અત્યારે સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મે મહિનાની આકરી ગરમીથી છૂટકારો મેળવવો હોય તો બેસ્ટ ચીજ જે તમે કરી શકો તે છે કોઇ વોટરપાર્કમાં જઇને પાણીમાં મસ્તી કરવી. વોટરપાર્કમાં આખો દિવસ ક્યાં પસાર થઇ જાય તેની ખબર જ નથી પડતી. અમદાવાદ નજીક કેટલાક નવા વોટરપાર્ક ખુલી ગયા છે જ્યાં તમે પાણીમાં ઠંડક મેળવવાની સાથે સાથે વિવિધ રાઇડ્સની પણ મજા લઇ શકો છો. તો ચાલો આવા ફન પાર્ક વિશે જાણીએ.
વોટરવિલે વોટરપાર્ક (Waterville waterpark)
નવા ખુલેલા વોટરપાર્કમાં પ્રથમ વાત કરીએ વોટરવિલે વોટરપાર્કની. તો અમદાવાદથી 80 કિલોમીટર દૂર હિંમતનગર બાયપાસ રોડ પર આવેલો આ વોટરપાર્ક ગરમીમાં રાહત મેળવવાનું યોગ્ય સ્થાન છે. અહીં 50 કરતા પણ વધુ વોટર રાઇડ્સ છે. 150 કરતા પણ વધુ લોકર રૂમ છે. અન્ય સુવિધાની વાત કરીએ તો અહીં વોટર રાઇડ્સ ઉપરાંત થ્રીલ રાઇડ્સ, કિડ્સ ઝોન, રેસ્ટોરન્ટ, લોકર રૂમ, આઇસક્રીમ પાર્લર, સેલ્ફી પોઇન્ટ, વેવ પુલની પણ સુવિધા છે. આ ઉપરાંત અહીં ફ્રી વાઇફાઇ, ફ્રી વ્હીલ ચેરની સુવિધા છે. તમે અહીં કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. કાર્ડથી પેમેન્ટ કરી રિવોર્ડ પોઇન્ટનો લાભ પણ લઇ શકો છો.
શું છે ટિકિટ?
વોટરવિલે વોટરપાર્કમાં ટિકિટની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રતિ વ્યક્તિ 899 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. જ્યારે શનિ-રવિમાં ટિકિટનો ભાવ 1099 રૂપિયા છે. ટિકિટમાં એન્ટ્રી અને ઓલ રાઇડ્સનો સમાવેશ થાય છે. જ્યારે ફૂડ, લોકર અને કોસ્ચ્યુમના અલગથી ચુકવવા પડશે.
સુશ્વા વોટર પાર્ક
અમદાવાદથી લગભગ 89 કિલોમીટર દૂર ઇડરના સપ્તેશ્વરમાં આવેલો છે સુશ્વા વોટર પાર્ક. આ પાર્ક પણ તેની રાઇડ્સના કારણે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો સુવિધાની વાત કરીએ તો આ વોટર પાર્કમાં જો તમારો સામાન ખોવાઇ જાય તો લોસ્ટ એન્ડ ફાઉન્ડની સુવિધા છે. ઉપરાંત રેસ્ટોરન્ટ, પાર્લર, લોકર, રેસ્ટ રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, બેબી કેર રૂમ, કોન્ફરન્સ હોલ, વ્હીલ ચેરની સુવિધા છે.
જો રાઇડ્સની વાત કરીએ તો અહીં ફન કરવા માટે રેઇન ડાન્સ, રેસ્ટ રીવર, સુનામી વેવ્સ, જમ્પિંગ જપાંગ, મલ્ટી લેન, કિડ્સ ઝોન, રાઉન્ડ રાઉન્ડ, હુડિબાબા, બચ્ચા પાર્ટી, વાઉ અને સ્પીડ સ્લાઇડ જેવી ફન અને એડવેન્ચર રાઇડ્સ જોવા મળશે. અહીં બાળકો માટે 399 અને એડલ્ટ માટે 499 રૂપિયા ટિકિટ છે.
ફેમિલી ફન વોટરપાર્ક
ફેમિલી ફન વોટરપાર્ક કડી છત્રાલ હાઇવે પર કુંડાળ ગામમાં આવેલો છે. વોટર પાર્ક મહેસાણા જિલ્લામાં આવે છે. જે અમદાવાદથી ફક્ત 50 કિલોમીટર દૂર છે. એટલે કે ઉપર દર્શાવેલા બાકીના વોટર પાર્ક કરતાં નજીક છે. આ વોટર પાર્કની ખાસિયત એ છે કે અહીં ફક્ત 700 રૂપિયામાં રાઇડ્સ, અનલિમિટેડ બ્રેકફાસ્ટ, લંચની મજા માણી શકાય છે. એટલે કે તમારે ભોજન માટે અલગથી પૈસા નહીં ખર્ચવા પડે. સુવિધાની વાત કરીએ તો અહીં વોટર પાર્ક ઉપરાંત એડવેન્ચર એક્ટિવિટિઝ પણ કરી શકાય છે. અહીં વિન્ટેજ વિલેજ, મેજિક શો, પપેટ શો તેમજ રાજસ્થાન ફોક ડાન્સને એન્જોય કરી શકો છો.
વોટર પાર્કમાં રાઇડ્સ
ફેમિલી ફન વોટર પાર્કમાં તમને વોટર પ્લે સિસ્ટમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફેમિલી રાઇડ, જાયન્ટ વેવ પૂલ, લેઝિ એન્ડ ક્રેઝિ રિવર, પેન્ડુલમ રાઇડ, ઓપન ફ્લોટ ટર્નિગ સ્લાઇડ, બિલ સ્વિમિંગ પુલ, બે જાતના રેઇન ડાન્સ, ફાસ્ટ બોડી વેવ સ્લાઇડ, મલ્ટી રેસર સ્લાઇડ, સ્પાઇડર સ્લાઇડ, એક્વા લુપ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
એડવેન્ચર એક્ટિવિટીઝ
એડવેન્ચર એક્ટિવિટીઝની વાત કરીએ તો અહીં ઝીપ લાઇન, સ્ટાય સાયક્લિંગ, 360 સાયકલ, જાયન્ટ સ્વિંગ ચેર, ટુ રોકેટ ઇંજેક્શન, હ્યુમેન જાયરો, બે બેન્ઝિ ટ્રેમ્પોલિનનો સમાવેશ થાય છે.
ફ્લેમિંગો વોટર પાર્ક એન્ડ રિસોર્ટ
અમદાવાદથી ફક્ત 44 કિલોમીટર દૂર સાણંદ-નળસરોવર રોડ પર આવેલો આ વોટર પાર્ક ફેમિલી સાથે એન્જોય કરવા માટે બેસ્ટ છે. આ માત્ર વોટર પાર્ક નથી તે એક રિસોર્ટ પણ છે. જો આપણે વોટર પાર્કની વાત કરીએ તો વોટર પાર્કમાં રેસર વોટર સ્લાઇડ્સ, હાઇ સ્પીડ સ્લાઇડ્સ, થ્રીલિંગ સાયક્લોન, રિવર ક્રૂઝ, વાઇપ આઉટ ફેમિલી સ્લાઇડ, પેન્ડુલમ, વોટર પ્લે ગ્રાઉન્ડ, રિલેક્સેશન પુલ, કિડ્સ પુલ જેવી સુવિધા છે. હવે જો તમે વોટર પાર્કથી ધરાઇ ગયા છો અને કંઇક એડવેન્ચર કરવું છે તો અહીં 18 મલ્ટીપલ એક્ટિવિટી ટાવર, ઝીપ લાઇન, સ્કાય સાયકલ, થ્રીલિંગ જાયન્ટ સ્વિંગ, ક્રિકેટ પીચ, બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, ચેસ, ઇન્ડોર કિડ્સ ગેમ્સ અને કેરમ જેવી એક્ટિવિટી કરી શકો છો.
જો તમારે ફ્લેમિંગો રિસોર્ટમાં રોકાવું હોય તો અહીં ડિલક્સ ડબલ બેડ રુમ, એક્ઝિક્યુટિવ ડબલ, ટ્રિપલ અને ફોરબેડ રૂમની સુવિધા પણ છે.
પેકેજ શું છે?
અહીં અલગ અલગ પ્રકારના પેકેજ ઉપલબ્ધ છે. સમર સ્પેશ્યલ પેકેજની વાત કરીએ તો એન્ટ્રી, એડવેન્ચર એક્ટિવિટી, બ્રેક ફાસ્ટ, લંચ, હાઇ-ટી સાથેનું પેકેજ એડલ્ટ માટે 1199 રૂપિયા, જ્યારે બાળકો માટે 799માં મળશે. જો તમારે ફક્ત વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કમાં મસ્તી કરવી છે તો તેની પ્રાઇસ 649 રૂપિયા છે. બાળકો માટે 499 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. આ ઉપરાંત અહીં લંચ પ્લાન, ફુલ ડે પ્લાન, હાફ ડે પ્લાન, ઇવનિંગ પ્લાન, હાફ ડે ઇવનિંગ પ્લાન, ફુલ ડે ઇવનિંગ પ્લાન પણ ઉપલબ્ધ છે. જેની ટિકિટ પ્રાઇસ 909 થી 1709 રૂપિયા સુધીની છે.
શ્રી ગણેશ ફન વર્લ્ડ, કડી
અમદાવાદથી 54 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લામાં કડી-નંદાસણ રોડ પર અલદેસણ ગામમાં આવેલું છે શ્રી ગણેશ ફન વર્લ્ડ. આમ તો અમદાવાદથી નજીક ઘણાં વોટર પાર્ક્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક આવેલા છે. પરંતુ આ વર્ષે શરુ થનારુ આ એક નવું ફન વર્લ્ડ છે. એટલે એકને એક જગ્યાએ જઇને કંટાળી ગયેલા લોકોને એક નવો વિકલ્પ મળશે.
શ્રી ગણેશ ફન વર્લ્ડમાં મિનિ વોટરપાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, એડવેન્ચર પાર્ક, બેન્કવેટ હોલ, ક્રિકેટ ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટ છે. અહીં તમે ગેટ ટુ ગેધર, મેરેજ અને બર્થ ડે સેલિબ્રેશન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, વેડિંગ રિસેપ્શન, કોર્પોરેટ ઇવેન્ટ્સ તેમજ અન્ય ઇવેન્ટસનું આયોજન કરી શકો છો. અહીં વેવ પુલ, રેઇન ડાન્સ, વિવિધ એડવેન્ચર રાઇડ્સ, સ્પેશ્યલ કિડ્સ ઝોનનો સમાવેશ થાય છે.
એન્ટ્રી ટિકિટ અને અન્ય ચાર્જિસ
અહીં એડલ્ટ માટે પ્રતિ વ્યકિત 700 રૂપિયા, 6 વર્ષથી ઉપરના બાળકો માટે 550 રૂપિયા અને 0 થી 5 વર્ષના બાળકો માટે કોઇ ચાર્જ નથી. આ ફીમાં બ્રેક ફાસ્ટ, લંચ, ઇવનિંગ ટી-કોફીનો સમાવેશ થાય છે. અહીં વોટર પાર્કમાં જેન્ટ્સ અને લેડિઝ કોસ્ચ્યુમના 150 રૂપિયા છે. ઉપરાંત 5 ટિકિટ પર કોઇ લોકર ચાર્જ લેવામાં આવતો નથી. વોટર પાર્કનો સમય સવારે 8.30 થી સાંજે 4.30 સુધીનો છે. જો ગ્રુપમાં આવતા હોવ તો 50 લોકો માટે સાંજે 5 થી રાતે 11.30 સુધીનો એન્ટ્રી ટાઇમ છે.
નોંધઃ અહીં દર્શાવેલા ભાવ જે-તે વોટર પાર્કની વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે. તેમાં ફેરફાર થઇ શકે છે. વોટર પાર્કમા જતા પહેલા ફોનથી ઇન્ક્વાયરી કરી લેવી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો