ગુજરાત કંઈકેટલીય અદભુત વસ્તુઓ માટે જાણીતું છે. ગુજરાત, આપણા દેશના પશ્ચિમી ખૂણે આવેલું રાજ્ય મંદિરો અને બગીચાઓ, મહાત્માથી મોદી સુધીની હસ્તીઓ, ઢોકળા અને ખાખરા, સમુદ્ર અને રણ તેમજ બીજી કેટલીય વાતો માટે જાણીતું છે. '1st dry state of India' તરીકે થોડું કુખ્યાત પણ ખરું. પણ આ રાજ્ય પાસે પ્રવાસીઓને આકર્ષવા માટે મબલખ ખજાનો છે જેમાં ટોચના સ્થાને દ્વારકા અને સોમનાથ મંદિરનું સ્થાન છે.
હિન્દુ શ્રદ્ધાળુઓ માટે ગુજરાત ખાસ છે કેમકે અહીં દ્વારકા ધામ છે. હિન્દુ આસ્થા પ્રમાણે દેશના ચારેય ખૂણે આવેલા ચાર મંદિરો સવિશેષ મહત્વ ધરાવે છે- ઉત્તરમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), દક્ષિણમાં રામેશ્વરમ (તામિલનાડુ), પશ્ચિમમાં દ્વારકા (ગુજરાત) અને પૂર્વમાં જગન્નાથ પુરી (ઓડિશા). દ્વારકા એ કૃષ્ણ મંદિર છે અને દર વર્ષે લાખો હિંદુઓ આ મંદિરની મુલાકાતે આવે છે. બીજી વસ્તુ જે આ રાજ્યમાં હિન્દુ ભક્તોને આકર્ષિત કરે છે તે છે બે જ્યોતિર્લિંગ. શિવભક્તોમાં જ્યોતિર્લિંગનો અપાર મહિમા છે. આપણા દેશમાં કુલ ૧૨ જ્યોતિર્લિંગ છે જે પૈકી ૨ ગુજરાતમાં છે- પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને બારમું જ્યોતિર્લિંગ નાગેશ્વર. વડીલોના એક મોટા ગ્રુપને લઈને ફેબ્રુઆરી ૨૦૧૬માં મેં ગુજરાતના આ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી અને એ ખુબ એન્જોયેબલ ટૂર હતી.
મારો પ્રવાસ સોમનાથથી દ્વારકાનો હતો, ઘણા લોકો દ્વારકાથી સોમનાથના રૂટથી પણ જતા હોય છે.
સોમનાથ:
આ પ્રવાસ દિલ્હીથી અમદાવાદની વહેલી સવારની ફ્લાઇટ અને અમદાવાદથી સોમનાથ ૮ કલાકની રોડ ટ્રીપથી શરૂ થયો હતો. સાંજે ૫ વાગે અમે સોમનાથ પહોંચ્યા અને ઝડપથી ફ્રેશ થઈને મંદિરે દર્શન કરવા જવાનું નક્કી થયું. સોમનાથ મંદિર અદભુત છે! વિશાળ આંગણા વચ્ચે આ સુંદર અને ભવ્ય મંદિર શોભે છે. કેટલીય વખત લૂંટનો ભોગ બન્યા પછી પણ ફરીથી નિર્માણ પામવાના ઇતિહાસ માટે આ મંદિર જાણીતું છે. પણ આજે આ મંદિર ઘૂઘવતા સમુદ્રકિનારે ગૌરવભેર ઉભું છે અને યાત્રીઓને ઉમળકાભેર આવકારે છે. મંદિરની અંદર અસલ સોનાના બનેલા ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. તે સિવાય વચ્ચે ૧૫ મીટર ઉંચા શિખરને સોનેરી રંગથી સજાવવામાં આવ્યું છે. મંદિરની એક બાજુ સમુદ્ર અને સુંદર બીચ છે અને બીજી બાજુ એક નાની બજાર છે. બીચ ઉપર પુષ્કળ મેદની હોય છે પણ ત્યાંથી એક યાદગાર સનસેટ જોઈ શકાય છે. અમે સોમનાથમાં ૩ દિવસ રોકાયા. અલગ અલગ સમયે, પરોઢિયે, બપોરે તેમજ સાંજે, મંદિરની મુલાકાત લીધી; દરેક સમયે મંદિરનો દેખાવ અનેરો અને અવર્ણનીય હતો.
ગીર નેશનલ પાર્ક:
સોમનાથમાં ત્રીજા દિવસે અમે એશિયાટિક લાયન્સનું એકમાત્ર ઘર એવા ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવાનું વિચાર્યું. સોમનાથથી ૮૦ કિમીના અંતરે આવેલા ગીર નેશનલ પાર્ક ખાતે અમે એક દિવસની પીકનીક કરીને સિંહને મળવા જવાનું નક્કી કર્યું. સોમનાથથી નીકળ્યા ત્યારે ગીરમાં સિંહદર્શન થવાની બહુ ખાસ અપેક્ષા નહોતી કેમકે અમે જાણતા હતા કે ભાગ્યે જ સિંહ જોવા મળે છે. જોકે, અમને સુખદ સરપ્રાઈઝ મળી. ખાલી એક નહિ પણ સિંહોનું આખું ટોળું અમને જોવા મળ્યું. એક જંગલનો રાજા સિંહ અને ત્રણ સિંહણો. અમે તેમને ઝાડના છાંયે આરામ ફરમાવતા જોયા, આ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક હતી. સિંહને આટલો નજીકથી જોવાની મેં ક્યારેય કલ્પના સુધ્ધાં નહોતી કરી પણ એ બન્યું જેની મને અનહદ અપેક્ષા હતી.
દ્વારકા:
ચોથી સવારે અમે ૫ કલાકમાં ૨૫૦ કિ.મી.નું અંતર કાપીને દ્વારકા ધામ જવા રવાના થયા. દ્વારકા પહોંચીને અમે સોમનાથ જેવું જ રૂટિન પતાવ્યું. ફ્રેશ થયા, ચા પીધી અને મંદિરે ગયા. હોટેલથી મંદિર દોઢેક કિમીના અંતરે આવેલું હતું અને એ રસ્તે ચાલવાની પણ ખુબ મજા આવી. મંદિર તરફ જતા એક તરફ ઘૂઘવતો સમુદ્ર અને બીજી તરફ ધમધમતી બજાર જાણે અમને આવકારી રહ્યા હતા. મંદિર અતિભવ્ય છે, સોમનાથની જેમ જ ચોમેર વિશાળ આંગણા વચ્ચે ખડું છે. આ મંદિર કૃષ્ણ મંદિર છે અને તેને “દ્વારકાધીશ મંદિર” તરીકે નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ “દ્વારકાના રાજાનું મંદિર” એવો થાય છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, તેમણે પોતાનું બાળપણ વૃંદાવનમાં, કિશોરાવસ્થા મથુરામાં અને સમગ્ર પુખ્ત જીવન દ્વારકામાં વિતાવ્યું હતું. દ્વારકા એ સ્થળ હતું જ્યાં કૃષ્ણે પોતાના રાજ્યની સ્થાપના કરી અને આખા વિશ્વનું સંભાળ્યું. ભક્તો આ મંદિરમાં રહેતા કૃષ્ણને "રાજાઓના રાજા" કહે છે. મંદિરમાં સુંદર સુશોભિત મૂર્તિ આસ્તિકો અને નાસ્તિકો સર્વેને સમાન રીતે આકર્ષે છે. અમે ઈશ્વરના દર્શન કર્યા અને મંદિરની વિદાય લીધી.
બેટ દ્વારકા અને નાગેશ્વર મંદિર:
બીજે દિવસે સવારે અમે અમારી સફરના બાકી રહેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી - બેટ દ્વારકા અને નાગેશ્વર. પૌરાણિક કથા અનુસાર બેટ દ્વારકા તે જગ્યા છે જ્યાં કૃષ્ણ વર્ષો પછી તેમના બાળસખા સુદામાને મળ્યા હતા. આ જગ્યા ટાપુની મધ્યે આવેલી છે જ્યાં ફેરી કે માછીમારની હોડી દ્વારા પહોંચી શકાય છે. અમે એક હોડીમાં ૨૦ મિનિટની એક આનંદદાયક સવારી કરી. અમારી આસપાસ સિગલ્સના ટોળાઓ ઉડાઉડ કરી રહ્યા હતા. એ જોઈને મને એક એનિમેટેડ ફિલ્મ 'નેમો' યાદ આવી. એ સતત અમારી હોડીની સમાંતર ઉડતા રહ્યા. કેટલું રમણીય દ્રશ્ય! અમારી યાત્રાનો છેલ્લો મુકામ નાગેશ્વર મંદિર હતું. વધુ એક જ્યોતિર્લિંગ, શિવ મંદિર, કે જે સોમનાથ જેવી જ ભવ્યતા સાથે બાંધવામાં આવ્યું છે. ત્યાં અમે ઊડતી મુલાકાત લીધી પણ ચાંદીની સજાવટ અને શિવમંત્રોના જાપથી સમગ્ર વાતાવરણ અલૌકિક લાગતું હતું. ચોમેર નીરવ શાંતિ...
કેમ હું આને યાત્રા કહું છું, નહિ કે પ્રવાસ? કારણ કે આ શહેરોમાં કરવા માટેની ઘણી બાબતો છે પરંતુ મેં માત્ર મંદિરોની જ મુલાકાત લીધી અને ઈશ્વરના અને ભક્તોની અપાર શ્રદ્ધાના દર્શન કર્યા. ગીરની એકદિવસીય ટૂર કરવાનું એકમાત્ર કારણ એ હતું કે મારી સાથેના લોકોને સમજાયું કે તેમની સાથે કોઈ યુવા ઉંમરની વ્યક્તિ હતી જેને કશુંક નવું જોવું પણ ગમશે.
કેટલીક બાબતો જે ઉલ્લેખનીય છે:
૧. ત્રણેય મંદિરો, સોમનાથ, દ્વારકાધીશ અને નાગેશ્વર, ઉત્તર ભારતના ઘણા હિન્દુ મંદિરોથી વિરુદ્ધ એકદમ સ્વચ્છ હતા. દાન પ્રણાલી ખૂબ વ્યવસ્થિત હતી. મંદિરોમાં તમને દાન આપવા અનુરોધ કરતા કે 'સ્પેશિયલ દર્શન'ની ઓફર કરતા કોઈ જ પુજારીઓ નહોતા. મારું માનવું છે કે તેનો શ્રેય ગુજરાત સરકાર અને ટ્રસ્ટ્સને જાય છે જે આ મંદિરો સંભાળે છે.
૨. આ મંદિરો બધા ગુજરાતના છેડે અને દરિયાકિનારે આવેલા છે. તે એક કારણ છે કે બધા મંદિરોમાં સાંજના મોડી કલાકો દરમિયાન આનંદદાયક દરિયાઈ પવન વહેતો હોય છે.
૩. ગુજરાત પશ્ચિમનું રાજ્ય છે અને આ ત્રણેય સ્થળોએ સૂર્યાસ્ત એક રમણીય દૃશ્ય છે. તે એવી વસ્તુ છે જે તમારે ચુકી જવી ન જોઈએ.
૪. આ સ્થળોની મુલાકાત લેવા તમારે ભક્ત અથવા હિન્દુ ધર્મના અનુયાયી હોવું જરૂરી નથી. તમારે માત્ર યાત્રિકોના ધર્મ અને ભક્તિનો આદર કરવાની અને શીશ ઝુકાવવાની જરૂર છે. તેઓ તમને પ્રેમથી આવકારશે.
૫. કોઈ પણ 'સ્પેશિયલ દર્શન' ઓફર કરતા 'પંડિતો'ની વાત પર ધ્યાન ન આપવું. આ મંદિરોની રચના એ રીતે થઇ છે કે તમામ શ્રદ્ધાળુઓ, ધનિક કે ગરીબ, કંઈ પણ 'એક્સ્ટ્રા' કર્યા વિના જ ઈશ્વરની મુલાકાત લઇ શકે છે.
હું એક ૨૭ વર્ષીય યુવતી છું અને મેં ક્યારેય આવી તીર્થયાત્રા પર જવાની કલ્પના નહોતી કરી. પણ એ એક ખુબ જ આનંદદાયક અને જ્ઞાનવર્ધક સાબિત થયું.
પ્રવાસ વિગતો:
દિલ્હીથી અમદાવાદ રિટર્ન ફ્લાઇટ- રૂ. ૧૨,૦૦૦
અમદાવાદથી સોમનાથ- ૪૦૦ કિમી
સોમનાથથી દ્વારકા- ૨૫૦ કિમી
દ્વારકાથી અમદાવાદ- ૪૫૦ કિમી
જો દ્વારકાથી સોમનાથ જવાનું પ્લાનિંગ હોય તો તે અનુસાર રૂટ લઇ શકાય છે.
અમે અમદાવાદથી અમદાવાદ ૧૧ રુ./કિમીના દરે ૬ દિવસમાં મહત્તમ ૧૬૦૦ કિમીની ટેક્સી બુક કરેલી. ગુજરાતના હાઇવે ઘણા જ વિકસિત છે.
સોમનાથમાં હોટલ: ફર્ન રેસીડેન્સી
દ્વારકામાં હોટલ: ધ માણેક મહાસાગર દૃશ્ય