ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. આપણે આપણા જીવનમાં કેટકેટલીય ક્ષણોના સાક્ષી બનીએ છીએ. ઘણી ઘટનાઓ આપણું જીવન હંમેશ માટે બદલી નાખતી હોય છે. કોઈ વખત એવું થાય કે આજે બસ મન ભરીને જીવી લઈએ.
આજકાલ તો લગ્ન પછીનું જીવન પહેલાના સામેની સરખામણીએ ઘણું જ સરળ બની ગયું છે પણ તેમ છતાંય તે જીવનમાં આમૂલ પરિવર્તન આવે તે પહેલા થોડા યાદગાર અનુભવો માણી લેવા જોઈએ. આ રહી ભારતનાં કેટલાક એવા સ્થળોની યાદી જેની તમારે લગ્ન પહેલા અચૂક મુલાકાત લેવી જોઈએ:
માત્ર છોકરાઓ જ બેચલર્સ પાર્ટી શું કામ કરે? તમે પણ તૈયાર થઈ જાઓ તમારી સખીઓ સાથે એક અવિસ્મરણીય વેકેશન પર જવા.
૧. પૂર્વોત્તર ભારતમાં બેગપેકિંગ
અનોખી સંસ્કૃતિ અને કેટલીય રસપ્રદ પરંપરાઓ જોવી હોય તો ભારતનાં પૂર્વી છેડે આવેલા સેવન સિસ્ટર્સ રાજ્યોએ પહોંચી જાઓ. એ તમને અદભૂત અનુભૂતિ કરાવશે. અહીંની દરેક ગલીમાં કઈક નવો જ આનંદ થનગને છે. કોઈ યુનિક જીવનધોરણને માણવા અને આજીવન વાગોળી શકાય તેવી યાદગીરી ભેગી કરવા તમારી ગર્લફ્રેન્ડ્સ સાથે આજે જ નોર્થ ઈસ્ટની ટ્રીપ પ્લાન કરો.
૨. વેસ્ટર્ન ઘાટ પર એક લાંબી ડ્રાઈવ પર નીકળીને પિક્ચરેસ્ક વ્યૂ માણો
ભારત દેશને જે કુદરતી બાયો-ડાઈવર્સિટી પ્રાપ્ત થઈ છે તે ભાગ્યે જ કોઈ દેશને મળી હશે. આપણો લાંબો દરિયાકિનારો દુનિયાભરના પ્રવાસીઓનો પ્રિય છે. તો પછી તમે પણ પશ્ચિમી કિનારાની સફર કરવા નીકળી પડો. મહારાષ્ટ્રથી કન્યાકુમારી સુધી હિન્દ મહાસાગરના કિનારે રોડટ્રીપ કરવી એ તમારા જીવનની સૌથી ખાસ ક્ષણોમાંની એક બની રહેશે. કોંકણ અને મલબારના શાંત અને ઓછી ભીડ ધરાવતા બીચ તો તમારા મનમાં વસી જશે.
૩. વારાણસીની આધ્યાત્મિકતામાં ખોવાઈ જાઓ
આપણી સંસ્કૃતિ અને પરંપરા જોઈને અચરજમાં ન મુકાઇ જાઓ. એને દિલથી અપનાવો, જોજો કેવો અદભૂત અલૌકિક અનુભવ થશે. ગંગા ઘાટ પર બેસીને આ પવિત્ર નદીને વહેતી જોવી- આનાથી વધુ રિલેકસિંગ અનુભવ તમને કોઈ મોંઘાદાટ સ્પામાં પણ નહિ થાય. દરેક વ્યક્તિ વારાણસીમાં કઈક જુદી જ લાગણી અનુભવે છે. તમે શું અનુભવો છો? તમારી સખીઓ સાથે સમજો.
૪. અંદામાન દ્વીપ સમૂહ ખાતે એશિયાનાં કલીનેસ્ટ બીચમાંના એક એવા રાધાનગરને માણો
'બીચ' શબ્દ સાંભળીએ એટલે કોઈ પણ છોકરીને સ્વાભાવિક રીતે જ કોઈ સુંદર વન પીસ કે પછી નાનકડી શોર્ટ્સ અને ટી-શર્ટ યાદ આવે. તમારા રોજિંદા જીવનમાં તમારું જે બિન્દાસ સ્વરૂપ ખોવાઈ જાય છે તેને બહાર લાવવાની તક અંદામાન આપે છે. સફેદ રેતી અને ચોખ્ખું ભૂરું પાણી ધરાવતા રાધાનગર બીચના કિનારે બેસીને તમને એટલી મજા આવશે કે તમને થશે કે આજીવન અહીં જ કોઈ ટ્રી-હાઉસમાં રહી જાઉં.
૫. મધ્ય પ્રદેશમાં ઐતિહાસિક ખંડેરની સફર
ઐતિહાસિક ભવ્યતાને 'ખંડેર' સંબોધન આપતા દુ:ખ થાય છે, અને તે પણ ભારતનું હ્રદય ગણાતા મધ્ય પ્રદેશમાં! પણ આ રાજ્યમાં ખંડેર પાછળ પણ છુપાયેલી સમૃધ્ધિ જોઈને તમે અચંબામાં મુકાઇ જશો. અન્ય ગ્લોરિયસ ડેસ્ટિનેશન્સને બાજુ પર મૂકો અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા ખજુરાહો, અમરકંટક, ઓરછા, ગ્વાલિયર, તેમજ વિવિધ પ્રાચીન ખજાનાઓની મુલાકાત લો. ટ્રસ્ટ મી, સહેજ પણ અફસોસ નહિ થાય.
૬. બાઇક ચલાવતા શીખો અને પહોંચી જાઓ લદ્દાખ
આ લિસ્ટની કદાચ સૌથી રોમાંચક સફર આ હશે અને આ કેવું એ તમારા જીવનની બેસ્ટ મોમેન્ટ્સમાંની એક બની રહેશે. લદ્દાખની ભૂમિને કોઈ જ પરિચયની જરુંર નથી. આ એવી જગ્યા છે જેની તસવીરો જોઈને જ કોઈ પણ પ્રવાસી ત્યાં જવા તડપી ઉઠે છે અને ત્યાં રૂબરૂ ગયા પછી તેની સુંદરતા અવર્ણનીય બની જાય છે. ત્યાં જઈને બાઇક ભાડે લો અને જીવનની વન્સ ઇન અ લાઈફટાઈમ ક્ષણો માણો.
૭. રાજસ્થાનના કિલ્લાઓ પરથી સૌથી સુંદર સનસેટ માણો
ભારતમાં વિશાળ રણપ્રદેશ ધરાવતું રાજસ્થાન એ એક એવું રાજ્ય છે જ્યાં દરેક જગ્યાની એક આગવી ઓળખ છે. રેતી, મહેલો અને કિલ્લાઓ એટલા બધા આકર્ષક છે જાણે કોઈ જગવિખ્યાત ડિઝાઇનરે રંગેલા હોય! અહીંની ભવ્ય સંસ્કૃતિ તમને પુષ્કળ પસંદ પડશે, તમે ચોક્કસ આ સ્થળની ફરીથી મુલાકાત લેશો. તમારી સખીઓ સાથે અહીં રોયલ ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનો આનંદ માણો.
૮. યોગ, રિવર-રાફ્ટિંગ અને કેમ્પિંગ શીખો ઋષિકેશમાં
દરેક ગ્રૂપમાં એક 'ટોમબોય' હોય છે જેના પ્લાન્સ સૌથી વિચિત્ર હોય છે અને જે સૌથી વધુ ડેરિંગવાળી એક્ટિવિટીઝ કરવા હંમેશા થનગનતી રહેતી હોય છે. તેના વિચારોને માન ન આપી તો આપણે તેના મિત્રો જ શેના? બધી જ કોમન જગ્યાઓ વચ્ચે આ એક એવી જગ્યા છે જેની ફક્ત સીધીસાદી મુલાકાત પણ તમારા પર અમીટ છાપ છોડી જશે. ઋષિકેશની ટ્રીપ તમારામાં એક નવી જ ઉર્જાનો સંચાર કરી દેશે.
જો તમારી પાસે ગર્લ્સ ગેંગ માટે કોઈ બીજા અવનવા પ્લાન્સ હોય તો કમેન્ટ્સમાં શેર કરો.
.