3500 મીટરની ઊંચાઈ પર વસેલા યુમથાંગ વેલીની તુલના ઘણી વાર સ્વિત્ઝરલેન્ડ સાથે કરવામાં આવે છે. જો તમે સિક્કિમના પ્રવાસે જાઓ તો આ સ્થળ તમારા લિસ્ટમાં ટોચના સ્થાને હોવું જોઈએ. યુમથાંગ વેલીની સુંદરતા દેશ-વિદેશના લોકોમાં પ્રસિધ્ધ છે. અહીં ચારે બાજુ હરિયાળા જંગલો, કલકલ વહેતી નદીની નાની ધરા, હિમાચ્છાદિત પર્વતો તમને પ્રફુલ્લિત કરી દેશે તે ખાતરીપૂર્વક કહી શકું છું.
કેવી રીતે પહોંચવું?
વાહનમાર્ગે સિક્કિમ પહોંચવું ઘણું જ સરળ છે. બંગાળ અને તેની આસપાસના ઘણા રાજ્યોમાં ગંગટોક જતી બસ તેમજ ટેક્સી ઉપલબ્ધ છે. જો તમને પૂર્વોત્તરના રાજ્યોમાં ડ્રાઇવિંગનો અનુભવ હોય તો જ સેલ્ફ-ડ્રાઇવિંગ કરવાનું જોખમ લેવું.
હવાઈ માર્ગે અથવા રેલ માર્ગે સિક્કિમના કોઈ પણ સ્થળે પહોંચવા માટે સિલિગુડી પહોંચવું પડે છે. સિલિગુડીના ન્યુ જલપાઈગુડી રેલવે સ્ટેશન તેમજ બગડોગરા એરપોર્ટ બંને ગંગટોકથી આશરે 125-150 કિમી અંતરે આવેલા છે. બંને શહેરો વચ્ચે પરિવહન માટે પુષ્કળ શેર્ડ તેમજ પ્રાઇવેટ ટેક્સી મળી રહે છે.
શ્રેષ્ઠ સમય: જો તમને રંગબેરંગી ફૂલો ધરાવતું ખુશનુમા વાતાવરણ પસંદ હોય તો ફેબ્રુઆરીથી જૂન સિક્કિમ ફરવાનો બેસ્ટ સમય છે. જો તમારે બરફનો આનંદ માણવો હોય તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર અહીં ખૂબ ઠંડુ વાતાવરણ હોય છે.
દિવસ 1
ગંગટોકથી લાચુંગ જવા નીકળો જે ગંગટોકથી 118 કિમી દૂર છે પણ આ અંતર કાપતા 4.30 કલાક જેટલો સમય થાય છે. આ માટે ઘણી આસાનીથી બસ કે ટેક્સી મળી જશે. રસ્તામાં તિસ્તા નદી અને તેની આસપાસના દ્રશ્યો ખૂબ જ મનોરમ્ય લાગે છે. લાચુંગમાં ઘણી બધી ફરવાલાયક જગ્યાઓ છે એટલે ગંગટોકથી બને એટલી વહેલી મુસાફરી કરવી.
દિવસ 2
2700 મીટરની ઊંચાઈ પર આવેલા આ ગામમાં તમે ખોવાઈ જશો. ગામની સુંદરતા માણતા ફરવા નીકળો અને લાચુંગ મઠ, નાગા અને ભીમ નાળા તળાવની મુલાકાત લ્યો. લાચુંગના જંગલી ફૂલો સિક્કિમની યુમથાંગ વેલીની મુલાકાત અવિસ્મરણીય બનાવી દેશે. આ રંગબેરંગી ફૂલોનો લ્હાવો લેવાની સાથોસાથ તેની ખૂબસૂરતીને કેમેરામાં કેદ કરવાનું ન ભુલશો.
રાત્રિરોકાણ લાચુંગમાં જ કરો. બજેટ સ્ટે માટે તેનસિંગ રિટ્રીટ અથવા હોટેલ ગોલ્ડન વેલી તેમજ શાનદાર રોકાણ માટે હિમાલિયન રેસિડેન્સી અને મેગલન કે એપ્પલ વેલી ઇનમાં રૂમ બૂક કરી શકો છો.
દિવસ 3
લાચુંગથી યુમથાંગ વેલી માત્ર 25 કિમી દૂર છે અને 3564 ફીટની ઊચાઇ પર આવેલું છે. વેલી પહોંચ્યા બાદ અંદર સુધી પાક્કી સડક છે પણ આ જગ્યાની સાચી મજા માણવી હોય તો ચાલતા જવું વધુ સરાહનીય છે. મનમાં કાયમ માટે કંડારાઈ જાય એવા દ્રશ્યો વચ્ચે તમારું સ્વાગત છે.
ફૂલોની આટલી બધી વિવિધતા તમે કદાચ જીવનમાં ક્યારેય નહિ નિહાળી હોય. એટલા બધા રંગબેરંગી ફૂલો જાણે આકાશમાંથી મેઘધનુષ જમીન પર આવીને આ ફૂલો સાથે ભળી ગયું છે. પ્રકૃતિપ્રેમી તેમજ વનસ્પતિવિદો માટે આ એક આદર્શ સ્થળ છે. બટરકપ, ફર્ગેટ-મી-નોટ, જેરેનિયમ, લુઝેવૉર્ટસ, સિંકફિલ્સ વગેરે જેવી કેટલીય પ્રજાતિઓના ફૂલો આ સુંદર વેલીને વધુ સુંદર બનાવે છે. આ ફૂલોને નિહાળતા નિહાળતા તમે જલ્દી જ તિસ્તાના ગરમ પાણીના ઝરા પાસે પહોંચી જશો.
કુદરતના સાનિધ્યમાં તમે તમારી બધી જ ચિંતા ભૂલી જશો.
ઝીરો પોઈન્ટ યુમેસાંડોંગ
યુમથાંગની વધુ એક કલાક આગળ ચાલીને ઝીરો પોઈન્ટ સુધી પહોંચી શકાય છે. કહેવાય છે કે અહીં પહોંચવાનો રસ્તો ઘણો જ જોખમભર્યો છે. પણ આ રસ્તો પાર કર્યા પછી જે નજારો જોવા મળશે તે તમે આજીવન નહિ ભૂલી શકો. અહીં સુધી જવા માટે સિક્કિમ ટુરિઝમ દ્વારા અધિકૃત વાહનો જ જઈ શકે છે. ઝીરો પોઈન્ટ સુધી જવા વધારાના ચાર્જિસ પણ આપવા પડે છે. જ્યારે તમે 4663 મીટરની ઊંચાઈ પર હોવ તે એક અદભૂત ક્ષણ હોય છે. બારે માસ બરફથી ઢંકાયેલી આ જગ્યાએ બરફથી રમવાનું ન ભુલશો.
.