હિમાલય એ ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલી પર્વતમાળા છે. આ બરફઆચ્છાદિત પહાડો પાસે જે કોઈ વિસ્તાર આવેલો છે તેના માટે સંસ્કૃત વિદ્વાન આચાર્ય દિવાકર દત્ત શર્માએ ‘હિમાચલ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો જે આજે ભારતનાં એક ખૂબસુરત રાજ્યનું નામ છે: હિમાચલ પ્રદેશ.
શિમલા, મનાલી, હિક્કિમ વગેરે જેવા પુષ્કળ કુદરતી પ્રવાસન સ્થળો ધરાવતા આ રાજ્યની આગવી વિશેષતાઓ જાણીએ:
પ્રવાસીઓ અને એડવેન્ચર લવર્સનું પ્રિય સ્થળ:
આહલાદક નજારાઓ વચ્ચે બનાવવામાં આવેલા રસ્તાની સફર માત્રથી સમજાય જાય છે કે હિમાચલ કેટલી અદભૂત જગ્યા છે. અત્યંત લોકપ્રિય એવી મનાલી-લેહ રોડટ્રીપની અહીંથી જ તો શરૂઆત થાય છે! રોહતાંગ પાસના બર્ફીલા દ્રશ્યો અત્યંત મનમોહક છે. વળી, વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ હિક્કિમમાં પત્ર પોસ્ટ કરવો કોને ન ગમે?
ટ્રેકિંગ, પેરા ગ્લાઈડિંગ, સ્કીઇંગ વગેરે જેવી પ્રવૃત્તિઓના શોખીનો માટે હિમાચલ સ્વર્ગ સમાન છે. બિર બિલિંગ ભારતમાં પેરા ગ્લાઈડિંગનું શ્રેષ્ઠ સ્થળ છે. અને હિમાલયના ખોળે રહીને ટ્રેકિંગની મજા તો છે જ!
અનોખી ટોય ટ્રેન:
દાર્જીલિંગ હિમાલયન રેલ જેટલી જ અનોખી અને લોકપ્રિય ટોયટ્રેન એટલે કાલકા-શિમલા ટોયટ્રેન. પહાડોના પ્રવાસ આમ પણ ખૂબ નિરાળા જ હોય છે. વળી, આ તો રેલ યાત્રા! હિમાચલ પ્રદેશની કાલકા-શિમલા ટ્રેન ખાસ છે કારણકે 5826 ફીટની ઊંચાઈનો ઢાળ માત્ર 96 કિમીમાં કવર કરે છે. અનેક લાંબી ટનલ્સ (બોગદાં)માંથી પસાર થતી આ ટ્રેનને વર્ષ 2008 માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવી હતી.
ઋતુ અનુસાર કાર્યરત એરપોર્ટ:
હિમાચલ પ્રદેશ વિસ્તારની દ્રષ્ટિએ ઘણું નાનું રાજ્ય છે. વળી, આખું રાજ્ય પર્વતીય વિસ્તાર છે. અહીંના વાતાવરણમાં ક્યારેક અતિશય વરસાદ કે હિમવર્ષાની સંભાવના રહે છે. પરિણામે હિમાચલના એરપોર્ટ્સ અમુક ઋતુમાં જ કાર્યરત હોય છે. શિમલા, કુલુ અને કાંગરા- હિમાચલમાં માત્ર ત્રણ જ એરપોર્ટ્સ આવેલા છે અને ત્રણેય સિઝન પ્રમાણે ઓપરેટ થાય છે.
જાતિ સંખ્યા:
ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં પુરુષોની જાતિ સંખ્યા સ્ત્રીઓની સરખામણીમાં વધુ છે, જ્યારે હિમાચલ પ્રદેશ આમાં અપવાદ છે. અહીં દર 1000 પુરુષની સામે 1096 સ્ત્રીઓ છે.
મલાણા:
મલાણા એ હિમાચલ પ્રદેશનું એક એવું ગામ છે જે ‘વિલેજ ઓફ ટાબૂ’ તરીકે જાણીતું છે. શું કામ? કારણકે અહીં બહારની કોઈ પણ વ્યક્તિને ગામની કોઈ પણ વસ્તુને સ્થાનિક લોકોની મંજૂરી વિના સ્પર્શ કરવાની મનાઈ છે!!
ફળોનો વ્યાપાર:
હિમાચલ ફરવા જાઓ અને ત્યાંનાં ફળ ન ખાઓ એ લગભગ અશક્ય બાબત છે. અહીંના વિવિધ ફાળો દેશભરમાં ખૂબ જ વખણાય છે. સફરજન, નાસપતી, પિચ, પ્લમ, એપ્રિકોટ વગેરે જેવા ફળોનું ઉત્પાદન અને વેચાણ એટલા મોટા પ્રમાણમાં થાય છે કે તેનું વાર્ષિક ટર્નઓવર 300 કરોડ રૂ જેટલું છે!!
સ્મોક ફ્રી:
જુલાય 2013માં બીડી કે સિગારેટથી 100% મુક્ત બનીને સ્મોક ફ્રી થનાર હિમાચલ પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય હતું.
મિનિ ઇઝરાયલ:
કસોલ એ હિમાચલનું ઘણું જાણીતું પર્યટન સ્થળ છે. આ સ્થળની અન્ય એક વિશેષતા એ છે કે અહીં ભારતીયોની સાથોસાથ ખૂબ જ મોટી સંખ્યામાં ઇઝરાયલના પ્રવાસીઓ પણ આવે છે. આ ગામમાં ઇઝરાયલના પ્રવાસીઓનો પ્રભાવ એટલો વધારે છે કે અહીંના પોશાક, ખોરાકમાં યહૂદી છાંટ જોવા મળે છે. અમુક જગ્યાએ સાઇન બોર્ડસ પણ હિબ્રૂ ભાષામાં લખાયેલા છે. આથી કસોલને ‘મિનિ ઇઝરાયલ’ પણ કહેવાય છે.
.