દહેરાદુન હવે પહેલા જેવું નથી રહ્યું. રસ્તાઓ પહોળા કરવા માટે નદીનું વહેણ સાંકડું કરી નાખવામાં આવ્યું છે. દહેરાદૂનમાં નિઃશંકપણે ડેવલપમેન્ટ આવ્યું છે પરંતુ કુદરતી સુંદરતાના ભોગે. મે ક્યાંક વાંચેલું કે હવે દહેરાદૂનમાં પહેલા જેવો ચાર્મ નથી. પરંતુ હું નથી માનતી કે દહેરાદુન સંપૂર્ણપણે એનો ચાર્મ ગુમાવી ચૂક્યું છે. હજી પણ એવી જગ્યાઓ છે જે રસ્કિન બોન્ડે એમના પુસ્તકોમાં લખેલી છે. દહેરાદુનમાં એવું ઘણું છે કે જેથી એ મસૂરી જવા માટેના "સ્ટોપ' કરતા ઘણું જ વધારે સાબિત કરે છે.
તમે આવતા વર્ષે દહેરાદૂનમાં આ હાઈક અને ટ્રેક કરી શકો છો.
1) બારલો ગંજ
રસ્કિન બોન્ડ અને રૂડયાર્ડ કિપલિંગના પુસ્તકોમાં જેનો અઢળક વાર ઉલ્લેખ છે એ બારલો ગંજ મસૂરીથી ખાસ્સું નજીક છે. દહેરાદુનથી 14 કિમી દૂર બારલો ગંજનો ટ્રેક તમે પાંચથી ૬ કલાકમાં કરી શકો છો. રાજપુરથી શરુ કરીને ઝારીપાણી ક્રોસ કરીને તમે અહીંયા પહોંચી શકો છો.
2) માલદેવતા બ્રિજ અને વોટરફોલ
માલદેવતા એ રીસપના વેલીથી નજીક આવેલી એક હેરિટેજ સાઈટ છે. પ્રાચીન સમયમાં અહીંયા મસૂરીથી આવાગમન માટે રસ્તો હતો. આ હાઈકમાં તમે બ્રિજ અને આગળ એક કિમી જતા વોટરફોલ બંને જોઈ શકો છો. દહેરાદુનથી લગભગ 8 કિમી દૂર માલદેવતા જવા માટેનો શ્રેષ્ઠ સમય છે જુલાઈ એન્ડ.
3) જ્યોર્જ એવરેસ્ટ હાઉસ ટ્રેક
અંગ્રેજ જ્યોર્જ એવરેસ્ટએ ભારતનો ટ્રિગોનોમેટ્રી સર્વે ઓફ ઇન્ડિયા પૂરો કર્યો હતો જેના આધારે પછીથી હિમાલયની ઉંચાઈ માપવામાં આવી હતી. એમના ઘરે પહોંચવા માટે તમારે ભટ્ટા અને હાથીપાઉં ગામો પસાર કરવા પડે છે. દેહરાદૂનથી અંતર 20 કિમી અને સમય 4 થી 5 કલાક. અહીંથી સુંદર દૂન વેલી પણ જોઈ શકાય છે.
4) કલિંગ પાર્ક અને ફોર્ટ હાઈક
દહેરાદૂનથી માત્ર 5 કિમી દૂરના આ પાર્ક અને ફોર્ટ હાઈકમાં તમે વૉર મેમોરિયલ જોઈ શકો છો જે ગુરખા સૈનિકોની યાદમાં બનાવાયેલું છે. રાજપુર શત્રધારા હાઇવે પરનો આ હાઈક અન્યની સરખામણીમાં ઘણો જ નેનો અને સુંદર છે.
5) ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
દહેરાદૂનના હિલ રોડ પર આવેલ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ દહેરાદૂનની ઘણી જ મહત્વનીઅને સારી જગ્યા છે જે અંગ્રેજોએ બનાવેલી. અને એની જ બાઉન્ડરીમાં ઇન્ડિયન મિલિટરી એકેડમી છે જે માત્ર બહારથી જ જોઈ શકાય છે.
6) થાનો વિલેજ વોક
દહેરાદૂનથી થાનો વિલેજનું અંતર 23 કિમી અને સમય લાગે છે 5 કલાક, અહીંયા તમે નાના નાના ઘણા મંદિરો જોઈ શકશો જે ઘણી જ હરિયાળી વચ્ચે છુપાયેલા છે. ઉપરાંત અહીંયા ઘણા જંગલી પક્ષીઓ પણ જોવા મળે છે.
7) ડાક પથ્થર
ડાક પથ્થર એ યમુના નદી પર બનાવાયેલું જળાશય છે. અહીંયાના આસાન બેરેજ વૉટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તમે ઘણા વૉટર સ્પોર્ટ્સ કરી શકો છો. દહેરાદૂનથી અંતર - 45 કિમી
8) લંબી દેહર માઇન્સ
આ માઇન્સને હોન્ટેડ માનવામાં આવે છે પણ મને ત્યાંથી દેખાતા દ્રશ્યો માટે ખુબ જ આકર્ષણ છે. દહેરાદૂનથી 27 કિમી દૂર આવેલી દેહર માઇન્સ પહોંચતા તમને એક દિવસ થશે. રાજપુરથી શરુ કરીને ખેરાંગોપીવાલા અથવા બિશ્ત ગામમાં તમે રોકાણ કરી શકો છો.
9) કલસી ટ્રેઇલ
કલસી એ ઐતિહાસિક રીતે ઘણી જ મહત્વની જગ્યા છે કારણકે ત્યાં સમ્રાટ અશોકના સમયના કેટલાક શિલાલેખો આવેલા છે. અહીંથી તમે કથા પથ્થર કેનાલ અને જગત ગામ પણ જઈ શકો છો. દહેરાદૂનથી કલસી 49 કિમી દૂર છે એટલે તમે થોડા નજીક સહાસપુરથી ટ્રેક શરુ કરો એ હિતાવહ છે.
10) કિપલિંગ ટ્રેઇલ
લેખક રૂડયાર્ડ કિપલિંગ એમની ચાલવાની ક્ષમતા માટે જાણીતા હતા એમના નામ પરથી આ ટ્રેઇલની નામ કિપલિંગ ટ્રેઇલ પડ્યું છે. રાજપુરથી શરુ થતી આ ટ્રેઇલ ઝરાપાની થઈને મસૂરીમાં પુરી થાય છે. અહીંયા રસ્તામાં તમને ઘણા જુના અંગ્રેજ ઘરો, શહેનશાહી આશ્રમ, અને ઝરાપાની આવશે. 2 કલાકની આ ટ્રેઇલનું અંતર અંદાજે 5 કિમી છે.
11) રોબર્સ કેવ રિવર ટ્રેઇલ
જો તમને એડવેન્ચરનો શોખ હોય તો રોબર્સ કેવ તમારા માટે દહેરાદૂનમાં શ્રેષ્ઠ જગ્યા છે. સાથે એક્સટ્રા કપડાં રાખવા જરૂરી છે કારણકે અહીંયા પાણી પસાર કરવાનું આવે છે. મોટા ભાગના લોકો કેવને અંદરથી જોયા વગર જ નીકળી જાય છે પરંતુ અંદર જવું ઘણો સારો અનુભવ છે. દહેરાદૂનથી અંતર 8 કિમી અને સમય એક કલાક.
12) ઓલ્ડ મસૂરી હાઈક
પહેલા આ રૂટનો ઉપયપગ મસૂરીથી દહેરાદુન જવા માટે થતો. અહીંયા જૂની ચેક પોસ્ટના નિશાન આજે પણ છે. ઓલ્ડ રાજપુર રોડથી હારું કરીને ઓલ્ડ ટોલ રોડ સુધીના આ હાઈકમાં તમને સંપૂર્ણ એકલતા અને કુદરતી સુંદરતા મળશે. આ હાઈક લગભગ 8 કિમિ લંબી છે અને તમને 2 કલાકમાં મસૂરી પહોંચાડી દેશે.
13) ભદ્રાજ હિલ ટ્રેક
ભદ્રાજ હિલ મસૂરી અને કલાઉડ એન્ડની વચ્ચે છે. ભદ્રાજ હિલથી મંદિરના આંગણમાંથી પર્વતો અને વાદળોનો અદભુત નજારો જોઈ શકાય છે. આ ૨ દિવસના ટ્રેકમાં તમે કટકા કરી શકો છો. દહેરાદૂનથી મસૂરી અથવા દહેરાદૂનથી ભદ્રાજ એ રીતે. દહેરાદૂનથી અંતર 20 કિમી અને સમય 5 કલાક લિંક
14) હાર્ટ ઓફ દહેરાદુન વૉક
ક્લોક ટાવર
જો તમારે ખરેખર દહેતરાદૂનના હાર્દમાં જવું હોય તો ત્યાંની બજારો અને ગલીઓમાં ફરો. અહીંયાનો ચાર્મ અહીંની જૂની દુકાનો અને કલોક ટાવર, પલટન બજાર, એશલી હોલ, સેઇન્ટ જોસેફ સ્કૂલ વગેરેમાં છે. આખું શહેર ફરતા તમને માંડ અડધો દિવસ લાગશે.
15) ઓલ્ડ દહેરાદુન વૉક
સહારનપુર ચોક
ઓલ્ડ દહેરાદુન સહારનપુર ચોકની નજીક છે જે આજે પણ આધુનિક ઝાકઝમાળથી દૂર છે. તમે અહીંયા ગુરુ રામ રાઈનો દરબાર, જુના બંગલાઓ અને ઘરો, ગુરુદ્વારા અને ગુરુજીની ચાર પત્નીઓનું સ્થળ એવું માતાઓકા સ્થળ જઈ શકો છો. હિસ્ટોરિયન લોકેશ ઓહરીના મતે અહીંયા મુઘલ, શીખ અને ગઢવાળી ત્રણેય આર્કિટેક્ચર જોવા મળે છે. અહીંયાની દહેરાદુન ટી કંપનીની પણ મુલાકાત લો.
"હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે શ્રેષ્ઠ સફર એ હોય છે જેમાં કોઈ મુકામ નક્કી નથી હોતો." - રસ્કિન બોન્ડ
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.