મહાશિવરાત્રી 2021, કાશી અને અમે!

Tripoto
Photo of Kashi Vishwanath temple, Varanasi - Bhadohi Road, Chauri Bazar, Lachhapur, Uttar Pradesh, India by Jhelum Kaushal

હિન્દુ ધર્મમાં કરોડો દેવી-દેવતાઓની પૂજા થાય છે. ભગવાનના દરેક સ્વરૂપને ઉજવવા, તેમને પૂજવા માટે આખા વર્ષમાં કેટલાય તહેવાર આવે છે. આવામાં જે ઈશ્વર દેવોના પણ દેવ હોય એવા મહાદેવની તહેવાર હિન્દુ ધર્મનાં શ્રધ્ધાળુઓ માટે સ્વભાવિકપણે જ બહુ મહત્વનો હોવાનો. મહાશિવરાત્રીના દિવસે ભારતભરના તમામ નાના-મોટા શિવ મંદિરોમાં ભાવકોની ભીડ ઉમટે છે.

મારો જીવનસાથી મહાદેવનો બહુ જ મોટો ભક્ત છે, ઉપાસક છે. વર્ષ 2021માં મહાશિવરાત્રીનો તહેવાર 11 માર્ચના દિવસે આવી રહ્યો હતો. એનો જન્મદિવસ! કોઈ શિવ-ભક્ત માટે પોતાના જન્મદિવસે શિવરાત્રી હોય એ કેટલી મોટી વાત કહેવાય! ખરેખર એક દુર્લભ સંગમ જ કહી શકાય. અમે જમશેદપુર રહીએ છીએ એટલે ત્રણ-ચાર વર્ષમાં અહીંથી બદલી થઈ જાય તે પહેલા શક્ય હોય એટલા પૂર્વ ભારતનાં સ્થળો ફરવા ઈચ્છીએ છીએ.

અલગ-અલગ જગ્યાઓ વિષે ગૂગલ સર્ચ કરી રહી હતી ત્યાં જાણવા મળ્યું કે અહીંથી (જમશેદપુરથી) વારાણસી માત્ર 550 કિમી જ દૂર છે અને ટ્રેનની પણ ઘણી સારી સગવડ છે. માર્ચ મહિનો છે એટલે તેને કામ તો ખૂબ હતું પણ ગમે તેમ મેનેજ કરીને 12 માર્ચની રજા લઈને અમે લોંગ વીકએન્ડનો લાભ લઈ જ લીધો અને મહાશિવરાત્રી પર જઈ ચડયા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા વિશ્વનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે.

10 માર્ચ રાતે 11.40ની ટ્રેનમાં અમે ટાટાનગરથી નીકળીને 11 માર્ચ સવારે 8.30 વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન (DDU જંકશન) પહોંચ્યા. આ સ્ટેશન વારાણસીથી માત્ર 20 કિમી દૂર છે એટલે ત્યાંથી રિક્ષામાં વારાણસી ગયા. રસ્તામાં જ પવિત્ર નદી ગંગાએ અમને કાશીમાં આવકાર્યા. 2 દિવસનાં પ્રવાસમાં અમારો ઉતારો LIC ગેસ્ટહાઉસમાં હતો એટલે રેલવે સ્ટેશનથી ગેસ્ટહાઉસ પહોંચ્યા. નહાઈ ધોઈને અમે વિશ્વનાથ મંદિર દર્શન કરવા ગયા.

Photo of મહાશિવરાત્રી 2021, કાશી અને અમે! by Jhelum Kaushal
Photo of મહાશિવરાત્રી 2021, કાશી અને અમે! by Jhelum Kaushal

ગેસ્ટહાઉસ મંદિરથી માત્ર 2 કિમીના અંતરે હતું અને મંદિરની આસપાસ ઘણા વિસ્તારમાં વાહનો પ્રતિબંધિત હતા એટલે ફરજિયાત ચાલતા જ જવું પડે તેમ હતું. અને અમે ચાલી નીકળ્યા. જોકે થોડા સ્થળો સાઇકલ રિક્ષાઓ ઉપલબ્ધ હતી.

લોકોની આસ્થા, ઉત્સાહ, શિવરાત્રીના દિવસે કાશીમાં હોવાનો આનંદ- બધું જ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પર દર્શન, પૂજા, આરતી વગેરેનું ઓનલાઈન બૂકિંગ કરી શકાય છે. આ ટિકિટ હોવાથી લાઇનમાં ઉભા રહેવાની જરૂરિયાત નથી રહેતી. અમે 11 માર્ચનું સુલભ દર્શનનું અને 13 માર્ચનું મંગળા આરતીનું બૂકિંગ કરાવીને જ ગયા હતા. વિશેષ દિવસોમાં સામાન્ય લોકો માટે પૂજા કે આરતીના બૂકિંગ બંધ હોય છે તેથી 11 અને 12 માર્ચના દિવસે કોઈ પણ આરતી માટે બૂકિંગ બંધ હતું.

અમે અમારી દર્શનની ટિકિટ બતાવી અને લાંબી લાઇન વચ્ચેથી નીકળીને વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની ઓફિસ પહોંચ્યા. ત્યાં લોકરમાં અમારા મોબાઈલ-પર્સ જમા કરાવ્યા અને મંદિર ભણી આગળ વધ્યા. પેલી લાઇનથી આશરે 500 મીટર પછી મંદિરના ટ્રસ્ટની ઓફિસ હતી અને ત્યાર પછી 200-250 મીટરના અંતરે મંદિર. અમે અંદાજ લગાવ્યો કે દર્શન માટે લગભગ એકાદ કિમી જેટલી લાંબી લાઇન હતી. હકડેઠઠ જનમેદની વચ્ચે માત્ર બે-ત્રણ સેકન્ડમાં મંદિરના ગર્ભગૃહની સામેથી નીકળી ગયા. શિવલિંગના દર્શન તો ન થયા પણ શિવરાત્રીના પાવન દિવસે હજારો યાત્રીઓની વચ્ચે મંદિરના પટાંગણમાં હોવું એ જ એક વિશેષ ઉપાધિ હોય તેવું લાગ્યું.

સાંજે 6.30ની ગંગા આરતી માટે અમે 5 વાગે જ દશસ્વમેઘ ઘાટ જવા નીકળી ગયા હતા. 5.30 પહેલા જ જગ્યા શોધીને બેસી ગયા. માણસોનો પ્રવાહ જાણે ગંગા મૈયાના પ્રવાહ સાથે હરીફાઈ કરી રહ્યો હોય એમ સતત આવતો જ જતો હતો. નદીકિનારે, નદીમાં ઊભેલી હોડીઓમાં, ઘાટના પગથિયે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માણસો જ માણસો હતા. ગંગા આરતીના સાક્ષી થવાની અનુભૂતિ ખરેખર એક અવર્ણનીય લ્હાવો છે. પંદરેક મિનિટ અલૌકિક ગંગા આરતી માણીને અમે બંને ગેસ્ટહાઉસ પાછા ફરવા નીકળી ગયા કેમકે આરતી પૂરી થયા બાદ આટલી જનમેદનીમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું હોય તે સમજી શકાય.

Photo of મહાશિવરાત્રી 2021, કાશી અને અમે! by Jhelum Kaushal
Photo of મહાશિવરાત્રી 2021, કાશી અને અમે! by Jhelum Kaushal
Photo of મહાશિવરાત્રી 2021, કાશી અને અમે! by Jhelum Kaushal
Photo of મહાશિવરાત્રી 2021, કાશી અને અમે! by Jhelum Kaushal

બીજા દિવસે અમે સારનાથ, BHU જેવા સ્થળોનો પ્રવાસ કર્યો. રાત્રે જગતનું સૌથી પવિત્ર સ્મશાન એવા મણિકર્ણિકા ઘાટની મુલાકાત લીધી. ત્યાં સ્મશાનનાથ બાબા નામનું નાનકડું શિવમંદિર છે ત્યાં અદભૂત આરતીનો લાભ મળ્યો. અમારી જેમ બનારસના પ્રવાસે આવેલા લોકો વાતો કરી રહ્યા હતા કે ગંગા કિનારે ભગવાન વિશ્વનાથના સાનિધ્યમાં અંતિમ સંસ્કાર થાય તે ખરેખર નસીબમાં હોય તો જ શક્ય બને.

ત્રીજા દિવસે 13 તારીખે પરોઢે 3 વાગ્યાની મંગળા આરતીમાં અમારું બૂકિંગ હતું એ માટે અમે 1.30 વાગે રૂમેથી નીકળી ગયા હતા. 2 વાગ્યા પહેલા પહોંચી ગયા તો પણ લાઇન બની ગઈ હતી, કેટલાક ગુજરાતી પ્રવાસીઓ પણ મળ્યા. 3 વાગે અંદર જવા દીધા અને આરતી શરુ થઈ. પરોઢે 3 વાગે પણ માણસો તો હતા જ ટિકિટ લીધેલા 400 લોકો જ હતા એટલે સારું રહ્યું. 4 વાગે સ્થાનિકો તેમજ ટિકિટ વિનાનાં લોકો માટે દર્શન ખૂલે તે પહેલા બધા જ શ્રધ્ધાળુઓને શિવલિંગના સ્પર્શ દર્શન કરવા દીધા.

શિવરાત્રીના દિવસે જે શિવલિંગ અમે જોઈ સુધ્ધા ન શક્યા તેના સ્પર્શ દર્શન એ ખરેખર ખૂબ જ ભાવુક ક્ષણ હતી. ત્યાંથી અમે કાળ ભૈરવના મંદિરે ગયા. કહેવાય છે કે વિશ્વનાથ કાશીના રાજા છે તો કાળ ભૈરવ તેમના સેનાપતિ છે. બોટિંગ કરીને રૂમ પર પાછા આવીને 3-4 કલાક સૂઈ ગયા.

Photo of મહાશિવરાત્રી 2021, કાશી અને અમે! by Jhelum Kaushal

કાશીમાં શિવરાત્રી આજીવન સ્મરણમાં રહેશે. મારા હસબન્ડની વાત મને સાવ જ સાચી લાગી, “કોઈએ સાચું જ કહ્યું છે, Shiva doesn’t live in Kashi, Kashi lives in Shiva!”

હર હર મહાદેવ!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads