સાચુ કહું તો ક્યારેક-ક્યારેક મને આનંદ થાય છે કે હું દિલ્હીમાં રહું છું. અહીંની અંતહીન ભીડ કે દિવસે પણ અંધારુ કરી દેતા પ્રદુષણને કારણે નહીં પરંતુ એટલા માટે કારણ કે સપ્તાહના અંતમાં દિલ્હીની આસપાસ ફરવા માટે ઘણી જગ્યાઓ છે અને હું નસીબદાર છું કે જો કોઇ વીકેન્ડમાં મારે રજાઓ ગાળવા પહાડોમાં જવાનું મન થાય તો હું હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ નીકળી જાઉં છું. જો કેટલાક દિવસ કળા અને સંસ્કૃતિ સાથે જોડાવાનું મન થાય તો રાજસ્થાન બાજુ વળી જાઉં છું. હાં, અત્યારે કોરોના વાયરસના કારણે ક્યાંય ફરવા જવાતુ નથી પરંતુ હું ભવિષ્યનું પ્લાનિંગ કરવામાં વિશ્વાસ રાખું છું, અને એટલા માટે મુસીબતના વાદળો વિખરાયા પછી ખુશીની તૈયારી કરી રહી છું. આ આર્ટિકલ પણ આવી જ તૈયારીને ધ્યાનમાં રાખીને લખ્યો છે.
તો જેવી રીતે મેં જણાવ્યું કે દિલ્હીમાં રહેવાની મજેદાર વાત તો એ છે કે રજાઓ ગાળવા માટે ફક્ત આ જ રાજ્ય જ નહીં પરંતુ આસપાસ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને કેટલાક અન્ય રાજ્ય પણ છે જ્યાં જવાનું વ્યર્થ નથી જતું. હું આ બધી જગ્યાએ જઇ ચૂકી છું એટલે કહી શકું કે આમાંથી કેટલાક નગરો અને શહેરો એવા છે જ્યાંની મસ્તી આખી ઝિંદગી ભુલી ન શકાય તેવી છે.
જે નગરો અને શહેરોની હું વાત કરી રહી છું ત્યાં તમને લોકોની ભીડભાડ ઓછી જોવા મળશે સાથે જ પ્રદુષણનું સ્તર પણ લઘુત્તમ મળશે. સાથે જ ભારતની સભ્યતા અને સંસ્કૃતિને નજીકથી જોવાની તક પણ મળશે.
અમે તમારા માટે લઇને આવ્યા છીએ કેટલાક આવા નાના નગરોનું લિસ્ટ જ્યાં તમે વાતાવરણ ઠીક થયા પછી સપ્તાહના અંતે જઇને ખુબ મજા કરી શકો છો.
1. અલસીસર, રાજસ્થાન
અલસીસર રાજસ્થાનનો અસલી રંગ જોવા માટે ઘણી જ શાનદાર જગ્યા છે પરંતુ ઘણાં જ ઓછા લોકો અહીં જઇ શકે છે. દિલ્હીથી ફક્ત 5.30 કલાકના અંતરે આવેલું રાજસ્થાનનું આ નાનકડુ ગામ સપ્તાહના અંતે રજાઓ માણવાની સૌથી સારી જગ્યાઓમાંની એક છે. અલસીસર ગામમા રાજસ્થાની કળા અને સંસ્કૃતિના રંગમાં રંગાઇ જવાની દુર્લભ તક મળે છે. આ નાનકડુ વિચિત્ર ગામ પોતાની વિશાળ હવેલીઓ અને સુંદર ચિત્રો માટે આખા ભારતમાં જાણીતું છે.
ડિસેમ્બરમાં તો આ જગ્યા આમેય ઘણી પ્રચલિત છે કારણ કે અહીં પર મેગ્નેટિક ફિલ્ડ્સ મ્યૂઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ સંગીત સમારોહમાં દુનિયાભરના જાણીતા સંગીતકારો ભાગ લેવા આવે છે અને તમે અહીં ઇલેક્ટ્રોનિક ડાંસ મ્યૂઝિક અને લાઇવ મ્યૂઝિકની મજા લઇ શકો છો.
ફરવાનો સૌથી સારો સમય: નવેમ્બર- માર્ચ
રસપ્રદ કાર્યક્રમઃ સંગીત સમારોહ, મહેલ, સ્થાનિક સાંસ્કૃતિક પ્રદર્શન વગેરે
2. બીર, હિમાચલ પ્રદેશ
ધર્મશાળા લગભગ 70 કિ.મી.ના અંતરે સ્થિત બીર પહાડોમાં છુપાયેલું એક નાનકડું શહેર છે જ્યાં તમે શાંત અને સૌમ્ય સમયનો આનંદ લઇ શકો છો. આમ તો મોટાભાગના લોકો સપ્તાહના અંતે જ રજાઓ ગાળવા માટે ધર્મશાળા કે મેક્લોડગંજ તરફ નીકળી પડે છે પરંતુ બીર એવા લોકો માટે સૌથી સારી જગ્યા છે જે પ્રવાસીઓની ભીડ-ભાડથી દૂર કોઇ ખુલ્લી જગ્યા પર કેટલોક સમય પસાર કરવા માંગે છે.
અહીં તિબેટની સંસ્કૃતિના મૂળિયા ઘણાં ઊંડા છે અને તમારા માટે આ યોગ્ય તક છે તિબેટીયન સંસ્કૃતિમાં ડુબવાનો. તમે અહીંના જુદા જુદા મઠોમાં તિબેટીયન ધર્મનું શિક્ષણ પણ લઇ શકો છો. સાથે જ મન કરે તો પાસેના જ ગુનેહર ગામમાં વહેતી નદીની નાનકડી ધારા (વહેણ)ને જોવા જઇ શકો છો. બીજુ કંઇ નહીં તો સાયકલ ઉઠાવો અને નીકળી પડો આ નાનકડા ગામની યાત્રા કરવા. જો તમે રોમાંચક ગતિવિધિઓમાં રસ ધરાવો છો તો જાણતા હશો કે બીરમાં પેરાગ્લાઇડિંગની રમત ઘણી જાણીતી છે. જો તમે તે નથી જાણતા તો પણ અહીં કેમ્પિંગ અને પેરાગ્લાઇડિંગની મજા લઇ શકો છો.
ફરવાનો સૌથી સારો સમય: ઑક્ટોબરથી જૂન
રસપ્રદ કાર્યક્રમઃ પેરાગ્લાઇડિંગ, મઠ ભ્રમણ, ઝરણાના દર્શન, ટ્રેકિંગ, પગપાળા યાત્રા, કેમ્પિંગ
3. મથુરા, ઉત્તર પ્રદેશ
તે ધાર્મિક લોકો માટે મથુરા એક સારી જગ્યા હોઇ શકે છે જે આધ્યાત્મિકતામાં રસ ધરાવે છે, કારણ કે મથુરા આવીને તમે ભગવાન કૃષ્ણના જન્મસ્થળ અંગે વધુ ઊંડાણથી જાણી શકો છો. હોળીના સમયે આ જગ્યાનું સ્વરુપ ઘણું રંગીન થઇ જાય છે. જો કે, તમને અહીં ખિસ્સાકાતરુથી થોડા સાવધાન રહેવું પડશે જે મથુરાના રસ્તા પર ચારેબાજુ ફરતા જ રહે છે.
યમુના ઘાટ પર બેસીને શાંત વહેતી યમુના નદીના કિનારે અહીંની પાવન ઉર્જાનો આનંદ તો લઇ જ શકો છો સાથે જ સાંજના સમયે સૂર્યાસ્તનો અદ્ભુત નજારાનો લુત્ફ પણ ઉઠાવી શકો છો. જો તમે ઇચ્છો તો અડધા દિવસ માટે પાસે જ સ્થિત વૃંદાવન જઇ શકો છો. વૃંદાવનમાં ઘણાં બધા સુંદર મંદિર જોવા મળશે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે.
ફરવાનો સૌથી સારો સમય : ઓક્ટોબરથી માર્ચ
રસપ્રદ કાર્યક્રમ: મંદિર, બોટિંગ, ફોટોગ્રાફી, ધ્યાન
4. તીર્થન ઘાટી (ખીણ), હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં બીજુ એક નાનકડુ નગર છે જે અન્ય ગામોથી થોડુક હટકે છે. આ જગ્યાનું નામ છે તીર્થન ઘાટી. કદાચ તમે જાણતા હશો કે હિમાચલની મોટાભાગની જગ્યાઓનું શહેરીકરણ અને વ્યાવસાયિક રીતે વિકાસ થવાથી ત્યાંની પ્રાકૃતિક સુંદરતા જાણે કે ખોવાઇ ગઇ છે. પરંતુ આવા તાબડતોબ શહેરીકરણમાં પણ જો કોઇ જગ્યા હજુ પણ પોતાના નેસર્ગિક સૌદર્ય અને શાંતિ માટે ઓળખાય છે તો તે છે તીર્થન ખીણ અને આ જ ખાસિયત તેને સપ્તાહના અંતમાં રજા મનાવવાની યોગ્ય જગ્યા બનાવે છે.
તીર્થન નદીની જલધારાની પાસે બેસીને કેટલોક સમય આરામ કરવાથી તમારો આખા સપ્તાહનો થાક ઉતરી જશે. નદીનું પાણી એટલું ચોખ્ખું છે કે બેઠા-બેઠા તમને આવી અનેક પ્રકારની અનોખી માછલીઓ જોવા મળશે જે કદાચ બીજે ક્યાંય નહીં મળે. વિશ્વાસ કરો, તીર્થન ઘાટી કોઇ નાની મોટી જગ્યા નથી પરંતુ હિમાચલના ખોળે છુપાયેલું અમૂલ્ય રત્ન છે.
ફરવાનો સૌથી સારો સમય: વર્ષમાં ક્યારેય પણ
રસપ્રદ કાર્યક્રમઃ ટ્રેકિંગ, માછલી પકડવી, ઝરણાની પાસે બેસવું, ખેતીનો અનુભવ લેવો
5. અલવર, રાજસ્થાન
આ રાજસ્થાનનું વધુ એક નાનકડું ગામ છે જે દિલ્હીની નજીક હોવાના કારણે સપ્તાહના અંતે ફરવા માટે સારી જગ્યા છે. દિલ્હીથી માત્ર 3-4 કલાકના અંતરે આવેલા અલવરમાં તમને કરવા લાયક પ્રવૃતિઓની ભરમાર જોવા મળશે. સપ્તાહના અંતે અહીં પહોંચીને તમે અહીંની જાણીતો અલવરનો કિલ્લો જોવા જઇ શકો છો. અલવરનો કિલ્લો પોતાની બેજોડ વાસ્તુકલા માટે ઘણો જાણીતો છે. કિલ્લામાં બનેલા પ્રસિદ્ધ સંગ્રહાલયમાં કેટલીક દુર્લભ હસ્તલિપિ પણ જોઇ શકાય છે.
અલવરમાં ફરવા લાયક સૌથી સારી જગ્યામાં સમાવિષ્ટ સિલીસેટ સરોવર છે જ્યાં તમે સવારે પહોંચીને ઉગતા સૂરજની સુંદરતાને નિહાળી શકો છો અને સાંજના સમયે ઢળતા સૂરજની લાલિમાને અલવિદા કહી શકો છો. ઇચ્છો તો સરોવરમાં નાવની સવારીનો આનંદ પણ લઇ શકો છો. અલવરમાં રોકાવા માટે અનેક રિસોર્ટ અને પેલેસ છે જ્યાં રાત પસાર કરવી તમારી રજાઓને આરામદાયક તો બનાવશે જ સાથે આ એક રોમાંચક અનુભવ પણ આપશે.
ફરવાનો સૌથી સારો સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી
રસપ્રદ કાર્યક્રમ: સિલીસેટ સરોવરમાં બોટિંગ, કિલ્લા અને મહેલોના દર્શન
6. ભીમતાલ, ઉત્તરાખંડ
નૈનીતાલમાં સ્થિત ભીમતાલ નગર તેની મોટી બહેન નૈનીતાલનું નાનું અને શાંત રૂપ છે. સપ્તાહના અંતે પોતાના પરિવાર કે દોસ્તોની સાથે રજાઓ મનાવવા જવાનું હોય તો ઉત્તરાખંડમાં ભીમતાલથી સારી કદાચ જ કોઇ જગ્યા હોય. નૈનીતાલથી માત્ર 22 કિ.મી દૂર આવેલા ભીમતાલની કુદરતી સુંદરતા અને શાંતિ તમને આ જગ્યાના દિવાના બનાવી દેશે. જો આની સાથે કંઇક બીજુ પણ જોવા માંગો છો તો પાસે જ નૈનીતાલ તો છે જ.
ભીમતાલમાં તમે બોટ ચલાવવાનો મસ્તી ભર્યો અનુભવ લઇ શકો છો કે પછી આંટો મારવાનું મન છે તો નદીના કિનારે ચારે બાજુ ટહેલતાં અહીંની હરિયાળી અને કુદરતી સુંદરતાનો આનંદ ઉઠાવી શકો છો. જો ફક્ત આરામ કરવાનું મન છે તો શાંતિથી પોતાની હોટલ કે હોમસ્ટેના રુમમાં પહાડોની વચ્ચે આરામ ફરમાવો.
ફરવાનો સૌથી સારો સમય: ઑક્ટોબર-માર્ચ
રસપ્રદ કાર્યક્રમ: ભીમતાલમાં નૌકાયન, જુના મંદિરની મુસાફરી, પગપાળા વોકિંગ, કિંગ
7. ઉદેપુર, રાજસ્થાન
સપ્તાહના અંતમાં હરવા ફરવા અને મોજ મસ્તી માટે સૌથી સારી જગ્યાઓમાંની એક છે ઉદેપુર. જ્યાં જો તમે બે દિવસ પણ રોકાઇ જાઓ છો તો પણ કરવા લાયક ગતિવિધિઓ અને જોવાલાયક જગ્યાઓની કોઇ કમી નહીં પડે. સરોવરોના શહેરના નામથી લોકપ્રિય ઉદેપુરમાં અનેક સરોવરો છે જ્યાં જઇને તમે કેટલોક સમય તળાવની સુંદરતા નિહાળવામાં વ્યતીત કરી શકો છો પરંતુ અહીંના સૌથી સુંદર અને અલૌકિક સરોવરનું નામ છે બાદી સરોવર. જે શહેરના મધ્યભાગથી લગભગ 10 થી 15 કિ.મી. દૂર સ્થિત છે.
ઉદેપુરમાં ફરવું છે તો સરોવરના મામલે તમારી પાસે ઘણાં વિકલ્પ છે જેવા કે ફતેહસાગર સરોવર, પિચોલા સરોવર વગેરે. સાંજે આ સરોવરના કિનારે ચાલતા ચાલતા તમે ઠંડી હવાનો આનંદ લઇ શકો છો. જો તમે જુની શિલ્પકારીમાં રસ ધરાવો છો તો અહીં અનેક ઐતિહાસિક મહેલ અને સ્મારક પણ છે. ફોટોગ્રાફીમાં રસ ધરાવનારા માટે સાંજના સમયે ઉદેપુરની અમ્બ્રાઇ ખીણમાં જવાનું સારુ રહેશે. સાંજે આ ખીણથી આખા શહેરનું સુંદર અને ચમકદાર દ્રશ્ય બસ જોતા જ રહીએ.
યાત્રાનો સૌથી સારો સમય: સપ્ટેમ્બરથી માર્ચ
રસપ્રદ કાર્યક્રમ: સરોવરમાં નૌકાવિહાર, કિલ્લા અને મહેલોના દર્શન, સરોવરના કિનારે ટહેલવાનું
8. દેવપ્રયાગ, ઉત્તરાખંડ
જેઓ સપ્તાહના અંતમાં ઓલી, ઋષિકેશ અને હરદ્ધાર જેવી જગ્યાઓ પર જઇને કંટાળી ગયા છે તેમના માટે ઉત્તરાખંડ રાજ્યના ટિહરી જિલ્લામાં સ્થિત આ નાનકડી શાંત જગ્યા સૌથી સારી છે
ઉત્તરાખંડનું આ નાનકડુ શહેર પોતાના પ્રાચીન મંદિરો માટે તો જાણીતું છે જ સાથે જ અહીં અલકનંદા અને ભાગીરથી નદીઓની ધારાઓનો સંગમ થતાં પણ જોઇ શકાય છે. તો જો તમે પહાડોની વચ્ચે સપ્તાહના અંતે રજાઓ ગાળવાનું વિચારી રહ્યા છો અને કોઇ અલગ જગ્યાએ જવા માંગો છો તો દેવપ્રયાગ તમારા માટે બિલકુલ યોગ્ય પસંદગી હશે. અહીં તમે ખીણોમાં બેસીને પહાડોમાંથી નીકળતી ધારાઓને વહેતી જોઇ પાવન ગંગાના ઇતિહાસ અને તેના ઉદગમ સ્થળ અંગે વધુ જાણી શકો છો.
ફરવાનો સૌથી સારો સમયઃ વર્ષમાં કોઇપણ સમય
રસપ્રદ કાર્યક્રમ: રિવર રાફ્ટિંગ, રૉક ક્લાઇબિંગ, ટ્રેકિંગ, કેમ્પિંગ, ક્લિક જમ્પિંગ
9. રાજગુંધ, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના લીલાછમ પિટારામાં છુપાયેલુ એક બહુમૂલ્ય રત્ન છે રાજગુંધ જે બિલિંગ અને બરોટ ખીણની વચ્ચે ક્યાંક વસેલુ છે. આ શાંત અને સહજ ગામ ખીણોમાં એવી રીતે છુપાઇને બેઠું છે કે ઘણાં મુસાફરોને તો આ અંગે ખબર સુદ્ધાં નથી. પરંતુ અમે જણાવી દઇએ કે આ સુંદર જગ્યા ધોલાધાર પર્વત શ્રેણીથી ઘેરાયેલી છે.
આ ગામ સુધી પહોંચવા માટે જો તમે બિલિંગથી શરુઆત કરો છો તો તમારે 14 કિ.મી.નું ચઢાણ ચડવું પડશે. તો જો તમે બરોટ સુધીની બસ લો છો તો ચઢાણનું અંતર ઘટીને ફક્ત 6-8 કિ.મી. જ રહી જાય છે. રાજગુંધ પહોંચીને રાતમાં તારાથી ભરેલા ખુલ્લા આકાશ નીચે ટેન્ટમાં રોકાઓ અને સવારે સૂર્યોદયનો સુંદર નજારો જુઓ. જો સાંજના સમયે પહોંચો છો તો સૂર્યાસ્તના સમયે રંગ બદલતા આકાશને પણ જોઇ શકો છો જેની યાદો તમે આખી ઉંમર તમારા મનમાં સંઘરીને રાખી શકો છો.
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચ
રસપ્રદ કાર્યક્રમ: ટ્રેકિંગ, કેમ્પિંગ, નદીના વહેણમાં માછલીઓ પકડવી
10. કસોલી, હિમાચલ પ્રદેશ
અંતમાં આ લિસ્ટ અમને લઇને આવી છે હિમાચલ પ્રદેશના વધુ એક અમૂલ્ય રત્ન પર જેનું નામ છે કસોલી. આ નગરમાં જવાથી આજે પણ બ્રિટિશ રાજમાં બનેલા ઘર અને વિશ્રામગૃહ જોઇ શકાય છે. અહીં ભવ્ય ચર્ચ, મોટા-મોટા મંદિર અને ચારોબાજુ પહાડ જ પહાડ છે. ફરવા યોગ્ય સ્થળોમાંનુ એક મંકી ટેમ્પલ પણ છે જ્યાં ટોચ પર ઉભા રહીને તમે વાદળોને પણ અડી શકો છો.
કસોલી એક નાનકડી શાંત જગ્યા છે જ્યાંની આબોહવા સાફ અને શુદ્ધ છે. આ નગરમાં તમે ચાલતા ચાલતા અનેક નજારાનો આનંદ ઉઠાવી શકો છો અને ઠંડી હવાની સાથે તમને એક નવી તાજગીનો અહેસાસ થશે. ઇચ્છો તો જાણીતા ગિલબર્ટ ટ્રેક પર ચઢાણ કરી શકો છો કે સાંજે સનસેટ પોઇન્ટથી સૂર્યાસ્તનો આનંદ પણ ઉઠાવી શકો છો. આ નાનકડા નગરમાં પ્રકૃતિની વચ્ચે વિતાવેલી દરેક પળ તમારા માટે જાદુઇ અનુભવથી કમ નહીં હોય.
ફરવાનો સૌથી સારો સમયઃ આખુ વર્ષ
રસપ્રદ કાર્યક્રમઃ લાંબી પગપાળા યાત્રા, ટ્રેકિંગ, પ્રકૃતિના દર્શન, મંદિર અને ચર્ચના દર્શન