તમિલનાડુ એ ભારતનાં સૌથી પ્રાચીન વિસ્તારમાંનો એક છે. તમિલનાડુ શબ્દનો અર્થ તમિલ પ્રજાની ભૂમિ અથવા તમિલ પ્રજાનો દેશ તેવો થાય છે. ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ 7માં અને વિસ્તારની દ્રષ્ટિએ 11માં ક્રમે આવતું આ રાજ્ય જીડીપીની બાબતમાં ભલભલા રાજ્યોને પાછળ પાડવામાં સફળ રહ્યું છે.
વળી, ટુરિઝમ તો છે જ! ચાલો, તમિલ લોકોની એક હજાર વર્ષ કરતાં પણ પ્રાચીન ભૂમિ વિષે રસપ્રદ માહિતી મેળવીએ.
પ્રાચીન મંદિરો:
હાલના ભારત દેશ તેમજ ભારતની આસપાસના અનેક દેશો હજારો વર્ષ પહેલા એક જ સંસ્કૃતિનો હિસ્સો હતા. એટલે અનેક દેશોમાં ખૂબ પ્રાચીન મંદિરો જોવા મળે છે. ભારતમાં તમિલનાયડુ ખૂબ જૂનો પ્રદેશ છે અને કદાચ એટલે જ અહીં કુલ 33,000 હજાર જેટલી સંખ્યામાં પ્રાચીન મંદિરો આવેલા છે. આમાંના અમુક તો 1500-1600 વર્ષ જુના હોવાના પણ પુરાવા છે.
રામેશ્વરમ, મહાબલીપુરમ, મદુરાઇનું મીનાક્ષી મંદિર, થંજાવુરનું બૃહદેશ્વર મંદિર, ચિદમ્બરમનું થિલાઈ નટરાજ મંદિર, વગેરે અનેક અદભૂત મંદિરોનો સમાવેશ થાય છે.
ભારતની મુખ્યભૂમિનો દક્ષિણતમ છેડો:
તમિલનાડુમાં કન્યાકુમારી નજીક મધદરિયે બનેલું સ્મારક: વિવેકાનંદ રોક મેમોરિયલ એ ભારતની મુખ્ય ભૂમિનું સૌથી દક્ષિણે આવેલું સ્થળ છે. આદ્યાત્મિક રીતે આ ઘણી મહત્વની જગ્યા છે કારણકે કહેવાય છે કે સ્વામી વિવેકનંદે આ જગ્યાએથી પરમજ્ઞાન મેળવ્યું હતું. ધ્યાન માટે એક આદર્શ સ્થળ હોવાની સાથોસાથ આ એક સુંદર પર્યટન સ્થળ પણ છે.
સૌથી સ્વાદિષ્ટ પીવાનું પાણી:
દક્ષિણ ભારતમાં બધાજ રાજ્યોમાં અઢળક સંખ્યામાં વૉટરફોલ્સ આવેલા છે. તમિલનાડુમાં પણ આવા અનેક સુંદર વૉટરફોલ્સ જાણીતા પર્યટન સ્થળો છે. પરંતુ અહીંના કોઇમ્બતુરમાં આવેલ શિરુવાણી ફોલ્સ તેના સ્વાદ માટે પ્રખ્યાત છે!! હા, કહેવાય છે કે આ વોટરફોલનું પાણી વિશ્વના સૌથી સ્વાદિષ્ટ પીવાનું પાણીમાંનું એક છે.
કાંચીપુરમ સિલ્ક:
કહેવાય છે કે તમિલનાડુના રેશમનું કાપડ વણનાર લોકો એ માર્કંડ ઋષિના વંશજો છે જેમને કમળમાંથી ટીસ્યુ કાપડ બનાવનાર વણાટકામના દેવ માનવામાં આવે છે. કદાચ એટલે જ અસલ કાંચીપુરમ સાડીઓ સૌથી આકર્ષક તેમજ મોંઘી હોય છે. સિલ્ક સાડીની ખરીદી માટે તમિલનાડુ એ ભારતનું પરફેક્ટ શોપિંગ ડેસ્ટિનેશન છે તેમ કહેવું યોગ્ય જ ગણાશે.
ડિટ્રોઈટ ઓફ એશિયા
વિશ્વ કક્ષાએ ઑટોમોબાઇલના બોડીપાર્ટ્સ બનાવવામાં USAનું ડિટ્રોઈટ શહેર ખૂબ જ નામના ધરાવે છે. અને વિશ્વના સૌથી મોટા ખંડ એવા એશિયામાં આ સ્થાન ચેન્નાઈનું છે. ભારતનાં ઑટોપાર્ટ્સ અને મોટર વેહિકલનું 40% ઉત્પાદન ચેન્નાઈમાં થાય છે.
સૌથી જૂની ભાષા
જગતમાં સૌથી જૂની ભાષા કઈ છે તેના વિષે ઘણા મતમતાંતર છે, પણ સામાન્ય તારણ એ છે કે સંસ્કૃત અને લેટિન સૌથી જૂની ભાષાઓ છે. પણ આમાંની કોઈ પણ ભાષા હાલમાં ઉપયોગમાં લેવાતી હોય તેવી નથી. હાલમાં કરોડો લોકો દ્વારા વપરાશમાં હોય તેવી વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ છે.
.