ભારતમાં સૌ પ્રથમ 100% વેક્સિનેટેડ થનાર લદ્દાખની લાજવાબ લાક્ષણિકતાઓ

Tripoto

“જહાં ઘાસ કા એક તીનકા ભી નહિ ઊગતા.”

લદ્દાખની ભૂમિ માટે કહેવામાં આવેલું ઉપરનું વાક્ય તાર્કિક રીતે તો સાચું જ છે. પણ લદ્દાખ એ ભારત માટે ખાસ હતું, છે અને હંમેશા રહેશે. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત હોય તેમાનો એક રહેણાંકીય વિસ્તાર એવું લદ્દાખ અનેક વિશેષતાઓ ધરાવે છે. વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી અલગ થઈને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનનાર લદ્દાખ વર્ષ 2021માં કોવિડ 19 સામે સ્થાનિકોનું રક્ષણ કરવા 100% વેક્સિનેશન પૂરું કરનાર દેશનો સર્વ પ્રથમ વિસ્તાર બન્યું છે.

Photo of Ladakh by Jhelum Kaushal

1. લેહ

બહુ ઓછા લોકો જાણતા હશે કે લદ્દાખ એ કોઈ ચોક્કસ જગ્યાનું નામ નથી, એ આખા વિસ્તારનું નામ છે. જેમ સૌરાષ્ટ્ર નામની કોઈ ચોક્કસ જગ્યા નથી, પણ અમુક જિલ્લાઓ ભેગા થઈને ‘સૌરાષ્ટ્ર’ નામનો પ્રાંત બનાવે છે તેમ.

લદ્દાખમાં બે જિલ્લાઓનો સમાવેશ થાય છે: લેહ અને કારગિલ. લેહ એ કચ્છ પછી બીજા ક્રમનો ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કારગિલમાં ‘કારગિલ વોર મેમોરિયલ’ સિવાય ખાસ પર્યટન સ્થળો નથી, પણ લેહ શહેરમાં અનેક જોવાલાયક જગ્યાઓ છે. અહીં લેહ પેલેસ, શેય પેલેસ, શાંતિ સ્તૂપ, ઉપરાંત અનેક આકર્ષક મોનેસ્ટ્રી આવેલી છે. પ્રવાસીઓ સૌથી વધુ સમય લેહની હોટેલમાં જ રોકાણ કરે છે. વળી, લદ્દાખના સ્થાનિકો માટે સૌથી વધુ સુવિધા ધરાવતું નગર એટલે લેહ શહેર.

2. વિશ્વનો સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત વિસ્તાર

સમુદ્રસપાટીથી 10,000- 25,000 ફીટની ઊંચાઈ પર ફેલાયેલો લદ્દાખ પ્રાંત એ વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલા વિસ્તારમાંનો એક છે. ભારતનું સૌથી ઉત્તરે આવેલું ગામ તુરતુક પણ લદ્દાખમાં જ આવેલું છે.

Photo of ભારતમાં સૌ પ્રથમ 100% વેક્સિનેટેડ થનાર લદ્દાખની લાજવાબ લાક્ષણિકતાઓ by Jhelum Kaushal

3. દેશના સંરક્ષણ માટે એક મહત્વની જગ્યા

શું તમે જાણો છો? કારગિલ લદ્દાખ પ્રાંતમાં આવેલું શહેર છે? સમગ્ર લદ્દાખમાં અઢળક સંખ્યામાં ભારતીય સેનાની છાવણીઓ આવેલી છે. અરે! લદ્દાખના પ્રવાસ દરમિયાન તમે એવી કેટલીય જગ્યાઓથી પસાર થશો જ્યાં ફોટોગ્રાફી પર કડક પ્રતિબંધ છે. ભારતીય સેના માટે કાશ્મીર અને લદ્દાખ બંને એક સરખી મહત્વતા ધરાવે છે. પણ કાશ્મીરની સરખામણીએ લદ્દાખના સ્થાનિકો જવાનોને ભરપૂર માન, સન્માન અને સહકાર આપે છે.

Photo of ભારતમાં સૌ પ્રથમ 100% વેક્સિનેટેડ થનાર લદ્દાખની લાજવાબ લાક્ષણિકતાઓ by Jhelum Kaushal

4. વિશ્વનું સૌથી વિષમ યુદ્ધક્ષેત્ર

સિયાચિનનું નામ કોણે ન સાંભળ્યું હોય? વૈશ્વિક કક્ષાએ એ જાહેર થઈ ચૂક્યું છે કે સિયાચીન એ દુનિયાનું સૌથી વિકટ યુદ્ધક્ષેત્ર છે. વિશ્વનો સૌથી ઊંચો વાહનમાર્ગ ‘ખારડુંગ લા પાસ’ એ સિયાચીન જતાં રસ્તામાં આવે છે! સિયાચીનમાં ભારતીય સેનાનાં જવાનો સિવાય અન્ય કોઈ સામાન્ય નાગરિકોને પ્રવેશ નથી. અહીં શિયાળામાં -40 થી -50 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં દિવસ રાત દેશની સેવા કરતાં જવાનોની સ્થિતિ અકલ્પનીય છે!

Photo of ભારતમાં સૌ પ્રથમ 100% વેક્સિનેટેડ થનાર લદ્દાખની લાજવાબ લાક્ષણિકતાઓ by Jhelum Kaushal

5. દરેક પ્રવાસ પ્રેમીનું સપનું

તમે ભલે જગતમાં ગમે તેટલા દેશોમાં ફર્યા હોવ, જ્યાં સુધી લદ્દાખ ન જોવો, ત્યાં સુધી બધું જ અધૂરું છે! વર્ષોથી યુવાનોના ગ્રુપ માટે ગોવા એ ડ્રીમ ડેસ્ટિનેશન છે જ, પણ આધુનિક સમયમાં તેમાં વધુ એક ઉમેરો થયો છે: લદ્દાખનો. અલબત્ત, પ્રવાસમાં થોડો ઘણો પણ રસ ધરાવતા હોય તેવા કોઈ પણ ઉંમરના લોકો જીવનમાં એક વાર અચૂક લદ્દાખ જવા માંગતા હોય છે.

Photo of ભારતમાં સૌ પ્રથમ 100% વેક્સિનેટેડ થનાર લદ્દાખની લાજવાબ લાક્ષણિકતાઓ by Jhelum Kaushal

6. બાઈકર્સ માટે સ્વર્ગ

ભારતમાં કોઈ પણ ગામ અથવા શહેરમાં કોઈ બુલેટ ખરીદે તો તેનું સપનું પોતાની એ બુલેટ લઈને લદ્દાખ જવાનું હોય છે. અરે! મનાલી લેહ રોડટ્રીપ કરશો તો તમારા સહપ્રવાસી તરીકે તમને હજારો બાઈકર્સ જોવા મળશે. ભૌગોલિક રીતે ખૂબ વિકટ ક્ષેત્ર હોવા છતાં ‘બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન’ (BRO) દ્વારા અહીં ખૂબ સારા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે જેથી મોટા ભાગના બાઈકર્સ અહીં સલામત પ્રવાસ કરી શકે છે.

Photo of ભારતમાં સૌ પ્રથમ 100% વેક્સિનેટેડ થનાર લદ્દાખની લાજવાબ લાક્ષણિકતાઓ by Jhelum Kaushal

7. ખારડુંગ લા, પેંગગોંગ લેક

વિશ્વના સૌથી ઊંચા વાહનમાર્ગ તેમજ ચોખ્ખા ભૂરા પાણીનું તળાવ: લદ્દાખ જતો કોઈ પણ પ્રવાસી આ બે જગ્યાએ પહોંચીને ફોટો પડાવવા વિશેષ ઉત્સાહિત હોય છે. લદ્દાખમાં પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવામાં સૌથી મોટો ફાળો આ બે જગ્યાઓનો છે તેમાં બેમત નથી.

Photo of ભારતમાં સૌ પ્રથમ 100% વેક્સિનેટેડ થનાર લદ્દાખની લાજવાબ લાક્ષણિકતાઓ by Jhelum Kaushal

લદ્દાખ જઈને તમે પણ બોલી ઊઠશો, “હાઉઝ ધ જોશ? હાઈએસ્ટ, સર!”

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads

Tagged:
#Ladakh