“રહસ્ય વગરનું જીવન ખરેખર સાવ નીરસ હોવાનું. જો બધું જ પહેલેથી ખબર જ હોય ટુ જીવનમાં શું મજા આવે?” - ચાર્લ્સ ડી લીંટ
આવા જ કોઈ રહસ્યની ખોજમાં હું જઈ ચડ્યો ઉત્તરાખંડની ખીણમાં. હાડપિંજર સાથે જોડાયેલી અફવાઓની ખાતરી કરવા ઘેઘૂર જંગલો, ઊંચા બર્ફીલા પહાડો તેમજ વિશાળ હરિયાળા મેદનોની તપાસ કરતાં કરતાં હું આગળ વધ્યો. હા, હું રૂપકુંડ તળાવની વાત કરી રહ્યો છું.
‘હાડપિંજરનુ તળાવ’ના નામે સુપ્રસિધ્ધ આ ટ્રેક ખૂબ જ પ્રખ્યાત છે. 8000 ફીટથી 16,000 ફીટનું અંતર કાપતા થોડા દિવસોનો સમય લાગે છે. આના રહસ્ય વિષે વાત કરતાં પહેલા આ ટ્રેક દરમિયાન કરી શકાય તેવી પ્રવૃત્તિ તેમજ અદભૂત કુદરતી સુંદરતા વિષે વાત કરીએ.
દીદીના ગામ
આ એટલું નાનું ગામ છે કે અહીં સુધી હજુ વીજળી પણ નથી પહોંચી. રાત્રે ગામમાં એટલું બધું અંધારું હોય છે કે કશું જ દેખાતું નથી. તારાઓની ઝગમગાટ જોવા આ એક ઘણી સારી જગ્યા છે.
ચોલાઈ નામની વનસ્પતિની અહીં ખૂબ ખેતી થાય છે જેમાંથી શાક બને છે. આ વનસ્પતિ અહીંના સ્થાનિકો ગુલાબી, લાલ, પીળા રંગમાં ઉગાડે છે. આપણી ભાષામાં તેણે રાજગરો કહી શકાય. અહીં આવેલી અમુક ઝુંપડીઓ હોમ સ્ટે ઉપલબ્ધ છે. ટ્રેક દરમિયાન રોકાણ માટે તેનો આનંદ મની શકાય તેમ છે.
પથર નચૌની
સ્થાનિક ભાષામાં તેનો અર્થ થાય છે ‘નાચવાવાળી છોકરીઓ’. કહેવાય છે કે કનૌજના રાજા જસધવલની અહીંથી શોભાયાત્રા પસાર થઈ રહી હતી તેવામાં અમુક છોકરીઓ અચાનક નાચવા લાગી. આનાથી ગુસ્સે ભરાઈને રાજાની પત્ની નંદાદેવીએ તે છોકરીઓને પથ્થર બનાવી દીધી.
હાલમાં અમુક દુકાનો તેમજ કેમ્પ ધરાવતો આ રસ્તો અલી અને બેદની બુગયાલના ટ્રેકના ટ્રેક માટેનો હિસ્સો પણ છે.
અલી બુગ્યલ, બેદની બુગ્યલ
અનહદ સુંદર નજારા! આ ભારતમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું ઘાસનું મેદાન (ચરાગાહ) છે. અરે! એશિયામાં પણ સૌથી વધુ ઊંચાઈ પર આવેલા મેદાનમાં તેનો સમાવેશ થાય છે. આ બંને બુગ્યલ મળીને સેંકડો એકર જમીન વિસ્તાર પર ફેલાયેલું છે. આ વિશાળ મેદાનમાં અનેક રંગબેરંગી ફૂલો પણ ઊગે છે.
અહીં માઉન્ટ ત્રિશુળ, કાળી ડાક, ચૌખંબા, નંદા ઘૂંટી, અને બંદર પુંછ જેવા બર્ફીલા શિખરોનો આહલાદક નજારો જોવા મળે છે.
બેડની કુંડના ચોખ્ખા પાણીમાં એટલા સુંદર દ્રશ્યો સર્જાય છે જાણે પહાડોનું આબેહૂબ પ્રતિબિંબ ઝીલાઈ રહ્યું હોય.
ભગવાબાસા
પૌરાણિક કથા અનુસાર એક વાર શિવ પાર્વતી આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. માતા પાર્વતી તેમના વાહન સિંહ પર સવાર હતા. આગળ સિંહ માટે કોઈ ખોરાક મળવાની શક્યતા ન હોવાથી ભગવાન શિવે તેમને બીજો રસ્તો પસંદ કરવા કહ્યું. તેમણે જે જગ્યાએથી રસ્તો બદલ્યો તે જગ્યા એટલે ભગવાબાસા.
આ વિસ્તારમાં અનેક પથ્થરની વેરાન ઝુંપડીઓ આવેલી છે.
રૂપકુંડ
પૌરાણિક કથા અનુસાર શિવ પાર્વતી અહીં વિહાર કરી રહ્યા હતા. પાર્વતી માતાને તરસ લાગી તો ભગવાન શિવે આ તળાવનું સર્જન કરી દીધું. પાર્વતી જ્યારે પાણી પી રહ્યા હતા ત્યારે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાનું રૂપ નિહાળ્યું. આ કારણોસર આને રૂપકુંડ કહેવાય છે.
હવે વાત કરીએ મૂળ રહસ્યની. ત્રિશુળ પર્વતની તળેટીમાં આવેલા આ સરોવર આસપાસ ઘણી મોટી સંખ્યામાં માનવ કંકાલ જોવા મળે છે. આ તળાવને હાડપિંજરનું તળાવ પણ કહેવાય છે.
સંશોધકોનું કહેવું છે કે 9મી સદી દરમિયાન અતિભારે હિમવર્ષાને કારણે મૃત્યુ પામેલા લોકોનાં આ હાડપિંજર છે.
તે સમયે અહીં આટલા મોટા સમૂહમાં માણસો શું કરી રહ્યા તે વિષે કોઈ જ માહિતી નથી. આ જગ્યાએ કોઈ વ્યાપારિક રસ્તો હોવાનું પણ કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી. નંદા દેવી રાજ જત જવાના રસ્તામાં હેમકુંડ એક ઘણું મહત્વનું ધાર્મિક સ્થળ છે. દર બાર વર્ષે અહીં વિશેષ યાત્રાનું આયોજન થાય છે. આ યાત્રા દેવી નંદાને સમર્પિત હોય છે અને ગઢવાલ અને કુમાઉં ગામના લોકો તેમાં મોટી સંખ્યામાં ભાગ લે છે.
બોનસ: રૂપકુંડથી પાછા ફરતા આવતી જગ્યાઓ
મિનફર
ઉતરતી વખતે આખા ટ્રેકનો સૌથી આહલાદક નજારો મિનફર પાસે જોવા મળે છે. અહીં તમને આખા રુટનું અદભૂત સ્વરૂપ જોવા મળશે.
વાન ગામ
આ એક ખૂબ જ શાંતિપૂર્ણ ગામ છે. અહીં લાતૂ દેવતાનું ઘણું જ પ્રસિધ્ધ મંદિર છે. સ્થાનિકોમાં તે લાતૂ મંદિર તરીકે જાણીતું છે.
ઉત્તરાખંડમાં એવી માન્યતા છે કે લાતૂ દેવતા એ નંદા દેવીના ભાઈ હતા. વર્ષમાં માત્ર એક જ વાર આ મંદિરના દ્વાર ખૂલે છે અને અહીંના ભિક્ષુક આંખે પટ્ટી બાંધીને આ કામ કરે છે. 12 વર્ષે એક વાર થતી યાત્રામાં આ સ્થળ 12 મો મુકામ છે.
આ મંદિરની આસપાસ એવા પણ વૃક્ષો છે જેના થડ 12 થી 14 ફીટ વિસ્તારમાં ફેલાયેલા છે. આ બધા ઉત્તરાખંડના સૌથી પ્રાચીન વૃક્ષો છે.
.