કોઈ પણ સંતાનના જીવનમાં પિતાનું શું મહત્વ હોય એ દરેક વ્યક્તિ અનુભવતા જ હોય છે. ઘણા કલાકારો અથવા સાહિત્યકારો તેને વ્યક્ત કરવા પ્રયત્ન પણ કરી ચૂક્યા છે. પણ અહીં કેટલાક યુવાનોના તેમના પપ્પા સાથેના પ્રવાસના અનુભવો એકઠા કરવાનો પ્રયાસ થયો છે. પ્રવાસની વાત આવે ત્યારે આ સૌ કહે છે, "પપ્પા ઇસ પરફેક્ટ!"
પપ્પા સાથે પ્રવાસ: નોખા યુવાનોના અનોખા અનુભવો ભાગ 1 અહીં વાંચો.
તન્વી પન્ડા
વર્કિંગ પેરેન્ટ્સના સંતાન માટે મમ્મી-પપ્પા સાથે નિરાંતનો સમય વિતાવવો એ એક અમૂલ્ય અનુભવ છે. પપ્પા ઊંચી પોસ્ટ પર છે અને દર 2-3 વર્ષે તેમની બદલી થયા કરે છે એટલે તેમની સાથે ફરવા જવાનું તો દૂર, ઘરે તેમની હાજરી હોય એ જ મારા માટે બહુ ખાસ હતું. ક્યારેક મહિનાઓ કે વર્ષમાં માંડ 3-4 વાર અમારી મુલાકાત થાય તેવું પણ બન્યું છે. માર્ચ 2020થી લોકડાઉનના કારણે મારી સ્કૂલ અને ભાઈની કોલેજ બંને બંધ થયા. જે કુટુંબના સભ્યો અલગ-અલગ શહેરોમાં છૂટા-છવાયા રહેતા હોય તેમના માટે લોકડાઉન ઘણું આશીર્વાદરૂપ સાબિત થયું છે.
અલબત્ત, અમે અમુક પ્રવાસો કર્યા છે તેમાં પપ્પાએ સંપૂર્ણપણે અમને સમય આપ્યો છે. અમારું ઘર ભુવનેશ્વરમાં છે એટલે તેમને સમય મળે ત્યારે પુરી અથવા અન્ય કોઈ બીચ પર જરુર ફરવા જઈએ. તે સિવાય સિક્કિમ હોય કે લદ્દાખ, મેં તેમને ક્યારેય તેમના કામ વિષે વિચારતા નથી જોયા.
રાગ વોરા
મારો જો કોઈ સૌથી યાદગાર પ્રવાસ હોય તો એ અમારો પ્રથમ વિદેશ પ્રવાસ છે, 15 દિવસ ના એ 3 દેશ ના પ્રવાસ પાછળ પપ્પાએ 15 અઠવાડિયા પ્લાનિંગ કર્યું! એક આખો ચાર્ટ બનાવ્યો જેમાં કોણ ક્યાં લઈ જાય છે એની ઝીણી ઝીણી વિગતો હતી! અને પપ્પા ચોકસાઈના આગ્રહી એટલે એમણે બધી જ ટિકિટોની 10-10 ઝેરોક્સ કાઢીને બધા જ સમાન અને અમારી પાસે રખાવી દીધી. (કામ એક જ આવી એ જુદી વાત છે!) લગભગ બધા જ પ્રવાસો અમે આવી જ ચોકસાઇ સાથે કર્યા છે.
સાચું પૂછો તો પપ્પાને ખાસ ફરવાનો શોખ નથી, પણ એમણે મને ક્યારેય ફરવાથી રોક્યો નથી! કદાચ એટલે હું પાછલા 6-7 વર્ષમાં ઘણું ભારતદર્શન ઉપરાંત એકલો દુબઇ/કતાર જઇ શકયો! પેન્ડેમીકમાં પણ ઘરે કંટાળ્યો હોવાથી મારે ફરવા જવું હતું તો પણ મને જવા દીધો (અલબત્ત અઢળક ધ્યાન રાખવાના સૂચનો સાથે). મારા પ્રવાસપ્રેમને પ્રોત્સાહન આપવામાં એમનો પણ ઘણો મોટો ફાળો છે એમ કહી શકાય!
મુનઝરિન કુરેશી
મારા પપ્પા આફ્રિકા રહે છે અને અમે અમદાવાદ. દર વર્ષે ડિસેમ્બર એન્ડમાં તેઓ ભારત આવે છે અને અમે સૌ નવા વર્ષનું સ્વાગત કરવા દિલ્હી જઈએ છીએ. વર્ષોથી આ એક પરંપરા બની ગઈ છે. પપ્પાને મળવાની રાહ અને નવા વર્ષની ઉજવણી કરવાની હોંશને કારણે મારો ડિસેમ્બર મહિનો હંમેશા ખૂબ આનંદમય વીતે છે. પપ્પા ભારત આવે એટલે હું, મારી બહેન અને મમ્મી-પપ્પા દિલ્હીમાં ખૂબ એન્જોય કરીએ છીએ અને ખૂબ સારો ક્વોલિટી ટાઈમ પસાર કરીએ છીએ. અમદાવાદ પાછા ફર્યા પછી મારો અને પપ્પાનો પ્રિય તહેવાર ઉત્તરાયણ ઉજવવાની પણ એટલી જ મજા આવે.
કોઈ વ્યવસ્થિત કહી શકાય એવો અમારો છેલ્લો પ્રવાસ અમે શ્રીલંકા ખાતે કર્યો હતો જ્યાં અમને બંને બહેનોને મમ્મી-પપ્પા સાથે ફરવાની, તેમની હાજરીમાં સમય વિતાવવાની ખૂબ મજા આવી હતી. હું ઘણી વાર મજાક કરું કે આ એકમાત્ર એવી ટ્રીપ હતી જેમાં પપ્પા અમારા ફોટોગ્રાફીના નખરાંથી કંટાળી નહોતા ગયા, અને ઉપરથી દરેક ફોટો બરાબર આવ્યો છે કે કેમ તે અમને પૂછતાં પણ હતા!
યાત્રી અજાબીયા
અમે સપરિવાર પુષ્કળ નાના-મોટા પ્રવાસો કર્યા છે. મમ્મી-પપ્પા બંને વર્કિંગ હોવાથી આખા પરિવારને એકબીજા સાથે સમય વિતાવવાની શ્રેષ્ઠ તક અમને આવા પ્રવાસે આપી છે. અને આવી અલગારી રખડપટ્ટી એન્જોય કરવામાં પપ્પાનો સિંહફાળો! રોડટ્રીપ દરમિયાન કઈક નવી વસ્તુ જોવા મળે તો થોડો સમય ત્યાં થોડો સમય ઉભા રહીને તેને જાણવું અને માણવું એ અમારા માટે બહુ સામાન્ય વાત હતી. કેટલીય એવી વાનગીઓ, જે આ પહેલા પણ અમે ખાઈ ચૂક્યા હોઈએ, તેને જુદા સ્થળોએ, જુદી રીતે માણવાની પણ મજા કરી છે.
પપ્પા સાથે પ્રવાસની આમ તો ખૂબ યાદો છે પણ સૌથી તાજી અને અનેરી યાદ એ બે વર્ષ પહેલા અમારી પ્રથમ ઇન્ટરનેશનલ ફેમિલી ટ્રીપ છે. આજીવન પપ્પાએ જ મારી મદદ કરી છે, પણ એ પ્રવાસમાં ક્યાંક પપ્પા કશું સમજી અથવા સમજાવી ન શકે ત્યારે મેં તેમની મદદ કરી તે અમારા બંને માટે જાણે એક નાનકડી સિદ્ધિ જ હતી!
પપ્પા સાથે તમારી પણ આવી અનોખી યાદો હોય તો Tripoto સાથે જરુર શેર કરો અથવા કમેન્ટ્સમાં જણાવો!
.