2021 નું વર્ષ હજુ તો શરૂ થયું અને પહેલો મહિનો પૂરો પણ થઈ ગયો! ફેબ્રુઆરી આવી ગયો છે અને આ કદાચ હરવા-ફરવા માટેનો બેસ્ટ મહિનો છે. કડકડતી ઠંડી પણ હવે હળવી થઈ રહી છે અને બળબળતો તડકો પડવાને હજુ થોડો સમય છે. વસંત ઋતુની ખુશનુમા આબોહવા આ મહિનાને એક પરફેક્ટ ટ્રાવેલ મંથ બનાવે છે. જો તમે પણ રજાઈમાંથી નીકળવાનું મન મનાવી લીધું હોય તો અમે પણ તૈયાર છીએ એક લિસ્ટ સાથે! ગુજરાતમાં કે ગુજરાતની નજીકમાં ફેબ્રુઆરીમાં ફરવાની આ છે બેસ્ટ જગ્યાઓ:
1. કચ્છ
ગુજરાતમાં જ આ અદભૂત સ્થળ આવેલું હોય તો દૂર શું કામ જવું? જો તમે સંસ્કૃતિનાં રંગે રંગાઈ જવા ઇચ્છતા હોવ તો કચ્છ એક આદર્શ જગ્યા છે. વર્ષમાં એક જ વખત આવતો કચ્છ રણોત્સવ 23 ફેબ્રુઆરી 2021 ના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. જો લોકલ આર્ટ અને કલ્ચરનો આનંદ માણવા માંગતા હોવ તો તમારો ફેબ્રુઆરી કચ્છને નામ કરો. અહીં નજીકમાં એક વાઇલ્ડલાઈફ સેંકચુરી પણ છે. કચ્છ પહોંચવા સૌથી નજીકનું એરપોર્ટ ભૂજ છે.
2. મહાબળેશ્વર, મહારાષ્ટ્ર
તિબેટ એશિયાનું સૌથી મોટું પહાડી મેદાન છે. તે પછી બીજા ક્રમે આવે છે મહારાષ્ટ્રનું પંચગીની. આ પંચગીનીનું એક રમણીય હિલ સ્ટેશન એટલે મહાબળેશ્વર. અહીં મંત્રમુગ્ધ કરી ડે તેવા પહાડો અને પહાડોના આકર્ષક નજારાઓ સૌને અહીં પ્રવાસ કરવા પ્રેરે છે. ફેબ્રુઆરીમાં અહીંનું તાપમાન 20 ડિગ્રીથી વધુ નથી હોતું. તમે ઈચ્છો તો અહીં સ્ટ્રોબેરી ફાર્મમાં ફરો, માર્પો ફૂડ માણો, વેન્ના લેક જુઓ કે પછી પંચગીની ટ્રેકિંગ કરો. અહીં પહોંચવા બેસ્ટ રુટ ટ્રેન છે અને વાથર સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.
3. જવાઈ, રાજસ્થાન
ભારતનાં દીપડાના વિસ્તારમાં જવાનો આ પરફેક્ટ સમય છે. ઉદયપુર અને જોધપુરની વચ્ચે, અરવલ્લીના પર્વતોથી ઘેરાયેલું જવાઈ નગર એ એક એવી જગ્યા છે જ્યાં દીપડાઓ રહે છે અને મુક્ત રીતે સ્થાનિકો સાથે હરે-ફરે છે. વાઇલ્ડ કેટ્સ જોવી હોય, દેવગીરી ગુફા મંદિરો જોવા હોય કે જવાઈ ડેમ મગરમચ્છ અભયારણ્ય, આ જગ્યા તમને નિરાશ નહિ કરે.
4. કોલાડ, મહારાષ્ટ્ર
જો તમારે રિવર-રાફ્ટિંગનો અનુભવ કરવાનો બાકી હોય અને આ રોમાંચ માણવા માંગતા હોવ તો મુંબઈ અને પૂનાથી ફક્ત 3 એક કલાક દૂર જ આ શક્ય છે! કુંડલિકા વ્હાઇટ વોટર રાફ્ટિંગ એ દેશના જૂજ વોટર રાફ્ટિંગમાનું એક છે જે બારે માસ કાર્યરત રહે છે. અહીં બિગ રેડ ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા પણ ઘણી જ સારી છે. ટેન્ટમાં રોકાણ આ પ્રવાસને વધુ રોમાંચક બનાવશે.
5. બાંધવગઢ, મધ્યપ્રદેશ
જો તમને 360 ડિગ્રીનો બાંધવગઢનો અફલાતૂન વ્યૂ જોવા મળે તો તમે જીપ સફારી પસંદ કરશો? રોયલ બેંગાલ ટાઈગરની આ ભૂમિ પર તાજેતરમાં જ હોટ એર બલૂનની એક્ટિવિટી શરૂ થઈ છે. જયપુરની સ્કાય વોલ્ટઝ બલૂન સફારી થકી ઓપરેટ થાય છે. આ એક્ટિવિટી બફર ઝોન પૂરતી સીમિત છે જ્યાંથી તમને બેંગાલ ટાઈગર ઉપરાંત દીપડા, રીંછ તેમજ અન્ય વન્ય જીવોનો પણ અદભૂત નજારો જોવા મળશે.
6. ગોવા
ગોવામાં બર્ડ-વોચિંગ માટે આ શ્રેષ્ઠ સમય છે. ભૂરા આકર્ષક કિંગફિશર જોવા એ એક અનેરો લ્હાવો છે. અનેક પક્ષીઓ આ સમયે ગોવા આવે છે અને મોટી સંખ્યામાં અદભૂત નજારાઓ સર્જે છે. આ વર્ષે 5 થી 7 ફેબ્રુઆરી ગોવાના મોલેમમાં ગોવા બર્ડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
7. ઉદયપુર, રાજસ્થાન
અરવલ્લીની ગોદમાં વિશાળ ઝરણાઓની બાજુમાં બનેલા ભવ્ય મહેલો ખેડવા અવર્ણનીય અનુભવ છે. લેક પિછોલા ખાતે બોટ રાઈડ કરતાં કરતાં મેવાડી લાઇટ એન્ડ સાઉન્ડ શો, સિટી પેલેસના બગીચામાં લટાર, કેન્ડલ લાઇટ ડિનર તેમજ આલીશાન હોટેલમાં રોમેન્ટિક સ્ટે! આ તક ચૂકવા જેવી નથી.
શું તમે પણ કોઈ રસપ્રદ સજેશન કરવા ઈચ્છો છો? કમેન્ટ્સમાં જણાવો.
.
.