ગાંધીનગરથી લગભગ 40 કિલોમીટર અંતરે આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે. આ તીર્થક્ષેત્ર ર૦૦૦ વરસ જેટલું પ્રાચીન હોવાનું મનાય છે. આ તીર્થસ્થાન ચમત્કારી ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે.
મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભગવાન મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો નિયમ એવો છે કે તેને ત્યાંજ ખાવી પડે છે તેને મંદિરની બહાર નથી લઈ જઈ શકાતી.
ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબને આપીને પૂરી કરવાની હોય છે. અહીં બનતી પ્રસાદી ઘંટાકર્ણ મહારાજને અર્પણ કર્યાં બાદ ત્યાં જ પૂરી કરવાનો નિયમ છે. મંદિર પ્રાંગણમાંથી પ્રસાદી બહાર લઈ જવા પર નિષેધ છે. લોકવાયકા અનુસાર પ્રસાદીને મંદિર બહાર લઈ જવાનો પ્રયત્ન કરવાવાળા ક્યારેય સફળ થઈ શક્યાં નથી.
સેંકડો વર્ષ પહેલા પ્રાચીન મહુડી ગામમાં અતિ પ્રાચીન શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીમાં અતિ પ્રચંડ પૂરના કારણે ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવા ગામમાં વસવાટ કર્યો અને નૂતન જિનાલય નિર્માણ કરાવ્યું. મૂળનાયક શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાન, શ્રી આદેશ્વર સ્વામી ભગવાન, શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા સંવત 1974માં માગસર સુદ 6 ના દિને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મ.સા.એ કરી. મહુડી મંદિરનું નામ પડે એટલે તીર્થંકર ભગવાનનાં દર્શન અને તે સાથે ધનુર્ધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને સુખડીનો પ્રસાદ અહીંના દર્શને આવનાર ભાવિકોનું સંભારણું બની રહે છે.
ક્યાં છે મહુડી?
મહુડી ગાંધીનગરથી 41 અને અમદાવાદથી 66 કિલોમીટર દૂર છે. વિજાપુરથી મહુડીનું અંતર ૧૦ કિલોમીટર છે. રાજ્યના ધોરીમાર્ગ સાથે જોડાયેલું હોવાથી દરેક રાજ્યના બીજા શહેરોમાંથી પણ એસ.ટી. તેમજ બીજી પ્રાઇવેટ બસોની સુવિધાઓ મળી રહે છે. મહુડી જવા માટે નજીકનું રેલવે સ્ટેશન ગાંધીનગર છે જ્યારે એરપોર્ટ અમદાવાદ છે. અમદાવાદ એરપોર્ટથી પ્રાઇવેટ સાધન દ્ધારા મહુડી જઇ શકાય છે. સરકારી બસમાં જવું હોય તો ગીતામંદિર બસ સ્ટેન્ડે જવું પડશે.
મહુડી ધામમાં કુલ ૨૩ મંદિરો આવેલાં છે જેમાં જૈન મંદિરો સિવાય બીજા રાધાકૃષ્ણ મંદિર,સાંકળેશ્વર મહાદેવનું મંદિર, અંબાજી માતાનું મંદિર,ચામુંડા માતાનું મંદિર, ગોગા મહારાજનું મંદિર, હરસિદ્ધિ માતાનું મંદિર જેવા ઘણા બધા દર્શનીય સ્થળો છે.
કાળીચૌદસના દિવસે યજ્ઞ યોજવામાં આવે છે. અહિયાં જૈન મુનિઓ, યતિઓ,શ્રી પૂજકો, શ્રાવકો તેમજ ઘંટાકર્ણવીરના મંત્ર જપવામાં આવે છે. અહિયાં તેમના ઘણા પરચા પ્રખ્યાત છે એવી માન્યતા છે કે ઘંટાકર્ણ દેવ ગયા જન્મમા એક આર્ય રાજા હતા અને તે સતીઓનું, સાધુઓનું તેમજ ધાર્મિક માનવીની રક્ષા કરવામાં જીવન વિતાવતા હતા.
ઐતિહાસિક માહાત્મ્ય
મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલાં પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાઓથી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી.
મહુડીથી ૧.પ કિમી દૂર સાબરમતી નદીને કિનારે એક ટેકરી ઉપર કોટયાર્ક મંદિરની પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષ દૃષ્ટિગોચર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટાયુક્ત, રેડિયમ જેવાં નેત્રો વાળી સાડાચાર ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરવા દુર્લભ છે.
શ્રી અજિતનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા દર્શન કરવા જેવી છે. બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ અહીં ધ્યાન ધરતા હતા. જૈન અને જૈનેતર લોકો પણ ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલા પ્રસિદ્ધ ઘંટાકર્ણ મહાવીરના વિશેષ પૂજન કરીને તેમની વિશેષ ઉપાસના કરે છે અને વિશેષ હોમ પણ અર્પણ કરાય છે. મહાપરાક્રમી ઘંટાકર્ણ મહાવીરને મઢાવેલો સોનાનો વરખ માત્ર આ જ દિવસે બદલવામાં આવે છે.
આસપાસના આકર્ષણો
આ સિવાય આગલોડ ગામમાં પણ અન્ય પ્રાચિન જૈન મંદિરો છે અને પાસે જ સાબરમતી નદીનો પટ પણ આવેલો છે. આગલોડના આ મણીભદ્ર વીરના જૈન મંદિરમાં આવ્યા પછી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. આ સિવાય તમે અહીંથી પાસે આવેલા સપ્તેશ્વર નામના સ્થળની પણ મુલાકાત લઈ શકો છો કે જ્યાં નદી કીનારે પ્રાચીન શિવ ભગવાનનું મંદિર આવેલું છે. સપ્તેશ્વર મહાદેવ ત્રેતાયુગનું ઐતિહાસિક તેમ જ ભારતીય ખગોળ વિદ્યા સાથે સંકળાયેલું એક ધાર્મિક સ્થળ છે.
ગાંધીનગરથી મહુડી જતા રસ્તામાં આવતા લોદરા ગામમાં હનુમાનજીનું આ પવિત્ર મંદિર આવેલું છે. આ મંદિરમાં આયુર્વેદિક કોલેજ પણ આવેલી છે, આ એક ખૂબ જ શાંત જગ્યા છે. લોદરા નામનું આ ગામ મહુડીથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલું છે, લોદરાથી મહુડી જતા વાહન પર માત્ર 20 મિનિટનો સમય લાગે છે. લોદરા સ્થિત ગામના ખમણ ખૂબ જ પ્રખ્યાત છે. લોદરામાં આવેલા હનુમાનજીના મંદિરનું પ્રાચીન મહત્ત્વ રહેલું છે.
અંબોડના ભજીયા, વોટર પાર્કની મસ્તી
મહુડી જતા રસ્તામાં અંબોડ ગામ આવે છે, અહીંના ભજીયા ખાવા લોકો દૂર દૂરથી આવે છે. અંબોડ ચાર રસ્તા પર જ ચારથી પાંચ ભજીયા હાઉસ છે. શિયાળામાં જો તમે અમદાવાદથી વહેલી સવારે મહુડ જવા માટે નીકળો તો ગરમા ગરમ મિક્સ ભજીયાનો ટેસ્ટ અવશ્ય કરજો. આ રસ્તે સ્વપ્નસૃષ્ટિ વોટર અને એડવેન્ચર પાર્ક પણ આવે છે. અહીં અમરનાથ ધામ પણ આવેલું છે. સ્વપ્નસૃષ્ટિ રિસોર્ટમાં તમે રાત્રી રોકાણ પણ કરી શકો છો. આ રિસોર્ટમાં કચ્છી ભૂંગા સ્ટાઇલના કોટેજ, ટ્રી હાઉસ, ટ્રક હાઉસ એમ રહેવાના અલગ અલગ વિકલ્પ મોજુદ છે.
નોંધઃ કોરોનાનો સમય ચાલતો હોવાથી મહુડી જતા પહેલા મંદિરનો સમય જાણી લેજો. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.