
ગગનચુંબી ઇમારતો અને પોતાના કામથી કામ રાખનારી ઓફિસો ઉપરાંત પણ દિલ્હીમાં ઘણું બધુ છે. દેશની રાજધાની સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિથી જોઇએ તો ઘણી સંપન્ન છે. અહીં પહેલેથી જ જુદા જુદા પ્રકારના ધંધાને ઓળખ મળી છે. અહીં અનેક પ્રકારના વેપારી આવ્યા અને પોતાની બુદ્ધમત્તાના જોરે અહીં ટક્યા, સાથે જ ઘણાં મોટા સ્વરુપમાં પોતાનો વેપાર પણ ફલાવ્યો. આજે દિલ્હીના કેટલાક એવા રાઝ તમારી સમક્ષ ખોલવા જઇ રહ્યો છું જેને જો તમે તમારી આંખોથી જોઇને આવશો તો મજા આવશે.
દિલ્હીના 20 બજાર વિશેષ પ્રકારની ચીજો વેચવા માટે પ્રસિદ્ધ છે.
નવી સડક માર્કેટ
દરેક પ્રકારની પુસ્તકો

નવી સડક પર તમે દરેક પ્રકારના પુસ્તકો શોધી શકો છો. પછી તે સ્કૂલના પુસ્તકો હોય કે પૌરાણિક કથાઓના પુસ્તકો, એવી કોઇ પુસ્તક નથી જે અહીં ન મળતી હોય. અહીં તમને જુની કામમાં લીધેલી પુસ્તકો પણ મળી જશે અને તે પણ બિલકુલ ઓછી કિંમતમાં. તમે ઇચ્છો તો તમારી જુની પુસ્તકો પણ અહીં વેચી શકો છો.
પાલિકા બજાર
ગેમિંગ કન્સોલ અને સીડી

દિલ્હીનું આ અંડરગ્રાઉન્ડ બજાર બધા પ્રકારની "અંડરગ્રાઉન્ડ" ચીજો રાખવા માટે જાણીતું છે. અહીં તમને સ્પોર્ટ્સની નકલી જર્સીની સાથે સાથે પેક કરેલા ડિઓડરન્ટની બોટલો પણ મળી જશે જેમાં ફક્ત પાણી ભરેલું હોય છે. અહીં આપને બધુ જ મળશે. પરંતુ આ બજાર ખાસ કરીને એટલા માટે પ્રસિદ્ધ થયું કારણ કે અહીં મોંઘા ગેમિંગના સાધનોના સસ્તા ચાઇનીઝ વિકલ્પ મળતા હતા.
ટેન્ક માર્ગ
બધા આકાર, માપ અને બ્રાન્ડનાં જીન્સ

ટેન્ક રોડ દિલ્હીમાં ડેનિમના કપડાનું સૌથી મોટું બજાર છે. અહીં તૈયાર થયેલા જીન્સ આખા શહેરની સાથે ભારતની બીજી જગ્યાઓ પર પણ જાય છે. તમારુ જે મન કરે તે બ્રાન્ડના સ્ટીકર તમે તમારા જીન્સની પાછળ લગાવી શકો છો અને વેચનારા ખુશી ખુશી તમારી વાત માની લેશે.
સરોજિની નગર માર્કેટ
મહિલાઓનું સ્ટ્રીટ શોપિંગ

સરોજિની નગર મહિલાઓ માટે કોઇ ખજાનાથી કમ નથી. આનું કારણ છે અહીં વેચાતા અનેક પ્રકારના સસ્તા કપડા અને અન્ય સમાન જે તમને અહીં કેવળ એક ચોરસ કિલોમીટરના વિસ્તારમાં મળી જશે અને ભાવતાલ કરવામાં સંકોચ ન કરો.
નહેરુ પ્લેસ
લેપટૉપ તેમજ ડેસ્કટૉપની ખરીદી અને રિપેરિંગ

આ જગ્યા ટેકનિકલ સાધનોના શોખીન લોકો માટે કોઇ સ્વર્ગથી કમ નથી. દિલ્હી / એનસીઆરમાં જો કોઇને પોતાનું લેપટૉપ કે ડેસ્કટૉપની ખરીદી, વેચાણ, બનાવટ કે રિપેરિંગ કરવાનું કામ હોય તો તે નહેરુ પ્લેસ જ આવે છે. અહીં વેચાતા કેટલાક સામાન ભલે પહેલી નજરમાં હાસ્યાસ્પદ લાગે પરંતુ તેની માંગ બહુ હોય છે.
ગફ્ફાર માર્કેટ
નવા, જુના અને ચીની મોબાઇલનો અડ્ડો

જેવી રીતે નહેરુ પ્લેસ લેપટૉપ તેમજ ડેસ્કટૉપ માટે જાણીતા છે તેવી જ રીતે ગફ્ફાર માર્કેટ મોબાઇલો માટે જાણીતું છે. પરંતુ જો તમે તમારા મોબાઇલને અહીં રિપેરિંગ માટે આપી રહ્યા છો તો ધ્યાન રાખજો કે અહીં ઘણાં દુકાનદાર મોબાઇલમાંથી અસલી પાર્ટ કાઢી નાંખી નકલી લગાવી દે છે.
ચાંદની ચોક
લગ્નની ખરીદી

જો તમારે દુનિયાના કોઇપણ ખુણામાં લગ્નનું આયોજન કરવાનું હોય કે કોઇ લગ્નમાં સામેલ થવાનું છે તો કપડાંની ખરીદી ચાંદની ચોકના કપડાં બજારમાંથી કરજો. આવુ એટલા માટે કારણ કે ચાંદની ચોકના કપડાં બજારમાં બધા પ્રકારના કપડાં મળી રહે છે. અહીં વેચાતા ભારતીય પોષાક સસ્તા હોવાની સાથે સાથે સમયના અનુરુપ હોય છે અને દુકાનદાર પણ મિલનસાર હોય છે.
કેમેરા અને કેમેરા સંબંધિત બધુ જ

જો તમે તમારી યાત્રાઓની યાદો સંઘરવા માટે યોગ્ય કેમેરાની શોધ કરી રહ્યા છો તો તમારી આ શોધ કૂચા ચૌધરી માર્કેટ કે ચાંદની ચોકના ફોટો માર્કેટમાં જઇને સમાપ્ત થશે. આ બજારોમાં તમને બધા પ્રકારના કેમેરાનો તમામ પ્રકારનો સામાન મળી જશે.
ખારી બાવલી
દરેક પ્રકારના મસાલા અને અન્ય આવી જ ચીજો

હવે જ્યારે તમે તમારો કેમેરા ખરીદી જ લીધો છે તો થોડેક દૂર વધુ ચાલો. ચાંદની ચોકની પાસે સ્થિત ખારી બાવલી એશિયાનું સૌથી મોટુ મસાલાનું બજાર છે જ્યાં તમને કેમેરામાં કેદ કરવા માટે અનેક પ્રકારના રંગ અને આકાર મળી જશે.
સત્ય નિકેતન
પશ્ચિમી દેશોની માફક બનેલા સસ્તા કેફે

વધારે રુપિયા ખર્ચ્યા વગર સસ્તામાં કોલ્ડ કૉફી અને પિઝાનો આનંદ લેવા માંગો છો? સત્ય નિકેતન માર્કેટ તમારુ સ્વાગત કરવા માટે તૈયાર છે. દિલ્હી યૂનિવર્સિટીના દક્ષિણી પરિસરમાં સ્થિત વેંકટેશ કૉલેજની બરોબર સામે આ જગ્યા આવેલી છે, જ્યાંના શાનદાર કેફેમાં તમને દુનિયાભરના ખાવાનો સ્વાદ એક જ સ્થાન પર સસ્તી કિંમતમાં ચાખવા મળશે.
મજનૂ કા ટીલા
મોંઘા જુતાની સસ્તી દુકાન

આ તિબ્બતી વસતી બધા પ્રકારના મોંઘા જૂતાની બ્રાન્ડના નકલી નમૂના વેચવા માટે જાણીતી છે. પછી વાત હોય નાઇકી, એડીડાસ, એકિક્સ, રીબૉક કે અન્ય લગ્ઝરી બ્રાન્ડની, આ બજારમાં તમને બધા પ્રકારની બ્રાન્ડની કૉપી ખરીદવા માટે મળી જશે. સામાનની ગુણવત્તા પણ સારી હશે.
ઝંડેવાલા
દરેક બાજુ સાયકલો જ સાયકલો

જો તમે કનૉટ પ્લેસમાં પ્રદુષણ-વિરોધી અભિયાનો પર જાઓ છો, તો પોતાનો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જાહેર કરવા માટે તમને પણ એક સારી સાયકલની જરુર હશે. એવામાં ઝન્ડેવાલા સાયકલ માર્કેટ જ એકમાત્ર જગ્યા છે જ્યાં તમને જે પ્રકારની સાયકલ જોઇએ તે મળી જશે.
એઇમ્સ
દવાઓનો ભંડાર

ભારતની સૌથી પ્રસિદ્ધ ચિકિત્સા સંસ્થાન એઇમ્સની બહાર તમને ઘણીબધી સારી કેમિસ્ટની દુકાનો જોવા મળશે જ્યાં તમને એવી એવી દવાઓ મળશે જે દેશમાં બીજે ક્યાંય નહીં મળે. અહીં આપને આંતરરાષ્ટ્રીય દવાઓ પણ મળી જશે.
નેઇવાલા
કારો સંબંધિત બધુ જ મળશે

જો તમે તમારી કારમાં નેકસ્ટ લેવલના ફેરફાર કરવા માંગો છો તો ઉઠાવો ગાડી અને પહોંચી જાઓ કારોલ બાગના આ બજારમાં જ્યાં જઇને તમે અનુભવ કરશો કે તમારી ગાડીમાં આટલા સમયથી કઇ ચીજની કમી હતી. લક્ઝરી કારોની ખરીદી, વેચાણથી લઇને અનોખા સામાન સુધી આ બજારમાં બધુ જ મળી જશે.
બલ્લીમારાન ગલી
અગરબત્તીથી લઇને નંબરના ચશ્મા, જ્યાં નજર નાંખશો, ચશ્મા જ દેખાશે

આ સાથે જ આપણે ફરી એકવાર ચાંદની ચોકની ગલીઓમાં પહોંચી ગયા છીએ. પછી તમે નજરના ચશ્મા ખરીદો કે ડિઝાઇનર ફેશનવાળા ચશ્મા. જુની દિલ્હીના બલ્લીમારાન વિસ્તારમાં આપને નાની મોટી તમામ પ્રકારની ચશ્માની દુકાનોની ભરમાર મળી જશે.
છત્તરપુર
પોતાના સાચા પ્રેમ માટે ફૂલ

છત્તરપુરના ડી બ્લૉકમાં તમને તમારા જીવનની કેટલીક સૌથી મોટી નર્સરી જોવા મળી જશે. દરેક સવારે તમને ઘણાં વેપારીઓ જુદી જુદી જાતના અને રંગના ફૂલો રસ્તા પર વેચતા જોવા મળશે.
લાલ કુઓ
પોતાના દિલની પતંગને ચગાવો મસ્તીની ડોરની સાથે

શું તમે વિચાર્યું છે કે દરેક ભારતીય તહેવારો દરમિયાન આટલી બધી પતંગો આવે છે ક્યાંથી? આ પતંગો આવે છે લાલ કુઆથી. આ જગ્યાએ માત્ર પતંગો બનાવનારા કારીગરો રહે છે જેમની અનેક પેઢીઓ ફક્ત પતંગ બનાવીને જ ગુજરાન ચલાવી રહી છે.
સાકેત
સુંદર ફેશન મૉલ

જો તમે કોઇ ખાસ પ્રસંગે તૈયાર થવા પોતાના માટે કપડા ખરીદવા માંગો છો તો નવા ફેશનના પરિધાન તમને ડીએલએફ પ્લેસ અને સાકેતમાં સિટીવૉક મૉલમાં મળશે. અહીં આપને બધા પ્રકારની લકઝરી ફેશન બ્રાન્ડ એક જ છત નીચે મળી જશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અહીં આવીને તમને બિલકુલ નિરાશા નહીં થાય.
તિલક નગર
ચાટ, ટિક્કી, પાણીપુરી, સ્ટ્રીટ ફૂડનો સ્વાદ

આમ તો તમને શહેરના દરેક ખૂણામાં શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ મળી જશે, પરંતુ તિલક નગર સ્વાદના મામલે ઘણું જ ખાસ છે. પશ્ચિમી દિલ્હીનો પંજાબી વિસ્તાર હોવાથી તિલક નગર માર્કેટમાં આપને રસ્તાના કિનારે સ્વાદિષ્ટ વ્યંજન ખાવા મળશે જેનો સ્વાદ તમે પહેલા ક્યારેય ચાખ્યો નહીં હોય.
ચાલો, આશા કરુછું કે આ યાદીને વાંચ્યા પછી જ્યારે પણ ફરીવાર બહાર નીકળશો તો આમાંથી કોઇ એક ન એક જગ્યાએ તો જવાનું પસંદ કરશો જ અને જ્યારે જશો તો પોતાના અનુભવ અમારી સાથે વહેંચશો.