![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523417_nal_sarovar_1.jpg)
વિદેશી પક્ષીઓનાં ઘર ગણાતા વઢવાણા તળાવ (Vadhvana Lake) અને થોળ લેકનો (Thol century) સમાવેશ દેશની રામસર સાઇટ્સમાં (Ramsar Sites) ગત વર્ષે કરવામાં આવ્યો હતો. 2022માં આ યાદીમાં જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યનો પણ સમાવેશ થયો છે. આ સાથે આ યાદીમાં અમદાવાદથી ૨૮ કિમી દૂર આવેલા થોળ સરોવરનો પણ સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાં નળ સરોવર, થોળ લેક, ખીજડીયા અને વઢવાણા લેક એમ ચાર રામસર સાઈટ બની ગઈ છે.
ભારતમાં કુલ 49 રામસર સાઈટ
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523461_vadhwana_1.jpg)
૧૯૬૦ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે એક સંધિની રુપરેખા તૈયાર કરાઈ હતી. એટલે તેના અમલ માટે વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર ગામે નિષ્ણાતોની મીટિંગ યોજાઈ હતી. જેથી આ સંધિ રામસર તરીકે ઓળખાય છે. ભારતમાં કુલ ૪૬ રામસર સાઈટ આવેલી છે, સાઈટનું પ્રથમ બહુમાન ૧૯૮૧માં ઓરિસ્સાના ચિલકા તળાવ અને રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને મળ્યું છે.
વઢવાણા વેટ લેન્ડ
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523474_vadhwana_2.jpg)
અમદાવાદથી 155 કિલોમીટર દૂર વડોદરાના ડભોઈમાં આવેલા વઢવાણા તળાવમાં શિયાળામાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. મોટાભાગે મધ્ય એશિયાના દેશોમાંથી આ પક્ષીઓ આવે છે. વઢવાણા તળાવમાં 80 પ્રજાતિના પક્ષીઓ અહીંયા આશરો લેતા હોય છે. પલ્લાસનું ફિશ-ઈગલ, કોમન પોચાર્ડ, ડાલમેશિયલ પેલિકેન, ગ્રે હેડેડ ફીશ-ઈગલ વગેરે પક્ષીઓ અહીં આવે છે. વઢવાણામાં થયેલી 29મી પક્ષી ગણનામાં 133 પ્રજાતિના અંદાજે 62,570 જેટલા પક્ષીઓ નોંધાયા હતા.
2020માં નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન ૫૦ હજારથી વધુ યાયાવર પક્ષીઓની સંખ્યા નોંધાઈ હતી, જેમાં સૌથી વધારે સંખ્યા સાઈબિરીયાથી આવતા ગાજહંસની હતી.
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523491_vadhwana_3.jpg)
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કરતા પણ વધુ ઊંચાઈએથી ઊડવાની ક્ષમતા ધરાવતા ગાજહંસ એકમાત્ર એવા પક્ષી છે જે સીધો હિમાલય ઓળંગીને ભારતમાં પ્રવેશે છે, વર્ષ 2021માં ૯ હજારથી ગાજહંસની સાથે ત્રણથી ચાર નવી પ્રજાતિના પક્ષીઓ મહેમાન બન્યા હતા. સામાન્ય દિવસોમાં અહીં ૧૪૦ પાણીના પક્ષીઓની પ્રજાતિ વસવાટ કરે છે. રામસર સાઈટની યાદીમાં આવવાથી વઢવાણા સરોવરને વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ફ્રેશ વોટર પ્રોગ્રામ અને વર્લ્ડ વાઈડ ફંડ ઈન્ડિયા તરફથી આર્થિક, ટેકનિકલ અને સાયન્ટિફિક મદદ મળશે.
રામસરના ડોક્યુમેન્ટ પ્રમાણે વઢવાણા સરોવરમાં સિંચાઈ, માછીમારી, ભૂગર્ભ જળસંચય અને નેચર એજ્યુકેશન જેવી સેવાઓ જોવા મળે છે.તેમજ આ તળાવને આઝાદી પહેલા એટલે કે ૧૯૦૯-૧૦માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તૈયાર કરેલું છે એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ સરોવરનું મહત્વ વધી જાય છે.
થોળ લેક
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523510_thol.jpg)
આ યાદીમાં અમદાવાદ પાસે આવેલા થોળ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો પણ સમાવેશ કરાયો છે. થોળ લેક અમદાવાદથી 28 કિલોમીટર દૂર છે. રિંગ રોડથી શિલજથી કડીવાળા રોડ પર આવેલું છે. થોળ મધ્ય એશિયાઈ દેશોના પક્ષીઓનું શિયાળું રહેણાંક છે. અહીં 320 કરતાં વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. અહીં કેટલીક લુપ્ત પ્રજાતિઓ વ્હાઇટ રમ્પ વલ્ચર, સોશિએબલ લેપવિંગ, સારસ ક્રેન, કોમન પોચાર્ડ, લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ગૂઝ વગેરે આવે છે.
૧૯૮૮માં `વન્યજીવ સંરક્ષણ`ના કાયદા હેઠળ આ સ્થળને `અભ્યારણ્ય`નો દરજ્જો આપવામાં આવ્યો છે. પક્ષીપ્રેમી લોકો માટે આ ઉત્તમ સ્થાન છે કારણ કે છીછરા પાણીને લીધે અહીં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ ભ્રમણ કરતાં નજરે પડે છે અને અભ્યાસુઓને તેમની ગતિવિધિઓનો અભ્યાસ કરવાની તક સાંપડે છે.
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523524_thol_1.jpg)
‘ગ્રેટ વ્હાઈટ પેલિકન્સ’, ‘ફ્લેમિંગોસ’, ‘વૉટરફાઉલ’, ‘મૅલડર્સ’ અને અનેકોની સંખ્યામાં ‘ગ્રેય્લેગ ગીસ’, ‘સારસ ક્રેન્સ’, ‘ફ્લિકૅચર’ અથવા ‘અઉરશિયાં કર્લૂજ’ અને અનેક દુર્લભ અથવા તો વિલુપ્ત થવા જઈ રહેલાં પક્ષીઓ પણ અહીં નજરે ચઢે છે.
થોળની મુલાકાત લેવા માટે નવેમ્બરથી માર્ચ સુધીનો સમયગાળો સૌથી ઉત્તમ છે. આ જગ્યાનો ખરો આનંદ મેળવવા અને આગંતુક પંખીઓના દર્શનનો લ્હાવો લેવા માટે અહીં પરોઢ થતા પહેલાં પહોંચી જવું વધુ યોગ્ય છે. કારણ કે સૂર્યોદય પછી ખોરાકની ખોજમાં આ પક્ષીઓ ઊંચે આકાશમાં ઊડી જતાં હોય છે. ન કોઈ ઘોંઘાટ, ન પ્રદૂષણ અને ચારે તરફ ફક્ત ખુલ્લા ખેતરો, પ્રાકૃતિક વાતાવરણ અને ઠંડા પવનની લહેરો.
નળ સરોવર
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523554_nal_sarovar_2.jpg)
અમદાવાદથી ૬0 કિ.મી. દૂર અંતરે આવેલા વિરમગામ તાલુકાના નળસરોવર પક્ષી અભ્યારણ્ય, પક્ષી વિદો અને અભ્યાસીઓ માટે તીર્થ સમાન ગણવામાં આવે છે. નળસરોવર જવા માટે સાણંદ જવું પડશે અને ત્યાંથી એક રસ્તો નળ સરોવર અને બીજો રસ્તો વિરમગામ જાય છે. ૧૨૦.૦૮ ચોરસ કિ.મી.માં પથરાયેલા છીછરા પાણીનું સરોવર પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું છે. ૨૫૦થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે.ઉપરાંત ૭૨ જાતીની માછલીઓ, ૪૮ જાતની લીલ, ૭૨ જાતિ સુષુત વનસ્પતીઓ, ૭૬ જાતના જળચળ પ્રાણીઓ અહીં રહેલા છે. આ પક્ષીઓને નીહાળવા ડિસેમ્બર મહિનાથી ખુબ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523561_nal_sarovar_4.jpg)
શિયાળામાં નળસરોવર ખાતે દર વર્ષે ૧૫ હજારથી વધુ જેટલા ફ્લેમિંગોનું આગમન થાય છે. આ પક્ષીઓની ઘણી વિશેષતાઓ છે જેમાં પાણીમાં ઉભા રહેવાની તેની શૈલી સૌથી વધુ ધ્યાનાકાર્ષક હોય છે. આ વિદેશી પક્ષીઓમાં મહત્વની વાત એ છે કે તેઓ રાત્રે જ સ્થળાંતર કરે છે. જેમાં યાયાવર, ગુલાબીપોણ, લડાખી ધોમડો, ગજપાંઉ, ભગતડું, પાનલવા હંસ, બતક, સંતાકુકડી, સીંગપર, કાળી બગલી, ધોળી બગલી, સર્પગ્રા, ખલીલી ગયણો, સારસ, સીસોટી બતક, કુંજ, નીલ, જળ મુરઘો, ભગવી સુરખાબ, કારચીયા, મોટો હંજ વગેરે અનેક વિધ પક્ષીઓ આ વિશાળ નળસરોવરના પક્ષી અભ્યારણ્યમાં આવે છે.
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523570_nal_sarovar_5.jpg)
નળ સરોવર ઊંડુ નથી પરંતુ તે ૧૨૦ ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી ગુજરાત રાજયના વન વિભાગની છે. નળ સરોવર યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી મેળવે છે.
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523620_nal_sarovar_3.jpg)
ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં સરોવરમાં પાણી ઘટવા માંડે છે અને સ્વાદમાં પાણી ખારું થઇ જાય છે. જયારે પાણી સુકાય જાય છે ત્યારે સરોવરની સપાટી ઉપર મીઠા(નમક)ના કણોની પોપડીઓ જોવા મળે છે. આ સરોવરમાં આશરે ૩૫૦ નાના-મોટા ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ ઉપર ઘાસ ઉગે છે. આસપાસના વિસ્તારના લોકો પોતાના ઢોરને ચરાવવા માટે આ ટાપુઓ ઉપર લઇ આવે છે. આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી તેમાં પુષ્કળ માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે.
અહીં બોટિંગ, ઘોડેસવારી અને ટાપુ પર કાઠિયાવાડી ભોજન માણવાની મજા જ કંઇક અલગ છે.
એન્ટ્રી ફી અને બોટિંગનો ચાર્જ
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648523590_nal_sarovar_6.jpg)
નળસરોવરમાં સોમથી શુક્ર સુધી એન્ટ્રી ફી 40 જ્યારે શનિ-રવિમાં 50 રૂપિયા છે. ટુ વ્હીલર પાર્કિંગના 10 અને કારના 20 રૂપિયા ચાર્જ છે. કેમેરાથી ફોટોગ્રાફી માટે 200 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે. જો ખાનગીમાં 2 કલાક બોટિંગ કરવું હોય તો 220 રૂપિયા વ્યક્તિ દીઠ આપવા પડશે. જો આખી 6 વ્યક્તિની આખી બોટ લેવી હોય તો 1320 રૂપિયા ચાર્જ છે.
ખીજડીયા પક્ષી અભયારણ્ય
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648524605_273184753_514061103415976_1340420358463825930_n.jpg)
જામનગર જિલ્લો દરિયાકાંઠે સ્થિત હોવાને કારણે દરવર્ષે હજારોની સંખ્યામાં વિદેશી પક્ષી શિયાળા દરમિયાન મહેમાન બને છે. ખાસ કરીને જામનગરમાં ખિજડીયા પક્ષી અભ્યારણ ખાતે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા હોય છે. આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતા જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આ લેક પર આવ્યા હતાં. આ અભયારણ્યમાં દેશ-વિદેશની ૩૧૪ પ્રજાતિઓ જેમાંની ર૯ અતિ દુર્લભ કક્ષાની પ્રજાતિઓ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં ૩૧૪ જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે. જેમાંના ૧૭૦ જાતિના પક્ષીઓ યાયાવર છે. જ્યારે ર૯ જાતિના પક્ષીઓ વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે. જેમાં કાળી ડોક ઢોંક (બ્લેકનેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા (કોમન પોચાર્ડ), નાની કાંકણસાર (ગ્લોસીઆઈબીસ), મોટી ચોટલી ડુબકી (ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર પણે ૧૦૦ જાતિના પક્ષીઓ આ અભયારણ્યમાં સંતતિ પેદા કરતા હોવાનું પણ જણાયું છે.
![Photo of ગુજરાતમાં આ જગ્યાએ આવેલા છે વેટલેન્ડસ, એકવાર જરૂરથી મુલાકાત લો by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1648524615_khijdiya.jpg)
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો