વર્ષ 2021 અમારા માટે પ્રવાસનું વર્ષ રહ્યું. જાન્યુઆરીમાં અંદામાન, માર્ચમાં વારાણસી, સપ્ટેમ્બરમાં કોલકાતા, ઓકટોબરમાં મધ્ય પ્રદેશ અને નવેમ્બરમાં વતન ગુજરાતની મુલાકાત લીધા બાદ ડિસેમ્બરમાં અમે 4 દિવસ ઓડિશા રાજ્યના પ્રવાસે ગયા હતા. આ એક ફેમિલી ટ્રીપ હતી એટલે ઘણા અવનવા અનુભવો થયા અને અઢળક આનંદ પણ માણ્યો.
દિવસ 1
પુરી
જેમ દેશભરમાં હિન્દુઓ માટે ગુજરાત એ સોમનાથ-દ્વારકાનું સમાનાર્થી છે તેમ ઓડિશા ભગવાન જગન્નાથના ધામનું. ટાટાનગરથી સોમવારે સાંજે નીકળીને મંગળવારે વહેલી સવારે અમે પુરી પહોંચ્યા. હોટેલ્સમાં અર્લી ચેકઇનનો વિકલ્પ હતો પણ નવેમ્બર-ડિસેમ્બર ઓડિશા ફરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે એટલે પુરીની મોટાભાગની હોટેલ્સ પ્રવાસીઓથી છલકાતી હતી. રૂમ્સ મળ્યા બાદ ફ્રેશ થઈને અમે ચારધામમાંના એક એવા યાત્રા-ધામની મુલાકાત સાથે પ્રવાસની વિધિવત શરૂઆત કરી.
મંદિરમાં મોબાઈલ, અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ ચામડાના બેલ્ટ બહાર કાઉન્ટર પર જમા કરાવીને અંદર જવાનું રહે છે. હાલના મહામારીના સમયમાં જગન્નાથ મંદિરમાં ખૂબ જ પ્રશંસનીય વ્યવસ્થા હતી. દરેક શ્રદ્ધાળુએ ફરજિયાત આધાર કાર્ડ અને વેકસીનેશન સર્ટિફિકેટ બતાવવું પડે છે. ભીડ ઘણી જ હતી, પણ સાથોસાથ વ્યવસ્થા પણ એટલી જ સારી હતી.
જગન્નાથ ભગવાનના દર્શન કર્યા બાદ અમે ત્યાં મંદિર બહાર જ આવેલી એક પ્યોર વેજ રેસ્ટોરાંમાં ભોજન લીધું અને અન્ય એક પ્રાચીન લોકનાથ મંદિરની મુલાકાત લીધી. અમે મૂળ ભાવનગરના હોવાથી પુરીનો દરિયો એ અમારા માટે કોઈ ખાસ આકર્ષણની વાત નહોતી.
નોંધ: ગુજરાતીઓ માટે BAPS દ્વારા સંચાલિત સ્વામિનારાયણ અતિથિ ભવન, પુરીમાં શ્રેષ્ઠતમ રહેવા અને જમવાની સુવિધા છે.
દિવસ 2
કોણાર્ક
પુરીથી કોણાર્ક માત્ર 35 કિમી દૂર છે અને તે માટે પુરીથી રોજ ઓડિશા ટુરિઝમની બસ ઉપલબ્ધ છે. અમે 5 લોકોનો પરિવાર પ્રવાસ કરી રહ્યા હતા એટલે આજના દિવસથી બીજા 4 દિવસ માટે અમે પુરીથી પુરી સુધીની ટેક્સી કરી હતી. આ ટૂંકા રસ્તામાં પણ દસેક મિનિટ દરિયાકિનારે થોડો વિરામ લઈને અમે અત્યંત પ્રખ્યાત અને ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના એવા કોણાર્કના સુર્ય મંદિરની મુલાકાત લીધી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા આ મંદિરની સંભાળ રાખવામાં આવે છે. અહીં પ્રાંગણમાં જ મંદિરના ઇતિહાસ વિષે વિસ્તૃત માહિતી આપતા પ્રદર્શનની પણ ખાસ મુલાકાત લેવા જેવી છે.
સુર્ય મંદિરની મુલાકાત બાદ અમે ચિલીકા સરોવરના કિનારે આવેલા એક અદ્યતન રિસોર્ટ ભણી આગળ વધ્યા.
દિવસ 3
ચિલીકા
આશરે 1100 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું ચિલીકા એ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. આ સરોવર જોવા તેમજ અહીં સાતપડા ગામ નજીક બોટિંગમાં ડોલ્ફિન અને લાઈવ મોટી બતાવવામાં આવે છે એ જોવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે. અમારા અનેક ઓડિયા પાડોશીઓએ જણાવ્યું હતું કે હવેના સમયમાં આમાંનું કશું જ જોવા મળતું નથી અને માત્ર બોટિંગ કરાવીને પ્રવાસીઓને પાછા લાવવામાં આવે છે. પરિણામે અમે ચિલીકા સરોવરને માણવા સ્વસ્તિ ચિલીકા રિસોર્ટમાં એક દિવસ રોકાણ કર્યું હતું. અમે ચિલીકા સરોવર પણ માણ્યું અને અફલાતૂન રિસોર્ટ પણ.
સ્વસ્તિ ચિલીકામાં એક દિવસનો લક્ઝુરિયસ સ્ટે માણીને સાંજે અમે ભુવનેશ્વર પહોંચ્યા. ભુવનેશ્વર ભારતનું ‘ટેમ્પલ સિટી’ કહેવાય છે. અહીં અનેક પ્રાચીન મંદિરો પૈકી સૌથી મહત્વનું મંદિર એટલે લિંગરાજ મહાદેવ મંદિર. પહોંચ્યા એ સાંજે જ અમે આ મંદિરના દર્શન કર્યા હતા. લિંગરાજ મંદિરમાં મોબાઈલ લઈ જવાની પરવાનગી નથી અને વેકસીનેશન સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત છે. હાલ પૂરતી 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મંદિરમાં પ્રવેશની મંજૂરી નથી.
દિવસ 4
ભુવનેશ્વર
આ દિવસની શરૂઆત થઈ વર્ષ 1960 માં ખોલવામાં આવેલા ભારતના સર્વ પ્રથમ ઝૂલોજીકલ પાર્કની મુલાકાતથી. દેશના પાંચ મોટા અતિવિશાળ ઝૂમાંના એક એવું નંદનકાનન ઝૂ એ ખરેખર અદભૂત જગ્યા છે. આ એટલું ભવ્ય ઝૂ છે કે આખા ઝૂની મુલાકાત લેવા માટે અહીં ઇલેક્ટ્રિકલ વાહનની વ્યવસ્થા છે. વળી, અહીં સફારીનો અનુભવ પણ કરી શકાય છે. મંગળવારથી રવિવાર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી આ ઝૂ ખુલ્લુ રહે છે. ઝૂની એન્ટ્રી ફી 50 રૂ /-, ઇલેક્ટ્રિક વાહનની ફી 80 રૂ /- અને સફારીની ફી 60 રૂ /- છે.
ત્યાર પછી લંચ કરીને અમે ઝૂથી 20 કિમી દૂર આવેલી ઉદયગિરિ અને ખંડાગિરિની ગુફાઓ જોઈ. કુદરતી તેમજ માનવસર્જિત બંને રીતે બનેલી આ ગુફાઓ પણ ભુવનેશ્વરની એક જોવાલાયક જગ્યા છે. અહીં જૈન મંદિરો પણ આવેલા છે.
પ્રવાસનું છેલ્લું મુકામ હતું રાજારાણી મંદિર. ના, રાજારાણી એ કોઈ દેવી-દેવતાનું નામ નથી, પણ તે મંદિર જે પથ્થરો દ્વારા બનાવાયું છે એ પત્થરોનું નામ છે. આ જગ્યાની સંભાળ પણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા રાખવામાં આવે છે.
દિવસ 5
ભુવનેશ્વરથી પુરી આવીને અમે પરિવારનો એક હિસ્સો અમદાવાદ અને એક હિસ્સો જમશેદપુર ભણી પાછા જવાનો પ્રવાસ કર્યો અને જય જગન્નાથના નારા સાથે આ એક શોર્ટ એન્ડ સ્વીટ ટ્રીપ પુરી થઈ.
કેવી રીતે જવું?
પુરી, કોણાર્ક, ચિલીકા અને ભુવનેશ્વર બધું જ એકબીજાથી 30 થી 50 કિમીના અંતરે આવેલું છે. ભુવનેશ્વર સુધી ટ્રેન અને ફ્લાઇટ બંને માધ્યમથી પહોંચી શકાય છે. અલબત્ત, અમદાવાદથી પુરીની ડાયરેક્ટ ટ્રેન પણ ઉપલબ્ધ છે.
ક્યારે જવું?
નવેમ્બર-ડિસેમ્બરમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઓડિશાની મુલાકાતે આવે છે તેથી શક્ય હોય તો ઓફ-સિઝન પસંદ કરવી. મે, જૂન, જુલાઇ મહિનાઓમાં અહીં બહુ ખરાબ વાતાવરણ હોય છે તે પણ ધ્યાનમાં રાખવું.
.