શું દિલ્હી લાલ કિલ્લા, હુમાયુનો મકબરો અને કુટુંબ મિનાર (પ્રાચીન ધ્રુવ સ્તંભ) પૂરતું જ મર્યાદિત છે?? મહાભારતમાં પાંડવોની નગરી ઇન્દ્રપ્રસ્થ એ આજનું દિલ્હી છે તેના ઘણા પુરાવાઓ મળી આવ્યા છે.
વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની રાજધાની દિલ્હી એ રાજકીય ઉપરાંત પર્યટન ક્ષેત્રે પણ ઘણું મહત્વનું મથક છે. ચાલો, આજે દિલવાલો કી દિલ્હી વિષે કઈક અનોખી માહિતી મેળવીએ.
દિલ્હી અને નવી દિલ્હી વચ્ચે તફાવત
ભાગ્યે જ કોઈ જાણતું હશે કે દિલ્હી અને નવી દિલ્હી એ બંને એક જ જગ્યા નથી. દિલ્હી શહેર સદીઓ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. નવી દિલ્હી એ આ જ શહેરનો એક ભાગ છે. અંગ્રેજો દ્વારા તેમના વ્યાવસાયિક ફાયદા માટે કલકત્તાથી તેમનો તમામ રાજકીય અને નાણાકીય વ્યવહાર દિલ્હીના જે વિસ્તારમાં લાવવામાં આવ્યો, બ્રિટિશ આર્કિટેક્ટ દ્વારા તેનો વિકાસ કરવામાં આવ્યો અને તેને નવી દિલ્હી નામ આપવામાં આવ્યું. વર્ષ 1931થી નવી દિલ્હી દેશની રાજધાની બન્યું હતું.
ચોમેર દરવાજા
દિલ્હીમાં દાખલ થવા શહેરની ભાગોળે ચારેય બાજુ અલગ અલગ સમયમાં શાસકો દ્વારા અલગ અલગ દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા. તે અનુસાર દિલ્હીમાં આવવું હોય તો આમાંના કોઈ એક દરવાજામાંથી પસાર થઈને જ આવી શકાતું. અલગ અલગ સદીમાં જુદા જુદા રાજા, આક્રમણકાર, અંગ્રેજો દ્વારા કુલ 14 દરવાજા બનાવવામાં આવ્યા હતા તેમાંના પાંચ આજે પણ અડીખમ છે: કાશ્મીરી ગેટ, અજમેરી ગેટ, લાહોરી દરવાજા, દિલ્લી દરવાજા અને તુર્કમાન ગેટ.
એશિયાની સૌથી મોટી મસાલાની બજાર
ખારી બાઓલી નામની બજાર એ માત્ર મસાલાની બજાર છે જે એશિયામાં પ્રથમ ક્રમની સૌથી મોટી મસાલા બજાર છે. આ બજાર લાલ કિલ્લાથી ખૂબ જ નજીક આવેલી છે.
ભારતનો સૌથી મોંઘો કમર્શિયલ એરિયા
દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારની ઝાકઝમાળથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. પણ શું તમે જાણો છો કે આ વિસ્તાર ભારતનો સૌથી મોંઘો અને વિશ્વનો 9 માં ક્રમનો સૌથી મોંઘો ‘કમર્શિયલ રેટ્સ’ ધરાવે છે?? દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં વ્યાવસાયિક ભાડું મુંબઈના પોશ વિસ્તારો કરતાં ઓછું છે, પરંતુ આ બાબતમાં કનોટ પ્લેસ આખા દેશમાં ટોચના સ્થાને બિરાજે છે.
અવનવા મ્યુઝિયમ
દિલ્હીમાં અમુક એવા મ્યુઝિયમ આવેલા છે જે તમે ક્યારેય સાંભળ્યા સુદ્ધાં નહિ હોય. અહીં સુલભ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ ટોઈલેટ્સ, નેશનલ રેલ મ્યુઝિયમ, ઇન્ટરનેશનલ ડોલ મ્યુઝિયમ, વિન્ટેજ એનાલોગ કેમેરા મ્યુઝિયમ વગેરે જેવા ખૂબ જ અનેરા મ્યુઝિયમ આવેલા છે.
વિશ્વનું બીજા ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર
વર્ષ 2020 માં આશરે 3 કરોડ લોકોની વસ્તી સાથે દિલ્હી વિશ્વનું બીજા ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું છે. પ્રથમ સ્થાને 3.7 કરોડની વસ્તી ધરાવતું ટોક્યો છે.
દિલ્હી પ્રવાસનો તમારો કોઈ ખાસ અનુભવ હોય તો કમેન્ટ્સમાં જણાવો.
.