2019માં મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે લદ્દાખના પ્રવાસે ગઈ હતી. અમારા સૌ પાસે પ્રિપેઇડ કાર્ડ હતા એટલે અમારી તૈયારી હતી જ કે હોટેલના વાઇ-ફાઈ સિવાય આખો દિવસ અમારે મોબાઈલનો ઉપયોગ માત્ર ફોટોઝ પાડવા માટે જ કરવાનો હતો.
ફિયાન્સે સાથે લાંબી વાત થઈ શકે તેવી સારી વાઇ-ફાઈની સ્પીડ હતી નહિ એટલે હું રોજ રાતે એક જ મેસેજમાં તેને આખા દિવસની અપડેટ આપતી હતી. WhatsApp પર હમણા જ એ બધા મેસેજિસ ફરીથી ધ્યાનમાં આવ્યા!

૨૬/૦૫/૨૦૧૯
Landed in Leh in the morning with 3° temperature. પ્લેનમાંથી બહાર આવીએ ત્યારે સામાન્ય રીતે એકદમ ઠંડીમાંથી એકદમ ગરમીમાં આવી જઈએ. પણ અહીં ઊંધું થયું. એકદમ ઠંડીમાંથી અમે એકદમ વધારે કડકડતી ઠંડીનો અનુભવ કર્યો. જોકે ગરમ કપડાં પ્લેન માં બેસતા પહેલા જ પહેરી રાખ્યા હતા એટલે બહુ વાંધો ના આવ્યો.
હોટેલ માનસરોવર પહોંચ્યા ત્યારે આધેડ વયના એક ભાઈએ અમને ચારેયને સફેદ રંગનો ખેસ પહેરાવી ને અમારું સ્વાગત કર્યું. રિસેપ્શન પર ફોર્મલિટી પતાવ્યા પછી અમને ચા કોફી પીને દવા લઈ લેવા જણાવ્યું. સમુદ્રસપાટી થી ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા લેહમાં શરીરને સેટ કરવા માટે ૨૪ કલાક સુધી સંપૂર્ણ આરામ કરવો જરૂરી છે.


૩° નું તાપમાન આ પહેલા આ શરીરે ક્યારેય અનુભવ્યું નહોતું એટલે શરૂઆતના ૨-૩ કલાક સુધી તો સાવ ઠુઠવાઈ ગઈ હતી. પછી થોડી ઊંઘ કરીને નાસ્તો કરવા નીચે ગયા. અને પછી તડકે બેઠી. એટલી બધી રાહત થઈ ને!! અત્યાર સુધીમાં ક્યારેય તડકો આટલો બધો ગમ્યો નથી જેટલો આજે ગમ્યો.
૨૭/૦૫/૨૦૧૯
આજે સવારે અમે અહીં હોટેલમાં નાસ્તો કર્યો. પૂરી ભાજી હતું નાસ્તામાં પણ મેં ખાલી કોફી જ પીધી. ૯:૨૦ વાગ્યાના સુમારે અમારી આજની સફર શરૂ થઈ. સૌથી પહેલાં અમે શેય પેલેસ ગયા. પ્રમાણમાં સહેજ ઉંચાઈ પર આવેલ આ પેલેસ પરથી બહુ અદ્ભુત નજારો જોવા મળતો હતો. ત્યાં ઉપર બુદ્ધનું નાનકડું મંદિર પણ આવેલું હતું. ત્યાં કોઈ ગાઈડ બે ફિરંગીઓ ને ફ્રેંચમાં સમજાવી રહ્યો હતો. મેં એ બેમાંથી એક ભાઈએ પૂછ્યું, તમે ફ્રેંચ છો? એમણે કહ્યું કે તેઓ સ્વિસ હતા. એમના ગાઇડે મને પૂછ્યું કે હું ક્યાં ફ્રેંચ શીખી. મેં કીધું કે અમદાવાદ, ગુજરાત. એ ભાઈ તો અહીંથી કેટલાય હજારો કિલોમીટર દૂર પોંડિચેરી ખાસ ફ્રેંચ શીખવા ગયા હતા.


બીજું સ્થળ એ કે જેણે ૨૦૧૦ સુધી પ્રમાણમાં ઠીકઠાક ચાલતાં લદાખના પ્રવાસન ઉદ્યોગને રાતોરાત ઉચકાવી દીધો. 3 Idiots Rancho's school. ત્યાં એ ફિલ્મના પ્રતીક તરીકે માત્ર એક દિવાલ જ રાખવામાં આવી છે; બાકી તો ત્યાં છોકરાઓ ભણી રહ્યા હતા.


પછી અમે સહેજ ઉંચાઈ પર આવેલ હેમિસ મોનેસ્ટરી (બુદ્ધનું મંદિર) ગયા. રસ્તા થોડા વાંકાચૂકા હતા એટલે મને થોડી મજા ના આવી. હું ત્યાં જ ગાડીમાં બેઠી. ઠંડી બહુ હતી અને ઉપર ચડીને જવાનું હતું એટલે મમ્મી પણ મારી સાથે જ રોકાણી. અનુજ અને પપ્પા એ મોનેસ્ટરી જોઈ આવ્યા પછી અમે સહેજ નીચે તરફ વહી રહેલી સિંધુ નદી પાસે થોડી વાર બેઠા. તડકામાં થોડા ફ્રેશ થયા.


આજનું અંતિમ સ્થળ: થીક્સે મોનેસ્ટરી. એ જગ્યાએ પણ થોડું ચડીને જ જવાનું હતું પણ ત્યાં જવા માટે હું સંપૂર્ણ ફીટ હતી. ત્યાં ઉપર ચડતી વખતે રસ્તામાં એક શર્ટ પેન્ટ પહેરેલ વૃદ્ધ મહિલા હતા. મેં એમને એમની ઉંમર પૂછી, એ જવાબ ના આપી શક્યા. એના ગાઈડ એ મને કહ્યું કે એ બેન જાપાનનાં હતા. પછી એમને જાપાનીઝમાં સમજાવ્યું કે હું એમની ઉંમર પૂછી રહી હતી. એ બેને મને જવાબ આપ્યો, સેવંટી એટ. પછી તો એમની સાથે એમના ગાઈડ ની મદદ થી દસેક મિનિટ વાતો કરી. મેં એમને કહ્યું કે જાપાનના પ્રધાનમંત્રી અને એમના પત્ની અમદાવાદ આવ્યા હતા ત્યારે હું એમને મળી હતી. એ સમયે ૨-૩ જાપાનીઝ શબ્દો શીખી હતી એ પણ બોલી. પેલા બેનને બહુ ગમ્યું. એમને સાયોનારા (આવજો) કહીને અમે આગળ વધ્યા. થોડાં દાદરા પછી ફરીથી સહેજ રેસ્ટ લીધો ત્યાં એ બહેન મારી સાથે ફોટો પડાવવા આવ્યા. મને કહે કે, ફોટો, ઓકે? મેં કીધું સ્યોર! એમણે મને એમનું નામ કહ્યું, જે હું દસ જ મિનિટમાં ભૂલી ગઈ. મેં એમને મારું નામ કહ્યું. ગાઈડ એ વિસ્તૃતમાં પેલા બેનને સમજાવ્યું. Jhelum is a river in Kashmir. પછી અમે એ આખી મોનેસ્ટરી જોઈ. બહુ સુંદર જગ્યા હતી.
ત્યાંથી અમે હોટેલ તરફ પાછા ફર્યા. કુલ મળીને અમે આજે ૪૦-૪૨ કિલોમીટર જેવું ફર્યા.
ડ્રાઈવર ભાઈ બહુ સારા છે. લદાખ વિશે ઘણું જાણવા મળ્યું. અહીં ઘણી બધી સ્કૂલો છે અને કોલેજ પણ છે. વધુ શિક્ષણ મેળવવા દેશમાં અન્ય જગ્યાઓએ પણ જાય છે. અહીંના લોકોને ૩૭૦ ની કલમ થી છુટકારો જોઈએ છે. લોકો એવું દૃઢપણે માને છે કે ભારતના બાકીના રાજ્યોના લોકો ને અહીં જમીન લેવાની સ્વતંત્રતા મળે તો અહીં પર્યટન સ્થળો નો હજુ ઘણો વિકાસ થાય. કાશ્મીરના તોફાની લોકોથી અહીંના લોકો બહુ કંટાળી ગયેલા છે.
૨૮/૦૫/૨૦૧૯
સવારે મસ્ત આલુ પરોઠા સાથે અમારા દિવસની શરૂઆત થઈ. પછી નહાઈ ધોઈને ૩ દિવસ માટેનો સામાન લઈને અમે તૈયાર થઈ ગયા. અમે ઉપડ્યા વિશ્વના સૌથી વધુ ઊંચાઈ પર આવેલા રોડની સફર કરવા.

એ તરફ જવાના રસ્તાની શરૂઆતમાં જ કોઈ એક્સિડન્ટ થયો હતો અને એટલે એક માર્ગ બંધ હતો. ડ્રાઈવર ભાઈએ બીજા રસ્તે ગાડી ઘુમાવી. અને પછી અમે જે રસ્તા પર હતા, એ મારા માટે અત્યાર સુધીમાં જોયેલા શ્રેષ્ઠતમ રસ્તાઓમાંનો એક હતો. ખરેખર અવર્ણનીય! રસ્તામાં થોડી બરફ વર્ષા પણ થઈ. એ અનુભવ જીવનમાં પહેલી વખત થયો. એક બે જગ્યાએ ગાડી થોભાવીને અમે બહાર નીકળી ને ફોટા પણ પડાવ્યા.
ત્યાંથી ભારતીય સેનાના ઘણા વાહનો પસાર થતાં હતાં. ફોટા પાડવા અમે કેટલાય લોકો હતા જેમાંથી ઘણા બધા લોકો એ જવાનોને આવજો આવજો ના ઈશારા કરીને એમને સલામ કરી. તેઓ બહુ ખુશ થઈ ગયા. રસ્તામાં બહુ મોટી સંખ્યામાં બાઇકર્સ હતા. અમારા ડ્રાઈવર ભાઈએ જણાવ્યું કે આ રસ્તે બાઈક લઈને આવવાની ઘેલછા બહુ વધતી જાય છે પણ આ બહુ જ જોખમી છે. ગયા વર્ષે ૧૫થી ૨૦ બાઇકર્સ મૃત્યુ પામ્યા હતાં.
ચોમેર પહાડો વચ્ચે અમે સાઉથ પલ્લું ચેકપોઈન્ટ પર પહોંચ્યા. જે સમુદ્ર સપાટીથી ૧૫,૩૦૦ ફીટ ઉંચાઈ પર આવેલ છે. લેહ ૧૧,૦૦૦ ફિટની ઉંચાઈએ આવેલું છે. ત્યાંથી જેમ જેમ આગળ વધતા ગયા એમ અદ્ભુત બરફના પહાડો જોવા મળ્યાં. રસ્તામાં કુદરતની સાચવણી માટે તેમજ ભારતીય સેનાના જવાનોના દેશ માટે ના બલિદાન માટે ઠેરઠેર સ્લોગન્સ લખવામાં આવ્યા હતા.


ખારડુંગ લા પાસ. ૧૮,૩૦૦ ફીટ.
ઘણા બધા પ્રવાસીઓ તદ્દન રોમાંચ સાથે વિશ્વના સૌથી ઊંચા રોડ પર હોવાની મજા માણી રહ્યા હતા. ત્યાં એક નાનકડું કાફે પણ આવેલું છે જે, અલબત્ત, વિશ્વમાં સૌથી ઉંચાઈ પર આવેલું કાફે છે. એક મોટો પત્થર છે જેના પર મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે,
Highest Motorable Road in the World.
ખારડુંગ લા પાસ પર હોવું એ એક અતિશય રોમાંચિત ક્ષણ હતી. દુબઈ ફરવા ગયેલા લોકો બુર્જ ખલિફાના સૌથી ઉપરના માળે જઈને ફોટા પડાવે અને એ સોશિયલ મીડિયામાં મૂકે ત્યારે ટોપ ઓફ ધ વર્લ્ડ એવું લખતા હોય છે. ખારડુંગ લા પાસ પણ મને એવી લાગણી થઇ કે,
Hell with Burj Khalifa, right now I am standing on the top of the world, literally!
હું સાચે જ બહુ ધન્ય થઈ ગઈ હોવાનું અનુભવી રહી હતી. એટલે જ મેં ડ્રાઈવર ભાઈ નો ફોન લઈને મારા ફિયાન્સેને ફોન કર્યો હતો. વિશ્વના સૌથી ઊંચા માર્ગ પરથી તેની સાથે વાત કરવાનો મોકો ક્યાંથી મળે!

ત્યાંથી અમે નુબરા વેલી તરફ જવા આગળ વધ્યા. એ સફર ૧૮,૦૦૦ ફીટ પરથી ૧૦,૦૦૦ ફીટ પર જવાની સફર હતી. એ રસ્તો પણ, અદ્ભુત! ભાગ મિલ્ખા ભાગ નો શૂટિંગ પોઇન્ટ જોયો અમે. મેં ઘણી બધી જગ્યાઓને કેમેરામાં કેદ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. એ રસ્તા પર મને એક એક ક્ષણે એવું લાગતું હતું કે,
What eyes can capture, cameras cannot!
કારમાં બેસીને ઘણી ઉંચાઈ પર મુસાફરી કરવાથી હું થાકી ગઈ હતી. અનુજ પણ. એટલે અમે એક બુદ્ધ મંદિર જવાને બદલે સીધા હોટેલ પર જ આવ્યા. સાંજે ૪:૧૫ વાગે. હોટેલ એટલે કેવી? મોટા મોટા તંબુઓની હારમાળા. પહાડોની વચ્ચે ટેન્ટ માં સૂવાનો એક સાવ નવો અનુભવ. અને ટેન્ટ એટલે બહુ મસ્ત છે પાછા. અહીં સાંજે સાત વાગ્યે વાઇફાઇ સુવિધા શરૂ થાય છે એવું અહીંના મેનેજર ભાઈ કહે છે.
૨૯/૦૫/૨૦૧૯
આજે સવારે તો હાજા ગગડી જાય એવી ઠંડીનો અનુભવ કર્યો. સૂતી વખતે સ્વેટર પહેર્યું હતું અને બે ગોદડાં ઓઢ્યા હતા તો પણ. આલીશાન રૂમમાં હીટર સાથે નહિ, પહાડોની વચ્ચે બાંધેલા તંબુમાં હતા ને! રાત્રિનું તાપમાન, -૭°. બરફના પાણી કરતા પણ ઠંડા પાણીથી બ્રશ કર્યું હોય એવું લાગ્યું. સવારે ૬:૩૦ વાગે પણ અહીં ઠીકઠીક દિવસ ઉગી ગયો હતો એટલે બ્રશ પતાવીને સીધી તડકે બેસવા જ જતી રહી. કોફી પણ ત્યાં જ પીધી. ત્યાં થોડું ચાલી. વ્યવસ્થિત તડકો મળ્યો એટલે ઘણું સારું લાગ્યું. પરવારીને પૌવાનો નાસ્તો કર્યો. આજની સફર શરૂ કરવા તૈયાર.
અમારે જવાનું હતું તુરતુક નામના ગામડામાં જે ૧૯૭૧ના યુદ્ધ સુધી પાકિસ્તાનના કબજામાં હતું. અને ત્યાંથી LOC. સફર ૩એક કલાકની હતી. આજે ખરા અર્થમાં લાગ્યું કે અમે સિઆચિનથી ઘણા જ નજીકના વિસ્તારમાં હતા.
કુદરતી સૌંદર્યથી ભરપૂર રસ્તો. પણ ફોટોગ્રાફી નોટ અલાઉડ. કેમ? કારણ કે અમે ભારતીય સેનાના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં હતા. ઘણા બધા જવાનોને સલામ કરી, બધા હોંશે હોંશે પ્રવાસીઓને આવકારતા હતા. કંઈ કેટલાય આર્મી કેમ્પ, સેકડો બંકરો અને હજારો જવાનો. આપણને સૌને સાચવવા માટે કેટલાય જવાનો સતત હાથમાં રાયફલ પકડીને ખડેપગે રહે છે એ જોવા મળ્યું. કારગિલ યુધ્ધ વખતે બહુ અગત્યનો ભાગ ભજવ્યો હતો એવા બોફોર્સ પણ જોયા.
LOC તરફ આગળ વધવા માટે આર્મીનું એક કડક ચેકીંગ હતું. ગોખરા રેજીમેન્ટ. ડ્રાઈવર ભાઈ પાસે અમારા ચારેયની પરમીટ અગાઉથી લીધેલી હતી. એ પરમીટના આધારે અમારા ઓળખપત્રો માગ્યાં. એ બધું જ સબમિટ કર્યા બાદ અમે આગળ વધ્યા. રસ્તો કોઈ નેશનલ હાઈવેને પણ ઝાંખો પાડે એવો મસ્ત હતો. બહુ પહોળો નહિ પણ સાવ સપાટ. વીસેક મિનિટ પછી અમે જે તે સ્થળ પર પહોંચ્યા. લાઈન ઓફ કંટ્રોલ. ત્યાં એક જવાન બધા પ્રવાસીઓને એ જગ્યા વિશે સમજાવી રહ્યા હતા. પહાડની ટોચ તરફ આંગળી ચીંધી ને એમણે કહ્યું કે ત્યાંથી તમને પાકિસ્તાની સેના જોઈ રહી છે. ત્યાં ૧૬૦ લોકોની વસ્તીનું એક ગામડું હતું એ ઉત્તર દિશામાં આવેલું ભારતનું છેલ્લું ગામડું હતું. ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ દેશના સામાન્ય નાગરિકો માટે ખૂલ્લી મુકાયેલી આ LOC જોવાની બહુ મજા આવી. ભારતીય સેના માટે વિશેષ માન થઈ ગયું. ત્યાં એક નાનકડું કાફે હતું જ્યાં અમે મેગી ખાધી.

પાછા ફરતા રસ્તામાં તૂરતુક ગામ ગયા. જ્યાં બહુ ઉંચાઈ પર કોઈ મ્યુઝીયમ હતું પણ એટલે બધે ઉંચે જવાનો કોઈ ઉત્સાહ નહોતો. એટલે ત્યાં નદી કિનારે થોડી વાર બેસીને અમે પાછા ફર્યા. રસ્તામાં siachen warriors એક બહુ મસ્ત સ્ટેચ્યુ હતું પણ એની પાછળ આર્મી કેમ્પ હોવાથી અમને ફોટો પાડવાની ના પાડી.
૪:૩૦ વાગે અમે ટેંટ પર પાછા ફર્યા. આજનો દિવસ ભારતીય સેના ને સમર્પિત રહ્યો. મજા આવી ગઈ.
૩૦/૦૫/૨૦૧૯
સવારે ૫:૩૦ વાગે કડકડતી ઠંડીમાં ઉઠ્યા. ૬:૩૦ વાગે નીકળી જવાનું હતું એટલે કોફી પીને કપડાં બદલીને તૈયાર થઈ ગઈ. ૬:૩૦ વાગે હોટલમાંથી અમને નાસ્તો પેક કરી આપ્યો અને અમે પેંગોંગ લેક જવા નીકળ્યાં.
ફરી એક વખત એ જ સુંદર માર્ગ. પણ ડ્રાઈવિંગ કરનારા માટે અતિ વિકટ માર્ગ. પેંગગોંક લેક ખાસ્સું દૂર હતું. અમે ૮:૩૦ એ નદી કિનારે બેસીને હોટેલ વાળાએ પેક કરી આપેલો નાસ્તો કર્યો. ૧૧:૩૦ આસપાસ અમે પેંગોંગ લેક પહોંચ્યા. ઘણા બધા પ્રવાસીઓ આ આહ્લાદક સરોવરને માણી રહ્યા હતા. ૧૩૪ કિમી લાંબા અને ૫ કિમી પહોળા આ સરોવરનો માત્ર ૩૦% હિસ્સો ભારતમાં છે, બાકીનો ચીન પાસે છે. ૧૪,૦૦૦ ફીટ ઉંચાઈ પર આવેલું આ વિશ્વનું સૌથી મોટું સરોવર છે.

ત્યાં ફોટોગ્રાફી પતાવીને અમે લેહ પાછા ફરવા નીકળી ગયા. પહાડોમાં ૧૬૦ કિમીનું અંતર કાપવું એ ઘણો સમય માગી લે તેવું હોય છે. ભયંકર કપરો રસ્તો હતો. ભૂસ્ખલન થવાથી અને બરફ ઓગળવા ને કારણે એ બહુ જોખમી રસ્તો બની ગયો હતો.
ફરીથી અમે હિમાચ્છાદિત શિખરો વચ્ચેથી મુસાફરી કરી. પેંગોંગથી લેહનો રસ્તો એવો હતો કે પહાડ ઉપર ચડીને પછી નીચે ઉતરવાનું હતું. ૧૭,૦૦૦ ફીટ ઉંચાઈ પર આવેલા ચાંગલા પાસ પાસેથી અમે પસાર થયા જે ખરડુંગલા પાસ પછી વિશ્વના બીજા ક્રમનો સૌથી ઊંચો રસ્તો છે. ત્યાં એક રિસર્ચ સેન્ટર પણ હતું જેના પર વિશ્વનું સૌથી ઊંચું રિસર્ચ સેન્ટર હોવાનું ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર લગાવવામાં આવ્યું હતું.
હિમાલયની પર્વતમાળામાં દસેક કલાકની મુસાફરી કરી ને ૫:૩૦ આસપાસ અમે લેહની હોટેલ પર પહોંચ્યા.
૩૧/૦૫/૨૦૧૯
આજે તો સરખી ઊંઘ કરીને નિરાતે તૈયાર થયા અને ૧૦ વાગે હોટલમાંથી નીકળ્યા.
નજીકમાં જ ફરવાનું હતું આજે. પહેલા અમે ગયા લેહ પેલેસ. ૧૮મી સદીમાં બંધાયેલો એ રાજમહેલ ભારતના પુરાતત્વ વિભાગે બહુ વ્યવસ્થિત રીતે સચવેલો છે.

ત્યાંથી અમે લેહની મુખ્ય બજારમાં ગયા. ખરીદી કરી, મજ્જા પડી ગઈ. બપોરે ૧:૩૦ આસપાસ અમે હોટેલ પર આવી ગયા અને આરામ કર્યો.
સાંજે પાંચ વાગ્યે લેહના સૌથી પ્રસિદ્ધ સ્મારક એવા શાંતિ સ્તૂપ જવા માટે નીકળ્યા. બહુ જ સુંદર અને શાંત જગ્યા હતી એ. ત્યાં નિરાંતે બેઠા અને સનસેટ જોઈને અમે ૭ વાગ્યે હોટેલ પાછા ફર્યા.

૦૧/૦૬/૨૦૧૯
છેલ્લો દિવસ. આજનો દિવસ પ્રવાસની દ્રષ્ટીએ સૌથી ટૂંકો હતો. જોકે તોયે કુલ અંતર ૫૦-૬૦ કિમી હતું. નેશનલ હાઈવે નંબર વન પર એટલા અંતરમાં અતિ વિશાળ આર્મી કેમ્પ હતા. ઇન્ડિયન એર ફોર્સનું પણ એક ભવ્ય સ્ટેશન હતું. ફોટોગ્રાફી નોટ અલાઉડ.
સૌથી પહેલાં અમે પથ્થર સાહેબ ગુરુદ્વારા ગયા. એ જગ્યાએ કોઈક રાક્ષસે ગુરુનાનક જીને મારવા માટે એમના પર મોટો પથ્થર ફેરવી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુરુનાનક જીના સ્પર્શથી એ પથ્થર નો કેટલોક હિસ્સો ઓગળી ગયો. એ જગ્યા પર જે ગુરુદ્વારા બનાવવામાં આવ્યું છે તેને પથ્થર સાહેબ ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવ્યું. આજે ઇન્ડિયન આર્મી દ્વારા એ ગુરુદ્વારાની દેખરેખ કરવામાં આવે છે.

ત્યારબાદ અમે મેગ્નેટિક હિલ પરથી પસાર થઈ ને સંગમ સ્થળ ગયા. મેગ્નેટિક હિલ એ એવી જગ્યા છે જ્યાં સાવ સીધા રસ્તા પર બ્રેક લગાવેલી કાર પણ સરકી જાય છે. ત્યાંથી અમે સંગમ સ્થળ ગયા જ્યાં ભારતમાંથી સિંધુ અને પાકિસ્તાનમાંથી ઝાંસ્કર નદીનો સંગમ થાય છે. એ પણ એક સુંદર જગ્યા હતી.
લાસ્ટ પોઇન્ટ: હોલ ઓફ ફેમ, આર્મી મ્યુઝિયમ. બહુ સુંદર જગ્યા! ૧૯૪૭થી ૧૯૯૯ દરમિયાન ભારતીય સેનાએ જે જે યુદ્ધનો સામનો કર્યો એની વિગતો, વીરગતિ પામનારના નામ, એમને મળેલા એવોર્ડ્સ, ભારતીય સેનાના જાતજાતના શસ્ત્રસરંજામ મૂકવામાં આવ્યા હતા. મ્યુઝિયમમાં પાછળ એક વિશાળ મેદાનમાં હજારો શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


ત્યાં એક નાનકડું કાફે હતું જ્યાં અમે ચારેયએ નાસ્તો કર્યો.
બજારમાં થોડો આટો મારીને બપોરે ૩ વાગ્યા આસપાસ હોટેલ પાછા ફર્યા.
આ સાથે ધરતી પર આવેલ સ્વર્ગનો અમારો આ પ્રવાસ ખૂબ બધી સુંદર યાદો સાથે પૂર્ણ થયો.
.