડો, ગોરા, જંગલી બિલાડી, રીંછ, શિયાળ, બાર્કિંગ હરણ અને કસ્તૂરી વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે.
બિનસર મહાદેવ મંદિર
દેવદારના ગાઢ જંગલોની વચ્ચે આ મંદિર આવેલું છે. બિનસર મહાદેવ મંદિર ભગવાન ભોળાનાથનું મંદિર છે. આ સિવાય અહીં એક બીજુ મંદિર છે જેનું નામ છે ચિતઇ મંદિર. આ મંદિરને ચંદ રાજાઓના શાસનકાળમાં બનાવાયું હતુ.
ઝીરો પોઇન્ટ
અહીંથી આખુ બિનસર જોવા મળશે. એક નજરમાં દૂર સુધી બિનસરના જંગલોની હરિયાળી તમારુ મન મોહી લેશે. તમારે અહીંનો સૂર્યાસ્ત જરુર જોવો જોઇએ.
કેવી રીતે પહોંચશો?
દેહરાદૂનથી બિનસર 370 કિ.મી. અને નૈનીતાલથી 95 કિ.મી. દૂર છે. નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે. કાઠગોદામ રેલવે સ્ટેશન દિલ્હી સાથે સારીરીતે જોડાયેલું છે. કાઠગોદામથી બિનસરનું અંતર 105 કિ.મી. છે. અહીંથી તમે સરકારી બસ કે ટેક્સી બુક કરીને અલ્મોડા જઇ શકો છો. અલ્મોડાથી બિનસરનું અંતર 35 કિ.મી. છે. આ ઉપરાંત, સૌથી નજીકનું એરપોર્ટ પંતનગર છે. પંતનગરથી બિનસરનું અંતર 140 કિ.મી. છે. આ સિવાય દિલ્હીથી કાઠગોદામ અને બિનસરની બસ સહેલાઇથી મળી જશે.
તત્તાપાની
તત્તાપાનીનો શાબ્દિક અર્થ છે ગરમ પાણી. શિમલાથી 50 કિ.મી. દૂર સ્થિત તત્તાપાની પોતાના ગરમ પાણીના ઝરણા માટે ઓળખાય છે. સાથે જ આ સ્થાન પોતાની એડવેન્ચર એક્ટિવિટીઝ માટે પણ ફેમસ છે. તમે અહીં પોતાના બજેટમાં એડવેન્ચરની મજા લઇ શકો છો.
ઔષધિ ગુણવાળુ પાણી
તત્તાપાની ધર્મશાલાથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલું છે. સતલજ નદીના કિનારે વહેતુ ઝરણું આ ક્ષેત્રમાં પર્યટકો માટે મુખ્ય આકર્ષણ પૈકીનું એક છે. માન્યતા છે કે આ પાણીમાં ઘણાં ઔષધિય ગુણ જોવા મળે છે. જે સાંધાને દર્દ, થાક, તણાવથી રાહત અને ખરાબ રક્ત પરિસંચરણ જેવી બીમારીઓથી રાહત આપે છે અને ત્વચા સંબંધી રોગોને ઘટાડે છે.
જો તમને ટ્રેકિંગનો શોખ છે તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે. લાંબા લાંબા દેવદારના ઝાડ અને તેમની વચ્ચે કલાકો પગપાળા ચાલવાનું કંઇક અલગ જ શાંતિ આપે છે. તત્તાપાનીમાં દેશભરના લોકો રિવર રાફ્ટિંગ કરવા માટે આવે છે. આ અહીંની સૌથી લોકપ્રિય એક્ટિવિટી છે.
પાલમપુર
પાલમપુરને દુનિયાના નકશા પર લાવવાનું શ્રેય અહીંના ચાના બગીચાને જાય છે. લીલાછમ ચાના બગીચામાં ફરવું એક મનમોહક અનુભવ છે. આ ઉપરાંત સ્થાનિકોના પસંદગીના સ્થળોમાનું એક સૌરભ વન વિહાર છે. આ જગ્યાનું નામ એક ભારતીય સેનાના અધિકારીના નામે રાખવામાં આવ્યું છે. આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે એક આદર્શ સ્થાન છે. અહીં એક નાનકડુ તળાવ છે જ્યાં બોટિંગ કરી શકાય છે.
બૈજનાથ શિવ મંદિર સૌથી જુના શિવ મંદિરોમાંનું એક છે. આ પથ્થરનું મંદિર એક વાસ્તુશિલ્પનો ચમત્કાર છે. આ જગ્યા શહેરથી અંદાજે 16 કિ.મી. દૂર છે. નેગુલ ખડ પુલ એક નેગુલ નદીની ધારા પર બનેલો એક લોખંડનો બ્રિજ છે. પુલથી ધોલાધાર રેન્જનો નજારો આંખોને ઠંડક આપે છે. તમે પુલ પર સાંજે આંટો મારી શકો છો.
અન્ય કેટલાક સ્થાનિક પસંદગીના સ્થળોમાં જખની માતા મંદિર, ચામુંડા દેવી મંદિર અને અંદ્રેટા છે.
કેવી રીતે પહોંચશો
હવાઇ માર્ગે
તત્તાપાની જવા માટે તમારે શિમલા એરપોર્ટ પર જવું પડશે. અહીંથી તમે ટેક્સી કે ખાનગી સાધન દ્ધારા તત્તાપાની પહોંચી શકો છો.
ટ્રેન દ્ધારા
અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન શિમલા રેલવે સ્ટેશન છે. અહીંથી તત્તાપાની 55 કિ.મી.ના અંતરે છે. જ્યાં પહોંચવામાં લગભગ 3 કલાકનો સમય લાગશે.
પાલમપુર
પાલમપુર કાંગડા જિલ્લામાં આવેલું એક નાનું શહેર છે. પાલમપુરમાં વિક્ટોરિયન શૈલીની હવેલીઓ, ગ્રીન પ્લાન્ટેશન, ઊંડી ખીણો, મોહક શિખરો, સુંદર મઠો, શાંત મંદિરો અને ઘણું બધું જોવાલાયક છે.
કેવી રીતે પહોંચશો?
તમે પાલમપુર ફ્લાઇટ, ટ્રેન, બસ કે ખાનગી વાહન દ્વારા પહોંચી શકો છો. પાલમપુર હિમાચલ પ્રદેશના દરેક મુખ્ય શહેરો સાથે રોડ નેટવર્કથી સારી રીતે જોડાયેલું છે.
વિમાન દ્વારા
નજીકનું એરપોર્ટ કાંગરા છે જે પાલમપુરથી 40 કિ.મી. દૂર છે. કાંગરા માટે દરરોજ ફ્લાઇટ ઉપલબ્ધ છે.
ટ્રેન દ્વારા
નજીકનું રેલવે સ્ટેશન પઠાણકોટ છે. જે પાલમપુર સાથે નેરોગેજ ટ્રેનથી જોડાયેલું છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો