ભારતના કોઇપણ ખૂણામાં તમને વાસ્તુકળાના અનોખા નમૂના જોવા મળી જશે. સુંદર શિલ્પકામ ફક્ત મંદિર, મસ્જિદ કે કિલ્લામાં જ નહીં પરંતુ તમારામાંથી ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતમાં ઘણાં એવા રેલવે સ્ટેશન પણ છે જે પોતાની બનાવટ અને વાસ્તુશિલ્પ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. એ તો તમને ખબર જ હશે કે ભારતનું રેલવે નેટવર્ક સમસ્ત વિશ્વમાં સૌથી મોટું છે. હજારો નાના-નાના ગામ અને શહેરોને સાથે જોડવા પણ એક વિશાળ કાર્ય છે. જે રીતે રેલવેએ અનેક શહેરોમાં જુના સમયમાં રેલવે સ્ટેશનોનું નિર્માણ કર્યું તે જોવાલાયક છે. આજે પણ આ રેલવે સ્ટેશનોને વિન્ટેજ બિલ્ડિંગ્ઝ માનવામાં આવે છે. તો આવો જાણીએ ભારતમાં એવા કયા સુંદર રેલવે સ્ટેશન છે જ્યાં તમે મુસાફરી કરી શકો છો, પરંતુ પરિસ્થિતિ સુધરે પછી.
1. ચારબાગ રેલવે સ્ટેશન
આ સુંદર રેલવે સ્ટેશનની યાદીમાં સૌથી પહેલું આવે છે લખનઉનું ચારબાગ રેલવે સ્ટેશન. ચારબાગનો ગુજરાતીમાં અર્થ થાય છે ચાર બગીચા. આ અંગ્રેજોના સમયની એક ભવ્ય ઇમારત છે જે બહારથી જેટલી વિશાળ છે અંદરથી એટલી જ સુંદર. કહેવાય છે કે તેની વાસ્તુકળામાં તમને મુગલ, રાજપૂત અને અવધિ સંસ્કૃતિની ઝલક જોવા મળશે. જો આપને આ રેલવે સ્ટેશનને ક્યારેક ઉપરથી જોવાની તક મળે તો તે ચેસબોર્ડ જેવું દેખાશે અને લાંબા લાંબા થાંભલા અને નીચે બનેલા ગુંબજ શતરંજના ખેલાડીઓ જેવા પ્રતીત થાય છે. છે ને અનોખું દ્રશ્ય?
2. કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન
કાનપુર રેલવે સ્ટેશનને ભારતનું એક મોટુ જ નહીં પરંતુ સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પણ માનવામાં આવે છે. આ ભારતના 4 કેન્દ્રીય રેલવે સ્ટેશનોમાંનુ એક છે. આ એક જુનુ રેલવે સ્ટેશન છે જે 1928માં બનાવવામાં આવ્યું હતું. આ રેલવે સ્ટેશનના વાસ્તુશિલ્પની પ્રેરણા પણ લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનમાંથી લેવામાં આવી હતી.
3. બનારસ જંકશન
બનારસ માટે પહેલીવાર હાવડાથી ટ્રેન ચાલી હતી ડિસેમ્બર 1862માં. આ એ પ્રકારની પહેલી 541 માઇલ લાંબી રેલવે લાઇન પર બંડલ, બર્દવાન, રાજમહેલ અને પટનાથી પસાર થતા થતા આવી. ગંગાની સાથે સાથે નાના નાના કાંઠાની વચ્ચેથી પસાર થતી આ ટ્રેન માટે આ જ રસ્તો યોગ્ય માનવામાં આવ્યો કારણ કે તે સમયે ભારતમાં ઘણા જુના રેલવે એન્જિન હતા. બનારસ રેલવે સ્ટેશન ગંગાના જમણા કાંઠે બનાવાયું હતું. જ્યારે તમે આ રેલવે સ્ટેસનને બહારથી જુઓ છો તો આ કોઇક ભવ્ય મંદિર જેવું લાગે છે. આ બિલ્ડિંગની બરોબાર ઉપર એક મોટુ ચક્ર પણ સ્થાપિત કરવામાં આવ્યુ છે. આ ચક્રમાં હંમેશા રંગીન લાઇટો ઝબુકતી રહે છે.
4. ઘુમ રેલવે સ્ટેશન
ઘુમ રેલવે સ્ટેશન ભારતનું સૌથી ઉંચુ રેલવે સ્ટેશન છે અને વિશ્વમાં તે 14માં નંબર પર આવે છે. ઘૂમ રેલવે સ્ટેશન દાર્જિલિંગથી માત્ર 7 કિલોમીટરના અંતરે છે. અહીં હવે સિલીગુડીથી આવનારી ટ્રેન નથી ચાલતી પરંતુ પર્યટકોના અનુભવ માટે દાર્જીલિંગથી દિવસમાં અનેક વાર એક ટૉય ટ્રેન ચાલે છે. આ ટૉય ટ્રેન યાત્રીઓને બતસ્યા લૂપથી હિમાલય દર્શન કરાવે છે અને ઘૂમ રેલવે મ્યૂઝિયમ પર પણ ઉભી રહે છે જે રેલવે સ્ટેશનની પાસે જ છે.
