ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત

Tripoto
Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

ફરવાના શોખીન મોટાભાગના લોકો બીચ પર જવાનું પસંદ કરે છે. બીચ પર જવાનું વિચારતા જ મોટાભાગના લોકોના મગજમાં ગોવાનું નામ સૌથી પહેલા આવે છે. જો કે, દેશનું પ્રખ્યાત ટ્રાવેલ ડેસ્ટિનેશન હોવાને કારણે, ગોવાનો બીચ આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓથી ભરેલો રહે છે. મોટા ભાગના પ્રવાસીઓ ગોવામાં એડવેન્ચર એક્ટિવિટી કરવાથી લઈને નાઈટ લાઈફનો આનંદ માણવા જવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ગોવાના ઘોંઘાટથી દૂર કોઈ શાંત સ્થળ શોધી રહ્યા છો. તો દૂર જવાની જરુર નથી આપણા ગુજરાતના સુંદર બીચ તમારા માટે એક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ગુજરાતના કેટલાક પ્રખ્યાત બીચ અને તેમની અનોખી વિશેષતાઓ વિશે.

માંડવી બીચ

માંડવી બીચ "કચ્છ જિલ્લામાં" આવેલો છે. ગુજરાતના પસંદગીના બીચમાં તે સ્થાન ધરાવે છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન અહીં આવતા રહે છે. આ બીચ સામાન્ય લોકો માટે સંપૂર્ણપણે ખુલ્લો છે, તમે અહીં તમારા પરિવાર અને મિત્રો સાથે ફરવા જઈ શકો છો. આ સાથે તમે દરિયામાં ડૂબકી લગાવવા જઇ શકો છો અને ઠંડા પવનની મજા માણી શકો છો.

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

અહીં ફરવા માટે, ખાવા-પીવા અને રમતગમતની પ્રવૃતિઓ માટે સારી સુવિધા છે. સાંજે અહીં ખાણી-પીણીના સ્ટોલ જોવા મળશે. તમને બીચ પર પવનચક્કીઓ પણ જોવા મળશે. માંડવીમાં ફરવા માટેના અન્ય કેટલાક પ્રખ્યાત સ્થળો છે જ્યાં તમે મુલાકાત લઈ શકો છો. અહીં વિજય વિલાસ પેલેસ એ માંડવી બીચ પાસે આવેલો ખૂબ જ આલીશાન પેલેસ છે.

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

આ સિવાય તમે જૈન મંદિર, રુકમાવતી બ્રિજ, શિપયાર્ડ જેવા સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો, બોલિવુડની ફિલ્મોના શૂટિંગ પણ વિજય વિલાસ પેલેસમાં થયા હતા. અહીં લગાન, હમ દિલ દે ચૂકે સનમ, કમાન્ડો જેવી ફિલ્મોનું શૂટિંગ થયું છે. આ મહેલના એક ભાગનો ઉપયોગ પ્રવાસીઓના રહેવા માટે રિસોર્ટ તરીકે થાય છે, તેથી જો તમે વિજય વિલાસ પેલેસમાં રોકાવા માંગતા હોવ તો તમે રહી શકો છો.

શું કરશો

અહીં સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાય છે. તમે અહીં ઊંટ સવારી, ઘોડેસવારીનો આનંદ માણી શકો છો. આ સિવાય તમે અહીં એટીવી, વોટર બોટની પણ સવારી કરી શકો છો, આ બધાના ચાર્જીસ કંઈક આવા છે.

ઊંટની સવારી - રૂ. 50/વ્યક્તિ

ઘોડેસવારી - રૂ. 50/વ્યક્તિ

ATV (ફોર વ્હીલર) - રૂ 100/ વ્યક્તિ

વોટર બોટ - રૂ 100/ વ્યક્તિ

દર વર્ષે "ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TGCL)" વતી માંડવી બીચ પર રણ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ તહેવારમાં બીચ પર ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે.

ચોપાટી બીચ, પોરબંદર

જો પોરબંદરની મુલાકાત લેવાનો પ્લાન હોય તો સૌથી પહેલા અહીં આવેલા પોરબંદરના બીચનો ઉલ્લેખ જરૂરી બની જાય છે. જી હાં, પોરબંદર બીચ એ શહેરમાં સૌથી વધુ જોવાલાયક સ્થળો પૈકીનું એક છે.

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

વેરાવળ અને દ્વારકા શહેરની વચ્ચે આવેલો આ બીચ તેના શાંત અને આકર્ષક દરિયાઈ મોજા માટે પ્રખ્યાત છે. આ બીચ પાસે આવેલો હુઝુર પેલેસ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં તમે ફિશિંગ અને વોટર સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ પણ કરી શકો છો. પોરબંદર બીચને વિલિંગ્ડન મરીના બીચના નામથી પણ ઓળખવામાં આવે છે.

માધવપુર બીચ

માધવપુર બીચ રજાઓ માટેના અને વેકેશન કરનારાઓ માટે એક ઉત્તમ સ્થળ છે આ બીચમાં મોટી ભરતી આવે છે. બીચ ઉપર નાળિયેર પાણીની દુકાનોમાંથી નાળિયેર પાણીનો આનંદ અને સુશોભિત ઊંટની સવારી કરી શકો છે. તમે ત્યાં દરિયાઈ વસ્તુઓ પણ ખરીદી શકો છો.

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

સંખ્યાબંધ નાના રેસ્ટોરેન્ટ અને ચાના સ્ટોલ્સ નજીકમાં સ્થિત છે જ્યાં તમને ઓછા ભાવે કેટલાક ભોજનનો આનંદ લઇ શકો છો. મારો વિશ્વાસ કરો, જો તમે ત્યાં જશો તો તમે ઘરે પાછા જવા માટે તૈયાર નહીં થાઓ. માધવપુરમાં ઓશોનું એક ધ્યાન કેન્દ્ર પણ છે.

કેવી રીતે પહોંચવું ?

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

રોડ: માધવપુર બીચનું અંતર અમદાવાદથી 408 કિ.મી., રાજકોટથી 187 કિ.મી., પોરબંદરથી 58 કિ.મી. જ્યારે સોમનાથથી 73 કિ.મી.નું છે. માધવપુર બીચ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળથી ભાગ્યે જ 60 કિમી દૂર છે અને તમે ડાબી બાજુની બધી પવનચક્કીઓની નજીકથી પસાર થશો અને જમણી બાજુથી દરિયાઇ મોજાનોના અવાજ સાંભળશો. આ સુંદર સ્થળ પર પહોંચવા માટે તમે પોરબંદર બસ સ્ટેશનથી એસ.ટી.બસ મેળવી શકો છો.

ટ્રેન: નજીકમાં કોઈ રેલ્વે સ્ટેશન નથી. તમે પોરબંદર પહોંચી શકો છો અને ત્યાં પહોંચવા માટે કેબ અથવા બસ મેળવી શકો છો. હું તમને પોરબંદર મુલાકાત લીધી હોય તે જ દિવસે આ બીચની પર જવાની ભલામણ કરું છું.

હવાઈ માર્ગે: પોરબંદર એરપોર્ટ માધવપુરની નજીકમાં છે જે લગભગ 65 કિ.મી.

સોમનાથ બીચ

સોમનાથ બીચ સોમનાથ મંદિરથી 750 મીટર અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 1. કિમી દૂર છે. જો તમે સોમનાથ મંદિરની મુલાકાત લેવા જાઓ છો, તો તમે સોમનાથ બીચની પણ મુલાકાત લઈ શકો છો.

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

આ સ્થળ તમારા પરિવાર અને મિત્રો સાથે એક દિવસ માટે ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે, જ્યાં તમે શાંતિ અને આરામનો અનુભવ કરી શકો છો. આ બીચ પર દરિયાના જોરદાર મોજા ઉછળતા હોય છે જેના કારણે તમે અહીં નહાવા કે સ્વિમિંગ માટે ન જઈ શકો, પરંતુ તમે પાણીમાં જઈને દરિયાના ઠંડા મોજાનો આનંદ લઈ શકો છો.

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

સોમનાથ બીચ પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, તમે અહીં તરી શકતા નથી પરંતુ તમે ઊંટની સવારી, સ્વાદિષ્ટ ભોજન અને સમુદ્રના સુંદર નજારાનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત આ બીચ પર જીપ બલૂનિંગ અને પેરા સેલિંગ પણ અવારનવાર થાય છે. અહીં ચોપાટી પર ઘણા હોકર્સ છે જ્યાંથી તમે ખાવા માટે ભેલપુરી, મકાઈ, નારિયેળ જેવી વસ્તુઓ ખરીદી શકો છો.

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

સોમનાથ બીચ પર સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો ખૂબ જ સુંદર છે. સાંજે સૂર્યાસ્ત જોવાથી એક અલગ જ અનુભૂતિ થાય છે. સોમનાથ બીચની આસપાસ ફરવા માટેના ઘણા સ્થળો છે, સોમનાથ મંદિર સિવાય, તમે ત્રિવેણી ઘાટ, અહિલ્યા બાઈ મંદિર, ભાલકા તીર્થ, પરશુરામ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

શિવરાજપુર બીચ, દ્વારકા

દ્વારકાથી માત્ર 12 કિલોમીટર આવેલા આ બીચની સુંદરતા એટલી અદ્દભૂત છે કે તમને જાણે આ બીચ ગુજરાતમાં નહીં, ગોવામાં આવેલો હોય તેવું લાગશે. અહીંના દરિયાનું પાણી પણ કાચ જેવું ચોખ્ખું છે. વળી, દૂર-દૂર સુધી માનવ વસ્તી ના હોવાના કારણે આ બીચ પર ખાસ ભીડ પણ જોવા નથી મળતી. દ્વારકા-ઓખા હાઈવેની નજીક આવેલા શિવરાજપુર બીચમાં સ્કૂબા ડાઈવિંગ પણ શરુ થયું છે. કેટલાક ટુર ઓપરેટર્સ તેના માટે ખાસ પેકેજ પણ ઓફર કરતા હોય છે. જો તમે એડવેન્ચરના શોખીન હો તો સમજી લો કે શિવરાજપુર બીચ તમારા માટે જ છે. અહીં તમે ભીડભાડથી દૂર શાંતિમાં સમય પસાર કરી શકો છો.

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત છે. ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે. આ બીચનો દરિયાઈકાંઠો લાંબો છે અને ક્રિસ્ટલ ક્લિયર પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો જોવા મળે છે.

Photo of ગુજરાતના આ 5 દરિયાકિનારાને જોઇને ભૂલી જશો ગોવાના બીચ! જાણો તેની ખાસિયત by Paurav Joshi

દ્વારકા (Dwarka) ની આસપાસના દરીયાની કેટલીક સંસ્થા દ્રારા સ્કૂબા ડાઈવિંગની એડવેન્ચરની પ્રવૃતિ કરાવાય છે. તેમાં આવી સ્સ્થાના લોકો પ્રવાસીઓની સાથે રહીને સુરક્ષિત ડાઈવિંગની પુરેપુરી જાણકારી આપ્યા બાદ દરિયાના પેટાળ (under the sea) માં લઈ જાય છે. શિવરાજ (Shivrajpur) ચોપાટીથી થોડે દુરના આસપાસના વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી સ્કૂબા ડાઇવિંગની પ્રવૃતિ ચાલે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads