જો તમે ક્યારેય પોતાના દોસ્તોની સાથે ક્યાંક ફરવાનો કાર્યક્રમ બનાવ્યો હશે તો ઘણીવાર ઋષિકેશની ચર્ચા જરુર થઇ હશે. અને કેમ ન થાય, દેશનું એડવેન્ચર કેપિટલ ગણાતા ઋષિકેશમાં કરવા માટે ઘણું બધુ છે.
પછી ગંગા કિનારે બેસીને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું સુખ હોય કે નદીમાં રાફ્ટ લઇને ઉતરવાનો રોમાંચ, ઋષિકેશમાં તમે બધુ જ શક્ય છે. લોકો મોજ મસ્તી માટે તો ઋષિકેશ આવે જ છે, સાથે જ અનેક લોકો રોમાંચની શોધમાં તો કેટલાક આધ્યાત્મની શોધમાં અહીં આવે છે.
પરંતુ તમે અહીં પહોંચો એ પહેલા અહીંના સૌથી સારા કેમ્પિંગ સ્પૉર્ટ્સની યાદી જરુર જોઇ લો. વિકલ્પ જોઇને તમે ખુશ થઇ જશો:
એસ્પેન એડવેન્ચર્સ કેમ્પ
આમ તો કેમ્પિંગની સાથે સુવિધાનો વિચાર કદાચ જ આવે પરંતુ ઋષિકેશમાં સૌથી લોકપ્રિય કેમ્પ સાઇટમાંથી એક એવા એસ્પેન એડવેન્ચર્સમાં તમે બધી સુવિધાઓની સાથે કેમ્પિંગ કરી શકો છો. લક્ષ્મણ ઝુલાથી થોડાક જ કિલોમીટર દૂર કેમ્પમાં રહેવાથી શહેરમાં તમારા આવાગમન પર અસર પણ નહીં પડે અને શહેરનો કોલાહલ તમારા સુધી નહીં પહોંચે.
અહીં તમને કેમ્પની સાથે જ જોડાયેલા એટેચ બાથરૂમ મળે છે જે આ ટેન્ટને ઋષિકેશમાં સૌથી ખાસ બનાવે છે. જો આપને વધારે સુવિધા જોઇએ તો વાતાનુકૂલિત લક્ઝરી કૉટેજ પણ લઇ શકો છો. સમાન્ય રીતે પેકેજમાં ત્રણ ટાઇમનું ભોજન, બહારની એક્ટિવિટીઝનો ખર્ચ અને રાફ્ટિંગનો સમાવેશ થાય છે.
ખર્ચઃ જો ટ્રાવેલ વેબસાઇટથી બુક કરાવો છો તો કેમ્પમાં એક રાત રોકાણનો ખર્ચ 6000 રુપિયાથી ઉપર આવે છે. પરંતુ જો તમે કંપનીમાં સીધા ફોન કરીને બુકિંગ કરાવો છો તો ભાવતાલ કરી શકો છો.
કેમ્પ એક્વાફોરેસ્ટ ઋષિકેશ
કેમ્પ એક્વાફોરેસ્ટના સ્વિસ ટેન્ટમાં રહીને તમને લાગશે જ નહીં કે તમે ભારતમાં છો. આ કેમ્પ ઋષિકેશમાં સૌથી સુંદર કેમ્પ સાઇટોમાંની એક છે. ટેન્ટમાં ગરમ પાણી અને એર કન્ડિશનની સુવિધા આપવામાં આવી છે જેથી આપને જંગલમાં રહેવામાં કોઇ મુશ્કેલી ન પડે. જો આપને નદીના ઠંડા પાણીમાં ડુબકી નથી મારવી તો કેમ્પ સાઇટ પર જ સ્વિમિંગ પૂલ પણ છે.
જેટલી સુવિધાઓ આ લોકો આપે છે તે હિસાબે આ કેમ્પ ઘણો વ્યાજબી છે. આ પેકેજમાં રિવર રાફ્ટિંગ, ક્લિક જમ્પિંગ વગેરે સામેલ હોય છે, પરંતુ જો તમે બંજી જમ્પિંગ કરવા માંગો છો તો તેની વ્યવસ્થા પણ કરી શકો છો.
ખર્ચ : આમ તો દર સીઝનના હિસાબથી બદલાતી રહે છે પરંતુ એક વ્યક્તિ માટે એક રાતનો એવરેજ ખર્ચ અંદાજે 4000 રુપિયા છે.
કેમ્પ ગંગા રિવેરા
જો તમે અસલી કેમ્પિંગ અનુભવની શોધમાં છો તો અહીં તમારી શોધ પુરી થઇ. ગંગા કિનારે બનેલી આ કેમ્પ સાઇટ બીજા લકઝરી કેમ્પો કરતા અલગ છે. આ અનુભવ મજબૂત લોકો માટે છે. ઋષિકેશ-બદ્રીનાથ હાઇ-વે પર રસ્તાથી 30 મિનિટનો ટ્રેક ચઢ્યા પછી આ કેમ્પ સાઇટ આવે છે. અહીં બનેલા એક તંબૂમાં 2 લોકો રોકાઇ શકે છે.
કેમ્પ ગંગા રિવેરામાં સૌથી સારો અનુભવ રાતમાં કેમ્પની બહાર આગની ચારે બાજુ બેસીને તારા જોવામાં છે. તમને પેકેજમાં બેડમિન્ટન, યોગા, વૉલીબૉલ, ટ્રેકિંગ વગેરે પ્રવૃતિઓ કરવા મળે છે. પોતાની રીતે એક્ટિવિટીઝ તમે જાતે પસંદ કરી શકો છો.
ખર્ચ : 2300 રુપિયા પ્રતિ વ્યક્તિના ચાર્જથી શરુ થાય છે.
કેમ્પ ફુટલૂસ
જો તમને ખીણો-મેદાનો પસંદ છે તો આ કેમ્પ સાઇટ જરુર પસંદ આવશે. કેમ્પ ફુટલૂસ કદાચ આ વિસ્તારની એકમાત્ર એવી કેમ્પ સાઇટ છે જ્યાં ત્રણેય બાજુથી હિમાલયના દ્રશ્યો જોઇ શકાય છે. અહીં તમે કુદરતના ખોળામાં કેટલાક દિવસો પસાર કરી શકો છો. આ કેમ્પ સાઇટ આ વિસ્તારની 3 પસંદગીની કેમ્પ સાઇટમાંની એક છે જે ગંગા કિનારે નથી. તો જો તમે નદીમાં ન્હાવા માંગો છો તો 5 મિનિટ જંગલોમાં નીચે ઉતરવું પડશે.
શિવપુરી પુલથી 5 મિનિટના ચઢાણ પર બનેલ આ કેમ્પ સાઇટના કર્મચારી ઘણાં વિનમ્ર સ્વભાવના છે. પરિવાર અને દોસ્તોની સાથે કેટલોક સમય આરામ કરવા માંગો છો તો આ સારી જગ્યા છે.
ખર્ચ : અલગ અલગ સમૂહો માટે ખર્ચ અલગ અલગ છે, સંપર્ક કરવા પર તમે ભાવતાલ કરી શકો છો.
વાઇલ્ડએક્સ કેમ્પ ઋષિકેશ
આ મારા પસંદગીના કેમ્પોમાંની એક છે. રાજાજી નેશનલ પાર્કમાં સ્થિત આ કેમ્પ સાઇટમાં તમે આખુ વર્ષ હિમાલયી પક્ષી જોઇ શકો છો. બીજા કેમ્પોની જેમ અહીં વધારે કેમ્પ નથી એટલે વધુ ભીડ પણ નથી થતી. તો તમે આરામથી અહીં એક રોમાંટિક સમય પસાર કરી શકો છો.
બીજા કેમ્પોની જેમ અહીં પણ માળખાગત સુવિધાઓ જેવી કે ગરમ પાણી, ભારતીય અને પશ્ચિમી શૌચાલય, ચાર ટાઇમનું ભોજન વગેરે સુવિધાઓ મળે છે. ગ્રુપની જરુરીયાતના હિસાબે અનેક પ્રકારના પેકેજ જેવા કે ફક્ત કેમ્પિંગ, કેમ્પિંગની સાથે રાફ્ટિંગ, કેમ્પિંગ અને રોમાંચક ગતિવિધિઓ વગેરે મળે છે. આ કેમ્પ તેના શ્રેષ્ઠ ભોજન અને સર્વિસ માટે જાણીતી છે.
ખર્ચ : એક વ્યક્તિનો ખર્ચ 3000 રુપિયાથી શરુ થાય છે.
ઋષિકેશ કેવી રીતે પહોંચશો
ઋષિકેશ દિલ્હીથી 245 કિ.મી., ચંદિગઢથી 230 કિ.મી. અને દહેરાદૂનથી 55 કિ.મી.ના અંતરે સ્થિત છે.
હવાઇ માર્ગ દ્ધારા : ફક્ત 20 કિ.મી. દૂર જ જૉલી ગ્રાન્ટ એરપોર્ટ છે પરંતુ જો તમે દૂરથી આવી રહ્યા છો તો દિલ્હીનું ઇન્દિરા ગાંધી એરપોર્ટ સારુ રહેશે.
રેલ દ્ધારા: 35 કિ.મી. દૂર હરિદ્ધાર સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.
રોડ દ્ધારા : દિલ્હી, ચંદિગઢ અને દહેરાદૂનથી રોજ બસો ચાલે છે. બજેટ છે તો આ શહેરોથી કેબ પણ બુક કરી શકો છો. દિલ્હીથી ઋષિકેશની કેબનું એવરેજ ભાડું 3000 રુપિયા છે.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.