વિમાને યાત્રા કરવાનું ઘણું સરળ બનાવી દીધું છે. મુસાફરીના વધેલા સમયમાં વધુ જગ્યાઓ ફરી શકાય છે અને વધારે શીખીને પોતાના અનુભવ વહેંચી શકો છો. જો કે હવાઇ યાત્રા વધારે બોરિંગ હોય છે કારણ કે જહાજમાં તમે તમારી આસ-પાસના સુંદર નજારા જોવાનું ચૂકી જાઓ છો. બસમાં યાત્રા કરવાથી રસ્તાના સુંદર દ્રશ્યો પણ જોવા મળી જાય છે અને આ અંગે વાતો કરીને યાત્રીઓની વચ્ચે દોસ્તી પણ વધે છે. તો હાજર છે ભારતની એક એવી શાનદાર બસ યાત્રા જે અંગે જાણીને તમે હવાઇ જહાજમાં મુસાફરી કરવાનું બંધ કરી દેશો.
1. મુંબઇથી ગોવા
ભારતના સૌથી અમીર શહેરથી લઇને દેશના સૌથી સુંદર દરિયાકિનારાવાળા શહેર સુધી બે રીતે જઇ શકાય છે. પહેલી રીત મુંબઇ-પુણે એક્સપ્રેસ વેથી શરૂ થાય છે પછી કોલ્હાપુર અને બેલગામથી થઇને ગોવા સુધી જઇને સમાપ્ત થાય છે. આ રસ્તો સીધો સપાટ હોવાથી એવા લોકો માટે સારો છે જેમની મુસાફરી દરમિયાન અવારનવાર તબિયત બગડી જાય છે. જો અટક્યા વગર જાઓ તો 10 કલાક 30 મિનિટમાં ગોવા પહોંચી જાઓ. બીજો રસ્તો રાષ્ટ્રીય રાજમાર્ગ 66થી થઇને 12 કલાક લાગે છે. ભલે તમે કોઇપણ રસ્તો પસંદ કરો, રસ્તાની સુંદરતા જોઇને એવુ મન થશે કે મંઝિલ ક્યારેય ન આવે.
2. વિશાખાપટ્ટનમથી ચેન્નઇ
જે રસ્તો ઓછો પસંદ કરવામાં આવે છે તે મોટાભાગે સ્વર્ગ તરફ જાય છે. પરંતુ રાષ્ટ્રીય રાજમાર્ગ (નેશનલ હાઇ વે) 16 થઇને જનારી આ બસ યાત્રા પોતાનામાં સ્વર્ગ છે. આ રસ્તાને મોટરસાઇકલ સવાર અને રોડ ટ્રિપ પસંદ કરનારા ઓછો પસંદ કરે છે પરંતુ આ રસ્તામાં ઘણાં જ સુંદર દ્રશ્યો છે. બારીની બહાર માથુ નાંખીને બહારના દ્રશ્યો આંખોમાં ભરી લો. આટલી સુંદરતા ફરી ક્યારે જોવા મળે, શું ખબર !
3. બેંગાલુરુથી ઉટી
આ દક્ષિણ ભારતની સૌથી સુંદર બસ યાત્રામાંની એક છે. જાણીતા ચીની શિક્ષક અને દાર્શનિક કન્ફ્યૂશિયસે યોગ્ય કહ્યું હતું '' રસ્તો ચાલવા માટે હોય છે, મંઝિલ સુધી પહોંચવા માટે નહીં" રાષ્ટ્રીય ઉદ્યાનો અને જંગલોથી પસાર થતા વળાંકદાર રસ્તાઓ વાદળો તરફ લઇ જાય છે. 6 કલાકની આ બસની મુસાફરી અંગે જેટલું લખવામાં આવે તેટલું ઓછું છે. આ મુસાફરી દરમિયાન લોકોને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ મળે છે, એટલા માટે તેને શબ્દોમાં વર્ણન ન કરવું જ યોગ્ય છે.
4. શ્રીનગરથી ઉધમપુર
લીલાછમ અને પ્રદુષણ મુક્ત વાતાવરણથી પસાર થનારી આ બસ યાત્રા મનને ઘણી જ શાંતિ આપે છે. 7 કલાક પછી તમને લાગશે કે મુસાફરી સમાપ્ત જ નહોતી થવી જોઇતી. આસ-પાસના ઢાબામાંથી આવતી ખાવાની ખુશ્બુદાર સુગંધ મુસાફરીને વધુ રંગીન બનાવી દે છે.
5. દિલ્હીથી લેહ
યાત્રીઓની વચ્ચે સૌથી લોકપ્રિય રોડ યાત્રાઓમાંની એક હોવા પાછળનું કારણ એ છે કે આ બસ યાત્રા દરમિયાન તમે ભારતની અનેક અજાણી જગ્યાઓ, સ્થળો અને રસ્તામાં આવનારા ભવ્ય મઠોને જોઇ શકશો. આમ તો આ યાત્રામાં 29 કલાક લાગે છે પરંતુ વિતાવેલી દરેક પળ આપને યાદ રહી જશે.
6. જયપુરથી જેસલમેર
આ યાત્રામાં તમને ખબર પડશે કે રેગિસ્તાન કેટલુ સુંદર હોઇ શકે છે. સપાટ રસ્તા પર દોડતી ગાડી અને આસપાસ આવતા રેતીના ઢુવા મુસાફરીની મજા બમણી કરી દે છે. તમારી આંખો અને કાન ખુલ્લા રાખજો કારણ કે આ 9 કલાક 40 મિનિટના રસ્તામાં તમને મોર પણ જોવા મળશે. આ આખા રસ્તે ખાવાના વિકલ્પ છે અને રસ્તાની હાલત યોગ્ય છે.
7. મનાલી અને લેહ હાઇ-વે
આ રોડ ટ્રિપ બૉલીવુડમાં સૌથી વધુ જોવા મળે છે. યાદ છે જબ વી મેટની કરીના કપૂર? રસ્તામાં ચાલતા બર્ફિલા શિખરો તમને સ્વર્ગમાં લઇ જાય છે. તમારુ મન કરશે કે અટકીને કેટલોક સમય દ્રશ્યોને દિલમાં ભરી લેવામાં આવે. અટક્યા વગર યાત્રા કરવા પર ફક્ત 14 કલાકમાં મુસાફરી પૂર્ણ થાય છે. જો ફક્ત 14 કલાક સાંભળીને તમે હસી પડો છો તો એકવાર આ યાત્રા કરીને જુઓ.
8. ગુવાહાટીથી તવાંગ
14 કલાકની આ બસ યાત્રા ભારતના ઉત્તર પૂર્વની સુંદરતા દર્શાવે છે. અહીંની પર્વતીય જમીન ઘણી જ સુંદર અને નિરાળી છે. ખીણોના વળાંકદાર રસ્તા પરથી જતો આ રસ્તો અહીંની પ્રકૃતિની રુબરુ હોવાની સૌથી સારી રીત છે. આ વળાંકદાર રોડ પરનો રોમાંચ પ્રેમીપંખીડાઓને ઘણો જ પસંદ આવે છે. જ્યારે-જ્યારે તમે રસ્તામાં રોકાશો અને આસ-પાસની પ્રકૃતિને નિહાળશો તો પોતાના ઉથલ-પાથલથી ભરેલા વિચારોમાં મોટુ પરિવર્તન અનુભવશો.
9. શિમલાથી મનાલી
ભારતના બે સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનો વચ્ચેની આ યાત્રા 8 કલાકની છે. સાથે વહેતી વ્યાસ નદીની ધારા તમારા દિલમાં કુદરત માટે અથાગ પ્રેમ ભરી દેશે. પહાડી રસ્તાની આ યાત્રા ઘણી લોકપ્રિય છે. એટલા માટે રસ્તામાં ચાલતી બસ તમને ક્યારેય ખાલી નહીં દેખાય. રસ્તામાં થોડી ગાડીઓની ભીડ અને ઘોંઘાટ મળશે પરંતુ જો બારીની બહાર ખુલ્લા આકાશ અને બર્ફિલા પહાડોને જોશો તો મન શાંત થઇ જશે.
10. ચેન્નઇથી મુન્નાર
12 કલાકની આ બસ યાત્રામાં તમે તામિલનાડુના સમુદ્રકિનારાથી મુન્નારની પહાડીઓમાં ચાના બગીચા પાર કરીને વાદળોની વચ્ચે પહોંચી જશો. રસ્તામાં ઘણીવાર જળવાયુ ફેરફાર થશે જેનો અનુભવ કરવો પોતાનામાં એક અનુભવ છે. ત્યાં સુધી કે રસ્તામાં બસ જે મેદાનોમાંથી પસાર થાય છે તે પણ સુરમ્ય અને સરળ છે જે યાત્રીઓના દિલમાં વસી જાય છે.