હનીમૂન કોઇપણ લગ્નનો એક મહત્વનો હિસ્સો હોય છે કારણ કે જ્યારે કોઇના લગ્ન થાય છે તો તે ઇચ્છે છે કે તે પોતાના લાઇફ પાર્ટનરની સાથે પોતાની જિંદગીની શરુઆત કોઇ સારા અને રોમાંટિક પ્લેસથી કરે. હનીમૂન પર જવા માટે તે આવી જ કોઇ જગ્યાની શોધમાં લાગી જાય છે. જો તમારા પણ નવા નવા લગ્ન થયા છે અને તમે હનીમૂન પર જવા માટે કોઇ સારી જગ્યા શોધી રહ્યાં છો તો અમે તમને જણાવી દઇએ કે ગોવા હનીમૂન પર જવા માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. જ્યાં તમે ગોવામાં સમુદ્રની રોમાન્ટિક લહેરો, સનસેટના સુંદર નજાર, સમુદ્રના કિનારે શોકમાં વાઇનની સાથે કેન્ડલ લાઇટ ડિનર, નાઇટલાઇફ અને અન્ય રોમાન્ટિક પ્રવૃતિઓની સાથે પોતાના હનીમૂનને વધારે યાદગાર બનાવી શકો છો. અહીં કપલ્સ માટે ઘણી એવી જગ્યાઓ છે જ્યાં તે લાઇફટાઇમ મોમેન્ટ સ્પેન્ડ કરી શકે છે.
વેલસાઓ બીચ
દક્ષિણ ગોવામાં કાંસોલિમ ગામની એકદમ નજીકમાં આવેલો વેલસાઓ સમુદ્ર તમારા હનીમૂનની શરૂઆત કરવા માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. શાંત વાતાવરણ, લોકોના શોરબકોરથી દૂર સમુદ્ર કિનારે તમને એકાંતનો અનુભવ મળશે. પાર્ટનરના હાથમાં હાથ નાંખીને દરિયાકિનારે ફરો, રેતીમાં બેસો અને સમુદ્રી ઠંડી હવાઓનો આનંદ માણો. અહીં શાંતિના માહોલમાં પાર્ટનર સાથે મીઠા ઝગડા કરવાનો પણ આનંદ આવશે.
અહીં તમને દરિયા કિનારે સ્વાદિષ્ટ વ્યંજન ખાવાની પણ મજા આવશે. તમે સ્થાનિક ભોજનનો આનંદ લઇ શકો છો. એકાંતમાં કલાકો સુધી બેસવાનો આનંદ તો એક નવા કપલને જ સમજાય છે.
શું તમે જાણો છો અહીંનો સુર્યાસ્ત પણ ઘણો જ સુંદર હોય છે. તમે સૂરજને દરિયામાં ઢળતો જોઇને વધારે રોમાન્ટિક થઇ જશો.આ પળો પાર્ટનર સાથે વિતાવવી એક અલગ જ મજા છે. સનસેટ તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે. અહીં બોટિંગ,સ્નોર્કલિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો.
દૂધસાગર વોટરફોલ્સ
દૂધસાગર જળધોધને સી ઑફ મિલ્ક પણ કહીએતો કદાચ અતિશયોક્તિ નહીં ગણાય. ગોવાનો આ વૉટર ફોલ્સ માંડોવી નદી પર સ્થિત છે. લગભગ 310 મીટર ઊંચાઇથી નીચે પડતું આ ઝરણું જોઇને એવું લાગે છે કે ફૉલ્સમાં પાણીના બદલે દૂધની ધારા વહેતી હોય. કદાચ એટલે જે આ ફૉલ્સને સી ઑફ મિલ્ક કહેતા હશે. દૂધ સાગર વોટર ફૉલ્સને સફેદ ઝરણું પમ કહેવાય છે. ઉંચાઇ પરથી પડતું પાણી એક ચમક ઉત્પન્ન કરે છે.
દૂધસાગર વોટર ફૉલ્સ પ્રવાસીઓને પળપળના રોમાંચનો અહેસાસ કરાવે છે. આ વોટર ફૉલ્સની શોધ 1850ના દશકમાં એન્ટોનિયો લોપે મેડેસે કરી હતી. ખાસ વાત એ છે કે આ ઝરણાંની નજીકથી રેલવે પસાર થાય છે. જેથી રેલવે યાત્રી પણ આ ખાસ વોટર ફોલ્સનો ભરપૂર આનંદ માણે છે.
ચોમાસામાં આ જગ્યાની મુલાકાત આનંદદાયક હોય છે. કારણ કે વરસાદના મોસમમાં અહીંનું વાતાવરણ ઘણું જ ખુશનુમા થઇ જાય છે. આ ચાર સ્તરોવાળો વોટર ફોલ્સ છે. દૂધસાગર વૉટર ફૉલ્સ ભગવાન મહાવીર અભ્યારણ્ય તેમજ મોલ્લેમ રાષ્ટ્રીય ઉદ્યાનની મધ્યમાં સ્થિત છે. આ ફોલ્સ ચારેબાજુ જંગલથી ઘેરાયેલો છે.
કલંગુટ બીચ
કલંગુટ બીચને સમુદ્ર કિનારાની રાણી અને ગોવાના સૌથી જાણીતા સમુદ્ર કિનારા તરીકે ઓળખવામાં આવે છે. અહીંના રિસોર્ટ્સ પર્યટકો અને હનીમૂન કપલ્સ માટે જુદાજુદા પ્રકારના વ્યંજનોની ઑફર કરે છે જ્યાં સ્વાદિષ્ટ ગોવા કરી અહીંના ફેવરિટ વ્યંજનોમાંની એક છે. આ બીચ તેની સોનેરી રેતી માટે પ્રસિદ્ધ છે, જ્યાં તમે તમારી હનીમૂન ટ્રિપને રોમાન્ટિક અને યાદગાર બનાવી શકો છો.
ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દુનિયાભરમાંથી મોટી સખ્યામાં પર્યટકો અહીં આવે છે. અહીં જુદા જુદા પ્રકારની એક્ટિવિટીઝ પણ થાય છે. આ બીચ ગોવાની રાજધાની પણજીથી માત્ર 15 કિ.મી.દૂર આવેલો છે. કલંગુટ બીચ ઉત્તરી ગોવાનો સૌથી લાંબો સમુદ્ર કિનારો છે. અને તે કેન્ડોલિમથી બાગા સુધી ફેલાયેલો છે. કલંગુટ બીચ ઉત્તરમાં કેન્ડોલિમ, બાગા, અંજુના, અગુઆડા અને અન્ય ઘણાં સ્થાનોથી સારી રીતે જોડાયેલો છે. અહીં તમે વોટર સ્પોર્ટ, પેરાસિલિંગ, વૉટર સર્ફિંગ,બનાના રાઇડ અને જેટ સ્કીઇંગ કરી શકો છો.
ગ્રાન્ડ આઇલેન્ડ
ગ્રાન્ડ આઇલેન્ડ ગોવાના સૌથી લોકપ્રિય અને આકર્ષક ટાપુમાંનો એક છે. આ ટાપુ ધીમે-ધીમે વોટરસ્પોર્ટ્સ માટે ગોવાના સૌથી સારા સ્થળોમાંનો એક બની ગયો છે. સાથે જ તમે અહીં સ્કૂબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ જેવી રોમાંચક પ્રવૃતિઓ કરી શકો છો. અહીં જવા માટે તમારે ફેરી (બોટ)નો ઉપયોગ કરવો પડશે. કુદરતનું સૌંદર્ય અહીં મનભરીને માણી શકાય છે. તમે તમારા પાર્ટનર સાથે પ્રેમ અને રોમાંચનો બેવડો અનુભવ અહીં કરી શકશો. અહીં ફેમસ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં બાઉન્ટી બે, શેલ્ટર કોવ, સેઇલ રોક વગેરેનો સમાવેશ થાય છે.
સિંક્વેરિમ બીચ (Sinquerim Fort)
સિંક્વેરિમ બીચ ઉત્તરી ગોવાના ઓછા ભીડ ભાડવાળા સમુદ્ર કિનારામાંનો એક છે. જે તેની સફેદ રેતી માટે પ્રસિદ્ધ છે. આ બીચની આસપાસ ઘણી શાનદાર હોટલ છે. જો તમે કોઇ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માંગો છો તો અહીં ઘણાં લકઝરી પેકેજ ઉપલબ્ધ છે. આ સિવાય તમે અહીં સ્કૂબા ડાઇવિંગ, વોટર-સ્કીઇંગ અને વિંડસર્ફિંગ જેવી રોમાંચક એક્ટિવિટીઝ કરી શકો છો. અને તમને જણાવી દઇએ કે આ બીચમાં ઘણાં બધા ડેકોરેશન જેવા કે રેતીના કર્વ્સ, પામ ટ્રીઝ વગેરે આવેલા છે, જે આ બીચને એક પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન બનાવે છે. અહીં એક ફોર્ટ છે જેનું નિર્માણ 1612માં થયું હતું. આ ફોર્ટથી તમે બીચને જોઇ શકો છો.
ટીટો બાર એન્ડ ક્લબ
ટિટો ગોવાની સૌથી લોકપ્રિય ક્લબો (Club Tito’s Goa Events) પૈકીની એક છે. આ ગોવાની સૌથી જુની ક્લબ પણ છે. ટિટો ક્લબ ઉત્તરી ગોવામાં બાગા બીચની નજીક છે. ટિટો એક લેનમાં છે, જેમાં જુદાજુદા પ્રકારની ક્લબ અને રેસ્ટોરન્ટ આવેલી છે. ટિટો ક્લબ તેના વિશાળ ડાન્સ ફ્લોર માટે ઘણી વધારે ચર્ચામાં રહે છે. આ ક્લબ કેટલાક અનોખા કોકટેલ અને સારા ભોજન માટે પણ જાણીતી છે. જો કે, તે ગોવાની અન્ય ક્લબોની તુલનામાં થોડુક મોંઘુ પણ હોય છે.
ક્લબમાં શાનદાર ડાન્સ ફ્લોરના દ્રશ્યની સાથે બીજા માળે એક વિશેષ પ્રાઇવેટ સ્થાન પણ છે. ટિટો ક્લબે જુદીજુદી થીમ પર આધારિત બૉલીવુડ વિન્ટેજ નાઇટ, કરાઓકે નાઇટ અને લેડીઝ નાઇટની મેજબાની કરી છે. આ ગોવાની સૌથી ફેમસ નાઇટ ક્લબ છે, એટલે અહીં ભીડ ઘણી વધારે રહે છે. ટિટો નાઇટ ક્લબ રાતના 9થી સવારે 3 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. અહીં છોકરીઓ માટે એન્ટ્રી ફ્રી છે.
માંડોવી નદી ક્રૂઝ
માંડોવી નદી ગોવાનો એક લોકપ્રિય સનસેટ પોઇન્ટ છે. જ્યાં તમે પણ તમારી ગોવાની હનીમૂન ટ્રિપમાં તમારા લાઇફ પાર્ટનર સાથે માંડોવી નદીથી સનસેટના સુંદર નજારાને જોઇ શકો છો. અને નદી કિનારે તમારા જીવનસાથી સાથે ફરી શકો છો.
ગુફાને એક્સપ્લોર કરો
ગોવામાં ઘણી પ્રાકૃતિક અને માનવ નિર્મિત ગુફાઓ છે. અરવલમ, લમગાઉ અને રિવોના ગુફાઓના અંધકાર ભર્યા માર્ગો પરથી પગપાળા ચાલવું એક અનોખો અને રોમાંટિક અનુભવ આપે છે.
દિવાલ ટાપુ
દિવાલ ટાપુ ગોવાનો એક નાનકડો ટાપુ છે જે કોમર્શિયલાઇઝેશનથી દૂર રહેવા અને તેની મૌલિકતા જાળવી રાખવામાં ઘણી હદ સુધી સફળ રહ્યો છે. આ એક નાનકડુ અને સુંદર ગામ છે જે પર્યટકોને ગોવામાં એક ગ્રામીણ વિસ્તારનો અનુભવ પ્રદાન કરે છે. જો તમે ઓગસ્ટના અંતમાં પોતાના હનીમૂનની યોજના બનાવી રહ્યાં છે, તો મહિનાના દર શનિવારે અહીં આયોજિત થતા બોન્ડરમ ઉત્સવમાં સામેલ થવાનું ન ભૂલો.
વેગેટર બીચ
વેગેટર બીચ ઉત્તરી ગોવામાં આવેલો ગોવાનો પ્રસિદ્ધ બીચ છે. જે હનીમૂન કપલ્સ અને પર્યટકોને મોટી સંખ્યામાં પોતાની તરફ આકર્ષિત કરે છે. વેગેટર બીચ ખડકોની નીચેની સોનેરી રેતી, ઉંચા તાડના ઝાડથી ઘેરાયેલા સમુદ્ર તટો અને ક્રેઝી ડાન્સ પાર્ટીઓ માટે જાણીતો છે. અહીંના ક્રાઉડમાં મોટાભાગે હનીમૂન કપલ્સ, યૂવા યૂરોપીય અને ભારતીય પ્રવાસીઓ હોય છે. સાથે જ વેગેટર બીચમાં ખાવા, પીવા અને રહેવા માટે ઘણાં વિકલ્પ પણ રહેલા છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો