ચકચકિત રસ્તાઓ, દારુના બારમાં લથડિયા ખાતા લોકો, નશો અને હવસ; શહેરોની આ જ સ્ટોરી છે. પરંતુ ભીડભાડથી ભરેલા શહેરો અને ઓફિસોના ઉદાસ રૂમોથી દૂર પણ એક દુનિયા છે, જ્યાં કવિઓને પ્રેમરસથી ભરેલી કવિતાઓ રચવાની પ્રેરણા મળે છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતના ગામડાઓની, જ્યાં ખરા અર્થમાં ભારતનો આત્મા વસે છે. સાંભળવામાં થોડુક જુનવાણી લાગી શકે પરંતુ ગામડાની ખુલ્લી હવા અને હરિયાળીમાં એક અલગ જ હળવાશ છે.
તો ભારતના આ આત્મા સાથે રુબરુ થવા માટે આ ઘણા જ સુંદર ગામ અંગે જાણો અને નીકળી જાઓ શહેરની જંજાળથી દૂર એવી જગ્યાઓ પર જ્યાં ઝીંદગી ચાલતી નથી પણ જીવાય છે.
મલાના
હિમાચલ પ્રદેશના મલાનામાં મસ્તી
મલાના ભારતનું સૌથી રસપ્રદ ગામ માનવામાં આવે છે. હિમાલયના કુલૂ વેલીમાં વસેલા આ ગામને દુનિયાના સૌથી પહેલા લોકતંત્રોમાંનુ એક માનવામાં આવે છે. અહીંની સુંદરતા એટલી પવિત્ર અને હવા એટલી ચોખ્ખી છે કે શ્વાસ લેવામાં જ નશો ચઢી જાય છે.
પનામિક હૉટ સ્પ્રિંગ
લદ્દાખનું પનામિક, જેને ભારતનું એકમાત્ર ગરમ પાણીના ફુવારાનું ગામ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે.
લેહથી 150 કિ.મી. દૂર પનામિક ગામ છે જ્યાં ખારડુંગ લા પાસથી પહોંચી શકાય છે. લેહથી પસાર થઇને તમે સુંદર નુબ્રા વેલી સુધી પણ જઇ શકો છો. આ ગામની આસ-પાસ બરફના પહાડોની વચ્ચે બનેલા ગરમ પાણીના ફુવારાના કારણે જાણીતું છે જ્યાં દુનિયા ભરના પ્રવાસીઓ ડુબકી લગાવવા આવે છે. આ ભારતનું અનોખુ ગામ છે અને આ ગામ પછી સિયાચીન ગ્લેશિયર આવે છે.
કિબ્બર
હિમાચલની સ્પિતિ વેલીમાં સ્થિત દુનિયાના સૌથી ઊંચા ગામ કિબ્બરમાં તમારુ સ્વાગત છે.
14000 ફૂટની ઉંચાઇ પર સ્થિત કિબ્બર ગામમાં કુદરતની સુંદરતા જોઇને લોકો દંગ રહી જાય છે. આસપાસના દ્રશ્યોમાં ક્યાં તો ભૂરી જમીન દેખાય છે કે સફેદ બરફથી ઢંકાયેલા પહાડ. આ ગામમાંથી પસાર થઇને તમે દુનિયાના સૌથી મોટા અને ઉંચાઇ પર સ્થિત મઠ 'કી મઠ'માં પહોંચી જાઓ છો. આ મઠની બનાવટ એટલી અનોખી છે કે તમે તેને ઝિંદગી ભર નહીં ભૂલી શકો.
પૂવર
કેરળનું પૂવર સમુદ્રકિનારાની પાસે રજા ગાળવા માટે યોગ્ય જગ્યા છે
ત્રિવેન્દ્રમના દક્ષિણી છેડે વસેલુ પૂવર એ દરિયાકાંઠાનું ગામ છે જ્યાંથી વધુ સારો સમુદ્રની પાસે રહેવાનો અનુભવ બીજો કોઇ નથી. ગામ હોવા છતાં દરિયાકાંઠાના કિનારે રજાઓ ગાળવા માટે અહીં સુદર દરિયાકિનારો છે. કેરળમાં બેકપેકિંગ કરતા મુસાફરોએ આ ગામમાં જરુર જવું જોઇએ.
ચિટકુલ
હિમાચલની કિન્નોર વેલીમાં વસેલું ચિટકુલ એ ગામ છે જ્યાં ભારતીય રોડ સમાપ્ત થઇ જાય છે.
ભારત-ચીન બોર્ડરની બિલકુલ પાસે વસેલુ આ ગામ ભારતનું એવુ છેલ્લુ ગામ છે જ્યાં તમે પરમિટ વગર જઇ શકો છો. હિમાલયના ખોળે આવેલા આ ગામમાં અન્ય ગામોની જેમ ઘરોની છતો લાકડાની બનેલી છે, જે જુની વાસ્તુકલાની યાદ અપાવે છે. કુદરતની સુંદરતાને નજીકથી જોવા માટે આ ગામમાં જરુર ફરજો.
જુલુક
સિક્કિમનું જુલુક ગામ, જ્યાં એકપણ હોટલ નથી
ભારતમાં આટલા સુંદર ગામ છે કે તમે ફરતા-ફરતા થાકી જશો. સિલ્ક રુટ પર સ્થિત જુલુક પણ આવા ગામોમાંનુ એક છે. આ ગામમાં કોઇ હોટલ નથી એટલા માટે અહીં આવનારા સહેલાણીઓને અહીંના સ્થાનિક લોકોની સાથે રોકાવું પડશે. ગામ સુધી પહોંચવાનો રસ્તો કોઇ ઓછો રોમાંચક નથી. અહીં પહોંચવા માટે 32 ખતરનાક વળાંકોથી પસાર થવું પડે છે.
પ્રાગપુર
હિમાચલની કાંગડા વેલીમાં સ્થિત પ્રાગપુર ભારતનું પહેલુ ઐતિહાસિક ગામ છે
પથ્થરોથી બનેલા રસ્તાની આસપાસ વાસ્તુકળાના બેનમૂન નમૂના બન્યા છે. હિમાલયના ખોળે વસેલુ આ ચોખ્ખુ ચણાક ગામ મેક્લૉલડગંજ, પાલમપુર અને આવા અન્ય ટૂરિસ્ટના રસ્તામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં બેકપેકિંગ કરતી વખતે આ ગામમાં ફરવાનું ન ભૂલતા.
દોંગ
અરુણાચલ પ્રદેશના દોંગ ગામમાં અસલી સંસ્કૃતિથી રુબરુ થાઓ
ભારતના પૂર્વી છેડે આવેલું દોંગ ગામ ત્રણ દેશોની બોર્ડરની પાસે છે. આ ગામના દ્રશ્યો ફોટોગ્રાફીના શોખીન લોકોને ઘણાં જ પસંદ આવશે. આ ગામની અનોખી વાત એ છે કે અહીં ફક્ત 3 ઘર છે કારણ કે અહીંના લોકો સાધારણ પરંતુ ઝિંદાદિલીની સાથે જીવવામાં વિશ્વાસ રાખે છે.
કલાપ
ઉત્તરાખંડના કલાપ ગામમાં બધો થાક ઉતારો
ભીડ-ભાડવાળા રાજ્યમાં પણ એવી જગ્યા હોય છે જ્યાં શાંતિ મળે છે. ગઢવાલની પહાડીઓમાં સ્થિત કલાપ ગામમાં શહેરી ધૂળ-ધૂમાડો નહીં પરંતુ ખુલ્લી હવા છે. ખીણમાં શાંતિની ગૂંજ તમને બીજા દિવસે તમારી ઓફિસમાં જરુર યાદ આવશે.
માવલિનોંગ
મેઘાલયની પૂર્વી ખાસી હિલ્સમાં સ્થિત ભારતના સૌથી ચોખ્ખા ગામ માવલિનોંગની કરો મુસાફરી
પહાડો તરફ જતી વખતે ભારતના સૌથી ચોખ્ખા ગામમાં રહેવાની તક મળી જાય તો શું વાત છે. શિલૉંગથી 90 કિ.મી. દૂર સ્થિત માવલિનોંગ અહીંની અસીમિત હરિયાળી અને ગામના સંચાલનના કારણે જાણીતું છે. ગામના સ્થાનિક લોકોની સાથે હળો મળો, ગામની સેર કરો અને જીવિત વૃક્ષોથી બનેલા પુલને જુઓ.
લમયૂરુ
લદ્દાખના લમયૂરુ ગામમાં ફોટોગ્રાફીની મજા
આ ગામમાં તમને દૂર દૂર સુધી બરફના પહાડો કે ભૂરી બંજર જમીન જ જોવા મળશે. અહીંના સૌથી મોટા અને જુના મઠની આસપાસ જ નાના નાના ઘર બનેલા છે. અહીંના સ્થાનિક લોકો કહે છે કે અહીંની જમીન ચાંદની સપાટી જેવી લાગે છે, જેની ખબર તમને આ ગામમાં ફરીને લાગી જશે. પોતાનો કેમેરો સાથે લઇ જવાનું ન ભૂલતા.
મુત્તમ
તામિલનાડુના મુત્તમમાં માછલી પકડવાની મજા
ચોખ્ખો દરિયાકિનારો, પથરાળ શિખરો અને ગુફાઓવાળા મુત્તમમાં આવીને તમે બહારની દુનિયાને ભુલી જશો. આટલુ સુંદર ગામ હોવા છતાં પણ અહીંના દરિયાકિનારા પર તમને ભીડ જોવા નહીં મળે. સાંજે કાંઠે કે લાઇટહાઉસથી આરામથી સમુદ્રમાં ઢળતા સૂરજનો નજારો જુઓ.
તો પોતાનું ટ્રાવેલ લિસ્ટ કાઢો અને ભારતના આ સુંદર ગામના નામ જોડવાનું શરુ કરો.