કોઈ પણ સંતાનના જીવનમાં પિતાનું શું મહત્વ હોય એ દરેક વ્યક્તિ અનુભવતા જ હોય છે. ઘણા કલાકારો અથવા સાહિત્યકારો તેને વ્યક્ત કરવા પ્રયત્ન પણ કરી ચૂક્યા છે. પણ અહીં કેટલાક યુવાનોના તેમના પપ્પા સાથેના પ્રવાસના અનુભવો એકઠા કરવાનો પ્રયાસ થયો છે. પ્રવાસની વાત આવે ત્યારે આ સૌ કહે છે, "પપ્પા ઇસ પરફેક્ટ!"
માનસી ઓઝા
મારા પપ્પાએ મને વારસામાં એક અમૂલ્ય વસ્તુ આપી છે: એડવેન્ચર માટે હંમેશા તૈયાર રહેવાની ટેવ. કોઈ પણ સ્થળે 'ચાલો, આ ટ્રાય કરીએ' કહીને સાહસ માટે સૌથી પહેલા એ જ તૈયાર થાય, અમારે તેમને અનુસરવાના!
પપ્પા કુદરતના બધા જ સ્વરૂપને અનહદ ચાહે છે, તે કુદરતથી ખૂબ નજીક છે તેમ કહી શકાય. પરિણામે ઘણા પર્યટન સ્થળોએ અમે એવી વસ્તુઓ જોઈ છે જે કદાચ કોઈ ગાઈડ પણ ન બતાવી શકે. ક્યાંય પણ ફરવા જઈએ ત્યાં મને પપ્પા સાથે અલગ અલગ એક્ટિવિટીઝ કરવાની ખૂબ મજા આવે છે. દીવ કે ગોવાના બીચ હોય કે પછી સ્વિત્ઝરલેન્ડના બર્ફીલા પહાડો, પપ્પાએ દરેક જગ્યાને ભરપૂર માણી છે અને અમને પણ એ જ શીખવ્યું છે.
ડો. સંકેત મહેતા
મારા સૌથી લેટેસ્ટ અનુભવની વાત કરું તો 2020માં કોવિડ કેસિસ ઓછા થઈ રહ્યા હતા ત્યારે થોડો ચેન્જ મેળવવા અમે સૌએ વડોદરાથી પાવગઢની રોડટ્રીપ કરી હતી. મમ્મી-પપ્પા, મારી વાઈફ, મારી 1 વર્ષની દીકરી અને હું- ચોમાસાનો સમયમાં આ હરિયાળા વિસ્તારમાં આ એક યાદગાર ફેમિલી આઉટિંગ હતું. પપ્પા અને હું એકબીજાના ડ્રાઇવિંગ, ફોટોગ્રાફી તેમજ ચા પાર્ટનર્સ છીએ.
આ અડધા દિવસના પ્રવાસમાં અમે અદભૂત કુદરતી વાતાવરણમાં વાદળો વચ્ચેથી પસાર થયા, વચ્ચે બ્રેક લઈને ચા-નાસ્તો કર્યો અને પુષ્કળ ફોટોઝ પાડ્યા. હું પણ હવે એક પિતા છું અને મારા પિતા પણ મારી સાથે હતા એટલે આ ટ્રીપ અલબત્ત એક સ્પેશિયલ યાદગીરી છે!
ધ્વનિ રાજ્યગુરુ
મારો પપ્પા સાથેનો સૌથી યાદગાર અનુભવ એ સાવ તાજેતરમાં બનેલી ઘટના છે. પપ્પાએ કોવિડ-૧૯ મહામારી દરમિયાન ફરી એક વાર સાબિત કર્યું કે એ મારા હીરો છે! પપ્પા આ રોગનો ભોગ બન્યા હતા, ૨૧ દિવસ ICU માં ઘણો કપરો સમય પસાર કરીને કોરોનાને મ્હાત આપીને ઘરે પાછા ફર્યા હતા. આ મહામુસીબતમાંથી ઈશ્વરે પપ્પાને ઉગારી લીધા તે માટે ઉપરવાળાનો આભાર માનીએ એટલું ઓછું છે. ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી લાંબો રોપ-વે બનાવવામાં આવ્યો છે એટલે તેમાં બેસીને અમે ગિરનાર પર આવેલા પવિત્ર મંદિરોના દર્શન કરવાનું નક્કી કર્યું.
આ રોપ-વે અંબાજી મંદિર સુધી જ બનેલો છે, એટલે કે ૫૦૦૦ પગથિયાં સુધી જ! ગિરનારના મુખ્ય દત્તાત્રેય મંદિર સુધી જવા હજુ બીજા 4999 પગથિયાં ચડીને જવું પડે છે. ડોક્ટરોએ પપ્પાને પૂરતો આરામ કરવાનું કહ્યું હતું, તેમ છતાં પપ્પા તો પપ્પા હતા! એ ગિરનારના બાકી રહેતા પગથિયાં ચડ્યા અને સંપૂર્ણ સ્વસ્થ રીતે ચડ્યા. મેં મનોમન ઈશ્વરનો ખુબ આભાર માણ્યો અને કામના કરી કે મારા પિતાને હંમેશા આવા જ સાજા-સારા રાખજો!
નંદીશ ભટ્ટ
પપ્પા સાથે પ્રવાસ એ વિષે વાત કરું તો નાનપણથી લઈને મોટા થયા ત્યાં સુધીના કેટલાય પ્રવાસોમાં પપ્પાનો પ્રવાસ પ્રત્યેનો અભિગમ ખાસ યાદ આવે! લગભગ બધા જ વેકેશનમાં આખું ફેમિલી નાના-મોટા પ્રવાસે જઈએ ત્યારે હંમેશા મારા પપ્પા ઇચ્છતા કે અમે સૌ અમારા રૂટિનમાંથી બહાર આવીએ. માત્ર પાંચ દિવસનો પ્રવાસ કરીએ તો તે પાંચ દિવસોમાં શક્ય હોય તેટલી નવીન પ્રવૃત્તિઓ કરવાની. નાનો હતો ત્યારે મારા માટે તો પ્રવાસ ઇટસેલ્ફ જ નવીન પ્રવૃત્તિ હતી કેમકે તેમાં કોઈ જ નિયમો અનુસરવા નહોતા પડતાં.
મારા 12મા ધોરણ પછી હું એક લાંબા અંતરાલ પછી મમ્મી પપ્પા સાથે ઉત્તર ભારતના પ્રવાસે ગયો હતો ત્યારે મને સહેજ સંકોચ હતો કે હવે તો મારી ઉંમર મિત્રો સાથે ફરવાની છે. પણ પપ્પાએ મને સાચો અને ખોટો બંને સાબિત કર્યો. પંજાબના કોઈ ગામડાના ઢાબા પર અમે દેશી ખાણું જમ્યા, મોલ રોડ પર મિત્રોની જેમ રખડ્યા અને ખૂબ મજા કરી. તે પ્રવાસે મને સમજાવ્યું કે પપ્પા એક આદર્શ મિત્ર પણ બની શકે છે!
કેમિલ ઘોઘારી
ટ્રાવેલિંગ માટે જો હું કોઈને આદર્શ માનતી હોઉં તો પહેલું નામ મારા પપ્પાનું આવે. સ્કૂલમાં ભણતી ત્યારે એક-એક મહિનાના પ્રવાસ કરીને લગભગ આખું ભારત જોઈ લેવાનો એક સફળ પ્રયત્ન કર્યો છે. પણ આ સૌ પ્રવાસની વિશેષતા એ રહેતી કે માત્ર અમદાવાદથી કોઈ એક શહેરની ટિકિટ બુક હોય, ત્યાં પહોંચ્યા પછીનો આખો પ્રવાસ ઓન ઘી સ્પોટ નક્કી કરવામાં આવતો. જ્યારે ઈન્ટરનેટ સુલભ નહોતું તે સમયે પપ્પા સાથે નક્શાઓ ફંફોસીને અને તત્કાલ ટિકિટ બૂક કરીને ફરવાની ખૂબ મજા આવી છે.
પ્રવાસની બાબતમાં મારા પપ્પાએ મને આપેલી સોનેરી સલાહ છે, keep exploring. નવા લોકોને મળો, નવી જગ્યાઓ જોવો, નવી વાતો જાણો, નવા અનુભવ મેળવો. આ બધું જ હવે હું બરાબર સમજું છું. તત્કાલ ટિકિટ બૂક કરીને ફરવાની વાત મને ખૂબ રોમાંચક લાગે છે.
પપ્પા સાથે પ્રવાસ: નોખા યુવાનોના અનોખા અનુભવો ભાગ 2 અહીં વાંચો.
પપ્પા સાથે તમારી પણ આવી અનોખી યાદો હોય તો Tripoto સાથે જરુર શેર કરો અથવા કમેન્ટ્સમાં જણાવો!
.