જો પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો તે ભારત-તિબેટ બોર્ડર પર વસેલા ચિટકુલ નામના ગામમાં જ છે. આમ તો હું કિન્નોર ફરતી વખતે ચિટકુલના આ હિમાલયી ગામમાં આવ્યો હતો, પરંતુ ત્યારે પણ મને લાગતું હતું કે એકવાર તો હું અહીં ફરવા જરુર આવીશ.
તો આ વખતે હું પબ્લિક ટ્રાન્સપોર્ટના ભરોસે ઓછા બજેટમાં ચિટકુલ ફરીને નીકળી ગયો.
રુટ
નવી દિલ્હી- રામપુર બુશહર-કરછમ-સાંગલા-ચિટકુલ
રામપુર બુશહર
સાંજે સાડા સાત વાગે કાશ્મીરી ગેટ દિલ્હીથી બસમાં બેસો અને બીજા દિવસે સવારે દસ વાગે તમે હિમાચલના શિમલા જિલ્લામાં વસેલા નાનકડા નગર રામપુરમાં પહોંચી જશો. જો શિમલા અને નરકંડા ફરવા માંગો છો તો આ શહેરમાં રોકાઇ શકો છો પરંતુ આનાથી તમારી ટ્રિપમાં 1-2 દિવસ વધુ વધી શકે છે. શહેરના બસ સ્ટેન્ડ પર મેં ખીરા અને સમોસાનો હળવો નાસ્તો કર્યો. પછી રિકાંગ પિઓ જતી બસ પકડી લીધી.
કરછમ
રામપુરથી કરછમ 3 કલાકનો રસ્તો છે. કરછમથી રોડ બે ભાગમાં વહેંચાઇ જાય છે. એક રસ્તો રિકાંગ પિઓ જાય છે અને બીજો સાંગલા ગામ. જો કલ્પા અને નાકો જેવા કિન્નોરના વિસ્તારોમાં નથી ફરવું તો કરછમ ઉતરી જાઓ અને અહીંથી સાંગલા જતી બસ પકડી લો.
સાંગલા
કરછમથી સાંગલા 1 કલાકનો રસ્તો છે પરંતુ દ્રશ્યો એવા છે કે તમારુ મન કરશે કે રસ્તો ક્યારેય પૂરો જ ન થાય. આ રસ્તે લિફ્ટ લઇને પણ આવી શકો છો, પરંતુ લિફ્ટના ભરોસે ન રહેતા. આ રસ્તા પર તમને વધુ સાધન દેખાશે નહીં.
ઓગસ્ટ 2018માં સાંગલાથી ચિટકુલ જતો રસ્તો ભૂસ્ખલન એટલે કે લેન્ડ સ્લાઇડના કારણે બંધ થઇ ગયો હતો. ફક્ત નાના સાધન જઇ શકતા હતા. બસોમાં બેસીને કિન્નોર ફરવા આવેલા મોટા-મોટા ગ્રુપ્સને આસ-પાસના ગામોમાં ઘણાં દિવસો સુધી રોકાવું પડ્યું. જ્યાં રસ્તો બંધ હતો, ત્યાં મારી બસે મને ઉતારી મૂક્યો. બંધ રસ્તો પાર કરીને ઘણા દૂર સુધી પગપાળા ચાલ્યો, પછી મને લિફ્ટ મળી ગઇ.
આ ઘટનાથી મને એક પાઠ શિખવા મળ્યો કે હિમાચલ ફરવા માટે યોગ્ય સમય કાઢવો જ સમજદારી છે. વરસાદની ઋતુ હિમાચલમાં ફરવા માટે એટલી સારી નથી પરંતુ માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિનો યોગ્ય છે.
ચિટકુલ
હિમાચલની હાલકડોલક થતી રોડવેઝ બસોમાં બેસીને 600 કિ.મી. દૂર આવવાનો થાક ચિટકુલમાં પગ મૂકતા જ દૂર થઇ ગયો. ઘેટાંની પાછળ દોડતા બાળકો ચિટકુલના લાકડાના ઘરોની આસ-પાસ જ રમી રહ્યા હતા. પહાડોમાંથી વહેતા બર્ફીલા ઠંડા પાણીની ધારા સફેદ દૂધ જેવી લાગી રહી હતી. થોડુક માથુ ઉઠાવીને જુઓ તો લાકડાના ઘરોની પાછળ હિમાલયના પહાડ એટલા પાસે લાગી રહ્યા હતા કે દોડીને ચઢવાનું મન થઇ જાય. તિબેટની બોર્ડરની નજીક વસ્યું હોવાના કારણે ચિટકુલમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસનો સખત પહેરો રહે છે.
ચિટકુલના લોકો
ચિટકુલમાં રહેનારા લોકોને તો શહેરી ભાગ-દોડ અંગે કંઇ જ ખબર નથી. પરંતુ જાનવર પાળવા, ખેતી કરવા અને પર્યટનથી જે પણ આવક થઇ જાય છે, તેમાં જ ખુશ રહે છે. ઘણાં ધાર્મિક પ્રકારના લોકો છે જે આજે પણ પોતાના મુળિયા સાથે જોડાયેલા છે. જલદીથી શહેરી લોકો સાથે હળી-મળીને વાત કરવાનું નથી જાણતા. શરમાળ છે તો ફોટો લેતા પહેલા એકવાર જરુર પૂછો.
ખાવામાં અહીં કોઇ એવી ખાસ ડિશિઝ નથી મળતી પરંતુ જે મળે છે તેમાં પેટ ભરાઇ જાય છે. ચિટકુલમાં રોકાવુ હોય તો અહીં યોગ્ય કિંમતમાં હોમસ્ટે અને હોસ્ટેલ મળી જશે. નજીકના ગામમાં રક્ચમમાં પણ ઘણાં ઓપ્શન છે. ગામ બિલકુલ ચોખ્ખું છે તો આશા છે કે તમે પણ આને ચોખ્ખુ રાખવામાં મદદ કરશો અને કચરો આમ તેમ ક્યાંય નહીં ફેંકો. હિમાચલ રોડવેઝ, સાદુ ખાવાનું અને સસ્તા હોમસ્ટેમાં રોકાઇ શકાય તો આ ચાર-પાંચ દિવસની ટ્રિપનો ખર્ચો ₹3000ની આસપાસ જ આવશે.