ભારતનાં દરેક યુવાનનું તેના મિત્રો સાથે જે રાજ્ય ફરવાનું સપનું હોય છે તે છે ગોવા. આ દ્રષ્ટિએ ગોવાને ભારતનું સૌથી લોકપ્રિય રાજ્ય કહી શકાય.
પણ શું તમે જાણો છો કે ગોવામાં બીચ અને બારથી એક પગલું આગળ વધીને અનેક રસપ્રદ વસ્તુઓ ધરાવે છે. જો તમે મિત્રો સાથે ગોવા ફરવાના સપના જોયા હોય, અને સદભાગ્યે એ સપના સાકાર પણ કર્યા હોય તો ગોવા વિષે આ વાતો જરુર જાણવી જોઈએ.
1. પાર્ટી કેપિટલ ઓફ ઈન્ડિયા
‘દિલ ચાહતા હૈ’ ફોર્ટ પર જઈને મિત્રો સાથે તસવીર લેવી કે રેન્ટેડ ટૂ વ્હીલર પર ગૂગલ મેપના સહારે ગોવામાં લટાર મારવી કે પછી કોઈ બાર/ કસીનોની મુલાકાત લેવી. યુવાનો માટે ગોવા એટલે રોમાંચ અને આકર્ષણનો સમાનાર્થી. ભારતનાં કોઈ પણ ખૂણે બેસીને કોલેજમાં ભણતા યુવક કે યુવતીઓ ગોવાના બીચ પર મોજ કરવાના સપના જોવે એ એક રાજ્ય માટે નિઃશંકપણે એક સિદ્ધિ જ કહેવાય. અને કદાચ એટલે જ ગોવાને ‘પાર્ટી કેપિટલ ઓફ ઈન્ડિયા’ કહેવામાં આવે છે.
2. સૌથી વધુ માથાદીઠ આવક
સારી આવક હોય ત્યાં જીવનધોરણ સારું જ હોવાનું. એવામાં તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતું રાજ્ય એ ગોવા છે. અલબત્ત આ મુદ્દા પાછળ ભારતભરમાંથી હોંશભેર ગોવાના પ્રવાસે આવતા યુવાનોનો બહુ જ મોટો ફાળો છે.
3. ઇતિહાસ
ગોવા પર પોર્ટુગીઝ લોકોનું શાસન હતું અને છેલ્લી અમુક સદીઓ દરમિયાન અહીં ખ્રિસ્તી ધર્મનો પુષ્કળ પ્રસાર-પ્રચાર થયો તે ગોવાના પર્યટન સ્થળો પરથી જ જાણી શકાય. પરંતુ સદીઓ પહેલા ત્રણસો કરતાં પણ વધુ વર્ષો સુધી આ ભૂમિ પર શાસન કરનાર કદંબ વંશ દ્વારા બંધાવવામાં આવેલા અમુક અદભૂત મંદિરો આજે પણ અહીં અડીખમ છે. અસલ ઇતિહાસને નજીકથી સમજવા આ સુંદર પ્રાચીન મંદિરની જરુર મુલાકાત લેવી.
4. નેવલ એવિએશન મ્યુઝિયમ
ભારતીય વાયુ સેના દ્વારા ગોવાના મોરમુંગાઓમાં બાંધવામાં આવેલું આ મ્યુઝિયમ એશિયાનું એકમાત્ર આ પ્રકારનું મ્યુઝિયમ છે. અહીં ઇન્ડિયન એરફોર્સ તેમજ નેવીના વિવિધ શસ્ત્રો, એરક્રાફ્ટ, યુનિફોર્મ, પુરાના દસ્તાવેજો અને અઢળક ફોટોગ્રાફ્સનો દુર્લભ સંગ્રહ જોવા મળે છે. ગોવાની મુલાકાત દરમિયાન આ એક ખાસ જોવા જેવી જગ્યા છે.
5. જંગલ
ગોવાના કુદરતી સૌંદર્ય વિષે વાત થાય તો સૌના માનસપટ પર શાનદાર બીચ જ તરવરી ઉઠે. ગોવાની છાપ જ કઈક આવી છે! વાસ્તવિકતા એ છે કે ગોવા રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો 30% ભાગ જંગલ વડે ઢંકાયેલો છે. એટલે કે આટલા ભવ્ય વિસ્તારમાં અહીં જંગલ આવેલા છે. આને કારણે અહીં અમુક જંગલ સફારી તેમજ નેશનલ પાર્કની મુલાકાત જેવી એક્ટિવિટીઝ પણ કરી શકાય છે.
બીચ, બાર અને ચર્ચ સિવાય તમે પણ ગોવામાં કશુંક નવું જોયું હોય તો કમેન્ટ્સમાં જણાવો.