ટ્રાવેલર્સ બધા જ સાવ નોખી માટીના જીવ હોય છે. ટુરિસ્ટ નહિ, ટ્રાવેલર! જે કોઈ પણ લકઝરી વિના, કોઈ પણ સારી- ખરાબ પરિસ્થિતિમાં એક સમાન ઉત્સાહ અને સ્ફૂર્તિ સાથે પ્રવાસ કરી શકે છે. દેશ અને દુનિયામાં રહેલા આવા હજારો ટ્રાવેલર્સ પૈકી કોઈ પણ ટ્રાવેલર હોય તેની વાતો સાંભળવાની ખૂબ મજા આવે. તો વળી જ્યારે આપણા ગુજરાત પાસે જ જો કઈક અનેરા અને સાહસિક હોય તેના પર ધ્યાન ન અપાય તેવું ક્યાંથી ચાલે!? એ તો કાંખમાં છોરું ને ગામમાં ગોત્યું જેવી વાત થાય!
હવે, આ વાત છે જામનગરમાં ફોટોગ્રાફી વ્યવસાય કરતાં ગોવિંદભાઇ નંદણિયાની. તમને થશે કે ટ્રાવેલિંગમાં તો જુવાનિયાઓનો ઇજારો છે, આ ભાઈએ શું વિશેષ કામ કર્યું હશે? તો મિત્રો આ ગોવિંદભાઇ અત્યારે એવો પ્રવાસ કરી રહ્યા છે જે ભલભલા જુવાનજોધ ટ્રાવેલરને પણ શરમાવે!
46 વર્ષના ગોવિંદભાઇ આશરે પચાસેક દિવસથી પોતાના વતન જામનગરથી સાઇકલ લઈને ચારધામ યાત્રા કરવા નીકળ્યા છે. અને તેમની વાતો, તેમના અનુભવો, તેમના વિચારો એ બધું જ તેમના આ પ્રવાસ જેટલું જ અદભૂત છે.
કોવિડ મહામારીના વિકટ સમય દરમિયાન જ્યારે અનેક વેપારીઓની આવક બંધ હતી તે સમયગાળામાં ગોવિંદભાઇએ પોતાના સંતાનોને વાહનનો ઉપયોગ ઓછો કરીને સ્થાનિક આવ-જા માટે સાઇકલનો ઉપયોગ કરવા સૂચન કર્યું. તેમના આ સૂચન સામે જુવાનીના ઉંબરે આવીને ઉભેલા મોટા પુત્રએ જવાબ આપ્યો કે સાઇકલ લઈને બહાર જતાં શરમ આવે છે. ગોવિંદભાઇએ એ સમયે તો કોઈ પગલું ન લીધું પણ ‘સાઇકલ ચલાવવી એ સહેજ પણ શરમજનક કામ નથી’ એવો આત્મ-સંતોષ મેળવવા વર્ષ 2022ના ચોમાસામાં તેમણે એક રસપ્રદ નિર્ણય લીધો: સાઇકલ પર ચારધામ યાત્રા કરવાનો!
ગોવિંદભાઇની યાત્રા વિશે વિગતે જુઓ: GGA Rider
27 ઓગસ્ટ 2022ના રોજ કોઈ પણ પ્રેક્ટિસ વગર તેમણે આ પ્રવાસની શરૂઆત કરી. શાળા સમયે સાઇકલ ફેરવી હતી, ત્યાર બાદ 20-22 વર્ષના અંતરાલ બાદ તેમણે પહેલી વાર સાઇકલ ચલાવી. આ પવિત્ર યાત્રાના શ્રી ગણેશ કર્યા જામનગરથી દ્વારકા સુધી સાઇકલ સવારી કરીને. સાઇકલ ચલાવવામાં પગને ઘણું જોર પડે છે પણ દ્વારકાધીશના દર્શન કરીને સાંજે સૂઈ ગયા સુધી ગોવિંદભાઇને ખાસ અનુભવ ન થયો. બીજે દિવસે સવારે પગમાં અસહ્ય પીડા સાથે દિવસની શરૂઆત થઈ. હજુ તેઓ પોતાના વતનની આસપાસના જ વિસ્તારમાં હતા એટલે પરિચિતોનો સંપર્ક કર્યો અને ક્યાંય સુધી ગરમ પાણીથી સ્નાન કર્યું. પગમાં થોડી રાહત થતાં જ તેઓ જામનગર પાછા ફર્યા.
સામાન્ય રીતે આવા સંજોગોમાં કોઈ નિરાશ થઈને હાર માની લે, પણ ગોવિંદભાઇએ તો દ્વારકાધીશ પાસે સાઇકલ સવારી કરીને મહાદેવના દર્શન કરી શકે તેવી જ પ્રાર્થના કરી હતી. જામનગરથી ધ્રાંગધ્રા, મોઢેરા, પાલનપુર, આબુ રોડ થઈને તેમણે રાજસ્થાનમાં પ્રવેશ કર્યો. રાજસ્થાનમાં તેઓ વિવિધ નાના મોટા ગામ- નગરમાંથી પસાર થતાં જયપુર થઈને હરિયાણા પહોંચ્યા. ત્યાં રોહતક, મુઝફફરપુર જેવા શહેરોમાંથી પોતાની યાત્રા આગળ વધારતા તેઓ આખરે હરદ્વાર પહોંચ્યા. ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાં સેંકડો ગામડાઓમાંથી તેઓ પસાર થયા. મુઝફફરપુર સિવાય આ ત્રણેય રાજ્યોમાં ક્યાંય શાકાહારી ભોજન શોધવાની સમસ્યા ન નડી.
હરદ્વારમાં બે-ત્રણ દિવસના રોકાણ બાદ ઋષિકેશથી આગળ ચઢાણ સાથે ચારધામની મુખ્ય યાત્રાનો પ્રારંભ થયો. સૌથી પહેલા તેઓએ ગંગોત્રી, યમુનોત્રી, ત્યાર બાદ કેદારનાથ મંદિરના દર્શન કર્યા અને આ લખાઈ રહ્યું છે ત્યારે (17.10.22) જોષીમઠથી બદ્રીનાથ તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. ગંગોત્રી બાદ તેઓ ગોમુખ પણ જવા ઇચ્છતા હતા પણ રસ્તામાં સાઇકલ ખરાબ થઈ જવાથી અને આગળ નજીકમાં ક્યાંય કોઈ મિકેનિક ન હોવાથી તેઓ ગોમુખ ન જઈ શક્યા. રસ્તામાં મળતા અનેક પ્રવાસીઓએ તેમને લિફ્ટ ઓફર કરી પરંતુ સિદ્ધાંતવાદી ગોવિંદભાઇએ સૌને નમ્રતાપૂર્વક ના પાડી કેમકે તેઓ માને છે કે આખી યાત્રા સાઇકલ પર કરી છે તો પછી એક જગ્યા માટે વાહનની મદદ ન લેવી જોઈએ. તેમણે ગંગા માતાને નમન કરીને વચન આપ્યું છે કે તેઓ ફરીથી પોતાની રીતે ગોમુખ સુધી જરૂર આવશે.
ગંગોત્રી અને યમુનોત્રીના રસ્તામાં ઘણું ચઢાણ છે. ક્યારેક તેમની પાસે પાણી પૂરું થઈ જતું ત્યારે યાત્રા આગળ વધારવી મુશ્કેલ થઈ જતી. પણ ઈશ્વર કૃપાથી કોઈને કોઈ સહયાત્રી તેમને મદદ કરી જ દેતા. આ બંને સ્થળની સરખામણીએ કેદારનાથ યાત્રા વિકટ તો છે જ પણ અહીં રસ્તામાં થોડા થોડા અંતરે મેડિકલ કેમ્પ, ખાવા-પીવાની વસ્તુઓ પૂરી પાડતા અઢળક સ્ટોલ્સ આવેલા છે તેથી આવી કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી.
કેદારનાથની મુલાકાત દરમિયાન ગોવિંદભાઇએ એક ખાસ વાત અનુભવી હતી અને તેઓ પોતાને મળતા દરેક લોકોને ખાસ આ વાતનો અનુરોધ કરે છે: ઘોડા કે ખચ્ચર પર બેસીને કેદારનાથ ધામ (કે અન્ય કોઈ પણ યાત્રા ધામ)ના દર્શન કરવા કરતાં આ જગ્યાની મુલાકાત ન લેવાથી ભગવાન વધુ પુણ્ય આપશે. આ પ્રાણીઓને તેમના માલિકો એટલી દયનીય સ્થિતિમાં રાખે છે કે તેમના પર બેસીને યાત્રા કરવી એ પાપમાં પડવા સમાન ગણાશે. ઘણા માણસો પણ કાવડમાં બેસાડીને યાત્રા કરાવે છે પણ તેઓ જ્યારે થાકે અથવા તેમને ભૂખ-તરસ લાગે તો તેઓ થોડો વિરામ લઈ શકે છે. મૂંગા પ્રાણી પોતાની પીડા વ્યક્ત કરી શકતા નથી તેથી આપણી યાત્રા તેમના માટે અત્યાચાર સાબિત થાય છે. ગોવિંદભાઇએ આ વાત કેદારનાથમાં ‘કૅમ્પલેન બોક્સ’માં પણ લખી હતી.
જામનગરથી કેદારનાથના આખા રસ્તા દરમિયાન તેમની સાઇકલ પર Jamnagar (Gujarat) to Kedarnath > GGA Rider (તેમની YouTube ચેનલનું નામ) લખેલું હોવાથી ઘણા લોકો બહુ અહોભાવથી તેમને આવકારતા, સામેથી કેટલુંય ખાવા-પીવાનું આપતા. કેટલાય લોકો આર્થિક સહાય કરવા આગ્રહ કરે છે. ગોવિંદભાઇ બને ત્યાં સુધી તેઓ ના પાડે જ છે પણ છતાંય કોઈ પ્રેમભર્યો હઠાગ્રહ કરે તો તેમની રકમ સ્વીકારી લે છે અને આગળ આવતા કોઈ પણ મંદિરમાં દાનપેટીમાં મૂકી દે છે. હજુ પણ તેમની યાત્રા ચાલુ જ છે અને ભારતના વિવિધ પ્રાંતના લોકો તરફથી મળતો પ્રેમનો પ્રવાહ પણ અવિરત છે. પરંતુ ગોવિંદભાઇનો એક સિદ્ધાંત છે કે જીવનમાં ક્યારેય મફતનું ભોજન ન કરવું, એટલે લોકોના અત્યંત આગ્રહ છતાં તેઓ દરેક જગ્યાએ શુકનની કોઈ નાની-મોટી રકમ ચૂકવી દે છે. અરે! સંપૂર્ણ રસોઈના જાણકાર ગોવિંદભાઇએ ક્યાંક ભરેલા રીંગણ તો ક્યાંક ભીંડી મસાલા બનાવીને પરપ્રાંતીય લોકોને ગુજરાતી ભોજનનો સ્વાદ ચખાડ્યો હતો. ગોવિંદભાઇ ક્યારેય ચા નથી પીતા, ચારધામમાં ઠેર ઠેર મેગી મળે છે પણ તેઓ મેગી આરોગવા કરતાં બિસ્કિટના પેકેટ્સ કે સફરજન ખાઈને યાત્રા કરવાનું પસંદ કરે છે.
નવયુવાન ટ્રાવેલર્સને ગોવિંદભાઈ માત્ર એક જ સલાહ આપે છે કે તમે જીવનમાં ગમે તેટલું ભણો, ગમે તેટલું કમાઓ, પણ જો સત્કર્મો ન કરો તો બધું જ વ્યર્થ છે. જીવનમાં ધર્મ અને કર્મ બંનેનું હોવું જરૂરી જ નહિ, અનિવાર્ય છે.
બદ્રીનાથના દર્શન કર્યા બાદ ગોવિંદભાઇ હરદ્વાર પાછા ફરશે. ત્યાર બાદ થોડા દિવસોના રોકાણ બાદ જામનગર ભણી પ્રયાણ કરશે. મિત્રો અને પરિવારજનોનો ખૂબ આગ્રહ હશે તો હરદ્વારથી જામનગર કોઈ વાહનમાં પ્રવાસ કરશે પરંતુ જામનગરથી ચારધામની સફળતાપૂર્વક સાઇકલ યાત્રા કરી હોવાનો ગોવિંદભાઇને ગજબ સંતોષ, આનંદ અને ગર્વ છે...
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