ફરવાનો દરેક શોખીન એક વાત સાથે સહેમત થશે કે પ્રાકૃતિક સુંદરતાથી વિશેષ કશું જ નથી હોતું. પહાડો અને જંગલો સાથે એમાં ધોધ હોય છે જે એની સુંદરતા વધારી દે છે. જ્યાં જ્યાં ધોધ હોય ત્યાં ત્યાં સુંદરતા હોય છે. ધોધ આગળ નાચવું, માજા કરવી એ બધું જ આપણને ખુબજ આકર્ષિત કરે છે. ભારતમાં પણ આવા કેટલાય ધોધ છે જે તમને રોમાંચિત કરી દેશે.
ગગનચુક્કી વોટરફોલ્સ, માંડ્યા, કર્ણાટક
કર્ણાટકના માન્ડ્યામાં આવેલ આ ધોધની પૂર્વ શાખાને બરાચુક્કી અને પશ્ચિમ શાખાને ગગનચુક્કી કહે છે. અને બંને સાથે મળીને શિવનાસમુદ્ર તરીકે જાણીતા છે. ગગનચુક્કી વોટરફોલ્સની ઉંચાઈ 98 મીટર છે અને અહીંયા 1905 માં એશિયાનું સૌથી પહેલું હાઈડ્રો પ્લાન્ટ સ્થાપિત કરાયેલું. આ વોટરફોલ્સ બેગ્લોરથી 139 કિમી અને મૈસુરથી 60 કિમી દૂર છે.
મલ્લાલી વોટરફોલ્સ, કોડાગુ, કર્ણાટક
પુષ્પગિરિ તળેટીમાં સોમવારપેટથી લગભગ 25 કિમી દૂર કુમારધારા નદીનું પાણી 200 થી પણ વધારે ઈછિથી મલ્લાલી વોટરફોલ્સ બનાવે છે. આ કર્ણાટકના સૌથી આકર્ષક સ્થળોમાંનો એક છે અને આજુબાજુ ખુબ જ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે. આ વોટરફોલ્સ બેંગ્લોરથી લગભગ 256 કિમી દૂર છે.
ચુચી વોટરફોલ, કનકપુરા, કર્ણાટક
બેન્ગલોરથી લગભગ 90 કિમી દૂર કનકપુરામાં ચુચી વોટરફોલ્સ છે. આ ધોધ અરકાનદિના સંગમ પહેલા બનેલો હોવાથી ઘણો જ ફેમસ છે. અહીંયા તમે રોક ક્લાઈમ્બીન્ગ પણ કરી શકો છો. મોટાભાગે સૌથી ફેમસ વોટરફોલ્સ પાસે બહુ ભીડ જોવા મળતી હોય છે પરંતુ અહીંયા ખાસ ભીડ જોવા મળતી નથી. તમે આરામથી બેસીને કલાકો સુધી પ્રકૃતિની સુંદરતા નિહાળી શકો છો. આ માટે આનાથી વધુ સારી જગ્યા કોઈ જ નથી.
ધ એલીફન્ટ ફોલ્સ, અપર શિલોન્ગ, મેઘાલય
આ ધોધનું ખરું ખાસી નામ " કા શ્રેડ લાઈ પટેન્ગ ખોહસેવ " ( વોટરફોલ્સના 3 સ્ટેપ્સ ) એવું છે. આવું નામ એટલા માટે છે કારણે આ ધોધ ખરેખર ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. શિલોન્ગથી લગભગ 12 કિમી દૂર અપર શિલોન્ગમાં આ ધોધ એકમાત્ર આકર્ષણ છે.
થોમન્નંકુઠુ વૉટરફોલ્સ, થોંડુપુઝા, કેરળ
જો તમે પ્રકૃતિપ્રેમીની સાથોસાથ એડવેન્ચર પ્રેમી હો તો આ ધોધ તમારા માટે શ્રેષ્ઠ જગ્યા છે. એવું કહેવાય છે કે શિકારી થોમેછેન કુરુવિનકુનેલના નામ પર આ ધોધનું નામ રાખવામાં આવ્યું છે જેમણે 1920 માં આ જંગલમાં આ ધોધ શોધ્યો હતો. કેરળના ઇડુકી જિલ્લાના થોંડુપુઝાથી 17 કિમી દૂર આ ધોધ આવેલો છે. આ ધોધ સિવાય અહીંનું મુખ્ય આકર્ષણ કંન્ડિયારું નદી છે અને અહીંયા ધોધ ઉપરાંત રહસ્યમય ગુફાઓ પણ આવેલી છે.
કેમ્પ્ટી વોટરફોલ, મસૂરી, ઉત્તરાખંડ
સમુદ્રતટથી 4500 ની ઉંચાઈ પર આવેલ કેમ્પ્ટી વૉટરફોલ્સ ઉત્તરાખંડ નો સૌથી પ્રસિદ્ધ ધોધ છે. એવું માનવામાં આવે છે કે કેમ્પ્ટી નામ કેમ્પ ટી પરથી પડ્યું છે જે અંગ્રેજો અહીંયા ટી પાર્ટી કરતા એના પરથી પડેલું છે. મસૂરીથી લગભગ 15 કિમી દૂર આવેલ આ ધોધ સુધી તમને કેબ અથવા બસ મળી જશે. વિકેન્ડ પર અહીંયા ખુબ ભીડ રહેતી હોવાથી વિકેન્ડમાં જવું હિતાવહ નથી.
અથિરાપિલ્લઇ વોટરફોલ, થ્રિશુર, કેરળ
કેરળના ફેમસ જંગલોના કિનારે શોલેયર વણશ્રેણીમાં આવેલ કેરળનો સૌથી ઉંચો ધોધ અથિરાપિલ્લઇ એ કેરળનો તાજ છે. અહીંયા પાણી મોટી મોટી પહાડીઓ પર ભેગું થઈને 3 જગ્યાએથી ધોધ બનીને નીચે પડે છે. આ ધોધ કોચીથી 78 કિમી દૂર શોલેયર પર્વતમાળામાં આવેલ છે.
નોહકલિકાઈ વોટરફોલ, ચેરાપુંજી, મેઘાલય
ખાસી ભાષામાં આ ધોધનું નામ "કા લિકાઈ કી કૂદ" છે જેની પાછળ પણ એક વાર્તા છે. એવું કહેવાય છે કે અહીંયા સ્થાનિક મહિલાએ કૂદીને આત્મહત્યા કરી હતી. આ ધોધને એક ડુબતું ઝરણું પણ કહેવાય છે કારણકે અહીંયા પાણી પહાડી સાથે પોતાનો સંપર્ક ખોઈ દે છે. ભારતમાં પોતાના પ્રકારનો આ સૌથી ઉંચો ધોધ છે. આખા વર્ષ દરમિયાન આ ધોધના પાણી અને આકારમાં ફેરફાર થતા હોય છે.
હોગેંક્કલ વોટરફોલ, ધર્મપુરી, તમિલનાડુ
આ ધોધ ભારતના નાયગ્રા તરીકે જાણીતો છે. તમિલનાડુનું સૌથી મોટું પર્યટન સ્થળ આ ધોધ છે. હોગેંક્કલ શબ્દ કન્નડ શબ્દ હોગ અને કલ થી બનેલો છે. એનો અર્થ એમ છે કે પાણીના ફોર્સના કારણે પહાડ પર ટકરાઈને જાને ધુમાડો નીકળી રહ્યો હોય એવો ભાસ થાય છે. દક્ષિણ ભારતના તમિલનાડુમાં ધર્મપુરી જિલ્લામાં આ ધોધ આવેલ છે જે બેંગ્લોરથી 180 કિમી અને ધર્મપુરી શહેરથી 46 કિમી દૂર છે.
જોગ ફોલ્સ, સાગરા તાલુકો, કર્ણાટક
253 મીટર (829 ફૂટ) ની ઉંચાઈ પર શરાવતી નદી પર આવેલ જોગ ફોલ્સ ભારતનો સૌથી ઉંચો ધોધ છે. એને ગેરસપ ફોલ્સ અને જોગાડા ગુંદી નામે પણ ઓલખવામાં આવે છે. જોગ વૉટરફોલ્સ ઉત્તર કન્નડ અને સાગર તાલુકાની સીમા પર આવેલો છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.