ભારત વિવિધતાવાળો દેશ કહેવાય છે અને આપણા દેશની આ વિવિધતા તેના ફૂડમાં પણ જોવા મળે છે. ભારતમાં તમને પૂર્વમાં થુકપા તો પશ્ચિમમાં ઢોકળા, ઉતરમાં છોલે ભટુરે તો દક્ષિણમાં ઇડલી-ડોસાનો ટેસ્ટ માણવા મળશે. જો કે આતો થઇ જાણીતી ડિશોની વાત. પરંતુ કેટલીક એવી વાનગીઓ પણ છે જે ઓછી જાણીતી છે પરંતુ સ્વાદમાં સહેજ પણ ઉતરતી કક્ષાની નથી. આવો જોઇએ આવી જ 10 ઓછી જાણીતી વાનગીઓ વિશે.
બેનામી ખીર
મુગલકાળ દરમિયાન રોયલ ફેમિલીની મીઠાઇ ગણાતી હતી બેનામી ખીર. જો કે આની રેસીપી સિક્રેટ હતી. એટલેકે તેમાં શું વપરાતું હતું તેની કોઇને ખબર નહોતી. જે લોકોને આ મિષ્ટાન્ન વિશે ખબર નથી તેમને જણાવી દઇએ કે આ મીઠાઇને બનાવવામાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે.
સિદ્દુ
આ હિમાચલ પ્રદેશની લોકપ્રિય વાનગીઓમાંની એક છે અને તે ટોસ્ટ કરેલી સ્ટફ્ડ બ્રેડનો એક પ્રકાર છે, જે સામાન્ય રીતે દાળ અને ધાણાની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બ્રેડ ઘઉંના લોટમાંથી બને છે અને તેમાં અખરોટ, મગફળી, લીલા વટાણા અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે.
ગોજ્જુ આવાલાક્કી
તે કર્ણાટકની લોકપ્રિય નાસ્તાની વાનગી છે એટલે કે બ્રેકફાસ્ટ છે. તે પાઉડર પૌંઆથી બનેલી છે. પરંતુ તેને સાદા જૂના પૌંઆ ન સમજતા, કારણ કે તેમાં મીઠો, મસાલેદાર અને તીખો સ્વાદ હોય છે અને તે ગોળ, કઠોળ અને સીંગદાણામાંથી બને છે.
પડ્ડુ
ગુલિઅપ્પા અથવા પનીયારમ તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ભારતમાં ઉપલબ્ધ નાસ્તાના લોકપ્રિય વિકલ્પોમાંથી એક છે. આ વાનગી વધેલી ડોસા/ઇડલી સાથે થોડી ડુંગળી, લીલા મરચાં અને ધાણાના પાન ઉમેરીને બનાવવામાં આવે છે. બૉલ્સ બેટરમાંથી બનાવવામાં આવે છે, જેને પછી બાફવામાં આવે છે અને નારિયેળની ચટણી સાથે માણવામાં આવે છે.
ડુંગળીનો હલવો
અન્ય એક વિચિત્ર છતાં સ્વાદિષ્ટ સંયોજન જેના વિશે ઘણા લોકો જાણતા નથી તે છે ડુંગળીનો હલવો. આ મીઠાઈ ઘીમાં તળેલી સફેદ ડુંગળીમાંથી બને છે અને પછી થોડી ખાંડ અને કાજુ સાથે દૂધમાં રાંધવામાં આવે છે. આ મીઠાઈ પર એક નજર નાખવા છતાં તેમાં શું વપરાયું છે તેનું ક્યારેય અનુમાન કરી શકાતું નથી.
ગુંદાનું શાક
ઉનાળામાં ગુંદાનો પાક થાય છે. ગુંદાનું અથાણું ગુજરાતમાં પોપ્યુલર છે. પરંતુ આજે આપણે વાત કરીશું ગુંદાના શાકની. ગુંદાનું શાક ઠળિયા વગરના ગુંદા, લાલ મરચાં, કાચી કેરી, ચણાનો લોટ, તેલ અને મસાલા વડે બનાવવામાં આવતી એક સ્વાદિષ્ટ વાનગી છે.
મંદે
આ પરંપરાગત વાનગી કોઇ ખાસ પ્રસંગે કે તહેવારો પર બનાવવામાં આવે છે. તેને મેંદો, દળેલી ખાંડ, છિણેલી નાળિયેરી અને એલચી પાવડરથી બનાવવામાં આવે છે. આ ડિશનો ટેસ્ટ અદ્ભુત હોય છે.
અચપ્પમ
રોઝ કૂકીઝ તરીકે પણ ઓળખાય છે, આ વાનગી તમિલનાડુનો પરંપરાગત નાસ્તો છે જે ક્રિસમસ અને ખાસ પ્રસંગોએ ખાવામાં આવે છે. આ કૂકીઝ ચોખાનો લોટ, ઈંડા, નાળિયેરનું દૂધ, તલ, ખાંડ અને મીઠુંથી બનેલી હોય છે અને તળવાથી તે સંપૂર્ણ બને છે.
બિદિયા
છત્તીસગઢ રાજ્યની એક મીઠી અને સ્વાદિષ્ટ વાનગી, જે તેને અન્ય આવી વાનગીઓથી અલગ પાડે છે. આ વાનગી ચોખાના પાણી સાથે ઘઉંના લોટની કણક બનાવીને અને પછી આ કણકના લંબચોરસ બનાવી ખુબ વધારે વખત તળીને બનાવવામાં આવે છે. આ લંબચોરસ ટુકડાઓ ગાઢ ખાંડની ચાસણીમાં પલાળવામાં આવે છે.
યોદુર ચામન
જો કે આ વાનગીનું નામ તમને ફિરંગી જેવું લાગતું હશે, પરંતુ તે એક કાશ્મીરી લોકપ્રિય વાનગી છે. કાશ્મીરીઓ મટન અને ચિકન ખાય છે તેવી લોકપ્રિય માન્યતાથી વિપરીત, આ વાનગી પનીરથી બનેલી છે. આ એક સ્વાદિષ્ટ પનીર રેસીપી છે જે જાડી ગ્રેવીમાં બનાવવામાં આવે છે, જે ક્રીમી હોય છે અને તેમાં હળદર સારી માત્રામાં હોય છે.