કડિયા ધ્રો: ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવનાર પર્યટન સ્થળ

Tripoto

ભારત દેશના સૌથી પશ્ચિમ છેડે આવેલું કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. જ્યાં મોટા ભાગનો વિસ્તાર રેગિસ્તાન છે એવા કચ્છ જિલ્લામાં અનેક પર્યટન સ્થળો આવેલા છે. પોતાની આગવી ભાષા, અનોખી સંસ્કૃતિ, અનેરી ભૌગોલિક સ્થિતિ ધરાવતું કચ્છ ખરેખર ગુજરાતનું એક નિરાળું ઘરેણું છે.

ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને ઊંચો લાવવામાં કચ્છ જિલ્લાનું યોગદાન ઘણું મોટું છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. રણોત્સવ તો વળી આખી દુનિયામાં વખણાય છે. પણ જો તમે એવું માનતા હોવ કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર કચ્છનું એકમાત્ર પર્યટન સ્થળ રણોત્સવ છે, તો તમે ભૂલ કરી રહ્યા છો. તાજેતરમાં જ અહીંનું વધુ એક સ્થળ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધમાં લેવામાં આવ્યું છે. તે સ્થળ એટલે નખત્રાણા તાલુકામાં આવેલું કડિયા ધ્રો.

કેવી રીતે લાઇમલાઇટમાં આવ્યું કડિયા ધ્રો?

ન્યુયોર્ક ટાઈમ્સ એ વૈશ્વિક સ્તરે ખૂબ જ મહત્વનું અખબાર છે જે દર વર્ષે આખી દુનિયામાં આવેલા 52 જોવાલાયક સ્થળોની યાદી આપે છે. વર્ષ માં આ યાદીમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ પર્યટન સ્થળ કડિયા ધ્રોને સ્થાન મળ્યું. ફરવાના શોખીન એવા ગુજરાતીઓ માટે આ સ્થળ ખાસ જાણીતું નહોતું અને અમેરિકાથી પ્રકાશિત થતાં અખબારે આ સ્થળ ધ્યાનમાં લીધું એટલે અચાનક તે લાઇમલાઇટમાં આવી ગયું.

વિશ્વના 52 ફરવાલાયક સ્થળોની યાદી તૈયાર કરવા માટે ન્યુયોર્ક ટાઈમ્સને 2000 કરતાં વધુ એન્ટ્રી મળી હતી જેમાં ભારતના જ લદ્દાખ અને નંદાદેવી પર્વત પણ સામેલ છે. પણ આ બધા ને મ્હાત આપીને કચ્છના કડિયા ધ્રોએ આ યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું. એટલું જ નહિ, વિશ્વપ્રસિધ્ધ અખબારના પહેલા પાને ચમક્યું!

ફોટોગ્રાફરનું યોગદાન:

અમેરિકાના વિશ્વ પ્રસિધ્ધ અખબારે ગુજરાતના એક એવા સ્થળની નોંધ લીધી જેના વિષે ભાગ્યે જ કોઈ ગુજરાતીઓ જાણતા હતા. આ વાતનો બધો જ શ્રેય વરુણ સચદે નામના ટ્રાવેલ ફોટોગ્રાફરને આપવો ઘટે. હજારો વર્ષ જૂની આ જગ્યાએ ભાગ્યે જ કોઈ જતું હતું, એવામાં આ ટ્રાવેલ ફોટોગ્રાફરે આ સ્થળની મુલાકાત લીધી, અહીંના ફોટોઝ ક્લિક કર્યા અને તેને અમેરિકા સુધી પહોંચાડ્યા.

કડિયા ધ્રોની વિશેષતા:

કડિયા ધ્રો એક કુદરતી સંરચના છે. ભોએડ નદી તેમજ અન્ય સહાયક નદીઓ મળીને એક વિશાળ જળાશય રચે છે જે પુષ્કળ પથ્થરોવાળા વિસ્તારમાંથી પસાર થાય છે. પાણીના વહેણને હવાની લપડાક લગવાને કારણે લાખો વર્ષોમાં પથ્થરો પર કોટરોનું નિર્માણ થયું છે. કુદરતી રીતે નિર્માણ પામેલી આ જગ્યા એટલી બધી મનોરમ્ય છે કે એવું જ લાગે જાણે કોઈ જગવિખ્યાત શિલ્પીએ કોતરી હોય.

કહેવાય છે કે કડિયા ધ્રો અમેરિકામાં આવેલા ગ્રાન્ડ કેનિયન નેશનલ પાર્કની કુદરતી પ્રતિકૃતિ છે.

કુદરતની કલા કારીગરીનું કડિયા ધ્રો એક બેનમૂન ઉદાહરણ છે. અહીં આસપાસ સર્જાયેલી રંગબેરંગી કોતરો, ખળખળ વહેતું પાણી ગજબની શાંતિનો અનુભવ કરાવે છે. નાના-મોટા તળાવ અને ચોમેર હરિયાળી આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

મુલાકાત માટે બેસ્ટ સમય: કચ્છ રણ પ્રદેશનો વિસ્તાર હોવાથી અહીં શિયાળામાં ખૂબ વધુ માત્રામાં ઠંડી અને ઉનાળામાં ખૂબ વધુ માત્રામાં ગરમી પડે છે. તેથી ઓકટોબરથી ફેબ્રુઆરીનો સમય બેસ્ટ છે. વળી, ચોમાસા બાદ પાણીનો પ્રવાહ વહેતો હોય તે પણ ખૂબ રમણીય દ્રશ્યો સર્જે છે.

કેવી રીતે પહોંચવું:

વિમાનમાર્ગે: ભૂજ સૌથી નજીકનું હવાઈમથક છે પણ દેશ-વિદેશની ફ્લાઇટ્સની સૌથી વધુ કનેક્ટિવિટી અમદાવાદની હોય છે.

રેલવેમાર્ગે: ભૂજ સૌથી નજીકનું અને સૌથી વધુ કનેક્ટિવિટી ધરાવતું રેલવે સ્ટેશન છે.

વાહનમાર્ગે: ભૂજથી કડિયા ધ્રો વચ્ચેનું અંતર માત્ર 30 કિમી છે જે માટે સરકારી-ખાનગી બસો તેમજ પ્રાઇવેટ ટેક્સી મળી રહે છે.

ધ્યાનમાં રાખવા જેવું:

કડિયા ધ્રો સુધી પહોંચવાનો રસ્તો એક કાચી સડક છે એટલે અહીં માત્ર ટૂ વ્હીલર્સ જ આવી શકે છે. જો તમે ફોર વ્હીલરમાં આવો તો મુખ્ય સ્થાનથી 2 કિમી દૂર કાર પાર્ક કરીને ચાલતા કડિયા ધ્રો સુધી પહોંચી શકાય છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads