વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ વસ્તી અને સાતમા ક્રમે સૌથી વિશાળ જગ્યા ધરાવતો આપણો દેશ આમ તો અનેક રીતે અનોખો છે. ભાષા, જાતિ, પોશાક, ખોરાક, સંસ્કૃતિ, રીત-રિવાજો, વગેરે બાબતોમાં જેટલી વિવિધતા ભારતમાં છે એટલી આ જગતમાં કદાચ બીજે ક્યાંય નથી. આ ભવ્યાતિભવ્ય દેશને જોડી રાખનાર જૂજ પરિબળો પૈકી એક મહત્વનું પરિબળ એટલે ભારતીય રેલ.
દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલથી કચ્છના રણ સુધી ભારતનાં તમામ વર્ગને પોસાય તેવું પરિવહનનું માધ્યમ એટલે ટ્રેન. ભારતીયોનું જીવનધોરણ આસાન બનાવનાર રેલવે શરુ કરવાનો યશ આપણે અંગ્રેજોને આપીએ છીએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે અંગ્રેજોએ અન્ય તમામ વસ્તુની જેમ રેલવેની શરૂઆત પણ પોતાના લાભાર્થે જ કરી હતી. અલબત્ત, ભારતીયોએ તેનો પ્રચંડ વિકાસ કરીને તેને દેશની જીવાદોરી બનાવી દીધી. વિશ્વમાં સૌથી મોટા રેલ નેટવર્કમાંની એક, લગભગ પોણા બસો વર્ષ જૂની રેલવેનું મહત્વ આમ તો આપણે જાણીએ જ છીએ, પણ અમુક અવનવી માહિતી જાણીને તમારું ભારતીય રેલવે માટેનું માન ઔર વધી જશે.
સૌથી ઝડપી ટ્રેન: વર્ષ 2021 અનુસાર ગતિમાન એક્સપ્રેસ 160 કિમી/કલાક ની ઝડપે દોડે છે જ્યારે એન્જિન-લેસ એવી વંદે ભારત એક્સપ્રેસ 180 કિમી/કલાકની ઝડપે ચાલતી હોવાનું અનુમાન છે.
સૌથી લાંબો રુટ: દિબ્રુગઢ અને કન્યાકુમારી વચ્ચે ચાલતી વિવેક એક્સપ્રેસ ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન છે. 4286 કિમીનો માર્ગ કવર કરતી આ ટ્રેન કુલ 82 કલાક અને 30 મિનિટનો સમય લે છે.
સૌથી લાંબુ પ્લેટફોર્મ: ઉત્તર પ્રદેશનું ગોરખપુર રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી લાંબુ રેલવે સ્ટેશન છે જે 1366 મીટર એટલે કે સવા કિમી કરતાં વધુ લાંબુ છે. આ પહેલા 1072 મીટર લંબાઈ સાથે પશ્ચિમ બંગાળના ખડગપુરના નામે આ રેકર્ડ દર્જ હતો.
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન: વર્ષ 2022 માં અમદાવાદ અને મુંબઈ વચ્ચે ભારતની સૌ પ્રથમ બુલેટ ટ્રેન દોડાવાની યોજના છે.
સૌથી વ્યસ્ત જંકશન: પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું હાવડા (Howrah) એ ભારતનું સૌથી વ્યસ્ત જંકશન છે. કુલ 23 પ્લેટફોર્મ સાથે સૌથી વધુ સંખ્યામાં પ્લેટફોર્મ ધરાવવાનો રેકર્ડ પણ આ જ સ્ટેશનનાં નામે છે.
ભારતનું સર્વ પ્રથમ રેલવે સ્ટેશન: 1853 માં મુંબઈ-થાણે વચ્ચે દેશની સૌ પ્રથમ પેસેન્જર ટ્રેન ચલાવવામાં આવી હતી. આ માટે મુંબઈમાં બનાવવામાં આવેલું ‘બોરી બંદર’ રેલવે સ્ટેશન ભારતમાં શરુ થયેલું સર્વ પ્રથમ રેલવે સ્ટેશન હતું. વર્ષ 1888માં તેને ઇંગ્લેન્ડની રાણીનું નામ આપીને ‘વિક્ટોરિયા ટર્મિનસ’ (VT)ની નવી ઓળખ મળી. આખરે વીસમી સદીના અંતમાં તેને ભારતભૂમિના વીર મરાઠા રાજવીનું નામ મળ્યું: છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST).
સૌથી મોંઘી ટ્રેન: ભારતની સૌથી મોંઘી ટ્રેન મહારાજા એક્સપ્રેસ એશિયાની સૌથી મોંઘી ટ્રેનમાંની એક છે. ખૂબ જ રાજવી ઠાઠ સાથેની આ લક્ઝુરિયસ ટ્રેન આઠ દિવસમાં તાજ મહલ, ખજુરાહો, રણથંભોર, ફતેહપુર સિકરી તેમજ વારાણસીના ઘાટનો પ્રવાસ કરાવે છે. તેની ટિકિટની 3થી 4 લાખથી શરુ થાય છે.
ભારતમાં રેલવે મ્યુઝિયમ: ભારતમાં કુલ 8 રેલવે મ્યુઝિયમ બનાવવામાં આવેલા છે. દેશમાં દિલ્હી, પૂણે, કાનપુર, મૈસૂરું, કોલકાતા, ચેન્નાઈ, ઘૂમ અને તીરુંચિરાપલ્લીમાં રેલ મ્યુઝિયમ છે. આ પૈકી દિલ્હીમાં બનેલું મ્યુઝિયમ સૌથી પ્રખ્યાત છે કારણકે વિશ્વની સૌથી જૂની વર્કિંગ લોકોમોટિવ ટ્રેન ‘ફેરી કવીન’ અહીં હાજર છે. આ મ્યુઝિયમ એશિયાનું સૌથી મોટું રેલવે મ્યુઝિયમ છે.
પ્રથમ કોમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન: વર્ષ 1986 માં ભારતમાં સૌ પ્રથમ વાર કોમ્પ્યુટર દ્વારા યાત્રીઓનું રિઝર્વેશન કરવામાં આવ્યું હતું. તે પહેલા કલાકોનો સમય વાપરીને રેલવે કર્મચારીઓ દ્વારા મેન્યુઅલી આ લિસ્ટ બનાવવામાં આવતું હતું.
ભારતમાં સૌથી મોટું અને સૌથી નાનું નામ ધરાવતા રેલવે સ્ટેશન: આંધ્ર પ્રદેશનું Venkatanarasimharajuvariipeta સૌથી મોટું નામ ધરાવતું રેલવે સ્ટેશન છે. સ્થાનિકો આ નામની આગળ ‘શ્રી’ લગાવે છે જેથી અંગ્રેજીમાં તે વધુ ત્રણ અક્ષર લાંબુ થઈ જાય છે. ઓડિશાનું Id એ સૌથી નાનું નામ ધરાવતું સ્ટેશન છે.
રેલવે વિષે તમે હજુ કોઈ વિશેષ માહિતી જાણતા હોવ તો કમેન્ટમાં જણાવો.
આધાર: Invest India
.