દિવસેને દિવસે વિશ્વ નાનું બનતું જાય છે. બ્રેઇન ડેન બહુ જ સામાન્ય બની ગયું છે. લોકો પોતાના શહેર, રાજ્ય કે દેશ છોડીને કોઈ બીજી જગ્યાએ સ્થાયી થયા હોય એવા આપણી આસપાસ જ ઢગલોબંધ ઉદાહરણો મળી આવશે. વતનથી દૂર સૌથી વધારે શું મિસ કરો છો? એવો પ્રશ્ન કોઈને પૂછવામાં આવે તો મોટા ભાગનાં કિસ્સાઓમાં ઘર-પરિવારને પણ પાછળ મૂકીને જવાબમાં સૌથી પહેલા સ્થાને 'ફૂડ' જ આવે. અલબત્ત, પરિવારજનોની ગેરહાજરી પણ કઈ ગમતી વસ્તુ નથી જ.
આ બધામાં એક ખૂણામાં બેસીને ધીમું મલકાતી હોય છે માતૃભાષા. એ જાણે છે કે પોતાના વિસ્તારમાંથી બહાર નીકળતાની સાથે જ કોઈ પણ માણસ જેટલી પોતાની માતાને ઝંખે છે એટલો જ માતૃભાષાને ઝંખે છે. આ વાત સાથે ગુજરાત બહાર વસતા લોકો કે ટ્રાવેલર્સ જરુર સહમત થશે. અરે! બહુ જ સરળતાથી માતૃભાષાનું મહત્વ જાણવું હોય તો મુંબઈ કે રાજસ્થાનની મુલાકાત યાદ કરો. ગુજરાતને અડીને આવેલા આ બિન-ગુજરાતી પ્રદેશમાં કોઈને ગુજરાતી બોલતા સાંભળીએ તો આપણા કાન અચૂક ચમકે છે. દુનિયાના કોઈ પણ સ્થળે આ વાત એટલી જ લાગુ પડશે.
રાજસ્થાન, ગોવા, લદ્દાખ કે યુરોપ. પ્રવાસ માટે ગયા હોવ કે ત્યાંના જ રહેવાસી હોવ. પોતાની માતૃભાષા બોલતા કોઈ મળી જાય તો તેની સાથે આપોઆપ જ જોડાઈ જવાય છે. અને ક્યાંય પણ જાઓ, ગુજરાતીઓ તો મળી જ જવાનાં.
ઘણા બધા લોકો કેટલાય વર્ષો, દાયકાઓથી પોતાના વતનથી દૂર રહેતા હોય છે. હું તો માત્ર 1 જ વર્ષથી દૂર છું. શરૂઆતના 4 મહિના કર્ણાટકના શિમોગામાં અને હવે જમશેદપુરમાં. ભાવનગરથી પૂરા 2000 કિમી દૂર.
સૌથી પહેલી વાર મેઇન રોડ પર 'ચોક્સી જ્વેલર્સ' વાંચવા મળ્યું તો થયું કે ચોક્સી છે એટલે ગુજરાતી હોવા જોઈએ. અંદર જઈને પૂછ્યું, "ભૈયા આપ ગુજરાતી હૈ?" એમણે હા કહ્યું. "અહીં સારું ગુજરાતી જમવાનું ક્યાં મળે છે?" એક જ ક્ષણમાં ભાષા બદલાઈ ગઈ.
'ગુજરાતી સનાતન સમાજ' વાંચીને જ જ્યારે રાજી થઈ જવાયું, ગુજરાતીમાં વાતો કરવાવાળા લોકો મળે ત્યારે તો અનહદ આનંદ થાય. કોવિડ મહામારીને કારણે 2020 માં ગુજરાતી સમાજમાં કોઈ જ કાર્યક્રમનું આયોજન નહોતું થયું. અમુક ગણતરીના લોકો સિવાય કોઈની ઓળખાણ પણ નહોતી. એક વાર કોઈનો ફોન આવ્યો કે જલારામ મંદિરમાં મહા પ્રસાદ છે, આવવું હોય તો આવી જાઓ.
અમારા ઘરે જમવાનું બની ગયું હતું, પણ તાત્કાલિક એક જ હેતુથી ગયા કે જે બે-પાંચ પોતીકાં લોકો સાથે મુલાકાત થાય. અને સાચે જ, ખૂબ સારો અનુભવ થયો. 'જય શ્રી કૃષ્ણ' કહીને મેં વાત કરવાની શરૂઆત કરી. જોતજોતામાં જ ડઝનેક લોકો સાથે પરિચય થયો. અહીં કોઈ પણ સ્ત્રીને 'દીદી' અથવા 'ભાભી' કહીને બોલાવવામાં આવે છે, એવામાં 'બેન' સાંભળવું ખૂબ ગમ્યું. મોટા ભાગનાં લોકો દાયકાઓથી જમશેદપુર રહેતા ગુજરાતીઓ હતા એટલે 'દેશ'માંથી કોઈ આવ્યું છે એ જાણીને ખૂબ ઉમળકાભેર વાતો કરી.
પ્રસાદમાં ખિચડી, કઢી, બટેટાનું શાક અને જલેબી હતું. જમશેદપુરમાં પ્રથમ વખત ગુજરાતી ઢબે બનેલું ભોજન જમ્યા. સાદું ભોજન પણ સૌ સાથે વાતો કરતાં કરતાં અમૃત જેવું લાગી રહ્યું હતું. બધા એ જ વાતો કરી રહ્યા હતા કે કોઈ ગુજરાતી ગુજરાત બહાર ગમે ત્યાં જાય, તેનામાંથી ગુજરાત ક્યારેય જતું નથી. હું આ વાત સાથે સંપૂર્ણપણે સહમત છું.
ઝારખંડમાં મુખ્યત્વે માંસાહારી લોકો જ વસે છે એટલે પ્યોર વેજીટેરિયન જમવાનું ઘણી ઓછી જગ્યાએ મળે છે. ગુજરાતીઓ મળ્યા તેથી અમારી આ સમસ્યા વિષે ખુલ્લા મને વાત કરી શક્યા.
કોઈ વડોદરાથી હતા, તો કોઈ રાજકોટથી. કોઈ 1917 માં, કોઈ 1954 માં તો કોઈ 2016 માં ગુજરાતથી જમશેદપુર આવીને વસ્યા હતા. અમુક વાહનોની નંબર પ્લેટ GJથી શરુ થતી હતી તે જોઈને પણ ખૂબ સારું લાગશે તેવી કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી. સરકારી નોકરીને કારણે જમશેદપુર આવેલા માત્ર અમે જ હતા, બાકીનાં સૌ વ્યવસાય અથવા ટાટા સ્ટીલમાં નોકરી- બે જ કામ કરનારા હતા.
દાયકાઓથી ગુજરાત છોડી દીધું હોય તેમના સંતાનોના ગુજરાતીમાં હિન્દી ભાષાની સ્પષ્ટ અસર જોઈ શકાતી હતી. તેમ છતાં મીઠું લાગતું હતું. ગમે તેમ તોયે માતૃભાષા ખરીને!
.