ભારત દેશનાં કેન્દ્ર સ્થાને આવેલું એક રાજ્ય જેના વિષે બહુ ઓછા લોકો જાણે છે, અથવા જાણવા પ્રયત્ન કરે છે. ઘણી નવાઈની વાત છે, નહિ? ભૂતકાળ તેમજ વર્તમાનમાં જે પ્રદેશ ભારત માટે ઘણો જ અગત્યનો રહ્યો છે તે વિષે થોડી જાણકારી તો આપણને સૌને હોવી જ રહી!
વળી, એ પ્રદેશ જ્યારે આપણા પાડોશમાં જ આવેલો હોય તો પછી તેને એક્સપ્લોર પણ કરવો જ જોઈએ ને!
- ભારતનું હ્રદય , હાર્ટ ઓફ ઈન્ડિયા
પુરાતન કાલથી લઈને આજ સુધી ભારતનાં દરેક વિસ્તારોના નામમાં જે તે પ્રદેશના શાસકના કહ્યા મુજબ ફેરફારો થતાં રહ્યા. પરંતુ પ્રાચીન ભારતવર્ષથી લઈને આજે 2021 સુધી જે નામમાં કોઈ જ ફેરફાર ન થયો તે છે મધ્ય પ્રદેશ. અખંડ ભારતનો પણ મધ્ય ભાગ, અને 1947 પછી સ્વતંત્ર ભારતનો પણ. આખા દેશની બરોબર વચ્ચે આવેલા આ રાજ્યને ખરા અર્થમાં જ ભારતનું હ્રદય કહેવામાં આવે છે. મધ્ય પ્રદેશ ટૂરિઝમે પોતાની બહુ જ સચોટ ટેગલાઇન રાખી હતી: હિન્દુસ્તાન કા દિલ દેખો!
- ઈન્દોર
અમુક વર્ષો પહેલા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા ‘સ્વચ્છ ભારત’ મિશનથી દેશભરમાં મધ્ય પ્રદેશનું એક વિકસિત છતાં નાનકડું શહેર લાઇમલાઇટમાં આવી ગયું. એ શહેર એટલે ઇન્દોર. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી પ્રથમ સ્થાન મેળવવું એ ધાર્યા કરતાં ઘણી મોટી સિદ્ધિ છે! મધ્ય પ્રદેશ રાજ્ય આ કારણે ઇન્દોર પર ગૌરવ લઈ શકે છે.
- ઉજ્જૈન
ભારતમાં કોઈ પણ રાજ્યમાં આવેલા કોઈ જ્યોતિર્લિંગનું અનેરું મહત્વ જ હોવાનું. ઉજ્જૈનમાં મહાદેવ મહાકાળ સ્વરૂપે પૂજાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા માટે મધ્ય પ્રદેશની મુલાકાત લે છે.
- ખજુરાહો
મધ્ય પ્રદેશનું સૌથી શ્રેષ્ઠ પર્યટન સ્થળ એટલે ખજુરાહોના મંદિરો. નિઃશંકપણે!
મૌર્ય વંશથી માંડીને અનેક રાજવીઓ, ત્યાર પછી અમુક મુઘલ અને છેલ્લે અંગ્રેજ શાસકોએ આ પ્રદેશ પર રાજ કર્યું. પણ આ વિસ્તાર એટલે કે મધ્ય પ્રદેશનું સર્વ શ્રેષ્ઠ બાંધકામ ગુપ્તા વંશના સમયમાં બંધાયેલા ખજુરાહોના મંદિરો જ રહ્યા છે. વિશાળ પરિસરમાં ઉભેલા અદભૂત મંદિરો જોવાનો રોમાંચ કઈક અનેરો જ છે.
- નર્મદાનું ઘર
આ સૌથી મુખ્ય કારણ છે કે દરેક ગુજરાતીઓ માટે મધ્ય પ્રદેશ હંમેશા ખાસ રહેવાનું. પશ્ચિમ તેમજ મધ્ય ભારતની સૌથી મોટી અને મહત્વની નદી નર્મદા મધ્ય પ્રદેશના અમરકંટક પર્વતમાંથી નીકળે છે. વળી, આ નદીને પ્રતાપે મધ્ય પ્રદેશ રાજ્યમાં પુષ્કળ આકર્ષક અને શાનદાર પર્યટન સ્થળો વિકસ્યા છે.
આ ઉપરાંત, ભોપાલ તેમજ ગ્વાલિયર જેવા શહેરો પણ મધ્ય પ્રદેશના મહત્વના શહેરો છે.
નર્મદાના જન્મ સ્થળની એક વાર ચોક્કસ મુલાકાત લેવા જેવી છે!