5. હાવડા રેલવે સ્ટેશન
કોલકાતાના હાવડાનું આ પ્રાચીન રેલવે સ્ટેશન ભારતમાં સૌથી જુનું છે. આ રેલવે સ્ટેશન ઇસ.1854માં બનાવાયું હતું. હુગલી નદીના કિનારે બનાવેલું આ સ્ટેશન કોલકાતાને હાવડા પુલના માધ્યમથી જોડે છે. આખા ભારતમાં આ રેલવે સ્ટેશનમાં સૌથી વધુ રેલગાડીના ડબ્બાને રાખવાની ક્ષમતા છે. લોકોની અવરજવર માટે અહીં 23 પ્લેટફોર્મ્સ પર ગાડીઓ દિવસ-રાત ચાલે છે.
6. કટક રેલવે સ્ટેશન
ઓરિસ્સામાં કટક રેલવે સ્ટેશન એક અનોખું રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન બરબટી કિલ્લાની નકલમાં બનાવાયું છે. બરબટી કિલ્લા અંગે જાણવા ઇચ્છો તો આપને જણાવી દઇએ કે તે 14મી શતાબ્દીમાં પૂર્વી ગંગા સામ્રાજ્ય દ્ધારા કલિંગમાં બનાવાયું હતું. ત્યારથી આ કિલ્લો ઓરિસ્સાની શાન છે. કટકના આ રેલવે સ્ટેશનની ભારતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાં ગણતરી થાય છે.
7. તિરુઅનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશન
આખા કેરળનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે તિરુઅનંતપુરમ સેન્ટ્રલ. ભલે આ એક રેલવે સ્ટેશન હોય પરંતુ તેની ભવ્યતા કોઇ એરપોર્ટથી કમ નથી. આ 1931માં બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી સરકાર તેની સંભાળ રાખી રહી છે. આ જ કારણ છે કે આજે પણ આ ઇમારતને કેરળની સૌથી સુંદર ઇમારતોમાં માનવામાં આવે છે.
8. કૂન્નૂર રેલવે સ્ટેશન
કૂન્નૂર રેલવે સ્ટેશન આ શહેરને આખા દેશ સાથે જોડે છે. અહીં આવનારા યાત્રીઓને તામિલનાડુના નીલગિરી ડિસ્ટ્રિક્ટના આ હિલ સ્ટેશનમાં લઇને આવે છે. આ રેલવે સ્ટેશન નીલગિરી માઉન્ટેન રેલવેનો એક હિસ્સો છે જે વિશ્વ પ્રસિદ્ધ છે અને એક હેરિટેજ ટ્રેન નેટવર્ક માનવામાં આવે છે. ઘણાં શહેરોમાંથી ઉટી જતા વચ્ચે કૂન્નૂર એક મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન આવે છે.
9. ચેન્નઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન
ચેન્નઇ રેલવે સ્ટેશનને દક્ષિણ ભારતના દ્ધારના નામથી પણ ઓળખવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓ માટે આ એક મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન છે. ચેન્નઇનું રેલવે સ્ટેશન 143 વર્ષ જુનુ છે. ભારતમાં આપને આટલા જુના રેલવે સ્ટેશન ભાગ્યે જ જોવા મળશે. આ સ્ટેશનને હેનરી ઇરવિન નામના એક શખ્સે બનાવ્યું હતું. ભલે આ એક જુનુ રેલવે સ્ટેશન જ કેમ ન હોય વર્ષોથી આ રેલવે સ્ટેશનની બરાબર જાળવણીના કારણે આજે પણ નવા જેવું લાગે છે.
10. દૂધસાગર રેલવે સ્ટેશન
કુદરતી સુંદરતા માટે ભારતનું જો કોઇ રેલવે સ્ટેશન વખણાતુ હોય તો તે છે દૂધસાગર. રેલવે સ્ટેશનની બરોબર ડાબી બાજુ દૂધસાગર વોટરફૉલ છે. આ વિશાળ ધોધની વચ્ચેથી પસાર થતી ટ્રેનો આ જગ્યાની સુંદરતા જ બદલી નાંખે છે. જો તમે અહીં આવતી ટ્રેનમાં સફર કરી રહ્યા છો તો આ અનુભવ ક્યારેય ન ભૂલતા. દૂધસાગર પહોંચતા પહેલા પણ તમને ટ્રેનના પાટાની બન્ને બાજુ લીલા ખેતરો જોવા મળશે. આ દ્રશ્ય અદ્ભુત છે. દૂધસાગર આવવાનો સૌથી સારો સમય ચોમાસાની સીઝન છે. જ્યારે આજુબાજુમાં બધે જ લીલોતરી હોય છે અને ટ્રેનમાંથી દ્રશ્ય પણ ઘણું જ સુંદર દેખાય છે.
તો કેવી લાગી ભારતના સૌથી સુંદર રેલવે સ્ટેશનોની આ અદ્ભુત યાદી?
શું તમે પણ આમાંથી કોઇ રેલવે સ્ટેશન પર તમારી મુસાફરી દરમિયાન પહોંચ્યા છો?
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.