અષ્ટવિનાયક મહારાષ્ટ્ર રાજ્યમાં આઠ અલગ-અલગ જગ્યાએ સ્થિત ગણપતિના પાવન મંદિરો આવેલા છે. આ આઠ અષ્ટવિનાયક મંદિરો સ્વયંભુ છે. જેમાં મોરગાંવનું મયુરેશ્વર મંદિર, રાજણગાંવનું મહાગણપતિ મંદિર, થેઉરનું ચિંતામણિ મંદિર, લેણ્યાદ્રીનું ગિરિજાત્મક મંદિર, ઓઝારનું વિઘ્નેશ્વર મંદિર, સિદ્ધટેકનું સિદ્ધિવિનાયક મંદિર, પાલીનું શ્રી બલ્લાલેશ્વર મંદિર, અને મહાડનું વરદ વિનાયક મંદિર; આ તમામ પવિત્ર મંદિરોનો અષ્ટવિનાયક યાત્રામાં સમાવેશ થાય છે.
1. મયુરેશ્વર મંદિર, મોરગાંવ
અષ્ટવિનાયક યાત્રામાં પ્રથમ છે મયુરેશ્વર મંદિર જે મહારાષ્ટ્રના પૂણે જીલ્લાના પુરંદર તાલુકામાં મોરગાંવની મધ્યે આવેલું છે. મયુરેશ્વરના આકારમાં મોરની સવારી કરતા ભગવાન ગણેશની મૂર્તિએ આ સ્થળે સિંધુ રાક્ષસનો વધ કર્યો હોવાનું મનાય છે. આ સ્થળે આજે પણ મોરનો ટહુકો સંભળાય છે. પ્રાચીન કથા મુજબ આ સ્થળે અસંખ્ય મોર વસતા હતા અને ભગવાન ગણેશજીએ અસુરોનો વિનાશ મોર પર બિરાજમાન થઈ કર્યો હોવાથી આ સ્થળ મયુરેશ્વર કે મોરેશ્વરથી ઓળખાય છે. ગામની પાસે જ કર્હા નદીના જળ અવિરત વહે છે.
ગણેશજીના આ મંદિરની ભવ્યતા અદભૂત છે. કાળા પથ્થરમાંથી બનેલા આ મંદિરમાં 4 દરવાજા છે, મંદિરના ચારેખૂણામાં સ્તંભો આવેલા છે. તથા મંદિરની આઠેય દિશામાં ગણેશજીના આઠ સ્વરૂપની પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મયૂરેશ્વરની ડાબી સૂંઢવાળી પૂર્વાભિમુખ પ્રસન્ન મુદ્રામાં મૂર્તિ છે. મૂર્તિની આજુબાજુ રિધ્ધિ-સિધ્ધિની ધાતુની સુંદર મૂર્તિઓ આવેલી છે. તથા તેની સામે જ ગણેશજીના વાહન ઉંદર તથા મોરની પ્રતિમાઓ દર્શનીય છે.
રાહમાર્ગે પૂનાથી મોરગાંવ લગભગ ૬૭ કિમીના અંતરે આવેલું છે. રેલમાર્ગે જંજુરી તથા નીરા સુધી જઈ શકાય છે. ત્યાંથી મોરેગાંવ રસ્તેથી જવાનું રહે છે.
2. ચિંતામણિ મંદિર, થેઉર
અષ્ટવિનાયક યાત્રામાં દ્વિતીય છે ચિંતામણિ વિનાયક મંદિર જે મહારાષ્ટ્રના પૂના જીલ્લાના હવેલી તાલુકાના થેઉર ગામે મૂળા-મૂઠા નદીના કિનારે આવેલું છે. અહીં ગણેશજીની મૂર્તિએ ગળામાં ચિંતામણી રત્ન ધારણ કરેલું હોવાથી તે ચિંતામણીના નામથી પ્રસિધ્ધ થયા. ચિંતામણિ વિનાયકના આ મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તરાભિમુખ છે. અહીં ભગવાન શ્રી ચિંતામણીની ડાબી સૂંઢ ધરાવતી મૂર્તિ પૂર્વાભિમુખ પલાંઠી વાળીને બિરાજમાન છે. મંદિરનો સભાખંડ લાકડામાં પ્રાચીન કલાત્મકતા કોતરણીથી બનાવેલો છે.
પૂનાથી થેઉરનું અંતર લગભગ ૧૪ કિમી જેટલું છે. પૂનાથી અહીં પહોચવા બસની સગવડ છે.
૩. મહાગણપતિ મંદિર, રાજણગાંવ
અષ્ટવિનાયક યાત્રાનો ત્રીજું પવિત્ર ધામ છે રાજણગાંવ શ્રી મહાગણપતિ, જે પૂનાથી લગભગ ૩૧ કિમીના અંતરે શિરૂર તાલુકાના રાજણગાંવમાં આવેલું છે. અહીં શ્રી ગણેશજીને મહોત્કટ(મહાગણપતિ)ના નામથી ઓળખવામાં આવે છે. ભવ્ય અને આકર્ષક મંદિર ૯મી થી ૧૦મી સદીના મધ્યમાં બનેલું હોવાનું માનવામાં આવે છે. તેની બાજુમાં તળાવ આવેલું છે. મંદિર પૂર્વાભિમુખ છે. અને તેની ઉત્તર તથા દક્ષિણ દિશામાંથી સૂર્યના કિરણો ભગવાન શ્રી મહાગણપતિની મૂર્તિ પર પથરાય તે રીતે પ્રસ્થાપિત કરવામાં આવી છે. પૂર્વાભિમુખ ડાબી સૂંઢવાળા શ્રી મહાગણપતિની પહોળા કપાળ સાથે પલાંઠી વાળેલી મુદ્રામાં બેઠા છે.
આ સ્થળ પૂના-અહેમદનગર હાઈવે પર આવેલું છે. રાહમાર્ગે પૂનાથી કોરેગાંવ વાયા શીકરપુર થઈને રાજણગાંવ પહોચી શકાય છે.
4. સિદ્ધિવિનાયક મંદિર, સિદ્ધટેક
અષ્ટવિનાયક યાત્રાનો ચોથો પડાવ છે શ્રી સિધ્ધિવિનાયક મંદિર જે મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના કર્જત તાલુકાના સિધ્ધટેક ખાતે ભીમા નદીના સામા કિનારે આવેલું છે. શ્રધ્ધાળુઓ મંદિર સુધી પહોંચવા નદી હોડીમાં પાર કરીને અથવા તો સેતુ દ્વારા પહોચી શકે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળે ભગવાન ગણેશની ૩ ફૂટ ઊંચી અને 2.5 ફૂટ પહોળી જમણી સૂંઢવાળી સ્વયંભુમૂર્તિ છે. મૂર્તિ ઉત્તર દિશા તરફ છે. ભગવાન શ્રી ગણેશ અહીં પલાંઠી વાળી બિરાજમાન છે, રિદ્ધિ અને સિદ્ધિ મૂર્તિઓ એક જાંઘ પર બેઠા છે. અહીં સૂર્ય, ચંદ્ર, ગરૂડની આકૃતિની મધ્યમાં નાગરાજ બિરાજમાન છે.
પેશ્વાકાલિન આ મંદિર વિશાળ ઓટલા પર આવેલું છે. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ પહાડના એક ખૂણામાં સ્થાપિત હોવાથી શ્રધ્ધાળુઓ અહીં પહાડની પ્રદક્ષિણા કરે છે. મંદિર તરફનો મુખ્ય માર્ગ પેશ્વાના સેનાપતિ હરિપંત ફડકેના માધ્યમથી બાંધવામાં આવ્યો હોવાનું માનવામાં આવતું છે. આંતરિક ગર્ભગૃહ, 15 ફૂટ ઊંચો અને 10 ફૂટ પહોળો પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરના માર્ગે બાંધવામાં આવ્યો છે. આ મૂર્તિ 3 ફૂટ ઊંચી અને 2.5 ફૂટ પહોળી છે.
અહીં પહોચવા અહેમદનગરથી બસ સેવા મળી રહે છે. રેલમાર્ગે અહમદનગરથી દૌન્ડ અને બોયબેલ સુધી જઈ શકાય છે. ત્યાંથી સડકમાર્ગે સિધ્ધટેક સુધી પહોચી શકાય છે.
5. વિઘ્નેશ્વર મંદિર, ઓઝર
શ્રી વિધ્નેશ્વરના નામથી બિરાજમાન મહારાષ્ટ્રના જુન્નર તાલુકાના ઓઝર ગામમાં કુકડી નદીના કિનારે આવેલું અષ્ટવિનાયક યાત્રાનું પાંચમું ધામ છે. આ મંદિર અષ્ટવિનાયક સ્થાનોમાં સૌથી વધુ સમૃધ્ધ છે. અહીં મંદિરનું શિખર સોનાનું બનેલું છે તથા મંદિરની ચારેબાજુ પથ્થરની દિવાલ છે. તથા શ્રી વિધ્નેશ્વર વિનાયકની મૂર્તિ પૂર્વાભિમુખ ડાબી સૂંઢ વાળી છે. શ્રી વિધ્નેશ્વરની બંને તરફ રિધ્ધિ-સિધ્ધિની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. અહીંથી શિવનેરી કિલ્લો તથા લેણ્યાદ્રી પર્વત જોઈ શકાય છે. શ્રધ્ધાળુઓ શ્રી વિધ્નેશ્વરના દર્શન માત્રથી દરેક પ્રકારના દુ:ખો ભૂલી જાય છે. અહીં કાર્તિક પૂર્ણિમા મેળો ભરાય છે, ચાર દિવસ સુધી અહીં ઉત્સવો ઉજવાય છે.
અહીં પહોચવા માટે સડકમાર્ગે મુંબઈ, પૂના, નારાયણગાંવ સુધી જઈ શકાય છે. નારાયણગાંવથી ઓઝાર લગભગ ૧ર કી.મી.ના અંતરે આવેલું છે. પૂનાથી ઓઝારનું અંતર લગભગ ૮પ કી.મી. જેટલું છે.
6. ગિરિજાત્મજ મંદિર, લેણ્યાદ્રી
અષ્ટવિનાયક યાત્રાનું છઠું ધામ મહારાષ્ટ્રના પૂનાથી લગભગ ૬૦ કી.મી.ના અંતરે લેણ્યાદ્રી પર્વત પર આવેલી બૌધ્ધકાલીન ગુફાઓમાં આવેલું છે. આ મંદિર બૌદ્ધ મૂળની 18 ગુફાઓના ગુફા સંકુલની વચ્ચે આવેલું છે. આ મંદિર 8મી ગુફા મધ્યે છે. આને ગણેશ-લેની તરીકે પણ ઓળખવામાં આવે છે.
કુદરતી સૌંદર્ય અને રમણીય વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર પ૦ ફૂટ પહોળું અને ૬૦ ફૂટ લાંબું છે. જે કોઈપણ સ્તંભના આધાર વગર અડીખમ ઉભું છે. 'ગિરિજાત્મજ વિનાયક'ના નામથી બિરાજમાન ગણેશજીની મૂર્તિ ગુફાની દિવાલ પર સુંદર રીતે કંડારવામાં આવેલી છે. જે ઉત્તરાભિમુખ છે. પહાડી સુધી પહોચવા માટે અંદાજીત 325 જેટલાં પગથીયા ચઢીને ગુફા સુધી પહોચી શકાય છે. ગુફાઓની સામ્યતા અજંતાની ગુફાઓ જેવી છે. શ્રધ્ધાળુઓ અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
લેણ્યાદ્રી પૂનાથી ૯૪ કી.મી.ના અંતરે આવેલું છે. પૂનાથી તાલીગાલ વાયા જુન્નર સુધી સડકમાર્ગે જઈ શકાય છે. ત્યાંથી બસ સેવા મળી રહે છે. પૂના નાસિક હાઈવેથી ચક્રના, રાજગુરૂનગર, મંચર થઈને નારાયણગાંવ પહોચી શકાય છે. નારાયણગાંવથી જુન્નર રોડ થઈને લેણ્યાદ્રી જઈ શકાય છે.
7. બલ્લાળેશ્વર મંદિર, પાલી
અષ્ટવિનાયક યાત્રાનું સાતમું સ્થાનક મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના સુધાગઢ તાલુકાના પાલી ગામે આવેલું છે. અહીં શ્રીગણેશ બલ્લાળેશ્વરના નામથી પ્રસિધ્ધ છે. પ્રાચીન કથા મુજબ અહીં પાલી ગામના એક વેપારી પુત્ર બલ્લાળ ગણેશભકત હતો, તેની અથાગ શ્રધ્ધા અને તપથી પ્રસન્ન થઈ અહીં ભગવાન ગણેશ શ્રી બલ્લાળ વિનાયકના નામથી બિરાજમાન છે.
મૂળ લાકડાનું મંદિર 1760માં નાના ફડણવીસની મદદથી પથ્થરના મંદિરમાં પુનઃનિર્માણ થયું છે. મૂર્તિ, સિંહાસન પર બેઠેલી પીપળાનું ઝાડની જેમ કોતરવામાં આવી છે. 8 સ્તંભો 8 દિશાઓ દર્શાવે છે. આંતરિક ગર્ભગૃહ 15 ફૂટ ઊંચું છે અને બહારનું ગર્ભગૃહ 12 ફૂટ ઊંચું છે. બલ્લાળેશ્વર મંદિરની મુખ્ય વિશેષતાએ છે કે અહીં સભામંડપમાં થઈને સૂર્યોદયના સમયે સૂર્યના પ્રથમ કિરણો શ્રી ધુણ્ડિવિનાયકની (બલ્લાળ વિનાયક) સ્વયંભૂ મૂર્તિ પર પથરાય છે. તેવી રીતે મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે.
અષ્ટવિનાયક યાત્રામાં આ સ્થળનો મહિમા અધિક છે. શ્રધ્ધાળુઓ, અહીંના દેવ જાગૃત છે, તેવી ભાવના વ્યકત કરે છે.
8. વરદ વિનાયક મંદિર, મહાડ :
અષ્ટવિનાયક યાત્રાનું આઠમું મંદિર મહારાષ્ટ્રના ખાલાપુર તાલુકામાં મહાડ ખાતે આવેલું છે. અહીં ભગવાન શ્રી ગણેશ વરદ વિનાયકના નામથી બિરાજમાન છે. મંદિર પૂર્વાભિમુખ છે. તથા ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સૂંઢ ડાબી તરફ છે. આ સ્થળ મહડમઢના નામથી પણ ઓળખવામાં આવે છે. મંદિરને દૂરથી જોતા તેનો દેખાવ કોઈ મકાન જેવો લાગે છે. વરદ વિનાયકની મૂર્તિ ગર્ભગૃહની બહાર પ્રસ્થાપિત કરવામાં આવેલી છે.
પૌરાણિક કથા મુજબ આ સ્થળનું પ્રાચીન નામ તીપ્રક હતું અને અહીં સંતો મહંતો તથા ઋષિમુનિઓ તપમાં લીન રહેતા, ઋષિ ગૃત્સમદના તપથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશે તેમને દર્શન આપ્યા અને અહીં ઋષિ ગૃત્સમદે મંદિરનું નિર્માણ કરાવ્યું.
નજીકનું રેલ્વેસ્ટેશન કોંકણ છે. રોડમાર્ગ કરજત, ખપોલી અને થાનેથી બસ સેવા મળી રહે છે. પૂનાથી મહડનું અંતર લગભગ ૮૪ કી.મી. જેટલું છે. રોડમાર્ગ પૂનાથી લોનાવાલા, ખપોલી, થઈને મહડ સુધી જઈ શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.