મહારાષ્ટ્રનું પૂણે એક એવું શહેર છે જ્યાં મારે દર બે-ત્રણ મહિને ઓફિસના કોઈને કોઈ કામથી જવાનું બનતું જ હોય છે. વર્ષો પહેલા જ્યારે પહેલી વાર આ ભૂમિ પર પગ મૂક્યો હતો ત્યારે અહીં નજીકમાં આવેલા લોનવલા અને ખંડાલાની મુલાકાત લીધી હતી. આમ પણ તે સમયે ‘આતી કયા ખંડાલા’ ગીત બહુ જ લોકપ્રિય હતું. દેશની પશ્ચિમ બાજુ આવેલા પર્વતીય વિસ્તારોમાં આ મારો પ્રથમ પ્રવાસ હતો જે હજુ આજેય મારા મનમાં અંકિત છે.
દોઢ વર્ષ પહેલા જ્યારે મહાબળેશ્વર અને પંચગીની ફરવાનો પ્લાન બનાવ્યો ત્યારે ફરીથી પૂણેમાં રોકાવાનો અવસર મળ્યો. અને તે વખતે ફરીથી મને પશ્ચિમ ઘાટીમાં વધુ કઈક નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાની ઈચ્છા સળવળી ઉઠી. મેં ઘણી વખત મારા મિત્રો પાસે મુંબઈ નજીકમાં સુંદર તળાવ અને હર્યા-ભર્યા પહાડો વચ્ચે બનેલા એક સુંદર શહેરનો ઉલ્લેખ સાંભળ્યો હતો.
પછી કોઈ વખત એવું પણ સાંભળ્યું હતું કે આ શહેર અનેક વિવાદોમાં પણ સપડાયું હતું પણ તેમ છતાં આ શહેરને જોવાની ઈચ્છા તો હતી જ.
ઓકટોબરના ત્રીજા અઠવાડિયાના કોઈ સુંદર દિવસે અમારો કાફલો બે ગાડીમાં બેસીને લવાસા તરફ ઉપડ્યો. પૂણેમાં બહુ ઠંડી નથી પડતી અને હજુ ઓકટોબર મહિનો હતો એટલે ગરમીનો માહોલ હતો. આમ તો પૂણેથી લવાસા સિટીનું અંતર માત્ર 60 કિમી જેટલું જ છે પણ અડધો-પોણો કલાક તો પૂણે શહેરમાંથી તેના પરાનાં વિસ્તારોમાં પહોંચતા થાય છે. અને ત્યાર પછી તમે પહોંચી જશો પશ્ચિમ ઘાટીના રમણીય હરિયાળા પ્રદેશમાં..
ટેમઘર બંધ ખડકવાસલા અને પૂણે તેમજ વારસગાંવ તેની આસપાસના શહેરોની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. આ બંને બંધ મુઠા અને તેની સહાયક નદી પર બાંધવામાં આવ્યા છે. ટેમઘરથી લવાસાના પ્રવેશદ્વાર સુધીનું અંતર કાપતા માંડ 20 મિનિટ જેટલો સમય લાગે છે. આ રસ્તો ખૂબ જ મરોડદાર અને ચડાઈવાળો છે. કોઈ વાર આપણે હરિયાળા પહાડોને અડીને આગળ વધી તો વળી કોઈ વાર વારસગાંવ બંધ ખૂબ દૂરથી દેખાય.
આજથી આશરે દોઢ દાયકા પહેલા લવાસા સિટીને સ્વતંત્ર ભારતના પ્રથમ પ્લાન્ડ હિલ સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યું. પશ્ચિમમાં મૂલશી ઘાટીમાં આવેલા આ નગરની રૂપરેખા બનાવવા માટે ઈટાલીના પોર્ટોફીનો નામનાં નગરની પ્રેરણા લેવામાં આવી હતી. સો ચોરસ કિમીના બનેલા આ પ્રદેશમાં 5 અલગ અલગ કસબા બનવાના હતા પણ પહેલા સ્ટેપ સુધી જ બધું પ્લાન અનુસાર ચાલ્યું. જ્યારે હું લવાસા પહોંચ્યો ત્યારે બપોર થઈ ગઈ હતી. અમે સૌ મૂલશી ઘાટીની તળેટી જોવા જવાના હતા પણ આ નગર જોવાના ઉત્સાહમાં અમે સૌ પહેલા જ ઉતરી ગયા.
ઉપરથી ઘેઘૂર જંગલો વચ્ચે અમે હારબંધ મકાનો જોઈ શકતા હતા. અમુક એકલવાયા મકાનો ક્યાંક કોઈ પહાડી પર છૂટા-છવાયા જોવા મળતા હતા. લવાસામાં દાખલ થવા એન્ટ્રી ટિકિટ લઈને એક ચોક્કસ રસ્તો અનુસરવાનો રહે છે જેથી આ નગરના મહત્તમ અંશો માણી શકાય.
નીચે ઉતરતા અમે લવાસાના પહેલા કસબા દાસવેમાંથી પસાર થયા. ભરબપોરે આ જગ્યા શાંત અને ઉજ્જડ લાગી રહી હતી. જે થોડી ઘણી પણ ભીડ હતી એ અમારી જેવા પ્રવાસીઓની જ હતી. તળાવ નજીક નાના-મોટા ફૂડ સ્ટોર્સ આવેલા છે. આટલા આકરા તડકામાં તળાવે જઈને બેસવાની અમારી હિંમત નહોતી એટલે અમે થોડો આરામ કરવા અને થોડી પેટ-પૂજા કરવા નીચે ઉતાર્યા.
ભૂરા સ્વચ્છ પાણી પાછળ ઊભેલી હારબંધ રંગબેરંગી ઇમારતો, તેની પાછળ ટટ્ટાર ઉભેલા વિશાળ પહાડોનું દ્રશ્ય સાચે જ આંખોને ખૂબ રમણીય લાગે છે. વિવિધ રંગો મનુષ્યના માનસિક સ્વાસ્થ્યને કેટલું પ્રફુલ્લિત કરી દે છે તે વિષે મેં વાંચેલું હતું પણ અહીં મને તેનો પ્રત્યક્ષ અનુભવ થયો. લવાસા સિટી ભલે ઈટાલીના કોઈ શહેર પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું હોય, પણ તેનું રંગીન અમલીકરણ ખરેખર લાજવાબ છે. મોટા શહેરો હોય કે નાના ગામો, લવાસા પાસેથી દરેકે વિવિધ રંગોનો શક્ય એટલો ઉપયોગ કરીને પોતાના શહેરને સજાવવાની પ્રેરણા લેવા જેવી છે.
.