ભારતમાં દરેક ઋતુની જેમ ચોમાસાનું પણ આગવું મહત્વ છે. જો કે ઘણાં લોકો વરસાદને કારણે પ્રવાસ કરવાનું ટાળતા હોય છે અને ઘરમાં જ બેસીને વર્ષઋતુની મજા માણે છે. પરંતુ ચોમાસામાં દેશના કેટલાક પ્રદેશોની આગવી છટા જોવાલાયક હોય છે.
ભારતમાં મોનસુન ટૂરિઝમનો વિચાર પણ ઘણાં સમયથી ચાલ્યો છે. તો હવે તમારો નો રેઇન એટીટ્યુડને બદલો અને બિસ્ત્રા-પોટલા બાંધીને નીકળી પડો ભારતના વિવિધ પ્રદેશોનો અનુભવ લેવા. તો ચોમાસાને ધ્યાનમાં રાખીને અમે કેટલાક ટૂરિસ્ટ પ્લેસિસ તમને જણાવીશું જ્યાં તમારે અવશ્ય જવું જ જોઇએ.
1. સિયાંગ નદી મહોત્સવ, અરૂણાચલ પ્રદેશ
સિયાંગ નદી મહોત્સવ 3 દિવસનો હોય છે. જે અરૂણાચલ પ્રદેશના જુદાજુદા હિસ્સામાં મનાવવામાં આવે છે. પહેલા આ તહેવાર તેજૂમાં બ્રહ્મપુત્ર દર્શન ઉત્સવના નામથી મનાવવામાં આવતો હતો. આ તહેવારનું આયોજનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
તહેવાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક નૃત્ય, લોક સંગીત પ્રદર્શન, પેરાગ્લાઇડિંગ અને અન્ય સાહસિક રમતો, જુદાજુદા પ્રદર્શનો અને રસપ્રદ રમતો છે. આ ઉત્સવનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ ભારતીય અને વિદેશી પર્યટકોને આકર્ષિત કરવાનો છે.
2. પુરુષવાડીનો આગિયા મહોત્સવ, મહારાષ્ટ્ર (Fireflies festival at Purushwadi)
આજકાળ બાળકો આગિયા એટલે કે જુગનૂઓને ફક્ત પુસ્તકોમાં જ વાંચે છે કે પછી કહાનીઓમાં સાંભળે છે. કારણ કે તેને જોવા હવે એટલું સહેલું નથી રહ્યું. શહેરમાં તો આગિયા જોવા જ નથી મળતા. એટલે શહેરના બાળકોને તો આગિયાઓ વિશે કંઇ ખાસ ખબર નથી. પરંતુ જો તમે આગિયાઓને જોવા માંગો છો તો મહારાષ્ટ્રના આ ગામમાં જાઓ. આ ગામ કોઇ પરીઓના દેશ જેવો લાગે છે. અહીં લાખોની સંખ્યામાં આગિયા જોઇ શકાય છે.
મહારાષ્ટ્રના અહમદનગરના પુરુષવાડી ગામમાં જુગનૂઓને જોવા માટે મેળો પણ લાગે છે. આ મેળો જૂન-જુલાઇમાં લાગે છે. આ ગામ મુંબઇથી 220 કિલોમીટર દૂર છે. અહીં લાખો આગિયા રાતમાં ભેગા થાય છે અને ગામને પોતાના અજવાળાથી પ્રકાશિત કરી દે છે. ગ્રોસરુટ્સ નામની સંસ્થા આ મેળાની જવાબદારી લે છે. આગિયાઓની સાથે સાથે તમે આ ગામમાં સરોવરો અને ખીણોના સુંદર દ્રશ્યો જોઇ શકો છો. આ મેળામાં ટેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તમે ગામમાં કોઇના ઘરમાં પણ રોકાઇ શકો છો. પ્રવાસીઓ માટે ખાવાનું પણ ગામની મહિલાઓ જ બનાવે છે.
3. માંડુના વોટર પ્લેસિસ, મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં આવેલું માંડુ 15મી શતાબ્દીનું શહેર છે. આ ઐતિહાસિક સામ્રાજ્ય 20 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. અને તમને અહીં અફઘાન વાસ્તુકળાનો પરિચય થશે. અહીં જહાજ મહેલ, અશરફી મહેલ, જામા મસ્જિદ, રીવા કુંડ, રાણી રૂપમતી મંડપ, હિંડોળા મહેલ અને બાજ બહાદુર મહેલ જેવી સંરચનાઓ આવેલી છે. આ બધી સંરચનાઓ અદ્વિતીય છે. પાણી તેમની ડિઝાઇનું એક અભિન્ન અંગ છે. આ સિવાય નાના જંગલો, ખેતરો અને સરોવરોતી ભરેલી જગ્યા છે. તે ચોમાસામાં પોતાના અસલી રૂપમાં જોવા મળે છે. કારણ કે માંડૂમાં વરસાદી સીઝનમાં નદી-નાળા છલકાઇ જાય છે ત્યારે આ હેરિટેજ પ્લેસિસની આસપાસ લીલીછમ હરિયાળીને કારણે મનમોહક દ્રશ્યો જોવા મળે છે.
4. રાણીનો નેકલેસ એટલે મરીન ડ્રાઇવનો સૂર્યાસ્ત, મુંબઇ
કોઇ મુંબઇવાસીને પૂછે કે તે પોતાની સાંજ ક્યાં પસાર કરવા માંગે છે તો તેના મોંએ પહલું નામ આવશે 'મરીન ડ્રાઇવ' સમુદ્રનો કિનારો, રસ્તા પર લાઇટોની હારમાળા, ગગનચુંબી ઇમારતો, એક બાજુ દરિયો અને બીજી બાજુ શહેર. આ જ છે મુંબઇના નરિમાન પોઇન્ટની સુંદરતા, જે દરેકને પોતાની બાજુ આકર્ષિત કરે છે. એટલું જ નહીં, જ્યારે સાંજના સમયે તેની સ્ટ્રીટ લાઇટો ચાલુ થાય છે ત્યારે આ આખો વિસ્તાર રાણીના ગળાની નેકલેસ જેવો દેખાય છે. કદાચ એટલા માટે જ આને ક્વીન નેકલેસ નામ આપવામાં આવ્યું છે.
મુંબઇની ગિરગાંવ ચોપાટીથી નરીમાન પોઇન્ટ સુધીના રસ્તાને મરીન ડ્રાઇવ નામથી ઓળખવામાં આવે છે. શહેર અને સાગર વચ્ચે નાની દિવાલ બનાવવાનું કામ આજથી 100 વર્ષ પહેલાં બ્રિટિશ કાળ દરમિયાન શરૂ થયું હતું. આને બનાવવામાં 5 વર્ષ લાગી ગયા અને તે વર્ષ 1920માં પૂર્ણ થયું. પરંતુ તમને કદાચ એ ખબર નહીં હોય કે જ્યારે આની શરૂઆત થઇ ત્યારે આને એક (Faulty Project) ગણવામાં આવ્યો હતો. પરંતુ નિર્માણના 72 વર્ષ સુધી ક્યારેય તેને રિપેરિંગની જરૂર નથી પડી. ચોમાસામાં દરિયાની ઉછળતી લહેરો વચ્ચે મરીન ડ્રાઇવ પર વોકિંગ કરવાનો આનંદ કંઇક અનેરો છે.
5. આશ્ચર્યથી ભરેલું ગામ ચેરાપૂજી, મેઘાલય
ચેરાપૂંજી મેઘાલયમાં પૂર્વના ખાસી હિલ્સ જિલ્લાનું એક ઉપ વિભાગીય શહેર છે. ચેરાપૂંજીને સોહરાના નામે પણ ઓળખવામાં આવે છે. ચેરાપૂંજીના નામે કોઇ એક વર્ષમાં સૌથી વધુ વરસાદ પડવાનો વિશ્વ વિક્રમ છે. ચેરાપૂંજી અને તેની આસપાસ રહેનારા સ્થાનિક લોકોને ખાસીના નામથી ઓળખવામાં આવે છે. આ ક્ષેત્રમાં મિસ્ટી ખીણો અને ઝરણાં ચેરાપૂંજીના માધ્યમથી એક લાંબી ડ્રાઇવ બનાવે છે જે રોડ યાત્રાઓ માટે આદર્શ સ્થાન છે. ચેરાપૂંજીમાં ઉત્તર ભારતીય, બંગાળી, પંજાબી, દક્ષિણ ભારતીય અને ચાઇનીઝ વ્યંજનોની સાથે-સાથે થોડા અનોખા ખાસી સંસ્કરણો સહિત અનેક પ્રકારના ભોજનના વિકલ્પ મળે છે.
ચેરાપૂંજીમાં ભારતનો સૌથી મોટો વોટર ફોલ્સ નોહકલિકાઇ વોટર ફોલ્સ છે. જેની ઉંચાઇ 340 મીટર છે. આ વોટરફોલ્સ દેશના સૌથી સુંદર ઝરણાંઓ પૈકીનો એક છે. આ ઉપરાંત અહીં મોસમાઇ ગુફા, ઇકો પાર્ક, નોહશંગથિયાંગ ફોલ્સ, માવલિનોંગ વિલેજ, ડબલ ડેકર લિવિંગ રૂટ વિલેજ, ડેન્થલેન વોટરફોલ્સ વગેરે જોવા લાયક છે.
6. દૂધસાગર વોટરફોલ્સ, ગોવા
દૂધસાગર જળધોધને સી ઑફ મિલ્ક પણ કહીએતો કદાચ અતિશયોક્તિ નહીં ગણાય. ગોવાનો આ વૉટર ફોલ્સ માંડોવી નદી પર સ્થિત છે. લગભગ 310 મીટર ઊંચાઇથી નીચે પડતું આ ઝરણું જોઇને એવું લાગે છે કે ફૉલ્સમાં પાણીના બદલે દૂધની ધારા વહેતી હોય. કદાચ એટલે જે આ ફૉલ્સને સી ઑફ મિલ્ક કહેતા હશે. દૂધ સાગર વોટર ફૉલ્સને સફેદ ઝરણું પમ કહેવાય છે. ઉંચાઇ પરથી પડતું પાણી એક ચમક ઉત્પન્ન કરે છે.
દૂધસાગર વોટર ફૉલ્સ પ્રવાસીઓને પળપળના રોમાંચનો અહેસાસ કરાવે છે. આ વોટર ફૉલ્સની શોધ 1850ના દશકમાં એન્ટોનિયો લોપે મેડેસે કરી હતી. ખાસ વાત એ છે કે આ ઝરણાંની નજીકથી રેલવે પસાર થાય છે. જેથી રેલવે યાત્રી પણ આ ખાસ વોટર ફોલ્સનો ભરપૂર આનંદ માણે છે.
ચોમાસામાં આ જગ્યાની મુલાકાત આનંદદાયક હોય છે. કારણ કે વરસાદના મોસમમાં અહીંનું વાતાવરણ ઘણું જ ખુશનુમા થઇ જાય છે. આ ચાર સ્તરોવાળો વોટર ફોલ્સ છે. દૂધસાગર વૉટર ફૉલ્સ ભગવાન મહાવીર અભ્યારણ્ય તેમજ મોલ્લેમ રાષ્ટ્રીય ઉદ્યાનની મધ્યમાં સ્થિત છે. આ ફોલ્સ ચારેબાજુ જંગલથી ઘેરાયેલો છે. દૂધસાગર જળધોધ ગોવા અને કર્ણાટકની બોર્ડર પર છે. જે પણજીથી 60 કિ.મી. દૂર છે. અહીં જવા માટે પ્રાઇવેટ ટેક્સીના (4 સીટર) 3000થી 4500 રૂપિયા થશે. વોટરફોલ નજીક પ્રાઇવેટ પાર્કિંગમાં વાહનો પાર્ક કરી ફોરેસ્ટ ખાતાની જીપમાં જંગલમાં લઇ જશે. જેના અલગથી 400 રૂપિયા આપવા પડે છે. વોટરફોલમાં ન્હાવામાં સાવધાની રાખવી કારણ કે ચીકણાં પથરા છે અને પાણીમાં માછલીઓ પણ છે. વોટર ફોલની જગ્યા સાંકડી છે. ચેન્નઇ એક્સપ્રેસનું શૂટિંગ અહીં થયું હતું.
7. અગુમ્બેના જંગલો, કર્ણાટક
અગુમ્બે કર્ણાટકનું એક સુંદર શહેર છે, જ્યાં જવાના ઘણાં કારણો છે. આ શહેર લીલુંછમ અને શાંત છે, જે ઘણું રિફ્રેશિંગ લાગે છે. જો તમને કર્ણાટક પસંદ છે તો તમારે અગુમ્બે પણ જરૂર જવું જોઇએ. અહીં આખુ વર્ષ ભારે વરસાદ થાય છે. એટલા માટે આને દક્ષિણનું ચેરાપૂંજી પણ કહેવાય છે. મૉનસુનના મહિનાઓ એટલે કે જુલાઇથી સપ્ટેમ્બરને બાદ કરીએ તો તમે અહીં કોઇ પણ સમયે આવી શકો છો. તમે કદાચ જાણતા હશો કે આર.કે.નારાયણની ટીવી સીરીઝ 'માલગુડી ડેઝ'નું શૂટીંગ આ જ ગામમાં થયું હતું.
અગુમ્બે સ્થિત સૂર્યાસ્ત પોઇન્ટ ઘણી ખાસ જગ્યા માનવામાં આવે છે. આ પૉઇન્ટ ફક્ત અગુમ્બેનો જ નહીં પરંતુ તેની ગણતરી આખી દુનિયામાં ખાસ સૂર્યાસ્ત પૉઇન્ટ તરીકે થાય છે. જો તમારે બેસ્ટ સનસેટ વ્યૂ પૉઇન્ટને સામેલ કરવામાં આવે તો અગુમ્બેનો ચોક્કસ સમાવેશ થાય. પશ્ચિમી ઘાટોની ઉચ્ચત્તમ શિખરોમાં વસેલુ આ એક સ્થાન અરબ સાગરમાં સૂર્યાસ્તના અદ્ભૂત દ્રશ્યોને જોવાની તક આપે છે.
સૂર્યના રંગમાં ઘોળીને સાગર અદ્ભૂત સુંદરતાનું આવરણ ઓઢી લે છે. નિશ્ચિત રીતે આ દ્રશ્યોને જોવા એક શાનદાર અનુભવ હશે. આ પૉઇન્ટ અગુમ્બે ગામથી 10 મિનિટ પગપાળા ચાલીને જઇ શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો