કોરોનાના કેસો હવે ઘટી રહ્યા છે અને સમય મળતા જ લોકો ફરવા નીકળવા માંગે છે. જો તમે પણ આવું કોઇ પ્લાનિંગ કરી રહ્યા છો તો ઇન્ડિયા ટુડે ટૂરિઝમ એવોર્ડ (India Today Tourism awards)નું લિસ્ટ તમારા માટે ઘણું જ કામમાં આવે તેવું છે. આ લિસ્ટમાં દેશના સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આ લિસ્ટમાં રાજસ્થાન, ઉત્તરાખંડની સાથે સાથે પંજાબ, કર્ણાટક, ગુજરાત સહિત કેટલાક અન્ય રાજ્યો પણ સામેલ છે.
આ સ્થળોને મળ્યો એવોર્ડ
સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થાન (Best Spiritual Destination)ની વાત કરીએ તો તેમાં કેદારનાથ ધામ ટોપ પર છે. તો બોધ ગયા (બિહાર) બીજા નંબરે છે.
બેસ્ટ એડવેન્ચર ડેસ્ટિનેશન (Best Adventure Destination) માં ઋષિકેશ પહેલા અને ગોવાનું બંજી જમ્પિંગ (માયમ લેક) બીજા નંબરે છે.
સર્વશ્રેષ્ઠ સમુદ્રી કિનારો અને કિનારાના સ્થળ (Best Beaches & Coastal Destination)માં ગુજરાતના શિવરાજપુર બીચ અને ગોવાનો અશ્વમ બીચ બીજા નંબર પર છે.
શિવરાજપુર બીચની ખાસિયતો
રુકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે નયનરમ્ય એવો શિવરાજપુર બીચ આવેલો છે. અહી એક સુંદર દીવાદાંડી અને પથરાળ દરિયાકિનારો છે. અહીંની શ્વેત, સોનેરી રેતી અને નિર્મળ કાચ જેવુ ચોખ્ખુ પાણી પ્રવાસીઓને લટાર મારવા માટે મજબૂર કરે છે. પરિવાર સાથે મુલાકાત લેવાનું આ એક આદર્શ સ્થળ છે. આ બીચ ઉદ્યોગો અને શહેરથી એટલો દુર આવેલો છે કે અહીનું પર્યાવરણ ખૂબ ચોખ્ખું છે.
શિવરાજપુર બીચની વિશેષતા એ છે કે આખા ગુજરાતમાં આ એકમાત્ર બીચ એવો છે જેમાં દિવ્યાંગ વ્યક્તિ પણ બીચમાં ન્હાવાનો આનંદ માણી શકે છે. આના માટે પાર્કિંગ એરિયાથી બીચ સુધી પાથ-વે છે, જે બાથિંગ એરિયા સુધી કનેક્ટ કરવામાં આવ્યો છે. અહીં ફ્લોટિંગ ચેર પણ મૂકવામાં આવી છે. બ્લુ ફ્લેગના 33 ક્રાઇટેરિયામાંથી આ મહત્વનો ક્રાઇટેરિયા છે. અહીં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ છે. જેમાં ભીની શેવાળને ભેગી કરવામાં આવે છે ત્યારબાદ તેને સુકવીને મશીનમાં નાંખીને કુદરતી ખાતર બનાવવામાં આવે છે. જેને અહીં જમીન પર પાથરીને સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યો છે. શિવરાજપુરની સુંદરતા જોઇને તરતા આવડતુ હોય કે ન આવડતુ હોય, એકવાર તેમાં ડુબકી મારવાનું મન તો થઇ જાય છે. તમારે અહીં બાથિંગ એરિયામાં જ ન્હાવાનું છે. સાથે સ્વિમિંગ કોશ્ચ્યુમ જરુર રાખજો. બીચ પર કપડા બદલવા માટે ચેન્જિંગ રૂમ છે. આ ઉપરાંત ચોખ્ખા પાણીથી સ્નાન કરવા માટે શાવર રુમ છે. પીવાના પાણીની સુવિધા છે. ચિલ્ડ્રન પ્લે એરિયા અને ફિટનેસ સેન્ટર પણ છે. દરિયાની નજીક સ્કૂબા ડાઇવિંગ પણ કરી શકાય છે.
ક્યાં આવેલો છે શિવરાજપુર બીચ?
દ્ધારકાથી મીઠાપુરની વચ્ચે 13 કિલોમીટર દૂર છે આ બીચ. જ્યારે મેઇન રોડથી 2 કિ.મી. અંદરની બાજુએ છે. દ્ધારકાથી અહીં જવું હોય તો પ્રાઇવેટ વાહનમાં 23 મિનિટ થશે.
બેસ્ટ વાઇલ્ડલાઇફ ડેસ્ટિનેશન (Best Wildlife Destination)માં જિમ કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અને સંગ્રહાલય, રામનગર (નૈનીતાલ) પહેલા અને ગુજરાતનું ગીર જંગલ બીજા નંબરે છે.
બેસ્ટ માઉન્ટેન ડેસ્ટિનેશન (Best Mountain Destination)માં કુન્નૂર, નીલગિરી જિલ્લો, તામિલનાડુ પહેલા અને મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) અને નંદી હીલ (કર્ણાટક) બીજા નંબરે છે.
બેસ્ટ હેરિટેજ ડેસ્ટિનેશન (Best Heritage Destination)માં અજંટાની ગુફાઓને પસંદ કરવામાં આવી છે. અહીં બીજા નંબરે કચ્છનું ધોળાવીરા છે.
ધોળાવીરા
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જે પી જોશીને જાય છે, પણ તેનું મોટા પાયે ખોદકામ ૧૯૯૦-૯૧માં ડો. આર કે વિષ્ટના નેતૃત્વમાં થયું હતું. મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઇએ તો ધોળાવીરા પૂર્વથી પશ્ચિમમાં ૭૭૫ મીટર અને ઉત્તરથી દક્ષિણ ૬૦૦ મીટરમાં ફેલાયેલું હતું તેવા અવશેષો પ્રાપ્ત થયા છે.
ક્યાં છે?
ધોળાવીરા કચ્છમાં આવેલું છે. અમદાવાદથી લગભગ 360 કિલોમીટર દૂર આવેલું છે. રાપર થઇને જઇ શકાય છે.
બેસ્ટ આઇકૉનિક લેન્ડસ્કેપ્સ ડેસ્ટિનેશન (Best Iconic Landscapes Destination)માં ગરડિયા મહાદેવ (કોટા) પહેલા અને નંગલ ધામ (પંજાબ) બીજા નંબરે છે.
સૌથી દર્શનીય રોડ (Most Scenic Road)ના કિસ્સામાં પહેલા નંબર પર નાંગલથી ભાખરા ડેમ રોડ અને બીજા પર કોલ્લી હિલ્સ (તામિલનાડુ) છે.
બેસ્ટ ફેસ્ટિવલ ડેસ્ટિનેશન (Best Festival Destination)ના કેસમાં પહેલા નંબરે પોંગલ (તમિલનાડુ), બીજા નંબરે રણ મહોત્સવ (જેસલમેર) અને મૈસૂર દશેરા (કર્ણાટક) સામેલ છે.
આ જગ્યાઓની પસંદગી દેશભરમાં થયેલા વોટિંગ દ્ધારા થઇ છે. મલ્ટીમીડિયા પ્લેટફોર્મ પર આના માટે વોટિંગ કરાવાયું હતું. થોડાક ઓન-લાઇન સર્વે પણ કરાવાયા હતા.