હરવા ફરવાના તેમજ ખાવા પીવાના સૌથી વધુ શોખીન એવા ભારતીયોની યાદી બનાવવામાં આવે તો ગુજરાતીઓ બહુ જ મોટી સંખ્યામાં હોવાના. દેશ વિદેશમાં થેપલા, ખાખરા, ગાંઠિયા લઈને ફરતા ગુજરાતીઓ ગુજરાતમાં પણ એટલા જ શોખથી અનેકવિધ વાનગીઓ ઝાપટે છે.
મોટા ભાગે શાકાહારી ભોજન ખાતા ગુજરાતીઓએ કેટલીક મીઠાઇ તેમજ કેટલાય ફરસાણોનું સર્જન કર્યું છે, તેને પ્રસિદ્ધ બનાવ્યા છે. પણ ગુજરાતની અમુક ચોક્કસ લોકપ્રિય વાનગીઓની વાત નીકળે ત્યારે કોઈ ચોક્કસ દુકાનનું નામ લેવામાં આવે તો તે એક વિશેષ વાત ગણી શકાય. અમુક કિસ્સાઓમાં તો જે તે વ્યંજન પ્રખ્યાત થવા પાછળના મૂળમાં જ તે દુકાનો રહેલી છે. સ્થાનિકો ઉપરાંત રાજ્ય, દેશ તેમજ વિશ્વભરમાં તેમના ગ્રાહકો વ્યાપેલા છે. તો ચાલો આજે આપણે એવા ફેમસ ફૂડ સ્ટોર્સની યાદી બનાવીએ જે વિખ્યાત ગુજરાતી વાનગીઓના સમાનાર્થી બની ચૂક્યા છે.
વડોદરાનો લીલો ચેવડો: જગદીશ
ગુજરાતમાં જાણીતા શહેરના જાણીતા નાસ્તાની વાત આવે તો તેમાં વડોદરાનો લીલો ચેવડો જરુર યાદ આવે. ગુજરાતી સ્ત્રીઓ દરેક ભાવતી વસ્તુઓ ઘરે બનાવવાની ટ્રાય કરતી જ હશે પણ લીલો ચેવડો એવી વસ્તુ છે જે બજારમાંથી જ લાવવામાં આવે છે. અને તે પણ મોટે ભાગે એક જ દુકાનમાંથી.
દેશ-વિદેશમાં ગુજરાતીઓના ઘરે-ઘરે લીલા ચેવડાને નામના અપાવનાર ફૂડ સ્ટોર એટલે વડોદરનું જગદીશ ફૂડ. મૂળ સૌરાષ્ટ્રના એવા ભીખાભાઈ ઠક્કરે વડોદરામાં 1945માં સાઇકલ પર ખમણ-ઢોકળા વેચવાની શરૂઆત કરીને ફરસાણના ધંધામાં ઝંપલાવ્યું હતું. આજે તેમની ફરસાણની દુકાન ‘જગદીશ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ’ વડોદરાના ફૂડ બિઝનેસમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભીખાભાઇના પુત્રો અને પૌત્રો આજે અનેકવિધ પ્રકારના ખમણ-ઢોકળા ઉપરાંત કેટલાય ફરસાણ વેચે છે.
સેવ ઉસળ: મહાકાળી
મહારાજા સયાજીરાવ ગાયકવાડનું નગર એવા વડોદરામાં આજે પણ પુષ્કળ મરાઠીઓ વસે છે. ગુજરાતભરમાં કદાચ સૌથી પ્રખ્યાત સેવ ઉસળ ખાવા હોય તો કોઈ પણ તમને વડોદરાના મહાકાળીના સેવ ઉસળ ખાવાનું સૂચન કરશે.
80 ના દાયકામાં પોતાનો કોઈ બિઝનેસ કરવા ઇચ્છતા સોપાનભાઈ સાણેએ તેમના બહેન બનેવી સાથે મળીને મહાકાળી સેવ ઉસળની શરૂઆત કરી હતી. ભાઈ-બહેને શરુઆત કરેલી તે મહાકાળી સેવઉસળ આજે 60 કરતાં પણ વધુ લોકોનો સ્ટાફ ધરાવે છે અને તેમની પોતાની રેસ્ટોરાં પણ છે. આ વેપારીઓ માત્ર પોતાના ખિસ્સા જ નહિ, પણ ગ્રાહકોનું પેટ પણ ભરવામાં માને છે અને એટલે જ અહીં આજે પણ અનલિમિટેડ સેવઉસળ મળે છે.
પાંવ ગાંઠિયા: લચ્છુભાઈ
સૌરાષ્ટ્રના લોકોમાં ફાસ્ટ-ફૂડમાં પાંવ ગાંઠિયા એક આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં પણ ઘણા લોકોને આ કોમ્બિનેશન જરા વિચિત્ર લાગે છે પણ લચ્છુભાઈના પાંવ ગાંઠિયાએ મેળવેલી લોકચાહના તેના અદભૂત સ્વાદની સાબિતી છે.
વર્ષો પહેલા સિંધી પરિવારે ભાવનગરમાં નાની સાઇઝના પાંવ, ડુંગળીની વિશેષ ચટણી તેમજ કડક ગાંઠિયાનું સંયોજન કરીને પાંવ ગાંઠિયા નામની દિશની શરૂઆત કરી હતી. આજે તે પરિવાર ભાવનગરમાં 4 તેમજ સુરતમાં પણ લચ્છુભાઈના પાંવ-ગાંઠિયાની બ્રાન્ચ ધરાવે છે. ભાવનગરમાં આજે આ એક સૌથી ફેમસ ફૂડ આઈટમ છે તેમ કહી શકાય. આ ડિશ સાથે સાદી તીખી-મીઠી સેન્ડવીચ પણ બહુ જ પ્રખ્યાત છે.
નડિયાદનું ભૂસું (ચવાણું): નવીનચંદ્ર સોમાભાઇ ભાવસાર
નડિયાદ એક એવું શહેર છે જે અમદાવાદ અને આણંદ બંનેથી ઘણું નજીકમાં આવેલું છે. આ બંને જગ્યાના યંગસ્ટર્સ નડિયાદના પફ તેમજ ચવાણાંના ચાહક છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ ચવાણાંને ‘ભૂસું’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ ભારતને સ્વતંત્રતા મળી ત્યારથી નડિયાદના સ્થાનિકો તેમજ આખા ગુજરાતમાં અહીંનું ચવાણું ખૂબ જ પ્રખ્યાત છે.
વર્ષ 1947માં સોમાભાઇ ભાવસારે અહીં ચવાણું વેચવાની શરૂઆત કરી હતી. બે વર્ષ બાદ, એટલે કે 194 માં તેમણે આ બિઝનેસને પોતાના પુત્રનું નામ આપવાનું નક્કી કર્યું. ત્યારથી માંડીને આજ સુધી નડિયાદમાં નવીણચંદ્ર સોમાભાઇ ભાવસાર એક ખૂબ જ જાણીતું નામ છે.
ભાવનગરી ગાંઠિયા
ભાવનગર માટે એવું કહેવાય કે તે ગાય, ગાંડા અને ગાંઠિયા માટે જાણીતું શહેર છે. પહેલા બેની કદાચ સૌને ખબર નહિ હોય પણ ભાવનગરના ગાંઠિયા તો સાચે જ જગવિખ્યાત છે. તમને ગુજરાતમાં કે ઇવન ભારતમાં કોઈ જગ્યાએ ‘ભાવનગરી ગાંઠિયા’ના નામે ગાંઠિયાનો પ્રસાર થતો જોવા મળે તો એ સહેજ પણ નવાઈની વાત નથી.
ભાવનગરમાં આજે અનેક દુકાનોમાં શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા ભાવનગરી ગાંઠિયા મળે છે પરંતુ ભાવનગર શહેરના મનુભાઈ ગાંઠિયાવાળા, નરસિંહદાસ બાવાદાસ ગાંઠિયાવાળા, લક્ષ્મી ફરસાણ, દાસ વગેરે સૌથી જુના અને જાણીતા નામ છે.
લીલી ચટણી: રસિકભાઈ ચેવડાવાળા
રંગીલા રાજકોટની આમ તો ઘણી વિશેષતાઓ છે, પણ જો લીલી ચટણીની વાત આવે તો રાજકોટનો ઉલ્લેખ થાય, થાય અને થાય જ! અરે, લીલી ચટણીને ઘણા લોકો રાજકોટની ચટણી તરીકે પણ ઓળખે છે. તીખી, ખાટ્ટી અને સ્વાદિષ્ટ ચટણી સૌ કોઈને ખૂબ ભાવે છે.
રાજકોટની ભાગ્યે જ મુલાકાત લેતા લોકો માટે લીમડા ચોક વિસ્તારમાં જઈને રસિકભાઈ ચેવડાવાળાની મુલાકાત લેવી ફરજિયાત બની જાય છે. પોતાના પિતાની રેલવે કેન્ટીનમાંથી આ વ્યવસાયની શરૂઆત કરનાર રસિકભાઈ ચોટાઈએ વર્ષ 1969માં પોતાની દુકાન રસિકભાઈ ચેવડાવાળાની શરૂઆત કરી હતી. ઓનલાઈન દુનિયા શરુ થયા બાદ હવે તો તેમની પ્રોડક્ટ્સ વધુ આસાનીથી લોકો સુધી પહોંચે છે.
હકીકતે તો આ યાદી ખૂબ લાંબી બની શકે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં કોઈને કોઈ વિશેષ વાનગીઓ તેમજ તેની પ્રખ્યાત દુકાન હોવાના જ... તમારા શહેરની પણ આવી જ કોઈ પ્રખ્યાત જગ્યા વિષે કમેન્ટ્સમાં જણાવો...
આ જ યાદીનો ભાગ 2 અહીં વાંચો.
.