કોવિડ-૧૯ મહામારીને કારણે ૨૦૨૦નું વર્ષ લાખો લોકો માટે ઘણું જ કપરું સાબિત થયું. પ્રવાસપ્રેમીઓ માટે પણ. અમે બંને- એક નવપરિણિત યુગલ- પતિની એક મહિનાની ઓફિસ ટ્રેનિંગ માટે ૧૫ માર્ચ, ૨૦૨૦ના રોજ કર્ણાટકના શિમોગા શહેરમાં ગયા હતા.
૧૫ માર્ચે રવિવાર હોવાથી અહીંથી ૧૦ કિમી દૂર આવેલા કૂડલી ગામમાં, દક્ષિણના કાશી તરીકે ઓળખાતા, રામેશ્વરમ મંદિરની મુલાકાત લીધી. આ મંદિર તુંગ અને ભદ્ર નદીના સંગમ સ્થળે આવેલું ખૂબ જ જૂનું પણ અલૌકિક મંદિર છે. અહીં તુંગભદ્ર નદીની શરૂઆત થાય છે. કૂડલી રામેશ્વરમ મંદિરનું ૧૨મી સદીમાં નિર્માણ થયું હતું અને ‘દક્ષિણનાં કાશી’ તરીકે ઓળખાતું હોવાથી આ મંદિરનો અનેરો મહિમા છે. ચોતરફ ખુલ્લા આંગણા વચ્ચે ખડું આ પ્રાચીન મંદિર ખૂબ જ સોહામણું લાગે છે.
૧૫ માર્ચ બાદ આવતા દર રવિવારે ફરવાનું આયોજન કરેલું પણ પછીના જ રવિવારથી, એટલે કે ૨૨ માર્ચના રોજ જનતા-કર્ફ્યૂનાં એલાન સાથે દેશભરમાં લોકડાઉનની શરૂઆત થઈ. શિમોગા ખૂબ જ રમણીય શહેર છે. ભારતમાં ચેરપુંજી બાદ સૌથી વધુ વરસાદ પડતો હોય એવા અગુમ્બે શહેરમાં આવેલા શિમોગાનાં LIC ગેસ્ટહાઉસમાં અમે ૪ મહિના વિતાવ્યા. શિમોગા છોડતાં પહેલા અહીંથી માત્ર ૯૦ કિમી દૂર આવેલા પ્રખ્યાત જોગ ફોલ્સ જોવાની પ્રખર ઈચ્છા હતી જે અમે નીકળવાના ૪ દિવસ પહેલા જ પૂરી કરી. અલબત્ત, શિમોગા ગ્રીન ઝોનમાં આવેલું હોવાથી જ સ્તો!
માસ્ક પહેરીને, પૂરતા પ્રમાણમાં સેનેટાઈઝર લઈને અમારા એક દિવસના પિકનિકની શરૂઆત કરી. શિમોગાથી વહેલી સવારે ટેક્સી કરીને નીકળો તો સાંજ સુધીમાં જોગ ફોલ્સ અને મુરુડેશ્વર બંનેની નિરાંતે મુલાકાત લઈ શકાય છે.
જોગ ફોલ્સ
શિમોગાથી જોગ ફોલ્સ વચ્ચે કુલ ૯૦ કિમીનું અંતર છે. શહેરથી વહેલી સવારે નીકળીને ભરપૂર હરિયાળી વચ્ચે બનેલા રસ્તાઓ પર જોગ ફોલ્સ ભણી જઇ શકાય છે. શિમોગાથી જોગ ફોલ્સ જતા વચ્ચે, આશરે ૬૦ કિમી બાદ, સાગરા નામનું એક ગામ આવેલું છે જ્યાં અમે સવારનો નાસ્તો કર્યો. સવારે ૮.૩૦-૯.૦૦ આસપાસ અમે જોગ ફોલ્સ પહોંચ્યા. અદભૂત! આ ધોધ ભારતના સૌથી પ્રસિદ્ધ ધોધમાંનો એક છે. આ એક સિઝનલ ફોલ્સ હોવાથી અહીં વર્ષ દરમિયાન પાણીની માત્રામાં ફેરફાર થયા કરે છે. અમે ગયા ત્યારે ચોમાસાની ઘણી જ સારી શરૂઆત થઈ ચૂકી હતી એટલે પાણીનો પ્રવાહ ખૂબ વધુ તો નહોતો, પણ સાવ ઓછો પણ નહોતો. જોગ ફોલ્સની આસપાસ પર્યટકો આકર્ષવા માટે ઘણો જ વિકાસ કરવામાં આવ્યો છે. ફોટોઝ પાડવા માટે અહીં પુષ્કળ પ્રાકૃતિક બેકગ્રાઉન્ડવાળી જગ્યાઓ છે. અમે અહીં ૧.૫ કલાક જેટલું રોકાયા તેમ અમને વરસાદનો પણ લાભ મળ્યો.
દેશ હજુ પણ મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો એટલે માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા પર્યટકો હતા. અમે બંને જાણે કોઈ પ્રાઇવેટ ધોધ જોવા આવ્યા હોઈએ એવું લાગી રહ્યું હતું.
જોગ ફોલ્સથી મુરુડેશ્વર જતા રસ્તામાં એક ઇડાગુંજી નામના સ્થળે એક પ્રાચીન ગણપતિ મંદિર આવેલું છે. તે મંદિરની પણ અમે બહારથી મુલાકાત લીધી. કોવિડ-૧૯ ને કારણે મંદિરમાં અંદર પ્રવેશ વર્જિત હતો. આ મંદિર પણ ખૂબ જ સુંદર હતું. ત્યાં ફોટોગ્રાફીની મંજૂરી નહોતી એટલે અમે ત્યાંની બજારમાંથી જ ગણપતિની સુંદર મૂર્તિ ધરાવતા આ મંદિરની પ્રતિમાની તસવીર ખરીદી લીધી. ફરીથી અમે લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલા સુંદર રસ્તે આગળ વધ્યા. જોગ ફોલ્સથી મુરુડેશ્વર બીજા ૯૦ કિમી દૂર આવેલું છે.
મુરુડેશ્વર
દેશમાં બીજા ક્રમના સૌથી ઊંચા ગોપુરમ ધરાવતું મુરુડેશ્વર એક શિવ મંદિર છે અને તેની પૌરાણિક કથા રામાયણકાળ સાથે જોડાયેલી છે. રાવણને તેની સાધના થકી ઈશ્વરને પ્રસન્ન કરીને અમર બનવાનું વરદાન આપતું આત્મ લિંગ મેળવ્યું હતું. અહીં શરત એટલી જ હતી કે જો આ આત્મલિંગ જમીન પર મૂકવામાં આવે ત્યાર બાદ એ ત્યાંથી આગળ નથી વધી શકતું. ભગવાન ગણેશે બ્રાહ્મણનો વેશ ગ્રહણ કરી છળપૂર્વક રાવણને આ આત્મલિંગ જમીન પર મૂકવા ફરજ પાડી. ક્રોધે ભરાયેલા રાવણે આ લિંગ પર પ્રહાર કર્યો અને તેના વિખેરાયેલા ટુકડાઓ વિવિધ સ્થળોએ પડ્યા. આ લિંગ જે કાપડ વડે ઢંકાયેલું હતું તે હાલના કર્ણાટક રાજ્યના ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલા મુરુડેશ્વર ગામે પડ્યું. અને આમ આ મંદિર અસ્તિત્વમાં આવ્યું. આ વિશાળ મંદિરમાં રાવણ અને બ્રાહ્મણનો વેશધારી ગણેશની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે.
૯૦ નાં દાયકામાં આર. એન. શેટ્ટી નામના ઉદ્યોગપતિ દ્વારા આ મંદિરનું અદભૂત નવીનીકરણ કરવામાં આવ્યું અને તેને દેશના બીજા ક્રમના, ૨૦ માળ જેટલા ઊંચા ગોપુરમ અને વિશ્વના બીજા ક્રમની, ૧૨૩ ફીટ ઊંચી શિવજીની પ્રતિમાની ભેટ મળી. ૨૦ માળના ગોપુરમમાં લિફ્ટ પણ મૂકવામાં આવેલી છે જેના વડે સૌથી ઉપરના માળેથી ભવ્ય શિવ પ્રતિમાનો અવર્ણનીય નજારો જોવા મળે છે.
ત્રણ બાજુ દરિયો ધરાવતું આ મંદિર અરબી સમુદ્રના કિનારે વસેલા સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. દર વર્ષે કેટલાય શિવભક્તો આ મંદિરની મુલાકાતે આવે છે. અમે બપોરના સમયે અહીં પહોંચ્યા હતા અને કોવિડ-૧૯ને કારણે મંદિર સવારના અમુક કલાકો દરમિયાન જ ખુલ્લુ રહેતું હતું જેથી અમને દર્શન કે ગોપુરમની લિફ્ટનો લાભ ન મળ્યો. પણ મંદિરનો માત્ર બાહ્ય દેખાવ પણ મનને ગજબની શાંતિની અનુભૂતિ કરાવતો હતો.
મુરુડેશ્વરમાં આ આધ્યાત્મિક મંદિરની સાથોસાથ મોજમસ્તી કરવા માટે બીચ પણ આવેલા છે જે અમે સુરક્ષાના કારણોસર ન જોયા. સામાન્ય દિવસોમાં મુરુડેશ્વર મંદિર, અહીંનાં બીચ તેમજ અહીં નજીકમાં જ આવેલા ગોકર્ણની લોકો એક જ પ્રવાસમાં મુલાકાત લેવાનું આયોજન કરતાં હોય છે. મુરુડેશ્વર મંદિરને, ભલે બહારથી જ, મન ભરીને માણ્યા બાદ ફરીથી એ રળિયામણો રસ્તો પાર કરીને સાંજે ૬ વાગે અમે શિમોગા પરત ફર્યા.
માત્ર એક જ રૂમમાં સાવ પાયાની સગવડો વચ્ચે વિતેલા અમારા લોકડાઉનમાં આ બે નાનકડા પ્રવાસો સૌથી યાદગાર સંભારણું બની ગયા.