ભારત એક એવો દેશ છે જેનો ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે. અહીંની ઇમારતો ન જાણે દાયકાઓથી તેની અંદર ઇતિહાસને સાચવીને બેઠી છે. આ દેશ જેટલો ઐતિહાસીક છે એટલો રહસ્યમયી પણ છે. દેશ વિદેશથી દરવર્ષે લાખો પર્યટકો ભારતની સંસ્કૃતિનો પરિચય મેળવવા આવે છે. પરંતુ શું તમે જાણો છો આપણા દેશમાં કેટલીક જગ્યાઓ એવી પણ છે જેમાં ઘણા વણઉકેલ્યા રહસ્યો છુપાયેલા પડ્યા છે. જો કે, મનોવિજ્ઞાન તો એમ કહે છે કે જ્યાં ભય હોય છે ત્યાં ભૂત હોય છે. આજના આધુનિક યુગમાં પણ લોકો ભૂતપ્રેતમાં વિશ્વાસ કરે છે. તો ચાલો આપણે જઇએ રહસ્યોની દુનિયામાં...
1. ભાનગઢનો કિલ્લો, રાજસ્થાન
રાજસ્થાનના અલવરમાં (Alwar, Rajasthan)સ્થિત ભાનગઢ કિલ્લો (Bhangarh Fort) ભારતના સૌથી ભૂતિયા કિલ્લા (Haunted Fort in India) તરીકે ઓળખાય છે. લોકો દિવસના સમયે પણ આ કિલ્લાની અંદર જતા ડરે છે. તમને જણાવી દઈએ કે ભાનગઢ કિલ્લો અંબરના કચવાહા રાજા ભગવંત સિંહે બનાવ્યો હતો. તેમણે આ કિલ્લો તેમના નાના પુત્ર માધો સિંહ માટે વર્ષ 1573માં બનાવ્યો હતો. માધો સિંહનો ભાઈ માન સિંહ હતો, જે મુઘલ સમ્રાટ અકબરનો સેનાપતિ હતો.
એક કથા અનુસાર એક તાંત્રિક કિલ્લાની રાજકુમારી પર મોહિત થઇ જાય છે. અને તેને વશમાં કરવા માટે કાળાજાદુનો પ્રયોગ કરે છે. જો કે આ પ્રયોગ નિષ્ફળ જાય છે અને તાંત્રિકનું જ મોત થઇ જાય છે પરંતુ મરતા પહેલા આ તાંત્રીક જાદુગરે શ્રાપ આપ્યો હતો કે કિલ્લામાં રહેનાર લોકો જલ્દીથી મરી જશે અને આજીવન તેઓની આત્મા આ કિલ્લામાં ભટકતી રહેશે. સંયોગથી એક મહિના બાદ ભાનગઢ કિલ્લા પર હુમલો થાય છે અને તે હુમલામાં રાજકુમારી સાથે સાથે મહેલના બધા લોકોના મૃત્યુ થઇ જાય છે. સ્થાનિક લોકોના મતે મરી ગયેલા લોકોની આત્મા હજુ પણ આ કિલ્લામાં ભટકી રહી છે.
જ્યાં દિવસના સમયે પણ લોકો કિલ્લાની અંદર જતા ડરે છે, ત્યાં સાંજના સમયે કિલ્લામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ઘણી જગ્યાએ બોર્ડ લગાવ્યા છે જ્યાં સાંજના સમયે કિલ્લાની અંદર ન જવાની ચેતવણી આપવામાં આવી છે. કિલ્લાની આસપાસ રહેતા ગ્રામજનો દાવો કરે છે કે જે કોઈ રાત્રે કિલ્લાની અંદર જાય છે તે ક્યારેય પાછો આવતો નથી. લોકોના મતે કિલ્લામાં ભૂત-પ્રેત ફરતા હોય છે જે ત્યાં જનારાને મારી નાખે છે.
બ્રિજરાજ ભવન
રાજસ્થાનના કોટા શહેરમાં આવેલું આ ભવન લગભગ 178 વર્ષ જુનું છે. વર્ષ 1980 માં આ ભવનને એક ઐતિહાસિક હોટલમાં ફેરવી નાંખવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ હોટલમાં મેજર પલ્ટન નામનું ભૂત રહે છે. જે બ્રિટીશ શાસન દરમિયાન કોટામાં કાર્ય કરતો હતો. પરંતુ વર્ષ 1857 ના વિપ્લવમાં તેને ભારતીય સિપાહીઓએ મારી નાખ્યો હતો. ભારતના સિપાહીઓએ મેજરની સાથે તેના બે બાળકોને પણ આ હોટલના સેન્ટ્રલ હોલમાં મારી નાખ્યા હતા.
કોટાની પૂર્વ મહારાણીએ પણ આ વાતનું સમર્થન કર્યું હતું કે તેમણે ડ્રોઇંગ રૂમમાં ઘણીવાર મેજર ચાર્લ્સ બર્ટનના ભૂતને જોયું. મહારાણીના જણાવ્યા અનુસાર મેજરની આત્માએ તેમને ક્યારેય નુકસાન નથી પહોંચાડ્યું. હવે આ બ્રિજ ભવન કોટા સ્ટેટ ગેસ્ટ હાઉસ બની ગયું છે. અહીં કામ કરનારા લોકોના જણાવ્યા અનુસાર હોટલની ગેલેરીમાં ઘણીવાર કોઇના ચાલવાનો અવાજ આવે છે. જો કોઇ રાતે છત પર બનેલા બગીચામાં જવાની કોશિશ કરે છે તો તેને મેજરનું ભૂત જોરદાર થપ્પડ મારે છે. જો કે કર્મચારીઓની આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે કોઇ નથી જાણતું.
અગ્રસેનની વાવ
અગ્રસેનની વાવ દિલ્લીના કોનોટ પ્લેસમાં સ્થિત છે. માનવામાં આવે છે કે મહાભારત કાળમાં આનું નિર્માણ થયું હતું પરંતુ બાદમાં અગ્રવાલ સમાજના મહારાજા અગ્રસેને 14 મી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ આને અગ્રસેનની વાવ તરીકે જાણીતી બની. જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 15 મીટર છે. એક સમયે આ વાવ હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. પરંતુ હાલમાં તે સુકાઈ ગઈ છે. આ વાવ વિશે એવી માન્યતાઓ પ્રચલિત છે કે આ વાવનું કાળું પાણી લોકોને સંમોહિત કરીને આત્મહત્યા કરવા પર મજબુર કરે છે. તેવા કેસો પણ સામે આવ્યા હતા જેના કારણે સરકાર દ્વારા ત્યાં જવા માટે બેન લગાવી દેવામાં આવ્યો.
ડુમ્મસ બીચ સુરત
સુરતના સમુદ્ર કિનારે સ્થિત ડુમસ બીચ પર્યટકો માટે ખાસ જગ્યા છે. ઘણાખરા પ્રવાસીઓ આ બીચ પર આનંદ પ્રમોદ માટે આવે છે. પરંતુ સ્થાનિક લોકોની વાત સાંભળીએ તો ભલભલાને પરસેવો છુટી જાય. ડુમ્મસ બીચ એક સમયે હિંદુઓના અંતિમ સંસ્કારની જગ્યા હતી. ઘણી એવી પણ આત્માઓ હોય છે જે મોહ અને અધુરી ઇચ્છાઓના કારણે દુનિયા છોડીને જતી નથી. કહેવાય છે કે ડુમ્મસ બીચ પર એવી જ આત્માઓ રહે છે. ત્યાં જેટલા પણ લોકો ગયા છે તે બધાનું કહેવું છે કે તે બીચ પર કંઈક અજીબ છે. જે દેખાઈ નથી શકતું પરંતુ અનુભવી શકાય છે. આજે પણ ડુમ્મસ બીચ પર લોકો જાય તેને મુંઝવણ અનુભવાય છે અને દરેક સમયે એવું લાગે કે કોઈ સાથે ચાલી રહ્યું છે. ઘણા પર્યટકોનું એવું પણ કહેવું છે કે તેઓ ડુમ્મસ બીચ પર જઈ રહ્યા હતા તો કોઈએ તેના કાનમાં આવીને આગળ ન જવાની સલાહ આપી અને ચેતવણી આપી કે આગળ ન જવું, જ્યાંથી આવ્યા છો ત્યાં જ પાછા જતા રહેવું .રાત્રે આ બીચ પર જવાની મનાઈ સખત છે. સુર્યાસ્ત બાદ જો તમે બીચ પર જાવ તો તમને અલગ અલગ પ્રકારના અવાજો સાંભળવા મળે છે. સરકાર દ્વારા ત્યાં અમુક સમયે જવા પર પ્રતિબંધ છે.
પુણેનો શનિવારવાડા કિલ્લો
શનિવાર વાડા મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત છે. જેનું નિર્માણ મરાઠા-પેશ્વા સામ્રાજ્યને નવી ઉંચાઇઓ પર લઇ જનાર બાજીરાવ પેશ્વાએ કરાવ્યું હતું. વર્ષ 1732માં આ સંપૂ્ર્ણ રીતે બનીને તૈયાર થઇ ગયો હતો. કહેવાય છે કે તે સમયે આને બનાવવામાં અંદાજે 16 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. ત્યારે આ રકમ ઘણી વધારે હતી. તે સમયે આ મહેલમાં લગભગ 1000 લોકો રહેતા હતા.
કહેવાય છે કે આ મહેલનો પાયો શનિવારના દિવસે નાંખવામાં આવ્યો હતો. આ જ કારણે તેનું નામ શનિવાર વાડા પડ્યું હતું. અંદાજે 85 વર્ષ સુધી આ મહેલ પેશ્વાઓના અધિકારમાં રહી. પરંતુ ઇસ. 1818માં આની પર અંગ્રેજોએ પોતાનો અધિકાર જમાવી લીધો અને ભારતની આઝાદી સુધી આ તેમના અધિકારમાં જ રહ્યો.
જ્યારે પશ્ચિમ ભારતના પ્રદેશોમાં પેશ્વાઓનું રાજ હતું ત્યારે પેશ્વાઓના ઉપરી અધિકારીએ નારાયણ નામના બાળકની હત્યા તેના કાકાના કહેવાથી કરાવવામાં આવી હતી. પોતાનો જીવ બચાવવા માટે નારાયણ આખા મહેલમાં ફર્યો, તેમ છતાં તેના હત્યારાઓએ નારાયણને શોધીને તેની હત્યા કરી નાખી. નારાયણ પોતાના કાકાને અવાજો લગાવતો રહ્યો, પરંતુ મદદ કરવા માટે કોઈ ન આવ્યું. તેથી સ્થાનીય લોકોનું કહેવું છે કે આજે પણ શનીવારવાડામાં તે બાળકની ચીસો અને દર્દમાં કણસવાના અવાજો સંભળાય છે. પૂનમની રાત્રે તો આ જગ્યા ખુબ જ ભયાનક થઇ જાય છે. કારણ કે ચાંદની રાત્રે અહીં નારાયણની ખુબ જ ચીસો સંભળાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો