ખજૂરભાઇના કોમેડી વીડિયો દ્વારા લોકપ્રિય બનેલા નીતિન જાની તાજેતરમાં શ્રીલંકા ફરી આવ્યા. હવે તમારામાંથી ઘણાં લોકોને ખબર હશે કે શ્રીલંકાની આર્થિક હાલત સારી નથી. તેનું અર્થતંત્ર દેવામાં ડુબેલું છે. લોન ચૂકવવાના પણ ફાંફા છે અને મોંઘવારી ચરમસીમાએ છે ત્યારે જો તમને આવા સમયે શ્રીલંકા ફરવા જવું હોય તો કેટલો ખર્ચ થાય અને ક્યાં રોકાઇ શકાય તે અંગે જાણીશું ખજૂરભાઇની શ્રીલંકા ટૂર પરથી.
ખજૂરભાઇ એટલે કે નીતિન જાની થોડાક સમય પહેલા શ્રીલંકાની ટૂર કરી આવ્યા. હવે સૌપ્રથમ તો તેઓ ક્યાં રોકાયા તેની વાત કરીએ તો શ્રીલંકા આવવા માટે તમારે સૌપ્રથમ કોંલબો આવવું પડશે. શ્રીલંકામાં ફરવાલાયક સ્થળો કેન્ડીની આસપાસ છે.
એટલે જો તમારે કેન્ડીમા રોકાવું હોય તો ક્વિન્સ હોટલમાં રોકાઇ શકાય.જેમાં એક રાતનું ભાડું 3 થી 4 હજાર રૂપિયા ઓફ સીઝનમાં હોય છે જ્યારે સીઝનમાં જાઓ તો 6 થી 7 હજાર રૂપિયા ખર્ચવા પડશે. આ હોટલ 200થી 300 વર્ષ જેટલી જુની છે. 3 માળની આ હોટલ મહેલ જેવી છે.
શ્રીલંકામાં કરન્સી ભારત કરતાં 3 ગણી સસ્તી છે. એટલે કે 1 ભારતીય રૂપિયા બરાબર 3 શ્રીલંકન રૂપિયા. શ્રીલંકામાં નાળિયેર પાણી 65 થી 70 ભારતીય રૂપિયામાં પડશે. બાફેલી મગફળી 600 રૂપિયે કિલો છે. જેનો ભારતીય રૂપિયામાં ભાવ 200 રૂપિયા થાય છે. ખજૂરભાઇ હાથી જોવા ગયા ત્યાં એલિફન્ટ પાર્કમાં પ્રતિ વ્યક્તિ ટિકિટ શ્રીલંકન રૂપિયામાં 16,000 રૂપિયા થઇ જે ભારતીય રૂપિયામાં 5000 રૂપિયાની આસપાસ થાય. Hurulu Eco Park (Habarana)માં ખજૂર ભાઇ આ ટિકટિ ખર્ચીને હાથી જોવા ગયા. જો તમારે હાથીને નજીકથી જોવા હોય તો આ એલિફન્ટ પાર્કમાં જરૂર જાઓ.
રાવણનો મહેલ, સિગરિયા
નીતિન જાનીએ તેમના વીડિયોમાં જણાવ્યું તેમ જો તમારે સિગરિયા ફરવું હોય અને રાવણનો મહેલ જોવો હોય તો તમારી પાસે ઇન્ડિયન પાસપોર્ટ હોવો જોઇએ. જો પાસપોર્ટ હશે તો તમારી ટિકિટ થશે 5000 શ્રીલંકન રૂપિયા એટલે કે લગભગ 1700 ભારતીય રૂપિયા.
પણ જો પાસપોર્ટ નહીં હોય તો 10,000 શ્રીલંકન રૂપિયા ખર્ચવા પડશે. ભારતમાં તેની વેલ્યૂ થશે લગભગ સાડા ત્રણ હજાર રૂપિયા. જો તમારે સિગરિયાનો પહાડ ન ચડવો હોય તો તમે નીચે સાઇટસીન કરી શકો છો. તમારે રિક્ષામાં બેસીને બધે જવું પડશે અને રિક્ષાનો ચાર્જ ભારતીય રૂપિયામાં 2500ની આસપાસ થશે. રાજાનો મહેલ પહાડ પર છે. સિગરિયા જવું હોય તો પાસપોર્ટ અવશ્ય રાખજો. સિગરિયા સવારે 7 કલાકે ખુલે છે.
રાવણનો મહેલ જોવા માટે તમારે 1200 પગથિયા ચડીને જવું પડે છે. આ જગ્યાએ વર્ષો જુનો ફાઉન્ટેન પણ છે. મહેલમાં જવાના પગથિયાની બન્ને બાજુ સિંહનો પંજો છે. મહેલ ચડતી વખતે ઠેકઠેકાણે મધમાખીના પૂડા છે. જેનાથી સંભાળીને ચાલવું. સાડા ત્રણ એકરમાં ફેલાયેલી આ જગ્યા છે. અહીં વિન્ટર પેલેસ અને સમર પેલેસ એમ બે મહેલ હતા. અત્યારે તો જો કે અત્યારે તો આ મહેલ ખંડેર બની ચૂક્યો છે.
જાણકારોના કહેવા અનુસાર રાવણનું સામ્રાજ્ય મધ્ય શ્રીલંકામાં હતું. આ સામ્રાજ્ય બદુલ્લા, કેન્ડી, પોલોન્નુરુવા અને નુવારા એલિયામાં ફેલાયેલું હતુ. આટલું મોટું રાજ્ય હોવા છતાં રાવણ સિગરિયામાં રહેતો હતો. આ મહેલ વિશે એવું કહેવાય છે કે તે કુબેરે બનાવ્યો હતો અને અહીં જ રાવણની સોનાની લંકા હતી.
ઈતિહાસકારો અને નિષ્ણાતોના મતે આ મહેલના અવશેષો સિગિરિયા ખડકની ટોચ પર મળી આવ્યા હતા. તેમાં ટેરેસ બગીચાઓ, તળાવો, નહેરો, શેરીઓ અને ફુવારાઓના અવશેષો મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે માતા સીતાને કેટલાક દિવસો સુધી અહીં રાખવામાં આવ્યા હતા પરંતુ પછી તેમને અશોક વાટિકામાં મોકલી દેવામાં આવ્યા હતા.
સીતા એલિયા: અશોક વાટિકા
કેન્ડીથી ન્યૂરાએલિયા જશો ત્યાં તમે અશોક વાટીકા કે જ્યાં માતા સીતાને રાખવામાં આવ્યા હતા તે જગ્યા જોવા મળશે. નુવારાએલિયામાં તમને વિશાળ વૃક્ષો જોવા મળશે. અહીં સીતામન ટેમ્પલ છે જેની પાછળ અશોક વાટીકા પણ છે. અશોક વાટિકાની સામે હનુમાન પર્વત છે. એવું કહેવાય છે કે સીતાજીએ ક્યારેય લંકાનું અન્ન ખાધુ ન હતું. અશોક વાટિકામા સીતાએ માત્ર ફળ ખાઇને વર્ષો પસાર કર્યા હતા. અહીંથી 10 કિલોમીટર દૂર સીતામાતાનું અગ્નિપરિક્ષાનું સ્થળ છે. અહીં એન્ટ્રી ફી ભારતીય કરન્સીમાં 120 રૂપિયા થાય છે.
સીતા ઈલિયા એ શ્રીલંકામાં આવેલું સ્થાન છે જ્યાં રાવણે માતા સીતાને બંદી બનાવીને રાખ્યા હતા. માતા સીતાને સીતા એલીયામાં અશોક વાટિકા નામના બગીચામાં રાખવામાં આવ્યા હતા. વેરાંગટોકમાંથી સીતા માતાને જ્યાં લઈ જવામાં આવ્યા તેનું નામ ગુરુલપોટા છે જે હવે 'સીતોકોતુવા' તરીકે ઓળખાય છે. આ સ્થળ પણ મહિયાંગણા પાસે છે. સીતા માતાને ઈલિયાના પર્વતીય પ્રદેશની એક ગુફામાં રાખવામાં આવી હતી જે 'સીતા ઈલિયા' તરીકે ઓળખાય છે. અહીં સીતા માતાના નામ પર એક મંદિર પણ છે. આ મંદિર સીતા અમ્માન કોવિલ નામથી પ્રખ્યાત છે.
સીતા એલિયા એટલે કે અશોક વાટિકામાં રાવણની ભત્રીજી ત્રિજટાને સીતાની સંભાળ માટે રાખવામાં આવી હતી. આ સ્થાન ન્યુરાએલિયાથી 5 માઈલના અંતરે ઉડા ખીણ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલું છે.
આ વિસ્તારમાં આજે પણ અશોકના ઊંચા વૃક્ષો જોવા મળે છે. અશોક વૃક્ષોની વિપુલતાના કારણે તેને અશોક વાટિકા કહેવામાં આવે છે. મંદિરની નજીકથી 'સીતા' નામની નદી વહે છે, તેનું શુદ્ધ અને ઠંડુ પાણી પીને લોકો પોતાને ભાગ્યશાળી માને છે. નદીની આ બાજુની જમીનનો રંગ પીળો અને બીજી બાજુ કાળો છે. માન્યતા અનુસાર, હનુમાનજીએ પોતાની પૂંછડી વડે બીજી બાજુના ભાગને સળગાવી દીધો હતો.
આજે પણ આ સ્થાનના ખડકો પર હનુમાનજીના પગના નિશાન જોવા મળે છે. કાર્બન ડેટિંગ દ્વારા તેની ઉંમર આશરે 7000 વર્ષ પહેલાની હોવાનું અનુમાન છે. અહીં સીતા માતાના મંદિરમાં રાખવામાં આવેલી રામ, લક્ષ્મણ, હનુમાન અને સીતાજીની મૂર્તિઓની કાર્બન ડેટિંગ દર્શાવે છે કે તે પણ 5,000 વર્ષ જૂની છે. આજે જે જગ્યાએ મંદિર છે, ત્યાં એક સમયે એક વિશાળ વૃક્ષ હતું જેની નીચે માતા સીતા બેસતા હતા.
રાવણ એલ્લા
રાવણ કેવ્સ અને વોટર ફોલ અશોક વાટીકાથી 58 કિલોમીટર દૂર છે.
- 'રાવણ એલ્લા' નામથી એક ઝરણું છે, જે એક અંડાકાર ખડકથી લગભગ 25 મીટર અર્થાત 82 ફૂટની ઉંચાઇએથી નીચે પડે છે. રાવણ એલ્લા વોટર ફોલ ગાઢ જંગલોની વચ્ચે છે.
- રાવણ એલ્લાને રાવણ ગુફા પણ કહેવામાં આવે છે. અહીં સીતા નામથી એક પુલ પણ છે. આ ગુફા સમુદ્રની સપાટીથી 1,370 મીટરની ઉંચાઇ પર સ્થિત છે.
- આ સ્થાન શ્રીલંકાના બાંદ્રાવેલાથી 11 કિલોમીટર દૂર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો