દિલ્હીના અનેક રંગ છે. તેના ઊંડા ઇતિહાસ અને નવી ઉપલબ્ધિઓમાં ઘણાં એવા રત્ન છુપાયેલા છે જેને સ્થાનિક લોકો પણ અવગણે છે. તેથી તમારા માટે દિલ્હીની કેટલીક ખાસ જગ્યાઓની યાદી લાવ્યા છીએ જેને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની ભીડ અવગણે છે :
સતપુલા સેતુબંધ
દિલ્હીની ભીડ-ભાડથી દૂર સતપુલા સેતુબંધનો સમૃદ્ધ ઇતિહાસ અને આસપાસના દ્રશ્યો વખાણવા લાયક છે. જુના સમયમાં પાણીને એકઠું કરવા માટે બનાવવામાં આવેલા સાત પુલોથી આ જગ્યાનું નામ સતપુલા પડ્યું છે. આમ તો આ નદી ક્યારનીય સુકાઇ ગઇ છે, પરંતુ વાસ્તુકલાનો આ અદ્ભુત નમુનો આજે પણ શહેરની કંટાળાજનક ઝિંદગીથી છુટકારો મેળવવા માટે ઉભો છે.
ક્યાં: ખિડકી વિલેજ, માલવીય નગર
કેવી રીતે જશો : માલવીય નગર મેટ્રો સ્ટેશનથી કેબ કે ટેક્સી કરી લો.
દિલ્હી વૉર સેમેટરી
ધ્યાનમાં રાખો કે આ વૉર મેમોરિયલ નથી. 'શહીદ થયેલા પરંતુ ભુલાયેલા નહીં' ના વિચારથી પ્રેરિત આ સેમેટરીમાં એવા સૈનિકોને દાટવામાં આવ્યા છે જે બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ કૉમનવેલ્થ માટે લડ્યા હતા. અહીં ચારેબાજુ હરિયાળી અને સારીરીતે કાપવામાં આવેલા બગીચા છે. અહીંના ઊંચા સ્તંભો અને અનોખા સ્મારકોથી તમે તમારુ સોશિયલ મીડિયા સજાવી શકો છો.
ક્યાં : દિલ્હી છાવણી, નવી દિલ્હી
કેવી રીતે જશો : દિલ્હી કેન્ટ મેટ્રો સ્ટેશનથી કેબ કે ઑટો કરી લો.
મિર્ઝા ગાલિબની હવેલી
તાજેતરમાં જ ઇન્ટરનેટ પર પ્રચલિત કેટલાક લેખોના કારણે પ્રવાસીઓને આ હવેલી અંગે ખબર પડી છે, પરંતુ હજુ પણ તેને લોકપ્રિય સ્થળ કહેવું ખોટું ગણાશે. આ પ્રાચીન સ્મારક ઉર્દૂના જાણીતા શાયર મિર્ઝા ગાલિબની યાદમાં બનાવવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે મિર્ઝા ગાલિબ પોતાના જીવનના ગરીબીના દિવસોમાં અહીં રહેતા હતા. આ તે સમયની વાત છે જ્યારે ભારતમાં મુગલ શાસનનો સૂરજ આથમી રહ્યો હતો. હવેલીની અંદર જ એક મ્યૂઝિયમ બન્યું છે જેમાં મિર્ઝા ગાલિબની કેટલીક અમૂલ્ય કૃતિઓનો સંગ્રહ છે.
ક્યાં: કાસિમ જાન ગલી, ચાંદની ચોકની પાસે
કેવી રીતે જશો : ચાવડી બજાર મેટ્રો સ્ટેશનથી શાહજહાનાબાદ સુધીની ઑટો કે ટેક્સી કરી લો. પછી ત્યાંથી રિક્ષા કરો કે પગપાળા જાઓ.
સંતુષ્ટિ શૉપિંગ કૉમ્પ્લેક્સ
ખરીદારી, ટેસ્ટી ભોજન અને અનોખી સજાવટના કારણે આ જગ્યા જાણીતી છે. સંતુષ્ટિ શૉપિંગ કૉમ્પ્લેક્સની ગામડા જેવી સજાવટ તેને દિલ્હીના શૉપિંગ મૉલ્સથી ઘણી અલગ અને અનોખી ઓળખ આપે છે. આ નાનકડી જગ્યામાં મોંઘી ખરીદારીનો અનુભવ અને બૂટીક દુકાનો પર કપડા, જુતા, ઘરેણાં અને ત્યાં સુધી કે આયુર્વેદિક સામાન પણ ખરીદી શકો છો.
ક્યાં; ચાણક્યપુરી, રેસ કોર્સ રોડ
કેવીરીતે જશો : લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનથી કેબ કે ઑટો કરી લો.
જહાજ મહેલ
નજીકના તળાવમાં પડતા પડછાયાના કારણે આ મહેલનું નામકરણ થયું. મહરોલીમાં બનેલી આ જગ્યાને લોદી સામ્રાજ્યના સમયે બનાવાયી હતી અને આ ટ્રાવેલર અને ફેમિલી માટે સમય પસાર કરવા માટેની સારી જગ્યા છે. દિલ્હીની ભીડભાડથી બિલકુલ નજીક સ્થિત આ શાંત સ્મારકને જોઇ શકાય છે.
ક્યાં : તળાવ લેન, આમ બાગ, મહરોલી
કેવી રીતે જશો : કુતુબ મીનાર મેટ્રો સ્ટેશનથી ઑટો કે કેબ કરીને પહોંચી શકાય છે.
સંજય વન
દિલ્હીમાં બનેલી ઉંચી-ઉંચી કોંક્રિટની ઇમારતોની જાળ અને પ્રદુષિત હવાની વચ્ચે એક એવી લીલીછમ જગ્યા પણ છે જ્યાં તમે મુક્તપણે શ્વાસ લઇ શકો છો. 780 એકરમાં ફેલાયેલુ આ જંગલ જોગિંગ કરનારા અને સાયકલ ચલાવનારાઓમાં ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે.
ક્યાં : વસંત કુંજ
કેવી રીતે જશો : છત્તરપુર મેટ્રો સ્ટેશનથી કેબ કે ઑટો કરી લો.
ચૂનામલ હવેલી
જો તમે જુની દિલ્હી ટહેલવા નીકળ્યા છો તો કદાચ તમે આ જગ્યાએથી જરુર પસાર થયા હશો. એ પણ થઇ શકે છે કે તમે આ જગ્યાની અંદરની સુંદરતા અને છટા હજુ સુધી નહી જોઇ હોય. શહેરના સૌથી વ્યસ્ત રસ્તામાંના એક પર બનેલી ચૂનામલ હવેલી જુના સમયની યાદ અપાવે છે. તેની આસપાસ 140 દુકાનો છે તો જો તમે આ હવેલી જોવા માંગો છો તો તમે બીજુ પણ ઘણુ બધુ કરી શકો છો.
ક્યાં : ચાંદની ચોક, કટરા નીલ
કેવી રીતે જશો : ચાંદની ચોકથી કટરા નીલ સુધી ઑટો લો અને ત્યાંથી પગપાળા હવેલી સુધી જાઓ.
ગાજીપુર
ગાજીપુર ફૂલ મંડીની હવામાં હંમેશા અત્તરની સુગંધ ફેલાયેલી રહે છે. અહીં ગલગોટો, ટ્યૂલિપ, ગુલાબ, કાર્નેશન્સ, ઑર્કિંડ, ઇરિજેસ, લિલી અને અન્ય પ્રજાતિઓના ફૂલોની ભરમાર લાગેલી હોય છે. ભલે તમારુ મન મફતના ભાવમાં ફૂલ ખરીદવાનું થઇ રહ્યું હોય કે પછી રંગીન અને સુગંધિત માહોલને મનભરીને માણવાનું, ગાજીપુર મંડી પહોંચી જાઓ.
ક્યાં : ગાજીપુર ગામ, ગાજીપુર
કેવી રીતે જશો : આનંદ વિહાર આઇએસબીટી મેટ્રો સ્ટેશનથી એક ટેક્સી કે ઑટો ભાડેથી લઇ લો.
જમલી કમલી
આસ-પાસ બનેલી આ મસ્જિદ અને મકબરાની જોડીમાં મહાન સૂફી સંત શેખ જમલી કમ્બોહ અને અંજાન ઇન્સાન કમલીની કબરો બની છે. એક કબર પર મસ્જિદ બની છે અને બીજા પર મકબરો. જો અંજાન ઇન્સાનની કબર સાથે જોડાયેલું વણઉકેલ્યું રહસ્ય તમને જો આ મહાન પુરાતત્વિક સ્થળ સુધી ખેંચવામાં નિષ્ફળ રહે છે તો અહીંની અદ્ભુત સુંદરતા અને કુતુબ મિનાર પાસે હોવાથી તમને જરુર અહીં જવા પર મજબૂર કરશે.
ક્યાં : પુરાતત્વ ગ્રામ પરિસર, મહરોલી
કેવી રીતે જશો : કુતુબ મીનાર મેટ્રો સ્ટેશનથી પગપાળા પહોંચી શકાય છે.
હિજરો કા ખાનકા
આ જગ્યા ઘણી જ ખાસ છે પરંતુ છતાં પણ એટલી લોકપ્રિય નથી. આ લોદી સામ્રાજ્યના સમયે ખાસ વ્યંઢળો માટે બનાવવામાં આવેલું કબ્રસ્તાન છે. અહીં સ્વચ્છ અને શાંત વાતાવરણમાં આવીને તમારુ દિલ વ્યંઢળો પ્રત્યે સન્માનથી ભરાઇ જશે.
ક્યાં : વૉર્ડ નંબર 6 , મહરોલી
કેવી રીતે જશો : કુતુબ મીનાર મેટ્રો સ્ટેશનથી કેબ કે ઑટો કરી લો.
ભૂલી ભટિયારીનો મહેલ
કોઇ જમાનામાં જે જગ્યા બાદશાહ ફિરોઝશાહ તગલખની શિકાર લૉજ ગણાતી હતી, હવે દયનીય હાલતમાં દિલ્હીના સેન્ટ્રલ રિજ જંગલમાં પોતાના છેલ્લા શ્વાસ લઇ રહી છે. આમ તો આ જગ્યાની વાસ્તુકલા જોઇને તમે ખુશ થઇ જશો પરંતુ સાથે જ આ કિલ્લાની ભૂતિયા ઘટનાઓ અંગે સાંભળશો તો આજે જ જવાનું મન થશે.
ક્યાં : દક્ષિણી રિજનું જંગલ
કેવી રીતે જશો : ઝંડેવાલા મેટ્રો સ્ટેશનથી કેબ કે ઑટો કરી લો.
બિજય મંડલ
જો તમે હૌજ ખાસની આસપાસ રહો છો તો સવારનું જોગિંગ કરવા માટે આ જગ્યા સૌથી સારી છે. 14મી શતાબ્દીમાં બનેલુ આ માળખુ સેનાની ટુકડીઓ પર નજર રાખવા માટે બનાવાયું હતુ. આ કિલેનુમા મહેલની બનાવટ થોડીક વિચિત્ર પણ છે અને રસપ્રદ પણ. જો તેની સારી રીતે સંભાળ અને માર્કેટિંગ કરવામાં આવ્યું હોત તો તે દિલ્હીની સૌથી વધુ જોવાલાયક જગ્યાઓમાં સ્થાન પામ્યું હોત.
ક્યાં : બેગમપુર
કેવી રીતે જશો : હૌજ ખાસ મેટ્રો સ્ટેશનથી કેબ કે ઑટો કરી લો.
દિલ્હીમાં આટલા વર્ષ રહ્યા પછી પણ એવી અનેક જગ્યા છે, જે અંગે પ્રવાસીઓને તો શું મને પણ નથી ખબર. દિલ્હીમાં જેટલું દેખાય છે તેનાથી વધુ છુપાયેલું છે.
મારી પ્રેરણા અને પ્રેમિકા- દિલ્હીને સમર્પિત