સાંપ્રદાયિક હિંસા આજની તારીખે આ શબ્દ દરેક લોકોએ સાંભળ્યો હશે અને તેનો અર્થ પણ જાણતા જ હશો. આજકાલ દરેક ન્યૂઝ ચેનલ અથવા સોશિઅલ મીડિયા પર પણ આ બાબતે સમાચાર આવતા જ હોય છે પછી ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કે રથયાત્રા પર કરવામાં આવતા હુમલા હોય આપણે જાણીએ જ છીએ. એવામાં હિંદુ ધર્મે સાબિત કરી બતાવ્યું છે કે સમાજમાં શાંતિ અને બંધુતા કેવી રીતે સ્થાપી શકાય. તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે ગુજરાતના વરંદા વીર મહારાજ મંદિર પરિસરમાં મુસ્લિમોને તેમના રમજાન ઉપવાસ ખોલવા માટે જગ્યા આપવામાં આવી. હવે આનાથી વધારે તો શાંતિપ્રિય સમાજની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય ?
મુસ્લિમોને તેમના ઉપવાસ ખોલવા આમંત્રણ આપ્યું
ગુજરાતના બનાસકાઠાંમાં આવેલું વરંદા વીર મહારાજ મંદિર 1200 વર્ષ જૂનું મંદિર છે. ડાલવાણા ગામમાં રમઝાનના મહિનામાં ઉપવાસ કરનારા તમામ મુસ્લિમ રહેવાસીઓ માટે મંદિરનું પરિસર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સાંજે 7 વાગ્યે, લગભગ 100 મુસ્લિમોને નમાઝ અદા કરવા અને શુક્રવારે તેમના ઉપવાસ ખોલવા માટે મંદિરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બાબત જ હિંદુ ધર્મની ખાસિયતો પૈકીની એક છે.
ભાઈચારો અને સહઅસ્તિત્વને પ્રથમ સ્થાન
વરંદા વીર મહારાજ મંદિરના પૂજારીએ કહ્યું કે મંદિર સંપૂર્ણ રીતે ભાઈચારો અને સહઅસ્તિત્વમાં માને છે. આ એક ઐતિહાસિક મંદિર છે અને આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓ તેની મુલાકાત લેતા હોય છે. જ્યારે પણ હિંદુઓ અને મુસ્લિમોના તહેવારો અથડામણ થાય છે, ત્યારે ગામના લોકો એકબીજાને મદદ કરવા માટે આગળ આવે છે. આ વર્ષે મંદિરના ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતે મળીને રમઝાન માટે પરિસર ખોલવાનો નિર્ણય લીધો હતો. ઉપવાસ ખોલવા માટે તેઓએ ફળો, શરબત અને ખજૂરની પણ વ્યવસ્થા કરી હતી.
મંદિર વિશે ખાસ વાત
બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ મંદિર તેની દિવ્ય શક્તિ માટે જાણીતું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં માનતા રાખવાથી પથરીના દુખાવાથી છુટકારો મળે છે. પથરીના દર્દીઓ મંદિરમાં આવીને પૂજારી પાસે લાલ કલરનો દોરો બંધાવે છે. એક મહિનામાં પથરીનો દુખાવો મટી જાય છે. આપ મેળે પથરી નીકળી જાય છે.
જયારે પણ પથરી નીકળી જાય ત્યારે મંદિરમાં ચડાવવામાં આવે છે. લગભગ 2 હજાર ભક્તોની પથરીઓ મંદિરનાઆશીર્વાદથી નીકળી ગઈ છે. નીકળી ગયેલ પથરીઓ કાચની બાટલીઓમાં જોવા મળે છે. ભક્તો દૂર-દૂરથી મોટી સંખ્યામાં અહીં આવે છે.
અત્યાર સુધીમાં ઘણા લોકોએ અહીં માનતા રાખીને નાનીથી માંડીને 40 એમએમ જેટલી મોટી પથરીઓના દુખાવામાંથી છુટકારો પ્રાપ્ત કર્યો છે. અહીં કોઇપણ પ્રકારના પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી. આ મંદિર આસપાસના સમગ્ર પંથકમાં ખૂબ જ જાણીતું બન્યું છે.
બનાસકાઠાંમાં જોવા લાયક અન્ય સ્થળો
1. અંબાજી મંદિર
2. દાંતીવાડા ડેમ
3. કુંભારીયા જૈન મંદિરો
4. બલરામ મહાદેવ મંદિર
5. જેસોર રીંછ અભયારણ્ય